લે ગઈ દિલ, સફર જાપાનકી : ૩: પ્રાચીન અને અર્વાચીન ટોક્યો

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શા કિકાણી

૨૯/૦૩/૨૦૧૮

સવાર-સવારમાં તૈયાર થવામાં બાધારૂપ બનેલી એવી ટોઈલેટસીટ પરની ગડમથલ તો કહેવી જ પડે! ટોઈલેટસીટના જમણા હાથે ટી.વી.ના રિમોટ જેવું કીબોર્ડ લાગેલું હતું જેમાં અધધધ થઈ જવાય તેટલાં વિકલ્પો આપ્યાં હતાં! પાણીની ૩ સ્પીડ, ૨-૩ ટેમ્પરેચર, પાણી આગળથી આવે કે પાછળથી વગેરે વગેરે વગેરે……લખેલું બધું જાપાનીઝ ભાષામાં એટલે વધારે તકલીફ! તમે કામ પતાવી ઊભાં થાવ એટલે પાણીની એક પાઈપ બહાર આવી ટોઈલેટસીટને સ્ટરીલાઈઝ કરી નાખે! શરૂઆતમાં તો બીક લાગે કે ક્યાંથી પાણી આવશે અને શું થશે! વહેલી સવારે આટલી બધી માથાકૂટ! અમે તો હસીહસીને લોટપોટ થઈ ગયાં!

સવારે સાત વાગ્યે હોટલના પાંચમા માળે આવેલ રેસ્ટોરાંમાં અમે બ્રેકફાસ્ટ કરવા પહોંચી ગયાં. ભીડ થઈ ગઈ હતી પણ બ્રેકફાસ્ટનો હોલ બહુ મોટો અને સરસ હતો. મોટી મોટી બારીઓ સીધી બગીચામાં અને ખાડી પર પડતી હતી. ટેબલો યોગ્ય રીતે સજાવેલાં હતાં. નાસ્તા કરતાં વાતાવરણની મઝા અનેરી હતી. નાસ્તા માટે બુફેનું સ્પ્રેડ સારું હતું પણ મને નોનવેજ સાથે વેજ હોય એટલે ખાવાનું મન થાય નહીં. ત્રણ-ચાર જાતના સરસ જ્યુસ, દુધમાં કોર્ન ફ્લેક્ષ, સ્વાદિષ્ટ ફળો અને કડક કૉફી….. વધુ શું જોઈએ ? મારી ખાવા-પીવાની વ્યવસ્થા કરી એક સરસ ટેબલ પર મેં તો અડ્ડો જમાવી દીધો.

એક પછી એક ઘણાં લોકો આવીને મળી ગયાં. મારે તો ટેબલ પરથી ઊઠવું ન હતું એટલે બહારનાં અને અંદરનાં, એમ બંને દ્રશ્યો માણતી રહી. નાસ્તો પતાવી નીચે આવ્યાં. અમે વહેલાં હતાં એટલે બગીચામાં જવાનો લોભ ટાળી શક્યાં નહીં. ફૂલોના ક્યારા રંગીન ફૂલોથી ઊભરાતા હતા. રંગીન ફૂલોના ફોટા પાડી મિત્રો અને સગાસંબંધીઓને મોકલી આપ્યાં.આઠ વાગે બસ આવી ગઈ અને અમે બધાં બસમાં ગોઠવાઈ ગયાં. કોઈ પણ મોટું શહેર ત્રણ-ચાર દિવસમાં જોઈ લેવું અઘરું છે. પણ અમારા ગાઈડે સારી વ્યવસ્થા કરી છે, બસ પણ સરસ છે અને પ્લાનિંગ પણ સારું છે.

Asakusha Temple

અમારી જાપાનની સફર શરૂ થઈ મંદિરની મુલાકાતથી. બસ સૌથી પહેલી ગઈ આસાકુસા મંદિરે. આ મંદિર ‘સેંસોજી કે સંજાસમા’ મંદિર તરીકે પણ ઓળખાય છે. બુદ્ધ ધર્મના શિન્તો સંપ્રદાયની આ જાણીતી શ્રાઈન છે. શહેરનું આ જૂનામાં જૂનું અને સૌથી વધુ પ્રખ્યાત મંદિર છે. બસમાંથી ઊતરતાં જ નજરે પડે પેગોડા સ્ટાઈલમાં બનેલ મોટું બુદ્ધ મંદિર, જોડે શ્રાઈન (જૈનોનું ઉપાશ્રય હોય તેવું) અને સુંદર મઝાના પુષ્પોથી છલકાતાં ચેરી-બ્લોસમના વૃક્ષો! આંખો ઠરી જાય તેવું સુંદર દ્રશ્ય! કેમેરાનું ક્લિક-ક્લિક તો ચાલુ જ. અમે કોઈના ફોટા પાડીએ, કોઈ અમારા ફોટા પાડી આપે, અને પાછાં સેલ્ફી તો ખરા જ! અહીંનાં પુષ્પોની જેમ જ અહીંનાં મંદિરો પણ સરસ રંગબેરંગી હોય છે. લાલ, કેસરી, સોનેરી રંગોથી મંદિર વધુ ભવ્ય લાગતું હતું. મંદિરમાં ઘણી ભીડ હતી. બુદ્ધ ધર્મમાં મોટી મોટી મૂર્તિઓ સાથે રીત-રીવાજ અને મંત્ર-તંત્રનું પણ મહત્વ ઘણું. ભીડમાંથી રસ્તો કરતાં કરતાં અમે દર્શન કર્યા અને આખા સંકુલમાં ફર્યાં. કલાકો-ના-કલાકો પણ ઓછા પડે આ રંગીન સંકુલને સરખી રીતે માણતાં! આટલાં બધાં માણસો ભેગાં થાય એટલે ખાણી-પીણી અને ખરીદીની વ્યવસ્થા તો હોય જ. મંદિર પાછળની ગલીમાં સો જેટલી દુકાનો હતી. ગ્રુપની બહેનોને ત્યાંથી પાછી લાવતાં બહુ મહેનત પડી!

કુદરતી વૃક્ષો જોયાં પછી હવે વારો હતો ટોકયો સ્કાય ટ્રી જોવાનો. ૬૩૪ મીટર ઊંચા આ ટાવરની અટારીએથી ગોળ ફરતું આખું શહેર દેખાય. ઘણાં શહેરોમાં આવાં ટાવર જોયાં છે પણ દરેક ટાવરનો નજારો અલગ જ હોય. ઉપર જવા લાંબી લાઈન હતી પણ આગળથી ગ્રુપ-બુકિંગ કરેલું હતું એટલે મોટી લિફ્ટમાં જલદી નંબર લાગી ગયો. અટારીમાં ગોળ ગોળ ફરી આખું શહેર જોયું. ટોકયો તો જાણે પાણી પર તરતું હોય અને પુષ્પોમાં વસતું હોય તેવું લાગે. આંખો તો ધરાય જ નહીં આ બધું જોતાં ! અસંખ્ય ફોટા પાડ્યા. અટારીથી એક માળ નીચે થોડા ભાગમાં કાચનો ફ્લોર રાખ્યો છે જેમાંથી છેક જમીન સુધી જોઈ શકાય. જોવા માટે ત્યાં પણ લાઈન હતી. અમે લાઈનમાં ઊભા રહ્યાં અને નીચે જોયું પણ ખરું! જો કે આટલે ઉપરથી નીચે જોતાં ડર લાગે!

ટોકયો સ્કાય ટ્રી

આટલું ફર્યાં એટલે બધાં ભૂખ્યાં થયાં હતાં. બસમાં આવી નાસ્તાના ડબ્બાઓ ફટાફટ ખૂલવા લાગ્યા. જો કે જોતજોતામાં અમે એક મોટા શોપિંગ સેન્ટરમાં પહોંચ્યાં, બીજેમાળે આવેલ ‘નિર્વાણમ’ નામના ફૂડ-જોઈન્ટ પર. અમારા ધાર્યા કરતાં વ્યવસ્થા એકદમ જુદી અને સરસ હતી. સ્વચ્છતા ઊડીને આંખે વળગે તેવી હતી. હાથ ધોઈને ટેબલ પર ગોઠવાયાં ત્યાં તો દરેક ટેબલ પર ૧૫-૨૦ પાણીપૂરી ભરેલી પ્લેટ આવી ગઈ. ચટણી અને પાણી બધાંને અલગ અલગ વાટકામાં આપેલું અને પૂરી એક ડીશમાં. પાણીપૂરી પછી બુફે લંચ રોટી શાક, દાળ-ભાત વગેરે પણ જમ્યા. છેલ્લે છાસ પીધી. કોફીની સુગંધ બહુ જોરદાર આવતી હતી. અમે તો કૉફી પણ પીધી. કૉફી પી લિફટને બદલે સીડીથી નીચે ઊતર્યા. પહેલે માળે મોટી કોર્પોરેટ ઓફિસ હતી અને બહાર રીશેપ્શન ટેબલ પર મોટા ફ્લાવરવાઝમાં સુંદર ફૂલો ગોઠવ્યાં હતાં. બીજા ભાગમાં ફર્નિચરનો શોરૂમ હતો. થોડો આંટો મારી અમે નીચે ઊતર્યાં. બસ આવી ગઈ હતી અને ગ્રુપના મિત્રો પણ આવી ગયાં હતાં.

બસ ઉપડીને પહોંચી ટોયોટોના શોરૂમ પર. કંપનીનું પૂરું નામ છે : ટોયોટા મોટર કોર્પોરશન. આ મલ્ટીનેશનલ કંપની છે જે ઓટોમોબાઇલ્સ બનાવે છે. આ કંપનીનું મુખ્યમથક જાપાનમાં આવેલ છે. તે જાપાનની મોટામાં મોટી કંપની છે અને દુનિયાની બીજા નંબરની ઓટોમોબાઇલ્સ કંપની છે. લગભગ ૩,૬૦,૦૦૦ કામદારો આ કંપનીમાં કામ કરે છે અને વર્ષે ૧ કરોડથી પણ વધુ વાહનો બનાવે છે! તેના શોરૂમમાં જાતજાતની સુંદર અને અવનવી ગાડીઓ ડિસ્પ્લે માટે મૂકી હતી. એક જુઓ અને બીજી ભૂલો એવી ગાડીઓ સાથે અમે ફોટા પડાવ્યા. નીચેના માળે એક સરસ રોમાંચક રાઈડનો અનુભવ લીધો. એક મોટા હોલમાં ૮ ભાગ કરી એકસાથે ૮૦-૧૦૦ માણસો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. સામે મોટી સ્ક્રીન પર વિડીઓ ચાલુ હતી. ૮-૧૦ ગાડીઓ રણ પ્રદેશ, પર્વતો, નદી-નાળા જેવા જુદાજુદા પ્રદેશોમાં પૂરજોશમાં જતી હોય અને જાણે તમે ગાડીમાં બેઠાં હોવ અને સાક્ષાત જે અનુભવ થાય તેવો અનુભવ અમે આ રાઈડમાં લીધો. ડરના માર્યા મેં તો ઘણી વાર આંખો મીંચી દીધી! ડિઝનીલેન્ડની યાદ આવી ગઈ! ડર અને આનંદનું કેવું અનોખું મિશ્રણ!

પહેલા માળે એક નાનો રોબો તેનું કરતબ બતાવી રહ્યો હતો. કમનસીબે તે માત્ર જાપાનીસ ભાષા જ જાણતો હતો, એટલે અમે સીધી તેની સાથે કંઈ સંવાદ ન કરી શક્યા પણ જોવાની મઝા આવી. આસપાસ બીજી ઘણી સ્ટીમ્યુલેશન રમતો ગોઠવેલી હતી. જાણે તમે ડ્રાઈવરની સીટ પર બેઠા હો અને સામે ખુલ્લો રસ્તો હોય, પૂરઝડપે તમે ગાડી ચલાવતો હોવ …… ગ્રુપના ભાઈઓને રમતો રમવાની મઝા આવી ગઈ. છેલ્લે તો ચાલુ રમતો છોડાવી બસમાં લઈ જવા પડ્યા!

બસમાં જ અમને શહેરની ઓરીએન્ટેશન ટુર કરાવી. જાપાનમાં રાજાશાહી બહુ લાંબી ચાલી. એક જ રાજવંશે આશરે અઢીહજારથી પણ વધુ વર્ષ એકહથ્થુ રાજ કર્યું છે. રાજાઓની ભલમનસાઈની અને તેમના અત્યાચારોની વાતો તથા સામુરાઈ અને બીજા રજવાડી ઠાઠમાઠોની લોકવાયકાઓ સમાજમાં પ્રખ્યાત છે. અત્યારે તો જાપાનમાં લોકશાહી છે અને રાજા તો ફક્ત નામના છે. છતાં ઘણાં શહેરોમાં રાજમહેલ જોવા મળે છે. જો કે ભારતના રાજમહેલોની સરખામણીમાં જાપાનના રાજમહેલ જરા ફિક્કા લાગે. આખીબારા, ડાએટ બિલ્ડીંગ અને રાજમહેલ બહારથી જોઈ અમે
ટોકયો રેલવેસ્ટેશને
ઊતર્યાં. બ્રિટીશ સ્ટાઈલનું લાલ રંગનું આ રેલવેસ્ટેશન બહુ સરસ રીતે જાળવી રાખ્યું છે, જો કે આસપાસ બહુ બધાં બહુમાળી મકાનો બની ગયાં છે. જાપાનમાં ૪-૫ ખાનગી કંપનીઓ રેલવે ચલાવે છે. રેલવેસ્ટેશન પર તેમની અલગ-અલગ વ્યવસ્થા હોય અને ક્યાંક તો ત્રણ-ચાર માળનું રેલવેસ્ટેશન હોય! ટોક્યો રેલવેસ્ટેશનની આગળ ખુલ્લું મેદાન છે, બેસવા માટે ઠેરઠેર બાંકડા ગોઠવ્યા છે. મુંબઈના વી.ટી. સ્ટેશનની યાદ અપાવે તેટલી ભીડ છે, છતાં ક્યાંય ધક્કામુક્કી કે અવ્યવસ્થા નથી. અચંબો પમાડે તેવી વાત એ હતી કે ક્યાંય કચરો નહીં, અને ક્યાંય કચરાપેટી પણ નહીં! બધાં પોતાનો કચરો ઘરે જ નિકાલ કરતાં હશે! રેલવે સ્ટેશન જોવાલાયક સ્થળની યાદીમાં ત્યારે જ આવે!

pic-૫ ટોકયો રેલવેસ્ટેશન

બસ આગળ ચાલી તો રસ્તામાં શીબુયા ક્રોસિંગ આવ્યું. માનવ-મહેરામણ તો આ ને જ કહેવાય! પીક સમયે હજારો માણસો આ ક્રોસિંગ પર હોય છે અને બે-ત્રણ મિનિટમાં તો ટ્રાફિક ક્લિઅર થઈ જાય છે! આંખો પહોળી થઈ જાય તેવી વ્યવસ્થા અને એવી જ લોકોની શિસ્ત!

બસમાં ક્રોસિંગની વાતો કરતાં કરતાં અમે ગીન્ઝા સ્ટ્રીટ પર આવી ગયાં. પેરીસની સાંઝાલીઝેની યાદ અપાવે તેવી એકાદ માઈલ લાંબી આ સ્ટ્રીટ છે. મોટી મોટી ઝાકઝમાળ દુકાનો. આંખો અંજી દે તેવી રોશની. ભીડ તો કહે મારું કામ! માણસથી માણસ અથડાય! અમારે કંઈ ખરીદી તો કરવી ન હતી પણ એક અનુભવ લેવા માટે અમે બસમાંથી નીચે ઊતર્યાં. હાથ પકડીને જ ચાલવાનું છતાં ખોવાઈ જવાય તો ક્યાં મળવું તે નક્કી કર્યું. મોટું શહેર, આવી પ્રીમિઅમ જગ્યા અને બહોળો સ્ટાફ એટલે વસ્તુના ભાવ પણ અધધધ જ હોય. માત્ર બે દુકાનો કે મોલ જોયા ત્યાં તો દોઢ કલાક થઈ ગયો. વિન્ડો-શોપિંગ કરી અમે બસમાં પાછાં આવી ગયાં. થાક તો લાગ્યો જ હતો. બસ સીધી જ જમવા માટે લઈ ગઈ. જાપાનમાં પણ આટલા ટંકથી સરસ જમવાનું મળી રહ્યું હતું એટલે અમારી અપેક્ષાઓ પણ વધી ગઈ હતી. આજે પાછાં ‘કલકત્તા’ માં જ જમવા ગયાં. ખબર નહીં કેમ, આજે તેમણે ચાઈનીસ જમવાનું બનાવ્યું હતું. કોઈને પસંદ પડ્યું નહીં. ફટાફટ જમવાનું પતાવી બધાં હોટલ પર આવી સૂઈ ગયાં.


સંપર્ક :  દર્શા કિકાણી :  ઈ –મેલ –  darsha.rajesh@gmail.com

4 comments for “લે ગઈ દિલ, સફર જાપાનકી : ૩: પ્રાચીન અને અર્વાચીન ટોક્યો

 1. Purvi
  October 10, 2018 at 6:59 pm

  Darsha ben, aapni pravas katha na banned bhag rk sathe vanchi lidha. Aapna shabdo Ni pankhe japan ne haji vadhu janva utsuk chu. Jaldi jsldi pacha kyare aavo cho the janavasho.

  • Darsha Kikani
   October 11, 2018 at 7:17 pm

   Thank you very much, Purvi! Keep reading!

 2. Premal Vakil
  October 16, 2018 at 1:52 pm

  Hello Darsha-ben,

  I am so happy to see that your book is finally out and you are also publishing it here on Webgurjari in the form of a series of articles. In my last 14 years here, this was one of the best cherry blossom seasons because I could spend it in the company of this nice group. I still vividly remember each and every day of the tour. When you asked me to proofread the book, I was actually amazed to see that you could manage to capture so many details despite of our relatively packed schedule. No one else except you could have captured and elaborated every single moment of our tour in such as nice manner. Really hats off to you.

  • Darsha Kikani
   October 18, 2018 at 12:08 pm

   Thank you very much, Premalbhai! Appreciation coming from the guide is really special! You made our visit to Japan really impressive and informative! Thank you very very much!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *