





– ચિરાગ પટેલ
पू.प. ५.४.८(४८४) पवमानो अजीजनद्दिवश्चित्रं न तन्यतुम् । ज्योतिर्वैश्वानरं बृहत् ॥
પવિત્ર થયા પશ્ચાત સોમરસે દિવ્યલોકમાં સ્થિત દરેકને પ્રકાશિત કરવા સમર્થ મહાન વૈશ્વાનર જ્યોતિને વીજળી સમાન પ્રગટ કરી.
અમહીયુ આઙ્ગિરસ ઋષિનો આ શ્લોક સોમરસને પીવાથી થતી અસરને જણાવતો હોય એવું લાગે છે. સોમરસ પીવાથી શરીરમાં અને મનમાં પણ એક વીજળી સમાન આવેગ ઉત્પન્ન થતો હશે. વળી, ઋષિ એવું જણાવે છે કે, આ વિદ્યુત એ બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપ્ત એવા પ્રકાશ સમાન છે. અર્થાત, સોમરસ પીનાર વ્યક્તિ શરીર અને મનથી અલગ એવી કોઈ સ્થિતિનો અનુભવ કરે છે.
पू.प. ५.६.४(५२६) अस्य प्रेषा हेमना पूयमानो देवो देवेभिः समपृक्त रसम् । सुतः पवित्रं पर्येति रेभन् मितेव सद्म पशुमन्ति होता ॥
સોનાથી પવિત્ર કરાયેલ યજ્ઞનો પ્રેરક દિવ્ય સોમરસ દેવોને આપવામાં આવે છે. નીચોવેલો આ સોમરસ યજ્ઞશાળામાં જનાર હોતા અથવા ગૌશાળામાં જતા ગોપતિની જેમ પાત્રમાં સ્થિર છે.
આ શ્લોકના ઋષિનું નામ મને મળ્યું નથી. અહીં શ્લોકમાં સોનાનો ઉપયોગ સોમરસને પવિત્ર કરવા માટે થતો હોવાનો ઉલ્લેખ છે. પ્રાચીનકાળથી ભારતીય પરંપરામાં સુવર્ણને વિવિધ પુજાવિધિઓ, મૂર્તિના મુગટ અને આભૂષણો, વ્યક્તિગત ઉપયોગ વગેરે માટે પ્રાધાન્ય અપાયું છે. સામવેદનો આ શ્લોક એ તથ્યની પૂર્તિ કરે છે. વળી, આ શ્લોકમાં જણાવ્યા મુજબ યજ્ઞ માટે જતો હોતા અને ગૌશાળામાં જતો ગોપતિ કે ગોવાળ પવિત્ર ગણાય છે. અને, તેમની પવિત્રતા સોમરસ માટે વિશેષણરૂપ બની છે.
पू.प. ५.६.५(५२७) सोमः पवते जनिता मतीनां जनिता दिवो जनिता पृथिव्याः । जनिताग्नेर्जनिता सूर्यस्य जनितेन्द्रस्य जनितोत विष्णोः ॥
શ્રેષ્ઠ બુદ્ધિ, દ્યુલોક, પૃથ્વીલોક, અગ્નિ, સૂર્ય, ઈન્દ્ર તથા વિષ્ણુને ઉત્પન્ન કરનાર સોમ શુદ્ધ કરવામાં આવી રહેલ છે.
પ્રતર્દન દૈવોદાસિ ઋષિનો આ શ્લોક સોમરસની અસર વિષે વધુ પ્રકાશ પાડતો હોય એમ લાગે છે. ઋષિ આ શ્લોકમાં કહે છે કે, સોમરસથી બુદ્ધિ વધે છે. પુરાણો મુજબ વિષ્ણુને બ્રહ્માંડના નિયંતા કહ્યા છે. પરંતુ, અહીં ઋષિ સોમરસને વિષ્ણુના ઉત્પત્તિકાર તરીકે ઓળખાવે છે. એવું કહી શકાય કે, સોમરસની શરીર અને મન પર થતી અસરોથી સેવન કરનાર વ્યક્તિની અંદર વિવિધ શક્તિની ઉત્પત્તિ થાય છે? શું સોમરસનું સેવન જાગૃતિ, સુષુપ્તિ કે નિદ્રાની અવસ્થાથી પર તુરિયાવસ્થામાં લઈ જાય છે જેમાં આપણે વિશ્વને અલગ રીતે અનુભવીએ છીએ?
पू.प. ५.८.८(५५२) परि त्यँहर्यतँहरिं बभ्रुं पुनन्ति वारेण । यो देवान्विश्वाँ इत्परि मदेन सह गच्छति ॥
લીલા અને વાદળી રંગના સોમને ઘેટાંના વાળની ગળણીથી ગાળે છે. આ સોમ ઈન્દ્ર આદિ દેવતાઓ સમક્ષ પોતાના હર્ષ પ્રદાન કરનાર ગુણો સહિત જાય છે.
અમ્બરિષ વાર્ષાગિરિ અથવા ૠજિષ્વા ભારદ્વાજ ઋષિનો આ શ્લોક સોમરસના રંગ વિષે આપણને જણાવે છે કે એ વાદળી રંગના મિશ્રણવાળો લીલો રંગ છે. ભાંગના પત્તાં એવા રંગના જ હોય છે. આ સોમરસને ગાળવા માટે સામવેદ કાળમાં ઘેંટાના વાળની બનેલી ગરણી વપરાતી હતી. સોમરસને હર્ષ પ્રદાન કરનારો અહીં બતાવાયો છે. ભાંગમાં પણ એ ગુણ છે. આજનો ભાંગ (cannabis)નો છોડ એ જ વેદકાળની સોમવલ્લી લાગે છે.
पू.प. ५.९.२(५५५) अचोदसो नो धन्वन्त्विन्दवः प्र स्वानासो बृहद्देवेषु हरयः । वि चिदश्नाना इषयो अरातयोऽर्यो नः सन्तु सनिषन्तु नो धियः ॥
બીજાઓથી પ્રભાવિત ના થનાર, સારી રીતે કાઢવામાં આવેલ લીલો સોમરસ સ્તોતાઓના યજ્ઞમાં આવે. દાન ના આપનાર શત્રુ, યાજકોના શત્રુ, અન્નાની ઈચ્છા કરવા છતાંય તેને પ્રાપ્ત ન કરે. અમારાં સ્તોત્ર દેવગણોને પ્રાપ્ત થાઓ.
કવિ ભાર્ગવ ઋષિનો આ શ્લોક મને અલગ લાગવાનું એક જ કારણ છે. આ શ્લોકમાં ઋષિ દાન ના આપનાર વ્યક્તિને શત્રુ ગણાવે છે. વળી, પોતાના યાજકોના શત્રુને પણ ઋષિ પોતાનો શત્રુ માને છે. અત્યાર સુધીના સામવેદના શ્લોકોમાં ઋષિઓ દેવો પાસે ધન, ધાન્ય, સમૃદ્ધિ, બુદ્ધિ વગેરે માંગે છે. ઈન્દ્ર પોતાના શાત્રોને ધ્વસ્ત કરતા હોય એનું અવલોકન અમુક શ્લોકોમાં છે. પરંતુ, આ પહેલો એવો શ્લોક છે જેમાં ઋષિ શત્રુનું અહિત ઈચ્છે છે. ઋષિ શત્રુને અન્ન ના મળે એવી દેવો આગળ માંગણી કરે છે. ક્રોધના પરિણામરૂપ આ એક માનવસહજ ચેષ્ટા છે. ઋષિ કવિ ભાર્ગવ પણ આ માનવસહજ ગુણથી દોરવાઈને શત્રુનું અહિત ઈચ્છે છે.
શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com
ઋગ્વેદનું નવમું મંડળ આખું એક જ વિષય, સોમરસ વિશે છે. દેખીતી રીતે જ આ પાછળથી કરાયેલું સંકલન છે. તે સિવાયનાં મંડળોમાં માત્ર એક વિષય નથી. આ મંત્રો નવમા મંડળ પર આધારિત હોય એમ લાગે છે. છેલ્લો મંત્ર ખરેખર જુદો પડે છે. આમ તો ઋષિઓ પોતાના શત્રુઓને પરાસ્ત કરવા માટે મદદની માગણી કરતા હોય છે પણ ‘મિત્રનો શત્રુ તે મારો શત્રુ’ એવું સમીકરણ અહીં પહેલી વાર જોવા મળ્યું.
બીજી એક વાત, જાણવા માટે. તમે શ્લોક શબ્દ વાપરો છો અને હું મંત્ર. મારી ભૂલ હોય તો સુધારશો.