





– બીરેન કોઠારી
ગાજ્યા મેઘ વરસે નહીં, એમ કહેવાય છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં મેઘ જોઈએ એટલા ગાજ્યા પણ નથી, કે નથી પૂરતા પ્રમાણમાં વરસ્યા. આમ છતાં, ઘણા સમયથી કેટલાંક વાદળો જોશભેર ગાજી રહ્યાં છે અને આ લેખ પ્રકાશિત થશે ત્યારે તેના વરસવાનો આરંભ થઈ ગયો હશે. બીજી ઑક્ટોબરથી ગાંધીજીની દોઢસોમી જયંતિની ઉજવણીનો આરંભ થશે. ‘ગાંધી 150’નાં વાદળાંનો જે ગડગડાટ મહિનાઓથી સંભળાઈ રહ્યો હતો તે ધોધમાર વરસશે અને એ વહેતી ગંગામાં સૌ પોતપોતાની મતિ, શક્તિ તેમ જ ભક્તિ મુજબ હાથ ધોવાની ચેષ્ટાઓ કરશે.
કોઈ પણ વ્યક્તિને મહાપુરુષપદે સ્થાપી દેવામાં મોટું સુખ છે. તેને આપણી જરૂર મુજબ પૂજી શકાય અને ભાંડી પણ શકાય. ગાંધીજી જેવી વ્યક્તિ હજી માંડ સાત દાયકા પહેલાં આપણી વચ્ચે હતી, તેમના જીવનકાર્યનો મહત્તમ હિસ્સો અધિકૃત દસ્તાવેજીકરણ પામેલો અને સરળતાથી ઊપલબ્ધ છે, અને છતાં સૌ કોઈ પોતાના લાભ અનુસાર ખપ પૂરતા ગાંધી ઉઠાવે છે. રાજકુમાર હીરાણી દિગ્દર્શીત ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મનો ટપોરીછાપ નાયક મુન્નાભાઈ (સંજય દત્ત) ગાંધીજીથી પ્રભાવિત થાય છે અને પોતાની સમસ્યાઓના ઊકેલ ગાંધીજી પાસેથી મેળવવાનો પ્રયત્ન કરે છે એમ દર્શાવાયું છે. ફિલ્મના એક દૃશ્યમાં એક પાત્ર મુન્નાભાઈના ગાલે થપ્પડ મારે છે, ત્યારે ગાંધીવિચારની અસરમાં મુન્નાભાઈ પોતાનો બીજો ગાલ ધરે છે. પણ સામેનું પાત્ર બીજા ગાલે થપ્પડ મારે છે ત્યારે તેની અસલિયત ઊછળી આવે છે અને સામાવાળા પર તે તૂટી પડે છે. ફિલ્મમાં ભલે આ દૃશ્ય રમૂજી લાગે, પણ તે બહુ સૂચક છે. મુન્નાભાઈનું પાત્ર આપણે સૌ કોઈ વખત આવ્યે ભજવી લેતા હોઈએ છીએ.
કોઈ પણ મહાપુરુષના વિચારને માનવજાત કદી પૂર્ણપણે અપનાવી શકતી નથી. અપનાવવા જોઈએ પણ નહીં, કેમ કે, સમજ્યા વિનાનું વિચારોનું કેવળ શાબ્દિક અનુકરણ જે તે મહાપુરુષને જ ન ગમે અને મર્મને પામવામાં કોઈને રસ ન પડે. મહત્ત્વ દિશાસૂચનનું અને સ્વતંત્ર રીતે વિચારતા થવાનું છે. સત્ય અને અહિંસા જેવી બાબતને શસ્ત્ર તરીકે શી રીતે વાપરવાં એ દિશા ગાંધીજીએ સૂચવી, પણ કેવળ રાજકીય સ્વાતંત્ર્ય તેમનો ઉદ્દેશ્ય નહોતો. શાસક તો કાલે પરદેશી હોય, તો આજે દેશી હોય. કદીક એમ પણ બને કે ક્યારેક દેશી શાસક અગાઉના પરદેશી શાસકને સારો કહેવડાવે. આ સંજોગોમાં વૈચારિક સ્વાતંત્ર્ય મહત્ત્વનું બની રહે.
ગાંધીજીની અન્યોથી તેમને નોખા તારવી આપતી વિશેષતા એ છે પોતાના જીવનને તેમણે ‘સત્યના પ્રયોગો’ તરીકે ઓળખાવ્યું છે. પ્રયોગ એટલે અખતરા અને અજમાયશ. આમાં ભૂલો થવાની ભરપૂર તકો રહેલી છે અને ગાંધીજીએ એ કરેલી પણ છે. મઝા એ છે કે પોતાના આવા અખતરા અને તેના અમલમાં થયેલી ભૂલોની જાણકારી આપણને ખુદ ગાંધીજી દ્વારા જ મળે છે. આ જાણકારી એવી હોઈ શકે કે જેનો ઊલ્લેખ કરતાં સરેરાશ વ્યક્તિને સંકોચ થાય, પણ ગાંધીજીએ પોતે તે તદ્દન નિખાલસતાપૂર્વક આલેખી હોય. આ હદની નૈતિક હિંમત ત્યારે જ આવી શકે જ્યારે પોતાનો માર્ગ ભલે બદલાતો રહે, પણ દિશા નિશ્ચિત હોય. ગાંધીજીની તમામ બાબતો એટલી હદે જાહેર છે કે તેમના ટીકાકારોને યા અહોભાવિત થનારાઓને આજીવન મસાલો મળતો રહે. એમાંથી શું લેવું, કેટલું લેવું અને શી રીતે લેવું એ લેનાર પર નિર્ભર છે. ખાસ કરીને રાજકારણીઓને આ રમતમાં ખૂબ મઝા આવે છે. એટલા વ્યાપક સ્તરે ગાંધીજીએ અનેક બાબતો પર વિચાર કરેલો છે કે ઈચ્છાએ યા અનિચ્છાએ, સૌ કોઈને તે ક્યાંક ને ક્યાંક સ્પર્શતા આવ્યા છે. તેમનો વૈચારિક વિરોધ કરનારને તેઓ વધુ આડે આવે છે.
સામાન્યપણે આપણને યાદ રહી ગયા છે ઊત્તરાવસ્થાના ગાંધી, જેઓ દેશના ભાગલાથી વ્યથિત હતા. પણ દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા પછી સ્વાતંત્ર્યતાની ચળવળનો દોર હાથમાં લીધો એ દાયકાના ગાંધીને જાણવાની કોશિશ કરવી ગમતી નથી. વિભિન્ન વ્યક્તિત્ત્વ ધરાવતા લોકોને એકસાથે રાખીને તેમણે જે જુસ્સાથી કામ લીધું છે એ કોઈ ચમત્કારનો નહીં, અભ્યાસનો વિષય છે. પોતે આવ્યા એ પહેલાંથી સક્રિય હતા એવા પોતાનાથી વરિષ્ઠોને પણ ગાંધીજીએ વિશ્વાસમાં લીધા, એમ પોતાનાથી વયમાં નાના હતા એવા લોકોને પણ સાથે રાખ્યા. મતભેદ હતા, વિરોધ હતા, મનદુ:ખ પણ હતા, છતાં એ બધાની સાથે ગાંધીજી કામ પાર પાડતા રહ્યા. લોકઘડતર અંગે તેમના મનમાં શી મથામણ ચાલતી હતી અને તેઓ કેટલા દૃઢાગ્રહી હતા તેના અનેક દાખલા આલેખાયેલા જોવા મળે છે. ચોરીચૌરા ખાતે ટોળાએ બેકાબૂ બનીને હિંસા આચરતાં ચરમસીમાએ પહોંચેલા આંદોલનને સમેટી લેતાં ગાંધીજીને જરા પણ ખચકાટ થતો નથી. પણ આ ગાંધીજી કોને ખપે?
આપણા વરિષ્ઠ લેખક પ્રકાશ ન. શાહ કહે છે એમ, સૌને ‘સેનિટાઈઝ્ડ’ (સાફસુથરા)ગાંધી ખપે છે. તેમના નામે ‘સ્વચ્છતા અભિયાન’ શરૂ કરીને તેની તમામ જાહેરખબરોમાં ગાંધીચશ્મા મૂકી દેવાનું સરળ પડે! ગાંધી એટલે કેવળ સ્વચ્છતા, ગાંધી એટલે માત્ર ઊપવાસ, ગાંધી એટલે ફક્ત ખાદી, ગાંધી એટલે કોમી એકતા! આ બધી બાબતોમાં ગાંધીજી અવશ્ય છે, પણ એ તેમનું ખંડદર્શન છે. ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમના અતિ પ્રસિદ્ધ એક કાર્ટૂનમાં ગાંધીજીને હાથીના રૂપમાં ચીતરાયા છે. નેતાઓરૂપી અંધજનો હાથીના વિવિધ અંગોને સ્પર્શે છે અને એ મુજબ હાથી કેવો હશે એનો અંદાજ બાંધે છે. કાર્ટૂનમાં ભલે નેતાઓને બતાવાયા હોય, એ આપણને સૌને લાગુ પડે છે.
ગુજરાતી હોવાને કારણે આપણને ફાયદો એ છે કે ગાંધીજીનાં તમામ લખાણ આપણને સીધેસીધાં જ, કોઈ અનુવાદકની સહાય વિના વાંચવા મળે છે. તેમની તમામ બાબતો સાથે સંમત થવું એ ખુદ ગાંધીજીને જ ન ગમે એવી બાબત છે. તેમના જન્મના દોઢસો વર્ષ પછી પણ તેમનું વ્યક્તિત્ત્વ એવું રહ્યું છે કે તેમની સાથે મતભેદો પાડીને, અસંમત થઈને, મહાત્માની જેમ પૂજીને નહીં, પણ મોહનભાઈ સાથે દોસ્તી કરીને તેમને જાણવાની મઝા આવે. આમ કરવા માટે બીજી ઓક્ટોબર કે ત્રીસમી જાન્યુઆરી જેવી તારીખોના મોહતાજ બની રહેવાની જરૂર નથી. તેમની દોઢસોમી જયંતિ નિમિત્તે ભલે ગાંધીલક્ષી કાર્યક્રમોની અનરાધાર વર્ષા થાય, સાચેસાચા ગાંધીને તેમના અભ્યાસ થકી પામવા તરફની એક નાનકડી સરવાણી સુધ્ધાં આપણા હૈયામાં ફૂટશે તો સૌથી વધુ રાજી પણ ગાંધીજી જ થશે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૪-૧૦-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)