એક અછાંદસ કવિતા- તેની પૂર્વભૂમિકા સાથે

Facebooktwitterredditpinterestlinkedinmail

દેવિકા ધ્રુવ

પૂર્વભૂમિકાઃ

સ્પોર્ટ્સની દૂનિયામાં ગોલ્ફ એક અનોખી રમત છે.

આમ તો હું રમત-ગમતની દુનિયાનો જીવ નથી, પણ પુત્ર-પૌત્ર-પૌત્રીઓને આ ગોલ્ફની રમત રમતાં જોવાની મઝા આવી. જોતાં જોતાં રસ પડવા માંડ્યો અને ઘણું જાણવાનું પણ મળ્યું. (પ્રેમનો પ્રભાવ માનવીને ક્યાં ક્યાં લઈ જાય છે?) સાથે સાથે અંદરની પેલી કવિ-દૃષ્ટિ પણ સળવળીને કંઈક ને કંઈક કહેતી અનુભવાઈ. ખરેખર તો દરેક રમત જિંદગી જેવી જ છે અને જિંદગી પણ એક અટપટી રમત જેવી જ છે ને! આમ છતાંય આ રમતમાં કંઈક વિશેષ લાગ્યું, કારણ કે ગોલ્ફની રમતમાં ટીમથી વધારે તો વ્યક્તિગત માનસિક સંઘર્ષ અને સમતુલન છે એમ જણાયું.

૫ થી ૬ હજાર યાર્ડમાં પથરાયેલાં મેદાનમાં નિશ્ચિત અંતર પર ૧૮ વર્તુળાકારના નાના ખાડા હોય જેને અંગ્રેજીમાં hole કહેવામાં આવે છે. દરેક holeનાં અંતર જુદાં જુદાં હોય અને કેટલા ફટકામાં બોલ ‘હોલ’માં (hole) પડવો જોઈએ તે પણ મુકરર કરવામાં આવ્યું હોય છે. કોઈના ૩, ૪, કે ૫ એમ જુદા જુદા ફટકા આપવામાં આવ્યા હોય છે. જો તમે આપેલ નંબરમાં સફળ થાવ તો ‘પાર’ (par) કહેવાય.ઓછામાં સફળ થાવ તો ‘બર્ડી ‘(birdie) કે ‘ઈગલ’ (eagle) થઈ કહેવાય અને વધુ ફટકા મારવા પડે તો ‘બોગી’(bogey) કહેવાય. દરેક અંતર પ્રમાણે ગોલ્ફર, બોલને મારવાની ક્લબ એટલે કે લાકડી પસંદ કરે. દરેક ક્લબનાં પણ જુદાં જુદાં નામ હોય જેવાં કે, લાંબા અંતર માટે ડ્રાઇવર, આયર્ન, ટૂંકા અંતર માટે પટર વગેરે, વગેરે… ઘણીવાર બોલ, રેતીવાળા, ઘાસ વગરના ખરબચડા ખાડામાં પડે, કોઈવાર આજુબાજુના કોઈ ઝાડની આસપાસ પડે, તો વળી કોઈવાર પાણીના ખાબોચિયામાં પણ પડે!. એવી કોઈપણ પરિસ્થિતિમાંથી કુનેહપૂર્વક, કુશળતાથી બોલને બહાર કાઢીને ખરા લક્ષ્ય સુધી લઈ જવો પડે. ક્યારેક હળવું ‘પટીંગ’ કરવું (સરકાવવું) પડે, ક્યારેક ‘ચીપીંગ’ (બંકરમાંથી બહાર કાઢતી વખતે કરાતો સહેજ જોરદાર ફટકો) કરવું પડે. અરે, ખોટી જગાએથી બહાર કાઢવા માટે penalty પણ ભોગવવી પડે! આ રીતે એક પછી એક ૧૮ ‘હોલ’ સુધી, લગભગ ચારથી પાંચ કલાક રમત ચાલે. આટલા લાંબા રસ્તા પર ચાલવાનું તેથી walking exercise થાય, રમતની મઝા આવે, ખેલદિલીનો ગુણ કેળવાય અને રમનારની કાબેલિયત વધતી જાય.

                         Quote by Bobby Jones (Pro golfer)

                         Golf is the closest game to the game we call Life. You get bad breaks from good shots; you get good break from bad shots But you have to play the ball where it lies.

આટલી ભૂમિકા પછી તેને જ આધારે લખેલી એક અછાંદસ રચના માણો.

* * *

                   ગોલ્ફ

જિંદગી છે ગોલ્ફની રમત જેવી..

રમતાં આવડે તો ગમ્મત જેવી.

હજારો યાર્ડની દૂરી પર

એક પછી એક

કુશળતાથી તાકવાનાં

અઢાર અઢાર નિશાન!

અભિમન્યુને હતા કોઠા સાત,

અર્જુનની સામે એક જ આંખ..

એક જ પક્ષીની..

ગોલ્ફમાં તો અઢાર નિશાન.

બોલ કદી વાડમાં અટવાય,

કદી ખાડામાં અથડાય,

ક્યારેક ઝાડીમાં ફસાય,

ક્યારેક પાણીમાં પછડાય.

એક પછી એક

તાકવાનાં અઢાર નિશાન.

શાંત, સ્થિર મનથી,

સિફતપૂર્વક, સરળતાથી,

નાનકડા સફેદ ગોળાને

સીધા રાહ પર લઈ જઈ

ઓછામાં ઓછા ઝટકાથી,

છેલ્લાં નિશાનમાં વાળી દેવાનો!

‘પાર’ થાય તો સ્મિત,

‘બોગી’ થાય તો રુદન.

‘બર્ડી કરો’ તો શાન,

‘ઈગલ’ કરો તો અભિમાન.

અને એમ,

પરિસ્થિતિની પરવા કર્યા વગર,

હસતાં, રમતાં, આનંદપૂર્વક,

નાનકડા શ્વેત ગોળાને,

છેલ્લા ગોળાકારમાં ઢાળી દેવાનો..

અંતિમ લક્ષ્ય સુધી…

આદિથી અંત સુધી.

                          * * *

દેવિકા ધ્રુવનાં સંપર્કસૂત્રો :-

https://devikadhruva.wordpress.com/
email:  ddhruva1948@yahoo.com
Phone ++281 415 5169

2 comments for “એક અછાંદસ કવિતા- તેની પૂર્વભૂમિકા સાથે

 1. ઉમાકાન્ત વિ.મહેતા (ન્યુ જર્સી)
  October 7, 2018 at 3:30 am

  દેવિકા બહેન,
  કાવ્ય સમજતા પહેલા રમતની જાણ કરી તે બહુ સરસ કર્યું.રમતના જ્ઞાન વગર ““આંધળે બહેરું કુટાય ” તેવો ઘાટ થાય.
  અભિનંદન ?

 2. Niranjan Mehta
  October 7, 2018 at 10:31 am

  અછાંદસ કવિતા તો માણી પણ રમતનું જ્ઞાન આપવા બદલ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *