મંજૂષા ૧૬. વિપત્તિ નવું જીવન આપે છે

Facebooktwitterredditpinterestlinkedinmail

-વીનેશ અંતાણી

સૉફી સૅબેજ નામની મહિલાને અડતાલીસમા વર્ષે લન્ગ્સ કેન્સર ડાયોગ્નાઈઝ થયું ત્યારે તે ઘણું એડવાન્સ સ્ટેજમાં હતું. બચવાની કોઈ આશા નહોતી. તેમ છતાં સૉફી હિંમત હારી નહીં. ત્યાર પછી એને થયેલા અનુભવો વિશે એણે ‘ધ કેન્સર વ્હિસ્પરર’ નામનું પુસ્તક લખ્યું. અમેરીકાના ડૉ. પેટ્રિક હૉલ્ડ ફોર્ડ કહે છે કે આ પુસ્તક જીવન સામે પડકાર ફેંકતા અસાધ્ય રોગ દ્વારા આપણી જિંદગીને મૂળભૂત રીતે બદલવાનો માર્ગ બતાવે છે.

સૉફી સૅબેજ કહે છે: “એડવાન્સ કેન્સર સાથે જીવવાની પરિસ્થિતિ બહુ વિકટ પડકાર હતો. કેન્સર મને જમીનદોસ્ત કરી નાખવા માટે પૂરતું હતું, પરંતુ મેં મારા જીવનમાં આવેલા ભયાનક વાવાઝોડાનો ધીરજપૂર્વક સામનો કરવાનો દૃઢ નિર્ધાર કર્યો હતો. મેં સમગ્ર પરિસ્થિતિને હકારાત્મક રીતે લીધી. હું મારી ટ્રીટમેન્ટ દરમિયાન આશા ગુમાવ્યા વિના સુધારાની વાટ જોતી રહી હતી અને પ્રાર્થના કરતી રહી હતી. મારામાં અગમ્ય શક્તિ જાગવા લાગી હતી. હું અત્યાર સુધી મારામાં છુપાયેલી એવી શક્તિથી અજાણ જ હતી. મને કેન્સર ડાયોગ્નાઈઝ થયું તે અગાઉ હું મારી સામે ઊભી થતી તકલીફોને રસ્તામાં દેખાઈ જતી અજાણી વ્યક્તિની જેમ જોતી હતી, મેં એની સાથે દોસ્તી બાંધી નહોતી, પરંતુ મેં કેન્સર સાથે દોસ્તી બાંધવાનું નક્કી કર્યું હતું. આપણા જીવનમાં આવતી કોઈ પણ વિપત્તિ માત્ર એક આરંભબિંદુ હોય છે, તે અંતિમ સ્થિતિ હોતી નથી. વિપત્તિ આપણને નવું જીવન આપે છે.”

સૉફી કહે છે તેમ આપણા જીવનમાં આવતી વિપત્તિ અને તેનાથી થતા દુ:ખથી ભાગવાને બદલે એનું સ્વાગત કરવું જોઈએ. તો જ આપણે કુદરતના સામાન્ય નિયમને સમજી શકીશું. તે નિયમ છે: વિસર્જનમાં જ સર્જનની શક્યતા રહેલી હોય છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરી શકીએ તો વિપત્તિ આપણને નીચે પછાડતી નથી, પરંતુ ઉપર ઉઠાવે છે. આપણે જિંદગીને નવા અજવાળામાં જોવા લાગીએ છીએ. ખડકને તોડવાથી જ એમાંથી કશુંક નૂતન સરજાય છે. આપણી ભીતર જાગેલી તાકાત આપણામાં રહેલા ભય, નકારાત્મકતા અને નિરાશારૂપી ખડકને તોડી નાખે છે.

જીવનમાં ઊભા થયેલા પડકાર સામે લડવાની તૈયારી હોય તો ક્યારેય નિષ્ફળતા મળતી નથી. આપણી સામે ઊભી થયેલી વિપત્તિ આપણી જીવનદૃષ્ટિ અને અભિગમ બદલી શકે છે. લેખક ડેવિડ જે. શ્ર્વાર્ટઝે ડબલ્યુ. કૅલ્વિન વિલિયમ્સ નામની વ્યક્તિનું દૃષ્ટાંત આપ્યું છે. વિલિયમ્સ પાદરી બનવા માગતા હતા, પરંતુ પંદરમી માર્ચ ૧૯૪૫ના દિવસે એ ફ્રાન્સમાં ટેન્ક પાછળ ચાલતા હતા ત્યારે ટેન્ક એક સુરંગમાં ભટકાઈ. એથી ટેન્કમાં આગ લાગી. એની પાછળ ચાલતા વિલિયમ્સ હંમેશને માટે આંધળા થઈ ગયા. એમણે અણધારી વિપત્તિ સામે હાર માની નહીં અને પાદરી બનવાનું સપનું છોડ્યું નહીં. એમણે કહ્યું હતું: “મને લાગે છે કે મારો અંધાપો મારી કારકિર્દીમાં વધારે ઉપયોગી બનશે. હું કોઈ વ્યક્તિનું મોઢું જોઈ શકીશ નહીં. કોઈને જોતાંની સાથે જ આપણા મનમાં જે પ્રકારના ભાવ પેદા થાય છે એવું મારી સાથે બનશે નહીં. હું એવી વ્યક્તિ બનવા માગું છું, જેની પાસે કોઈ પણ વ્યક્તિ પોતાના મનની વાત વિના સંકોચે કહી શકે.’’ અણધાર્યા અંધાપાએ વિલિયમ્સમાં નવી બારી ખોલી હતી.

કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થતાં જ સામાન્ય રીતે લોકોનો પહેલો પ્રત્યાઘાત હોય છે – મારી સાથે આવું કેમ બન્યું. એનું કારણ છે, મોટા ભાગના લોકો કોઈ પણ પ્રકારની સાધારણ કે અસાધારણ તકલીફ માટે માનસિક રીતે તૈયાર જ હોતા નથી. એમણે માની લીધું હોય છે કે એમના જીવનમાં કોઈ પણ પ્રકારની વિપત્તિ આવશે જ નહીં. તેઓ ઊભી થયેલી પરિસ્થિતિને કારણે જન્મેલી હતાશામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા નથી અને આવેલી તકલીફના વિષચક્રમાં વધારે ફસાતા જાય છે. આપણને પરેશાન કરી નાખતી પરિસ્થિતિ મુશ્કેલ છે કે સહેલી છે તેનો આધાર આપણે એને કેવી રીતે જોઈએ છે તેના પર રહે છે. અમેરિકાના સુપ્રસિદ્ધ વિચારક થૉમસ જેફરસને કહ્યું છે: ‘દરેક વસ્તુને હંમેશાં હળવા હાથે પકડો.’ વિપત્તિને મોટું સ્વરૂપ આપવાને બદલે વાસ્તવિક ધરાતલ પર જોવાથી માર્ગ કાઢવો સહેલું બને છે.

થોડા દિવસો પહેલાં એક અખબારમાં શ્રીદેવી મહાદેવનનો સુંદર લેખ વાંચ્યો હતો. યુ.એસ.માં મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી એમની બહેનપણીને અચાનક નોકરીમાંથી છૂટી કરવામાં આવી. થોડા દિવસ પછી બહેનપણીમાં અસાધારણ પરિવર્તન જોવા મળ્યું. એણે નિરાશા, નોકરી છૂટવાનો આઘાત, પાછળ રાખીને નવેસરથી જીવવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો. શ્રીદેવી માધવન કહે છે તેમ વિપત્તિ પોષક ખાતર જેવી હોય છે, એનાથી આપણામાં પડેલાં સુષુપ્ત બીજને વૃક્ષરૂપે વિકસવાની તાકાત મળે છે. આપણા અનુભવોને ખૂબ નજીકથી તપાસીએ તો ખબર પડશે કે શરૂઆતમાં અસહ્ય લાગેલી પરિસ્થિતિમાંથી સમય જતાં શ્રેષ્ઠતમ પરિણામ મળે છે. આપણે જીવન પાસેથી સાદા વ્યાજની જ આશા રાખીએ છીએ, જ્યારે એ તો ચક્રવર્ધી વ્યાજ આપવા માગતું હોય છે.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

2 comments for “મંજૂષા ૧૬. વિપત્તિ નવું જીવન આપે છે

  1. ઉમાકાન્ત વિ.મહેતા. (ન્યુ જર્સી)
    October 8, 2018 at 5:13 am

    આફત, વિપત્તિનો સામનો કરવાનો હોય, તેનાથી ગભરાઈ સંતાવાનું ન હોય.

  2. October 8, 2018 at 6:58 am

    सेफी सेबेज पछी पादरी दाखल थई जाय छे. सेफीए पण प्रार्थनानो उल्लेख करेल छे एटले सत्यमां प्रार्थना दाखल थई गई छे. हकीकत ए छे के परीस्थीतीनो सामनो करवाथी परीणाम खबर पडे छे….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *