વિમાસણ : માનસિક રીતે મજબૂત

Facebooktwitterredditpinterestlinkedinmail

સમીર ધોળકિયા

આપણે બધા TV માં આવતી ચર્ચાઓ જોઈએ છીએ. કેવી ઉગ્ર હોય છે! એમ જ થાય કે હમણાં જ મારામારી થઈ જશે! આવી ચર્ચાઓ જોતાં જોતાં વિચાર આવે કે આ નેતાઓ પર આટલા બધા આક્ષેપો થતા હોવા છતાં તેમના પર કોઈ જ અસર દેખાય નહીં એવું કેવી રીતે બની શકે? કોઈ વ્યક્તિ આટલા બધા અંગત આક્ષેપોને, એય જાહેરમાં, કેવી રીતે સહન કરી શકતી હશે? શું તેમની માનસિક મજબૂતાઈ એટલી બધી હશે કે આટલી બધી વ્યક્તિઓ દ્વારા આટલા બધા આક્ષેપો થતાં રહે છતાં એની કોઈ અસર તેમના પર ન થાય? એટલે પહેલો સવાલ એ થાય કે માનસિક મજબૂતી એટલે શું? તેની વ્યાખ્યા શું? તમારા માટે સતત ગમે તેવી ભાષાનો ઉપયોગ થતો હોય કે તદ્દન વિપરીત સંજોગો હોય…તેમ છતાં મન પર કોઈ જ અસર ન થાય એને માનસિક મજબૂતી કહેવાય? પણ તેને તો જડ પણ કહી શકાય! તો માનસિક મજબૂતી એટલે શું?

જો કે કોઈ સર્વમાન્ય વ્યાખ્યા પ્રયોજવી અઘરી છે પણ કહી શકાય કે ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ જે લક્ષ્ય તરફ વધવાનો પ્રયત્ન કરતો રહે અને ધ્યાન ચલિત ન થવા દે, તેને મનથી મજબૂત કહી શકાય.ચાહે આવા પ્રતિકૂળ સંજોગો કોઈ સ્પર્ધામાં હોય, વ્યવસાયમાં હોય કે અંગત જીવનમાં હોય.

આપણે ક્રિકેટ તથા અન્ય રમતો જોઈએ છીએ તેમાં વિજય મેળવવા માટે મોટે ભાગે શક્તિ/પ્રતિભા(talent) કરતાં પ્રતિકૂળ સંજોગોમાં પણ દિમાગ શરણાગતિ ન સ્વીકારે, હાર ન માને તેવા અભિગમની વધુ જરૂર પડે છે. અને આ અભિગમ માટે માનસિક તાકાતની જ જરૂર પડે છે. રમતમાં જ્યારે હાર સ્પષ્ટપણે સામે દેખાતી હોય ત્યારે પણ વિજય પ્રાપ્ત કરવાના લક્ષ્યને જ નજરમાં રાખીને તીવ્ર દબાણ હેઠળ રમવું ખૂબ મુશ્કેલ છે.

આવું જ જિંદગીમાં અમુક પ્રસંગોમાં બનતું હોય છે. પ્રસંગો કે પડકારોનું સ્તર જેટલું કદાવર, તેટલું જ દબાણ વધારે; અને ત્યારે જ માનસિક મજબૂતાઈની પરીક્ષા થાય છે. રાજકારણમાં આપણે જોયું છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે ઇંગ્લેન્ડના વડા પ્રધાન ચર્ચિલની અપૂર્વ માનસિક તાકાતથી જ આખરે મિત્રરાજ્યોનો વિજય થઈ શક્યો હતો. તે વખતે ચર્ચિલ માટે તો ફક્ત પોતાના દેશનો જ નહિ, પણ બધાં જ મિત્રરાજ્યોના સાર્વભૌમત્વનો સવાલ હતો.

પણ સવાલ એ થાય કે આ તાકાત કેળવવી કઈ રીતે? આના માટે કોઈ પુસ્તકમાં લખેલો ઉપાય કે પ્રાયોજિત રચના કામ ન આવે. શિક્ષણ અને પડકારજનક સંજોગો જ તેને કેળવી શકે. એવું કહી શકાય કે પ્રતિકૂળ સંજોગોનો સામનો જેટલો વધારે કરવાનો આવે તેટલી માનસિક તાકાત વધુ કેળવાય. હા, કેટલાક લોકોમાં આ શક્તિ જન્મજાત પડેલી હોય છે પણ તેને બહાર આવવા માટે પણ પડકારો તો જોઈએ જ. આ શક્તિ ધરાવનાર લોકોમાં હંમેશા ધૈર્ય હોય છે, જે તેમને હાર સ્વીકારવા દેતું નથી. પણ સવાલ એ છે કે જેને પ્રતિકૂળ સંજોગો જ ન મળ્યા હોય એણે માનસિક તાકાત કેળવવા શું કરવું?! એનો જવાબ છે સતત અભ્યાસ(practice). આ સતત અભ્યાસના મંત્રથી જ આત્મવિશ્વાસ વધે છે, જે પ્રતિકૂળ સંજોગોમાં ટકી રહેવાનું બળ આપે છે. જીવલેણ રોગોમાં પણ રોગને નમી પડનાર કરતાં તેનો પ્રતિકાર કરનારની સાજા થવાની શક્યતા વધી જતી હોય છે, એ આપણે સહુએ અનુભવ્યું છે. એ પણ સત્ય છે કે શારીરિક રીતે મજબૂત વ્યક્તિ માનસિક રીતે મજબૂત કે નબળી પણ હોઈ શકે છે. તે માનસિક રીતે મજબૂત હોય જ તેવું જરૂરી નથી. .

માનસિક રીતે ખૂબ જ મજબૂત વ્યક્તિ ક્યારેક જડ પણ ગણાઈ જાય. પણ જડ એટલે કોઈ વિચાર કે લક્ષ્ય વગર એક દિશા પકડી રાખનાર વ્યક્તિ. જ્યારે માનસિક રીતે મજબૂત વ્યક્તિમાં વિચાર કે ઉદ્દેશ્ય સાથે લક્ષ્ય તરફ નજર હોય છે.

સૌથી વધુ માનસિક તાકાતવાળો સમૂહ કયો ? સૌથી પહેલો જવાબ તો એ જ આવે કે રાજકારણીઓ! પણ પછી ઉચ્ચ સ્તરે રમતા ખેલાડીઓ, બહુ જોખમી શસ્ત્રક્રિયા કરતા ડોક્ટરો વગેરેનો ખ્યાલ આવે. આ બધા જવાબો થોડેઘણે અંશે સાચા છે. સાથે સાથે એ પણ સાચું છે કે ગરીબો બહુ સહેલાઈથી માનસિક રીતે મજબૂત થઈ જાય છે કારણ કે તેઓ મોટે ભાગે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ જીવતા હોય છે! જ્યારે સુખી વર્ગને મજબૂતાઈ માટે પ્રયત્ન કરવો પડે છે. પણ મારા મતે સૌથી વધુ માનસિક તાકાતવાળો સમૂહ છે આપણા દેશની સ્ત્રીઓ! સહેજ વિચારી જુઓ: આપણી આજુબાજુનો સમાજ કેવો છે ? પુરુષપ્રધાન. એવું કોણ છે જેણે પોતાનાં ઘરબાર અને કુટુંબ છોડીને લગભગ તદ્દન અજાણ્યા લોકો સાથે, ઘરની સંપૂર્ણ જવાબદારીના ભાર સાથે – અને ઘણી વાર તો બાકીના તમામ સભ્યોના અસહકારની શક્યતા સાથે – રહેવું પડે છે? ઘરની અંદર અને ઘરની બહાર હિંસાનો સૌથી વધુ ભોગ કોણ બને છે? કામમાં રોજે રોજ શ્રેષ્ઠ પરિણામની હકપૂર્વકની માગણીઓનો કોણે સામનો કરવો પડે છે…અને તે પણ મોટે ભાગે કોઈ પણ પ્રકારની કદર વગર? આવા પ્રતિકૂળ વાતાવરણમાં રહેવું અને તમામ જવાબદારીઓ નિભાવવી એ કામ તો સ્ત્રીઓ જ કરી શકે.

કોઈ વાર પુરુષો જો પોતાને તેમની જગ્યાએ મૂકી જુએ તો ખબર પડે! સ્ત્રીઓને હૃદયરોગ ઓછા થવાનું એક કારણ આ પણ હોઈ શકે – તેમની માનસિક મજબૂતી.

દરેક વ્યક્તિના જીવનમાં નાના મોટા પડકારો તો આવે જ છે. દરેકને કોઈ ને કોઈ નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.તેમાંથી આગળ વધવા માટે, અજાણ્યા પડકારો ઝીલવા માટે, ખાડામાંથી બહાર નીકળવા માટે અને સફળતા પ્રાપ્ત કરવા માટે દરેકે માનસિક રીતે મજબૂત થવું જ પડે છે,અને એ માટેનો કોઈ આંગળી ચીંધેલો રસ્તો નથી.દરેકે પોતાનો રસ્તો જાતે જ શોધવો પડે છે. પણ એક વસ્તુ નક્કી છે કે મજબૂત બનવા માટે સોનાની જેમ ખૂબ તપવું પડે છે, લોખંડની જેમ ટિપાવું પડે છે, કષ્ટદાયક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.

જેના એકાદા નિર્ણયમાં પણ કંઈક આઘુંપાછું થાય તો તેની અસર કરોડો લોકો પર પડવાની હોય અને આખા દેશના લાંબા ગાળાના ભવિષ્ય પર પણ આકરી અસર પડવાની હોય, એવા મહાત્મા ગાંધીએ આઝાદીની ચળવળ વખતે કેવી અપૂર્વ માનસિક સ્થિરતા રાખી હશે!

ઇતિહાસ યાદ રાખે તેવી વ્યક્તિ બનવા માટે માટે આટલું કષ્ટ અને આટલો તાપ તો સહન કરવો જ પડે ને ? એમ જ ચર્ચિલ કે ગાંધી થોડા થવાય છે !


શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.

2 comments for “વિમાસણ : માનસિક રીતે મજબૂત

 1. October 8, 2018 at 7:07 am

  शरुआत पछी आपणा के अन्य देशनी स्त्रीओ वीशे वात आवे छे. रामायणनी सीता छेवटे धरतीमां समाई गयी छे एटले ए कथाए देशमां महत्वनो भाग भजवेल छे. 

  ए वखते सीताए हीमत करी रामनो सामनो कर्यो होत तो आजे राम राम के मंदीर ने बदले आपणे आगळ वधी गया होत.

  एवी घणी स्त्रीओ वेद उपनीसेदमां आवे छे अने हारी नुकशान करेल छे. ए ज वखते सामनो कर्यो होत तो ब्रह्मा खुद भागी गयो होत अने कहेवात ब्रह्मा वीष्णु महेश बीजा ज कोई होत.  

 2. ઉમાકાન્ત મહેતા. (ન્યુ જર્સી )
  October 8, 2018 at 4:01 pm

  ક્ષમા કરશો, હું “એથીઈસ્ટ રેશનલ” નથી પરન્તુ ભાઈ શ્રી વી કે વેરાના કથનને વિચારણીય માનું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *