સ્ત્રીસમોવડ

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

કાનન અને દિવ્યેશ કોલેજમાં સાથે હતાં અને ત્યારબાદ MBA પણ એક જ સંસ્થામાંથી કર્યું, એટલે સ્વાભાવિક છે કે તેમની વચ્ચે નિકટતા હોવાની. એક જ અભ્યાસ અને સરખી વયનાં એટલે વિચારોમાં પણ મેળ બેસે. એટલે જો તેઓએ એકબીજાંને પસંદ કરી લગ્ન ન કર્યાં હોત તો લોકોને નવાઈ લાગત. વળી બંનેનાં માતા-પિતાને પણ આ સંબંધમાં કોઈ વાંધો ન હતો, કારણ કે તેઓ પણ વર્તમાન સમયને સારી રીતે સમજતાં હતાં. તેઓ વિરોધ કરીને બંનેની જિંદગી બગાડવાના વિરોધમાં હતાં, કારણ કે વયસ્ક યુવાન-યુવતીઓ ઉપરવટ થઈ ધાર્યું કરે તેના કરતાં સમજી વિચારીને હા પાડવામાં જ બધાંની ભલાઈ છે તેમ વડીલોને લાગ્યું.

આમેય તે કાનન અને દિવ્યેશ સારી રીતે સમજતાં હતાં કે ભાગીને લગ્ન કરવા કરતાં માબાપની સંમતિથી કરેલાં લગ્ન આનંદમય બની રહે છે. તેવા લગ્નજીવનનો ઉમંગ પણ અનેરો હોય છે. ભલે તેમની સંમતિ મળતાં વાર થાય, પણ રાહ જોવા માટે બંને તૈયાર હતાં. જો કે આ રાહ બહુ લાંબી જોવાની ન રહી અને યોગ્ય સમયે લગ્ન થઈ ગયાં.

લગ્ન પહેલાં કાનન એક ઓફિસમાં કામ કરતી હતી. લગ્ન પછી પણ તે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો. બંને એકબીજા સાથે થોડો સમય વિતાવી એકબીજાની વધુ નજીક આવવા માંગતા હતાં એટલે સંતાન માટે ઉતાવળ ન કરવાનો પણ બંનેએ નિર્ણય લીધો હતો. વર્ષોથી એકબીજાને જાણતાં અને સમજતાં હતાં એટલે એમની નિકટતા વધુ નીખરી અને બંને તે કારણે મિત્રો અને સગાઓમાં દૃષ્ટાંતરૂપ બની રહ્યાં. બંને પોતપોતાની ઓફિસમાં પણ કાર્યકુશળતાને લઈને તરક્કી કરતાં રહ્યાં, જે સોનામાં સુગંધ બની રહી. આમ બંને એક સુખી અને આનંદી યુગલ બની રહ્યાં.

એમના લગ્નના બે વર્ષ બાદ દિવ્યેશના પિતાનું મૃત્યુ થઈ ગયું એટલે હવે દિવ્યેશ પોતાની માતાને પોતાની સાથે રહેવા સમજાવી શક્યો. શરૂઆતમાં તો તેની માતા નિર્મળાબેન થોડોક મૂંઝારો અનુભવતાં, કારણ કે પુત્ર અને પુત્રવધૂ કામને લઈને ઘરની બહાર રહે અને આજુબાજુ પણ ફ્લેટ સિસ્ટમને કારણે કોઈ સાથે મળવા કરવાનું નહીં. પરંતુ તેમના આવ્યાના ત્રણ મહિનામાં કાનન મા બને તેવાં એંધાણ વર્તાયાં. આ જાણી નિર્મળાબેન રાજી થઈ ગયાં કે હવે તેઓ વ્યસ્ત રહી શકશે.

જો કે કાનન આ પરિસ્થિતિ માટે અંદરખાને થોડી નારાજ હતી, કારણ કે હાલમાં જ તેને પ્રોમોશન મળ્યું હતું અને સાથે સાથે આવનારની દેખભાળની જવાબદારી પણ માથે આવી પડશે. પોતાના મનની વાત તેણે દિવ્યેશને કરી પણ દિવ્યેશ બાપ બનવાની ખુશાલીમાં કાનનની લાગણીઓને કાં તો સમજ્યો નહીં અને સમજ્યો હોય તો તેની તરફ આંખ આડા કાન કરી લીધા. બે-ત્રણ વાર આ વાત ઉખેળ્યા પછી કાનનને લાગ્યું કે દિવ્યેશે આવનારને માટે પોતાના હૃદયમાં સ્થાન આપી દીધું છે એટલે તેની કોઈ દલીલો દિવ્યેશ નહીં સ્વીકારે.

એક દિવસ આ વિષે ચર્ચા કરતાં કાનને પોતાના મનની વાત ખુલ્લી કરી કે તેને પ્રસુતિ પછી બહુ બહુ તો ત્રણ મહિનાની રજા મળે પણ ત્યાર પછી શું? પોતાના આવનાર શિશુને તે કોઈ પરાયી કામવાળી પાસે ઉછેરવા નથી માંગતી. જે કાંઈ તેણે જાણ્યું છે અને વાંચ્યું છે તે પરથી તે સમજે છે કે શિશુનાં શરૂઆતનાં વર્ષો દરમિયાન તેની મા જે રીતે ઉછેરે તેવી રીતે પારકી સ્ત્રી ન કરી શકે. તેણે એ પણ કહ્યું કે શિશુની માને બદલે અન્ય નારીના હાથમાં બાળકનો ઉછેર થાય તો તે બાળકનો વિકાસ જુદી જ રાહ અપનાવે.

કાનનની વાત શાંતિથી સાંભળ્યા બાદ દિવ્યેશ બોલ્યો કે તું તેની ચિંતા ન કર. મા છે ને. તે તો રાજી રાજી છે અને ખુશીથી આવનારનો ઉછેર કરશે. જે રીતે તેણે મારો ઉછેર કર્યો છે તે જોતાં મને નથી લાગતું કે તારી ચિંતા અસ્થાને છે. વળી આપણે તેમને મદદરૂપ થાય એવા કોઈ બેનને પણ રાખી લઈશું, જેથી તેમના પર ઓછો બોજો પડે અને બાળકનો ઉછેર પણ યોગ્ય થાય. સવાર સાંજ આપણે તો હાજર રહેવાનાં એટલે તે રીતે આપણે પણ આપણી રીતે બાળકના ઉછેરમાં યોગ્ય પ્રદાન કરી શકીશું. તેમ છતાં તારું મન ન માનતું હોય તો ચાલ આપણે માને વાત કરીએ કે નવજાત આવે કે નહીં અને આવ્યા પછી તું ઓફિસ જવાનું ઇચ્છે તો તેને કોઈ વાંધો છે કે કેમ? તે જો જવાબદારી લેવા રાજી ન હોય તો આપણે આગળનો વિચાર કરીશું.

પણ નાના જીવને શરૂઆતમાં બીમારી આવે ત્યારે તેને આપણી જરૂર હોય અને જો આપણે બંને રજા ન લઈ શકતાં હોઈએ તો? કાનને શંકા વ્યક્ત કરી.

તારી શંકા ખોટી છે એમ હું નહીં કહું, કારણ કે આ બાબતમાં અજાણ્યા થવાનો કોઈ અર્થ નથી. પણ એકબીજાના સાથ અને સહકારથી આ તકલીફનો પણ આપણે વખત આવ્યે સામનો કરી શકીશું તેની મને ખાત્રી છે.

આટલી ચર્ચા પછી પણ કાનનની માનસિક સ્થિતિ ડહોળાયેલી રહેતી જોઈ દિવ્યેશે નિર્મળાબેનને બધી વાત કરી. શાંતિથી વાત સાંભળી નિર્મળાબેન કાનન પાસે આવ્યાં અને ધીરજ આપી કે તારી મૂંઝવણ હું સમજી શકું છું. પણ આવનાર બાળકને કારણે જે વાતાવરણ બદલાઈ જશે તેનો અનુભવ કર્યા પછી તું પણ તારી જાતને ધન્ય માનશે, એક માતા હોવા બદલ.. હા, પ્રસુતિ પછી તું જ્યારે ફરી ઓફિસ જવાનું ચાલુ કરશે ત્યારે વખત પ્રમાણે આપણે જરૂરી વ્યવસ્થા કરી લઈશું, જેથી બાળકના ઉછેરમાં કોઈ કમી ન રહે અને તારી કારકિર્દી પણ સચવાઈ રહેશે, એટલે તું નચિંતપણે આગળ વધ.

આ વાત સાંભળી કાનનને એક રીતે થોડી શાંતિ તો થઈ, પણ કહ્યા વગર ન રહી શકી કે મમ્મી તમને આ ઉંમરે આવી તકલીફ આપવી ઠીક નથી. જવાબમાં નિર્મળાબેને કહ્યું કે બેટા ફરી મા જેવા લાભ લેવાની તક મળતી હોય તો આ તકલીફ પણ ક્ષમ્ય છે. તું મારી ચિંતા ન કર અને તારી તબિયતની પૂરતી સંભાળ લે જેથી બધું સમયસર અને સારી રીતે પતી જાય.

આમ યોગ્ય વખતે કાનને એક સુંદર બાળકને જન્મ આપ્યો. ત્રણેય બહુ ખુશ થયાં અને તેના ઉછેરમાં મસ્ત બની ગયાં.

હવે કાનનને ફરી ઓફિસ જવાનું આવ્યું. આટલા દિવસો શિશુ સાથે વિતાવ્યા એટલે મન નહોતું માનતું પણ ફરજ અને જવાબદારીએ તેને હાજર થવા મજબૂર કરી. શરૂઆતમાં તો કામમાં મન ન લાગે અને દિવસમાં બે ત્રણ વાર ઘરે ફોન કરી બધું ઠીક છે ને એમ પૂછવાનું ન છોડતી. પછી વખત જતા બધું થાળે પાડવા માંડ્યું અને નાનો ધૈર્ય પણ દાદીના લાડમાં મોટો થવા લાગ્યો.

પણ સારા દિવસો હંમેશા નથી હોતા. કુદરત આગળ માનવીનું કશું નથી ચાલતું. આ જાણવા છતાં જ્યારે દુ:ખ આવી પડે છે ત્યારે માનવી ઘાંઘો થઈ જાય છે. કાનન અને દિવ્યેશના કિસ્સામાં પણ આમ જ થયું. ધૈર્ય લગભગ દસ મહિનાનો હતો અને એક સવારે નિર્મળાબેન અચાનક બેભાન થઈ ગયાં. ડોકટરે તપાસી તરતને તરત હોસ્પિટલમાં દાખલ કરવા સૂચવ્યું, પણ ત્યાં પહોંચતાં પહોંચતાંમાં તો બધું સમાપ્ત.

આ કારમા ઘામાંથી કાનન અને દિવ્યેશને બહાર આવતાં થોડો સમય લાગ્યો, પણ અંતે જેમ દરેકે જીવનધારામાં પાછું આવવું પડે છે તેમ તે લોકો પણ સ્વના જીવનમાં પુન: આવી ગયા. પરંતુ હવે મોટો પ્રશ્ન હતો, ધૈર્યના ઉછેરનો. કાનને વિચાર્યું કે ધૈર્યની ઉંમરને લઈને તેના ઉછેર માટે બહારના કરતાં તેની વધુ જરૂર છે, કારણ કે સાધારણ રીતે શિશુના ઉછેરમાં માતાનાં હેત અને સંભાળ વધુ યોગ્ય ગણાય છે. પરંતુ તે માટે તેણે કુરબાની આપવી પડે. વળી જો તે નોકરી છોડી દે તો ઓફિસમાં પોતાનું સ્થાન ગુમાવી બેસે અને કાબેલિયત પણ વેડફાઈ જાય. ઘરમાં આવતી કમાઈ પણ ઓછી થઈ જાય તે વધારામાં. તો કરવું શું? જો તે દિવ્યેશને પોતાના વિચારો જણાવે અને કહે કે તેની ઇચ્છા નોકરી ચાલુ રાખવાની છે તો તે જરૂર માતાની જવાબદારીઓની ફિલસુફી આગળ કરશે અને અંતે તેણે નમવું પડશે. પણ વાત નહીં કરે તો પણ સમસ્યા ઊભી જ છે.

પણ કાનનને ઓફિસમાં ફરી પાછા જવાનો દિવસ નજીક આવી ગયો એટલે હિંમત કરી દિવ્યેશ સાથે વાત માંડી. ઓફિસમાં તેનું સ્થાન, પગાર વગેરે દિવ્યેશની જાણ બહાર ન હતાં,એટલે કાનને સીધું જ સમસ્યા પર આવી તેનું મંતવ્ય જાણવા માંગ્યું. કાનનની વાત સાંભળી દિવ્યેશે મંદ સ્મિત આપ્યું, એટલે કાનનને નવાઈ લાગી અને કહ્યું કે હું એક ગંભીર પ્રશ્ન તને કહું છું જેનું આપણે સાથે મળી તેનું નિરાકરણ કરવાનું છે અને તને હસવું આવે છે?

જવાબ મળ્યો કે શું હું આ પરિસ્થિતિ ઊભી થવાની છે તેનાથી અજાણ છું? અરે મેં તો તેનો ઉપાય પણ ૨૪ કલાક પહેલાં શોધી લીધો છે.

તેં વિચાર્યું જ હશે તે હું માનું પણ તેનો ઉપાય પણ શોધી રાખ્યો અને મને કહ્યું પણ નહીં?

તું ક્યારે મારી સામે હાજર થઈ તારા મનની વાત કરે છે તેની રાહ જોતો હતો અને એટલે જ જ્યારે તેં વાત કાઢી ત્યારે આપોઆપ સ્મિત રેલાઈ ગયું.

તો શું ઉપાય છે તે હું જાણી શકું?

તું નિરાંતે તારી ઓફિસ જઈ શકે છે.

અને ધૈર્યનું શું?

તેને માટે હું છું ને!

તારે પણ ઓફિસમાં જવાનું છે, તો હું છું ને કહીને તું શું કહેવા માંગે છે?

એ જ કે હવેથી હું ઘરે રહી કામ કરીશ. ઘણા વખતથી એક સ્ટાર્ટ અપ કંપની ઊભી કરવાનો વિચાર હતો તે હવે ફળીભૂત થશે. તેને લગતી બધી વ્યવસ્થા સમયાંતરે કરી લઈશ. એટલે ઘરનું ઘર અને ઓફિસની ઓફિસ.

અરે પણ ધૈર્યને સંભાળવાનું તું કરી શકીશ?

કેમ, ફક્ત સ્ત્રી જ બાળઉછેરમાં માહેર છે? તારી જાણ બહાર મેં ઘણી બધી જાણકારી મેળવી લીધી છે અને તને ખબર તો છે કે કેટલીયે વખત તેનાં બાળોતિયાં પણ બદલાવ્યા છે. રહી વાત રસોઈની તો શરૂઆતમાં તું બનાવીને જજે અને ધીરે ધીરે હું પણ તારી પાસેથી બધું શીખી લઈશ એટલે પછી તે ચિંતામાથી પણ તને મુક્તિ. રહી વાત આવકની તો હા, શરૂમાં થોડી તકલીફ પડશે અને બચત પણ ઓછી થશે પણ સમય જતાં મારું કામ વ્યવસ્થિત થઈ જશે એટલે આવકનો પ્રશ્ન પણ મહદ અંશે હલ થઈ જશે. જ્યારે તારી જરૂર હશે ત્યારે તું ક્યાં દૂર છે? એક ફોન જ કરવાનોને?

‘દિવ્યેશ’, બસ આટલું જ બોલી શકેલી કાનન આંખમાં અશ્રુ સાથે તેને વળગી પડી એટલે દિવ્યેશ બોલ્યો કે આજના જમાનામાં નારીઓ પુરૂષ સમોવડી થવાના પ્રયત્નો કરે છે, તો પુરૂષે પણ સ્ત્રી સમોવડ થવામાં શા માટે અચકાવું જોઈએ? બસ, હવે નચિંત થઈ ધૈર્ય પાસે જા, કારણ લાગે છે કે તેને ભૂખ લાગી હશે એટલે તે રડી રહ્યો છે.

* * *

સંપર્ક :

નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

4 comments for “સ્ત્રીસમોવડ

 1. ઉમાકાન્ત વિ.મહેતા. (ન્યુ જર્સી)
  October 14, 2018 at 1:30 am

  નીરૂ ભાઈ સુંદર વિચાર. અહિ અમેરિકામાં આ સીસ્ટમ છે. પુરુષ ઘેર રહી કે પાળીમાં કામ કરી એકબીજાને મદદરૂપ થઈ શકે છે.સંતાન એ માતા પિતાનું સહિયારૂં સર્જન હોવાથી તેના ઉછેરમાં બંન્નેની જવાબદારી રહેલી થે.

  • Niranjan Mehta
   October 14, 2018 at 9:48 am

   અભાર. પણ અહીં ભારતમાં આ પ્રણાલી અમલમાં થતાં વરસો નીકળી જશે. હા, શરૂઆત થઇ છે તે આનંદની વાત છે.

 2. October 17, 2018 at 8:59 am

  સ્ત્રી સમોવડ – સરસ શબ્દ . લેક્સિકોનને ખબર આપવી જોઈએ !
  #Me too પછીનું સ્ટેપ !

 3. Niranjan Mehta
  October 18, 2018 at 11:16 am

  પહેલા મેં સ્ત્રીસમોવડી શીર્ષક રાખ્યું હતું પણ વલીભાઈએ વે.ગુ. પર મુકતા પહેલા બદલ્યું કારણ પુરુષવાચક છે. રહી વાત લેક્સિકોનની તો આ પહેલા મેં એક શબ્દ આપ્યો હતો અંબરબાળા જે એરહોસ્ટેસનો પર્યાય છે અને તે શ્રી મધુ રાયે મારી વાર્તા સંદર્ભમાં સૂચવ્યો હતો. આ શબ્દ સ્વીકારાયો હતો પણ હજી સુધી તે દેખાડાતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *