લ્યો, આ ચીંધી આંગળી : ગિરીન જોષીની ફિંગરપ્રિન્‍ટ

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

વરઘોડો નીકળવાની તૈયારીમાં. શરદ પાનના બે ડૂચા બેય ગલોફામાં ઠાંસીને, હાથમાં ફૂલનો મોટો ગજરો લઈને તૈયાર. ત્યાં ગિરીનભાઈએ મારા ખભે હાથ મૂકીને મને પૂછ્યું : કેવો લાગે છે શરદ ?”

“એકવીસ વરસની ઉંમરે તમે જેતપુરમાં મારા ડ્રોઈંગ ટીચર હતા અને કેવા સોહામણા લાગતા હતા? એના કરતાંય તમારો આ છોકરો અત્યારે સવાયો લાગે છે.” મેં કહ્યું.

“એમ ને ?” એમના મોં ઉપર પ્રસન્નતાની લહેરખી દોડી ગઈ. કેમેરા અને ફ્લેશગન ખભે ચડાવીને બોલ્યા: “ત્યારે તો એક સરસ સ્નેપ લઈ લઉં.” પછી વળી ઉમેર્યું :”દુનિયા આખીના વરરાજાઓના ફોટા પાડ્યા છે ને મારા જ છોકરાને રાખી દઉં ?”

મારી હા, ના કરવાનો સવાલ જ નહોતો. એમની ખુશીનાં મોજાં મને પણ ભીંજવતાં હતાં. એ ખુદ પણ આમ તો ફોટો પાડી લેવા જેવા લાગતા હતા. સુડતાલીસ વરસ પહેલાંના મારા એ સ્કૂલના દિવસો યાદ આવી ગયા. એ વખતે ચમચમતી ઈસ્ત્રી કરી હોય એવો ચહેરો હતો એમનો. કાળા, લાંબા ઓડિયાં રાખ્યા હતાં. રોજ નવો નવો વેશ પહેરીને એ આવતા. આજે પઠાણી ડ્રેસ. કાલે કોટપાટલૂન. પરમ દિવસેઝભ્ભો-લેંઘો. ડ્રોઈંગ શિખવાડે ત્યારે પાટિયા ઉપરના ચિત્રો જોવા કરતાં અમને ગિરીનભાઈને જોવામાં વધારે રસ. ધોતિયા કફનીમાં એ ર.વ. દેસાઈની નવલકથાના યુવાન જેવા લાગતા. એક વાર અમારા સોશ્યલ ગૅધરિંગ વખતે હીરો બીમાર પડી ગયો. કૃષ્ણનું પાત્ર ભજવવાનું હતું. અમે – બારિયા – પંદરિયા છોકરાઓએ ગિરીનભાઈને હાથમાં બંસરી પકડાવી સ્ટેજ ઉપર ખડા કરી દીધા. ખરેખર તો શિક્ષકને અમારાથી આવું કહેવાય નહીં,પણ ગિરીનભાઈ અમારી વચ્ચે હોય એટલી વારમાં પોતાની વય દસ વરસ ઓછી કરી નાખતા. એટલે આવું કહેવાનો સંબંધ થઈ ગયો હતો. કૃષ્ણના પાત્રમાં એમની છટા ભારે વખણાઈ હતી. ખાસ તો એમનું હાસ્ય અને એમના લાંબા ઓડિયાં. આભા તો આપોઆપ પ્રગટી હોય ને ?


(યુવાનવયે ગિરીન જોશી)


એ ઓડિયા અત્યારે સફેદ થઈ ગયા હતાં. ગિરીનભાઈ પોતાના છોકરાનો ફોટો લેવા કૅમેરામાં મોં નાખતા હતા ત્યારે ખબર પડતી હતી કે કૃષ્ણ ભલે ઘરડો થઈ ગયો હતો, પણ રહ્યો હતો તો કૃષ્ણ જ. હજુય ઘૂંટણિયાં ટેકવીને આપણને અર્જુન બનવાનું મન થાય એવો.

એ ફોકસ મેળવતાં મેળવતાં વ્યુ-સ્ક્રીનમાં જોતા હતા અને પછી સારી વાર એમ ને એમ થંભી રહ્યા. શરદ પિતાએ પકડેલા કેમેરા સામે જોઈ રહ્યો. પિતા ગિરીનભાઈ કેમેરાના વ્યુ-ફાઈન્ડરમાં શરદને નાનકડા ચોકઠામાં જોઈ રહ્યા અને જોતજોતામાં થંભી ગયા. મેં એમના ખભે હાથ મૂક્યો : “શું છે, ગિરીનભાઈ?”

એમણે આંખ ઊંચી કરીને મારી સામે જોયું તો હું જરા ચમકી ગયો. એમની અંદરથી કશું અચાનક ઊછળી આવીને ચહેરા ઉપરથી નીતરી રહ્યું હતું. મને એમ લાગ્યું કે મેં એમને સ્વપ્નમાંથી જગાડ્યા. એ બોલ્યા ; “મારાથી ફોટો નહીં લઈ શકાય. રાજુને (બીજા પુત્રને) કહો.” એમણે ખભેથી કેમેરો ઉતારીને મારા હાથમાં આપી દીધો. બોલ્યા : “કેમેરાના વ્યુ-ફાઈન્ડરના એકાંતમાં શરદને જોઉં છું તો બસ, નજર હટતી નથી એના ઉપરથી.”

“ગિરીનભાઈ, તમે કવિ કેમ ના થયા ?”એમ બોલવા જતો હતો ત્યાં તો એ ઝડપથી જરી દૂર જઈને ટહેલવા માંડ્યા. હું રાજુની શોધ કરવા માંડ્યો અને એક ખૂણામાં એને ઊભેલો જોઈને બૂમ પાડવા જ જતો હતો ત્યાં કોઈએ આંખના ઈશારાથી મારું ધ્યાન ગિરીનભાઈ તરફ દોર્યું. એ ઉતાવળે ઉતાવળે ઉતારાની મેડીએ જતા હતા. સીડી ચડતા હતા. મને કશીક શંકા થઈ. હું એમની પાછળપાછળ ઉપર ગયો ત્યાં તો જોઈને સ્તબ્ધ જ થઈ ગયો. ગાદલા ઉપર ઊંધું મોં નાખીને એ ધ્રૂસકે ધ્રૂસકે રડતા હતા. મેં જલદી જલદી એમની પાસે જઈને પીઠે હાથ મૂક્યો. કદાચ એમને ખબર હશે કે હું જ હોઈશ. એમણે મારા ખોળામાં માથું નાખી દીધું અને સારી વાર સુધી રડતા જ રહ્યા.


(ડાબેથી) ગિરીનભાઈ- મધુ પટેલ દંપતિ અને (જમણે) રજનીકુમાર પંડ્યા દંપતિ


ગિરીનભાઈને રડતા ક્યારેય જોયા હતા ? મારા મનમાં પડેલી એમની તમામ તસવીરોને મેં તપાસી જોઈ. બે વરસની ઉમરે એમણે પિતાને ગુમાવ્યા હતા, અને પાછળથી વિધવા માતાને. ભણ્યા, પ્રાથમિક શાળામાં નોકરી કરી કરી ગિરીનભાઈને ભણાવ્યા હતા. એમની સાથે ભણનારા ભીખુભાઈ ગિરીનભાઈને “લાફિંગ ટૉય” કહેતા. એક એમની એ તસવીર મારા મનમાં હતી. પોતાની વિધવા વૃદ્ધા માતાને એ મજાકો કરી કરીને હસાવતા હતા. એમની એક એ તસવીર મારા મનમાંથી નીકળી. વગર ટ્યુશન ફીએ એમને એટલે મને ખુદને અને વાર્તાકાર બહાદુરભાઈ વાંક જેવા વિદ્યાર્થીઓને પોતાને ઘેર ડ્રોઈંગ શીખવતા ત્યારે એમના ચહેરા ઉપર જે ખુશીની આભા હતી એ મારા મનમાં પડેલી એક તસવીરમાં બોલતી હતી. એ વખતે તો એ તાજા જ જૂનાગઢથી હિજરત કરીને જેતપુર આવ્યા હતા.પણ મોં ઉપર હિજરતે કોઈ વાંકી રેખા નહોતી આંકી. એક વાર નિશાળમાં કોઈ કારણે સખત હડતાળ પાડી અને શિક્ષકોને અમે અંદર જતા રોકતા હતા. પણ ગિરીનભાઈ કાળી કફની પહેરીને આવ્યા અને એમને રોકવાની અમારી હિંમત ન ચાલી. એ જોઈને એ હસતાં હસતાં મારા ગાલે ટપલી મારીને અંદર જતા રહ્યા હતા. એવી એક ચમકતી તસવીર મનમાંથી એવી ને એવી તાજી નીકળી. આ પછી ઘણી બધી તસવીરો નીકળી. કૃષ્ણકનૈયાની, હસતાં હસતાં માથે મારેલી ટપલીની. અરે, બદલી થઈને એ રાજકોટ ગયા ત્યારના વિદાય સમારંભની.પણ એ બધી તસવીરમાંથી કોઈ જ કાળા રંગની નહોતી. રોતી સૂરત પણ નહીં.


(જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલ)


એ પછીનો લાંબો ગાળો તસવીરો વગરનો ગયો. પણ એક વાર રાજકોટમાં ત્રિકોણિયા બાગ પાસે બત્તી વગરની સાયકલે મને પોલીસે પકડ્યો ત્યારે હસતાં હસતાં સામેના રાજકમલ સ્ટુડિયોમાંથી મારો મોક્ષ કરવા ગિરીનભાઈ પ્રગટ થયા. એમને જોઈને મને નવાઈ લાગે એ પહેલાં પોલીસે એમને સલામ કરી એની નવાઈ મને જલદી લાગી. “સાહેબ,તમે ?”ના મારા સવાલના જવાબમાં એ હસીને એટલું જ બોલ્યા: “રાજકમલ સ્ટુડિયોમાં દિનુભાઈ અને લાલજીભાઈ આગળ ફોટોગ્રાફીનું કામ શીખું છું.”

“આ પોલીસને તમારી સાથે કઈ ઓળખાણ ?”ના જવાબમાં ગિરીનભાઈ બોલ્યા : “સ્મિત કરવાની.” પછી બોલ્યા : “સાયકલમાં બત્તી પ્રગટાવી ના હોય તો હજુ ચાલે. ચહેરા ઉપર સ્મિત પ્રગટાવ્યા સિવાય નીકળાય જ નહીં.”


(વિચારશીલ મુદ્રામાં ગિરીનભાઈ)


1955ની સાલની આ તસવીર હશે,પણ વળી પાછો લાંબો ગાળો એમ ને એમ પસાર થઈ ગયો. 1965ની સાલમાં ફરી રાજકોટ સ્ટેશને ટ્રેઈનના ડબ્બામાં એકલા બેઠેલા નજરે ચડ્યા. પાછા હિજરતી તરીકે! મને ભૂલી ગયા હતા. મેં ઓળખાણ પાડી તો પાછા મલકીને બોલ્યા : “તને ખબર નથી ? હું તો હવે જામનગર છું. ત્યાં બદલી થઈને ત્યાં સાધના સ્ટુડિયો નાખ્યો છે. જલસા છે.” પછી જલસા શબ્દ સાથે કજોડું લાગે એવું વાક્ય બોલ્યા અને એ પણ હસીને : “પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલે છે ને ? જામનગર અર્ધુ ખાલી થઈ ગયું છે અને આપણેય……” આ 1965ની સાલની તસવીરમાં તો ઘેરો રંગ હોવો જોઈતો હતો. પણ બરાબર ફેરવી ફેરવીને યાદ કર્યું તો એમાંય એમના મોં ઉપર ગ્લાનિનો ભાવ નહોતો. કારણ કે એ બોલતા હતા:”રાજકોટમાં વરસ રહીને ફોટોગ્રાફી – પેઈન્ટિંગ– પોટ્રેઈટનો ડિપ્લોમા કર્યો ને સ્ટુડિયો જામનગરમાં જમાવ્યો.પાકિસ્તાનવાળા બોમ્બ નાખે તો સ્ટુડિયો સાફ થઈ જાય.પણ આપણી આવડત પર થોડો બોમ્બ નાખી શકે ?તું શું કહે છે ?”

ને આ માણસ અત્યારે ગાદલામાં ઊંધું મોં નાખીને હીબકે ચડ્યો હતો ? અને એ પણ દીકરાનાં લગ્ન ટાણે જ ?


તસવીરી કળાના બે આરાધકો:
(ડાબે) જગન મહેતા અને ગિરીન જોશી

પાછળ જોયું તો કુટુંબનાં જ બે-ચાર માણસો ભેગા થઈ ગયા હતા. એમનાં પત્ની નિમુબેન અંદર આવ્યાં. બેબી કલ્પના પણ. નીમુબેને નાકે આંગળી મૂકીને મને ધીરેથી કહ્યું : “એમને રડવા દો… આજે એ ખૂબ આનંદમાં છે.” મને નવાઈ તો લાગી, પણ પછી થયું કે મને એ ક્યાંથી ખબર હોય ? અર્ધી સદી જેટલા વરસમાં જિંદગીમાં કેવા કેવા વળાંકવાળા તબક્કે મારી અને એમની મુલાકાત થઈ હતી ?

પછી ફરી 1970માં જામનગરની મારી નોકરી વેળા જામનગરમાં પગ મૂકતાવેંત એમને પગે લાગવા ગયો. ઘડીભર એ મને ભૂલી ગયા.એમને ચશ્માં પણ આવ્યાં હતાં. છતાં હાથમાં પીંછી હતી. કોઈ પોટ્રેઈટ બનાવતા હતા. થોડી વાર મારી સામે જોઈ રહ્યા, પણ મેં જેતપુરની કમરીબાઈ હાઈસ્કુલ યાદ કરાવી કે તરત જ એમણે વચગાળાનાં વીસ વરસને તારવીને બાજુ પર મૂકી દીધાં.

મને પગે પડતો વારીને એમણે છાતીએ વળગાડ્યો ને ત્યારથી દોસ્ત તરીકેનું એમનું ત્રીજું રૂપ ખૂલ્યું. પહેલાં શિક્ષક, પછી તારણહાર વડીલ અને પછી એક સારા ચિત્રકાર-ફોટોગ્રાફર એવા દોસ્ત. એટલો ફેર પડ્યો કે “તું”માંથી તમે ઉપર આવીગયા. મને એ ના ગમ્યું એની મેં ટકોર કરી, તો ફરી એ મરકીને બોલ્યા :’હું હવે આજકાલ નવા નવા શબ્દો સાથે પ્રેમમાં છું.”.

મને તો એમ કે એ મશ્કરીમાં એમ બોલે છે. પણ થોડા જ વખતમાં ખબર પડી કે આ વાત સાચી છે. ડ્રોઈંગમાંથી ફોટોગ્રાફી અને પૉટ્રેઈટ અને હવે એમાંથી એ લખવાને રવાડે ચડ્યા હતા. એમાં એમનો વાંક નહોતો. વાંક એમના સ્ટૂડિયોનો હતો. જામનગરના હરકિશન જોષી જેવા મહારથી ગઝલકારથી માંડીને લાભશંકર રાવલ જેવા શિવભક્ત “શાયર” અને મહેશ જોષી, અંજુમ ઉઝયાનવી, લાભશંકર પુરોહિત, શાદ જામનગરી, સાદિક અને યાવર કાદરી, લલિત ત્રિવેદી અને અશરફ ડબ્બાવાલા(જે હવે અમેરિકા વસે છે અને બહુ મોટા કવિ ગણાય છે.) જેવા જૂના અને નવા કવિઓ એમના સ્ટુડિયોની કવિતાને નિરંજની અખાડો ગણાતા હતા. આ નરભેરામ ઠક્કર કે કીર્તિકુમાર પંડ્યા જેવા વારંવાર આવીને ગિરીનભાઈને વાર્તાઓ વાર્તાએ મારી જતા હતા. “ગિરીન ભગતની જગ્યા” જેવી સુગંધ સ્ટુડિયોમાં આવવા લાગી. ગિરીનભાઈને ગરજ એક જ કે એમની બધાની ગઝલોમાંથી એમને ચિત્રો બનાવવાનું વિષયવસ્તુ મળે. વાર્તામાંથી પોર્ટ્રેઇટનાં પાત્રો મળે. પણ વાદળામાંથી વરસાદ થવાને બદલે વાદળું પોતે જ નીચે આવી ગયું. ગિરીન જોષીએ બાવન વરસની ઉમરેપીંછીની શોક્ય કલમ સાથે કોમળ સંબંધ બાંધ્યો. અમે બધા હસતા હતા “પાકા ઘડે કાંઠા ના ચડે,” એવી જીભવગી કહેવતો અમે એમની ગેરહાજરીમાં બોલતા. આમ તો 1965થી એમને કવિતા સાથે છૂપો પ્રેમ હતો. પણ 1980માં એ એમાં સરેઆમ આવી ગયા. હરકિશન જોષીને વંચાવે.એ નાપાસ કરે તો ફાડી નાખે ને પાસ કરે તો મિત્રો પાસે વાંચે. થોડીક હાંસી ખમે ને જવાબમાં પોતે મરકી લે. પણ પછી “કવિતા” જેવા આબરૂદાર સામયિકમાં એમની “પ્રભુ, તારી ફિંગરપ્રિન્ટ અમને ક્યાંય હજુ મળતી નથી” જેવાં કાવ્યો છપાવા માંડ્યાં ને અમે ઘા ખાઈ ગયા. કલમ એમનેવફાદાર નીકળી. ગિરીન જોષીની અંદરનો જે ભગવો રંગ હતો તે એમની કવિતામાં છલકાવા માંડ્યો. ન સાકી, ન સુરાહી, ન જામ,ન નદી, ન પર્વત,ન ઝરણાં, ન પ્રિયા કે ન ચન્દ્ર. ગિરીન જોષીની કવિતામાં એક જ ચીજ વ્યક્ત થઈ ને તે ઈશ્વર. ઈશ્વર સાથે એમનો જે સંવાદ રચાતો હતો તે કવિતા બનીને બહાર આવવા માંડ્યો.


(ડાબેથી) ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી- ગિરીન જોશી-રજનીકુમાર- રજનીકુમારની પુત્રી તર્જની


પણ પછી ત્રણ-ચાર વરસમાં જ એમણે અસલી પોત પ્રકાશ્યું. કાવ્યોનો થોકડો લઈને મારી પાસે આવ્યા. કહે કે આ સંગ્રહનું નામ “ઈશ્વરની ફિંગરપ્રિન્ટ” છે, પણ એની પ્રસ્તાવના શેતાન પાસે લખાવવી છે. મેં પૂછ્યું કે કોણ ?તો કહે કે તું ! હું ચમકી ગયો. અરે, હું ?મારા માટે આ બહુ એમ્બેરેસિંગ હતું. એક જમાનામાં લપડાક મારનાર ગુરુની પ્રસ્તાવના નાચીઝ ચેલો લખે ? તો કહે કે ના પાડીશ તો બીજી લપડાક મારીશ,ને હવે તું બાળક નથી એટલે એ લપડાક પણ લોખંડી હશે.

એમનું એક અછાંદસ કાવ્ય હતું.

હું કૅલેન્ડરનું એક પાનું છું.

તે પહેલાં ઈતિહાસનું

એક પાનું લખી નાખ્યું હોય છે.

કૅલેન્ડરનું સડેલું પાનું

આંગણામાં ઊડે છે.

ગઈગુજરી બનીને,

અને એક નવું પાનું

ફાટવા તૈયાર છે.

એમ એક પછી એક એમ

કેટલાં પાનાં હજુ રાહ જુએ છે ?’

અછાંદસ કાવ્યો માટે સૂગ ધરાવતો એક વર્ગ છે. અને એમાં હું પણ હતો. કાવ્ય અને અછાંદસ ?એ કેવી રીતે બને ? વાક્યોના ટુકડા પાડીને લખવાનું હોય તો એક સળંગ ફકરારૂપે કેમ ના લખાય? ટુકડા પાડીને લખવાથી શો અર્થ સરે ?

આવું લાગવાનાં કારણોમાં એક એ પણ હતું કે સાઠની સાલની આસપાસ એક જબરો તબક્કો કૃતક કવિઓ (સ્યુડો પોએટ્સ)નો આવ્યો. એમણે મારા જેવા કાવ્યના, કાવ્યત્વના ચાહકો એવા ભાવકો સાથે બાલિશ ગમ્મતો શરૂ કરી દીધી. ટુકડા ટુકડા ટુકડા ટુકડા વાક્યોને કાવ્યો તરીકે ઓળખાવાની દાદાગીરી કેટલાક કરવા માંડ્યા, તો વળી કેટલાક “સૂર્ય”અને “મસૃણ” જેવા શબ્દોની પાછળ પડી ગયા. દરિયો, તડકો, કમાડ, થૂંક જેવા શબ્દો એ કેટલાક કવિઓનો ટ્રેડમાર્ક બની ગયો.આમ સાચા કવિઓ તરફથી અમારા જેવા ભડકેલા ભાવકો મોં ફેરવી લેવા માંડ્યા. નહીં તો લા.ઠા. એ “તડકો” શબ્દનો તાજગીભર્યો વિનિયોગ કરીને અદભુત કાવ્યો આપ્યાં હતાં, અને અનિલે દરિયો, તો રમેશે ચશ્મા જેવા શબ્દોની આજુબાજુ ઉત્તમ રચનાઓ ગૂંથી આપી હતી. (રમેશે લખ્યું હતું, ”ગોકુળમાં હોઈ શકે દૂધની દુકાન, અને રાધાને હોઈ શકે ચશ્માં !”) પણ એવી પ્રગટાવેલી પ્રસરેલી તાજગીને કવિઓએ પ્રદૂષિત કરી દીધી. થોડો સમય આ ચાલ્યું.

પણ પાછળથી પહેલાં સુરેશ દલાલ અને એવા બીજા સમર્થ કવિઓનાં પોતાના અછાંદસ અને બીજાઓના એમણે આસ્વાદાયેલાં એવાં કાવ્યોમાંથી એવા કાવ્યોની આગવી મહત્તા મનમાં સ્થપાઈ. સમજાયું કે છંદ એ ગેયતામાટે છે, પણ ગેયતા ના હોય તો પણ કાવ્ય હોઈ શકે. કોઈ ચોક્કસ મિજાજ પેદા કરવા. માટે ભાવની અનુભૂતિ માટે, શબ્દો પછવાડેના છુપા શબ્દને સમજવા માટે જેમ રુદનમાં ડૂસકાઓનો “પૉઝ” અનિવાર્ય છે, તેમ કાવ્યવાચનમાં આવો “પૉઝ” અનિવાર્ય છે, જે ભાવને શબ્દોની બહાર રહીને નવો આયામ આપે છે.

આમ તો નિરાંતે પેલી મનમાં પડેલી સૂગને કારણે હું એ કાવ્યો વાંચત નહીં, પણ એના વિશે બે વેણ લખવાનાં હતાં એટલે જોઈ ગયો. ઈશ્વર સાથેનો સંવાદ એમાં હતો. આ અગાઉ ઈશ્વર સાથે જીભાજોડી કરતાં કેટલાંક કાવ્યો-કેટલાંક તો ફિલ્મમાં પણ માણ્યા હતાં (ભગવાન મૈં તુઝ કો ખત લિખતા, પર તેરા પતા માલૂમ નહીં) અને બિનફિલ્મી પંકજ મલિકના સ્વરમાં પણ (મેરે હઠીલે શ્યામ ઠોકર લગા, કિ મૈં તેરે રસ્તે મેં પડા હૂં), પણ ગુજરાતીમાં આ રીતનાં ઈશ્વર પ્રત્યેનાં ઉપાલંભ કાવ્યો,એને એ પણ વીતચીતની કે ઘણી વાર તો આત્મસંવાદની ઢબમાં, ભાગ્યે જ વાંચ્યાં હશે. બાવન વરસની વયે ગિરીન જોષીમાં કહેણીની તાજગી આયાસવિહીનહતી અને સરળ લખાવટને કારણે એવા દોષને સહેલાઈથી કોરાણે મૂકી શકતા હતા.

“ફિંગરપ્રિન્ટ” બહાર પડ્યું. વિવેચનોય થયાં.એમના કવિતાકૌશલ્યની થોડી ટીકા પણ થઈ. પણ “સુન્દરમ” જેવાએ લખ્યું : “ગિરીનભાઈ જેવા સર્જકના હાથે ભગવાનને આ સંગ્રહમાં જીવતદાન મળ્યું છે.” એક વિવેચકે લખ્યું :”ઈશ્વર સાથેના મનોમન વાર્તાલાપની કેટલીક વેધક ક્ષણોનું નિરૂપણ.”

બાવન વર્ષની ઉમરે કોઈ કવિતા કરે તો એમાં ભગવો રંગ છલકાય એમાં નવાઈ નથી, પરંતુ એમના આટલા પરિચય પછી મને ખબર પડી કે આ માણસ દુઃખના ઉછાળા વખતે મરકે, અને સુખના ઉદ્રેક વખતે રડે છે. એ મારે મન ખરેખર નવાઈની વાત હતી. પુત્રી કલ્પનાના લગ્ન વખતે પોતાને રડવું ના આવે એવું વરદાન લેવા માટે એ સિદ્ધનાથ મંદિરમાં મહાત્મા પાસે ગયા. આવ્યા પછી વિદાય વેળાના દુઃખથી એ બિલકુલ ના રડ્યા. પણ પછી પાછળથી એમને જાતમાંથી સુખનો એક મોટો ઉછાળો આવ્યો અને એ પોશપોશ આંસુએ રડ્યા.

પણ સુખમાં એ કોને યાદ કરીને રડે છે, એનું રહસ્ય મને મળી ગયું છે. ફિંગરપ્રિન્ટમાં ઈશ્વરને એમણે એક જગ્યાએ કહ્યું : “હું છેલ્લા કેટલાયે સમયથી તને શોધું છું. જો કે, તારું પૂરું નામ સરનામું હું જાણતો નથી,પણ… તારા રૂપની એક ઝલક મારી આંખનાં આંસુમાં ક્યારેક તરતી હતી.”

જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ ઉપર આવેલા એમના સાધના સ્ટુડિયોઆં એક વાર એ બોલી પઙયા હતા : “વિખૂટું પડી ગયેલું બાળક જેમ માતાને વળગીને રડે, એમ સુખના પ્રચંડ આવેગમાં મને વિખૂટો પડેલો ઈશ્વર મળી જાય છે, ત્યારે મને રડવું આવે છે.”

તરત મેં કહ્યું હતું : “ગિરીનભાઈ, બોલો,તમારે હવે ઈશ્વરની ફિંગરપ્રિન્ટની જરૂર ક્યાં રહી ?”

થોડા વરસો પહેલાં પોતાના, કલમમાં પ્રાણ રેડીને ઉછેરેલા વિચારોના છોડને “ઈશ્વરની ફિંગરપ્રિન્ટ,” “ડાયમેન્શન” તથા “સૂરજનું ઓળખપત્ર” એવાં ત્રણ સુગંધિત પુષ્પ બેઠાં હતાં, તેને એક ઓર પુષ્પ કાવ્યસંગ્રહ “સળંગ”રૂપે બેઠું તેને જોઈને મનનો બગીચો મહેક મહેક થઈ રહ્યો. રાજવી પાજોદ દરબાર જનાબ રુસ્વા મઝલૂમીના હસ્તે નવેમ્બર ‘94ની દસમી તારીખે રાજકોટમાં તેનું વિમોચન થયુ હતુ. લગભગ સાઠ પાનાના આ સંગ્રહમાં ત્રણ-ચાર પંક્તિના ખંડોથી માંડીને પાના-દોઢ પાના જેટલી લગભગ ચુમાલીસ જેટલી ગદ્યરચનાઓનો સમાવેશ થયો છે. તેમાં માનવીનો વ્યક્તિલોપ, એકલતા, શ્રદ્ધા અને સંવેદનાના તૂટેલા તંતુઓ, સંસ્કૃતિવિચ્છેદ જેવી ભીંસમાં ભીડાતી મનુષ્યવેદના,ચેતનાનો આંતરબોધ મુખ્ય છે, અને તે પણ “પડછાયા”ને સૂત્રધાર બનાવીને…. એક જગ્યાએ તેઓ લખે છે.

“….હું પણ

મને ક્યાં ઓળખી શકું છું ?

હવે પડછાયો જ

મારી ઓળખ-“

(ગિરીન જોશીના કાવ્યસંગ્રહ ‘સૂરજનું ઓળખપત્ર’ વિશે કવિ રમેશ પારેખ)

ગિરીનભાઈનું આ ચોથું રૂપ, કવિ તરીકેનું મારા માટે ઘણું અણધાર્યું હતું. નાનપણથી જેમને અકવિ તરીકે એમની પચાસ વર્ષની ઉમર સુધી જોયા કર્યા હોય, એમાંથી એકાએક કવિ રાફડો તોડીને બહાર આવે તે બેશક જલદી મન ના સ્વીકારે એવું. કારણ કે આપણાં મન તો આઈ.એસ.આઈ. માર્કાવાળાને જ સ્વીકારવાળા.

પણ હવે તો આઈ.એસ.આઈ. માર્કા આપવાવાળા ગુજરાતી વિવેચકોય એમને પંગતમાં બેસાડવા લાગ્યા છે, ત્યારે એમનાં કાવ્યોને નવી નજરથી જોવાનું મન થાય છે. એમનો કાવ્યસગ્રહ હિંદી,માગધી, ભોજપુરીમાં અનૂદિત થઈ ગયો છે. અનુવાદ હિંદીના જાણીતા કવિ કમલ પૂંજાણીએ કર્યો છે, ત્યારે આપણે માટે એવી રાહ જોવી કે કવિ શ્રી ગિરીન જોષીનો કાવ્યસંગ્રહ અંગ્રેજીમાં અનૂદિત થઈને આપણી પાસે આવે

——————————————————————————————-

20-12-1928ના રોજ જન્મેલા કવિ ગિરિન જોશીનું અવસાન 9- 60-2002 ના રોજ થયું. તેમના વિષે વિશેષ માહિતી માટે તેમના પુત્રો શરદ અને રાજુ જોશીનો સંપર્ક નીચેના સરનામે કરી શકશે,

શ્રી રાજુ જોશી/ મો.94283 અને 9925464789, ઈ-મેલ: rajujoshi311@gmail.com

સાધના સ્ટુડિઓ, બૈજનાથ મંદિર પાસે, હવાઇચોક, જામનગર -361 001

વ્હૉટ્સેપ-99254 64789 / 94283 18083


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/

ઇ મેલ- rajnikumarp@gmail.com / બ્લૉગ-  http;//zabkar9.blogspot.com

7 comments for “લ્યો, આ ચીંધી આંગળી : ગિરીન જોષીની ફિંગરપ્રિન્‍ટ

 1. October 15, 2018 at 12:10 pm

  સંવેદનાસભર વ્યક્તિપરિચય. નઘરોળ જગતમાં હવે આવા માનવી મળવા મુશ્કેલ છે.

 2. Samir
  October 15, 2018 at 1:54 pm

  વિચારો ના વન માં રજ્નીકુમાંરભાઈ સાથે ટહેલવાની મજા અનેરી છે ! અને આવી અનેરી અને સંવેદનશીલ વ્યક્તિ નો પરિચય . બીજું શું જોઈએ ?

 3. Bharat
  October 15, 2018 at 3:43 pm

  Great person
  A salute to g8 personality
  ??

 4. Gajendra Jani
  October 15, 2018 at 4:52 pm

  સંજોગો વ્યક્તિત્વ નો પરિચય કરાવે છે… પણ આપે અદભૂત અભિવ્યક્તિ ન માધ્યમથી હાથમા પીંછી કે કલર લીધા વગર ‘વ્યક્તિ વિશેષ’ નુ જે ચીત્ર રજુ કર્યુ એ ખરેખર હ્દય સ્પર્શી રહ્યુ. “હરિ ઓમ તત્તસત જયગુરૂદત”

 5. Satyen Dave
  October 15, 2018 at 9:13 pm

  ખુબ જ સુંદર વ્યક્તિ પરિચય પૂજય બાપુજીનો, વિનોદી અને નિખાલસ સ્વભાવ સદા યાદ રહેશે
  નાનપણ ની તેમની સાથે વીતાવેલી આનંદ ભરી પળો ની યાદ તાજી થઈ ગઈ

 6. Gajanan Raval
  October 16, 2018 at 6:30 pm

  Your backpack is really stuffed with many lives which are worth to be high lighted…!! It is nice of you to depict them one by one to make it known to those who appreciate and admire unsung heroes..!! Hearty congrats…

 7. Piyush
  October 18, 2018 at 12:46 am

  અતિશય રોચક શૈલીમાં એક સાવ અજાણ્યા (મારે માટે) બહુક્ષમતાવાન વ્યક્તિનો પરિચય માણવાનું ખુબ જ આનંદદાયી બની રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *