





દીપક ધોળકિયા
(૧) સયૂઝ નિષ્ફળ; અવકાશયાત્રીઓ સહીસલામત
ગયા ગુરુવારે કઝાખસ્તાનના બાઇકાનૂર કૉસ્મોડ્રોમ પર એક મોટો અકસ્માત થયો. નાસાના નિક હેગ અને રસ્કૉસ્મોસ(રશિયાની અવકાશી સંસ્થા)ના અલેક્સેઈ ઑફ્ચિનિનને લઈને એક અવકાશી કૅપ્સ્યૂલ ઇંટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાવા માટે નીકળી પણ એનું બૂસ્ટર રૉકેટ ચાલુ ન થઈ શકતાં માત્ર બે જ મિનિટમાં બન્નેને ફરજિયાત ઉતરાણ કરવું પડ્યું, એમના પર ગુરુત્વાકર્ષણનું પણ ભારે દબાણ પડ્યું. એમની કૅપ્સ્યૂલ કઝાખસ્તાનના સ્ટેપીના જંગલમાં ઊતર્યું બન્ને સહીસલામત છે. પડવાનો ખૂણો પણ સામાન્ય કરતાં વધારે તીખો હતો. સયૂઝ MS-10 જહાજને સયૂઝ FG રૉકેટ બૂસ્ટર અવકાશમાં મોકલવાનું હતુ, પરંતુ એમાંથી બુસ્ટર ન છૂટતાં ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા. હૅગ પહેલી વાર જવાના હતા અને ઑફ્ચિનિન પહેલાં સ્પેસ સ્ટેશનમાં છ મહિના રહી આવ્યા છે.
સંદર્ભઃhttps://www.ctvnews.ca/sci-tech/u-s-russian-astronauts-safe-after-emergency-landing-1.4129433
000
(૨) મકાનને શીતળ રાખવાનો સારો ઉપાય
હવે ગરમી વધવા લાગી છે એટલે ઘરમાં ગરમી ઓછી કરવા માટે પણ ટેકનોલૉજીઓ પણ વિકસતી રહી છે. આવી એક ટેકનોલૉજી એટલે એરકંડીશનરો. પણ એ તો બહુ ખર્ચાળ હોય છે. બીજી રીત છે, PCRC એટલે કે ‘પૅસિવ ડે-ટાઇમ રૅડિએટિવ કૂલિંગ’. એમાં કોઈ સપાટી એવી હોય છે કે એ સૂરજની ગરમી ઓછી શોષે અને પોતાની ગરમી વધારે છોડે. પ્લાસ્ટિક વગેરે આવા પદાર્થ છે. આનો અભ્યાસ કરીને કોલંબિયા એંજીનિયરિંગના સંશોધકોએ એક નવું પોલીમર બનાવ્યું છે. આમ તો સફેદ રંગ ગરમીને વધારે પરાવર્તિત કરી દે છે પણ એ અલ્ટ્રાવાયોલેટ કિરણોને તો શોષે જ છે અને લાંબી તરંગલંબાઈનાં સૂર્ય કિરણોને પરાવર્તિત નથી કરતો. આ નવું પોલીમર સફેદ રંગને વધારે સફેદ બનાવે છે. એમાં નેનોથી માઇક્રો કદનાં છિદ્ર છે એટલે આપમેળે જ સૂરજની ગરમીને ફેલાવી દે છે. એમણે પ્રયોગ કરીને દેખાડ્યું છે કે આ પોલીમરનું કોટિંગ મકાનો પર હોય તો એ સૂરજની ગરમીને ઓછી શોષે છે અને અંદરની ગરમીને વધારે પ્રમાણમાં બહાર ફેંકે છે. એમણે દેખાડ્યું કે શહેરમાં આ કોટિંગવાળા મકાનમાં ૬ ડિગ્રી સુધી ગરમી ઓછી થાય છે અને રણપ્રદેશમાં ૩ ડિગ્રી ગરમી ઓછી રહે છે. આ અભ્યાસ પત્રના મુખ્ય લેખક જ્યોતિર્મય મોંડલ છે અને એમણે યુઆન યાંગના નેતૃત્વ હેઠળ કામ કર્યું.
આ પોલીમરના ઉપયોગનો વીડિયોઃ
મૂળ લેખઃ http://science.sciencemag.org/content/early/2018/09/26/science.aat9513
સંદર્ભઃ https://engineering.columbia.edu/press-releases/polymer-coating-buildings
૦૦૦
(૩) જીવનનું મૂળ ઘટક બાહ્યાવકાશમાંથી આવ્યું?
કોશ અને ઊર્જા વિના કોઈ જીવ પ્રજનન ન કરી શકે. હવે હવાઈ યુનિવર્સિટીના સંશોધકોએ ફ્રાન્સ અને તાઇવાનના સંશોધકોની સાથે મળીને શોધી કાઢ્યું છે કે જીવનનું પ્રાથમિક ઘટક ફોસ્ફેટ છે. એમણે પોતાના લેખ (અહીં)માં જણાવ્યું છે કે આણ્વિક જીવશાસ્ત્ર(મોલેક્યૂલર બાયોલૉજી)માં ફોસ્ફેટ અને ડાઈફોસ્ફોરિકનું બહુ મહત્ત્વ છે. આપણું DNA એના વગર અસ્તિત્વમાં જ ન આવ્યું હોત. તે ઉપરાંત, એ ફોસ્ફોલિપિડ તરીકે પણ કોશોમાં ઊર્જા પહોંચાડે છે. પરંતુ પૃથ્વી પર મળતું ફોસ્ફેટ બીજા તત્ત્વ સાથે ભળી શકે તેવું નથી. આથી આ લેખના મુખ્ય લેખક ટર્નર અને બીજાઓએ લૅબોરેટરીમાં ગૅલેક્સીઓમાં મળે તેવું ફોસ્ફાઇન બનાવ્યું. પૃથ્વી પરનું ફોસ્ફાઇન જીવલેણ છે પણ પૃથ્વીની બહાર મળતા ફોસ્ફાઇન રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરિવર્તન થઈ જાય છે.
આપણી સૂર્યમાળામાં ગ્રહો બન્યા તે પહેલાંના અમુક પદાર્થો ધૂમકેતુઓમાં મળે છે. ઉલ્કાઓ કે ધૂમકેતુઓ સાથે આ ફોસ્ફોરસ ઑક્સોઍસિડ પૃથ્વી પર આવ્યા અને જીવનની શરૂઆતનો આધાર બન્યા.
સંદર્ભઃ http://manoa.hawaii.edu/news/article.php?aId=9520
0૦૦
(૪) દક્ષિણ આફ્રિકામાં મળ્યું નવું ડાયનાસોરનું અસ્થિ
દક્ષિણ આફ્રિકાના ફ્રી સ્ટેટ પ્રાંતમાં હવે સોરોપોડ ડાયનાસોર કરતાં પણ મોટા ડાયનાસોર ‘લેદૂમહાડી મફૂબી’નું અસ્થિ મળી આવ્યું છે. એ આફ્રિકાના મહાકાય હાથી કરતાં બમણા કદનું છે અને ૨૦ કરોડ વર્ષ પહેલાં એ આ વિસ્તારમાં વિચરતું હતું. આ નામ સેસોથો ભાષાનું છે અને એનો અર્થ છેઃ ‘પરોઢિયે ભયંકર ગર્જના’. એ સોરોપોડનું નજીકનું સંબંધી હતું. સોરોપોડ વનસ્પતીજીવી હતું અને ચાર પગે ઊભું રહેતું. શોધલેખના મૂળ લેખક ડૉ. બ્લેર મૅક્ફી કહે છે કે લેદૂમહાડી પણ સોરોપોડના કદનું જ હતું, પણ સોરોપોડના આગલા અને પાછલા પગ બહુ નાજુક હતા, જ્યારે લેદૂમહાડીના પગ ખૂબ જ મજબુત હતા. અમુક ડાયનાસોર બે પાછલા પગે ચાલતાં, અને અમુક ચાર પગે ચાલતાં. ચોપગાં ડાયનાસોરના પુરોગામીઓ બેપગાં હતાં. લેદૂમહાડી્ને આર્જેંટિનામાંથી મળેલાં ડાયનાસોર સાથે પણ સંબંધ છે. આનો અર્થ એ કે જુરાસિક યુગમાં મહાખંડ પાનગાઈયા એક જ હતો અને બ્યૂનોસ એરિસથી જોહાનિસબર્ગ સુધી ડાયનાસોર અવરજવર કરતાં રહેતાં.
વીડિયોઃ
૦૦૦
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી