





જ્વલંત નાયક
હજૂ હંમણાં જ ગણેશોત્સવ પૂરો થયો. ગણેશજી એવા દેવ છે જે દરેકને વહાલા છે. શા માટે આપણે ગણેશજીને આટલું ચાહીએ છીએ? ધાર્મિક-સાત્વિક કારણો તો ખરા જ, પરંતુ કદાચ એમનો આગવો દેખાવ પણ આકર્ષણનું મોટું કારણ છે. હાથીનું મસ્તક, લાંબી સૂંઢ, સૂપડા જેવા મોટા કાન અને પ્રેમ-કરુણા નીતરતી આંખો જોનારના મનને ભાવથી ભરી દે છે. ગણેશજીના સર્વપ્રિય રૂપ માટે જવાબદાર હાથીના આવા મસ્તક પાછળની પૌરાણિક કથા જાણીતી છે. પણ આજે વાત માત્ર મસ્તકની નહિ, પણ આખેઆખા હાથીની જ કરવાની છે. પૌરાણિક કથાને આધારે કહી શકાય કે હાથીઓનું અસ્તિત્વ એ યુગમાં પણ હતું જ, અને આજે ય છે. પરંતુ કમનસીબે હવે પછીના યુગ વિષે ખાતરીપૂર્વક કશું કહી શકાય એમ નથી!
અત્યારે આખી દુનિયામાં હાથીઓની માત્ર ત્રણ જ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે.
(૧) સવાના એલીફન્ટ (૨) આફ્રિકન ફોરેસ્ટ એલીફન્ટ અને (૩) એશિયન એલીફન્ટ. આ પૈકી પ્રથમ બે પ્રજાતિઓ આફ્રિકામાં જોવા મળે છે અને એશિયન એલીફન્ટ ભારત સહિતના કેટલાક એશિયાઈ દેશોમાં જોવા મળે છે. સવાના એલીફન્ટ તો પૃથ્વીના ‘સૌથી વિશાળ જીવિત પ્રાણી’ તરીકે ઓળખાય છે. કારણકે આજની તારીખે પૃથ્વીના પટ ઉપર એનાથી મોટા કદનો એક્કેય જીવ હયાત નથી! પણ જીવવિજ્ઞાનીઓના મતે ‘લીવીંગ લિજન્ડ’નું અસ્તિત્વ ખતરામાં છે, જો કાળજી નહિ રાખીશું તો આવનાર દશકોમાં સવાના એલીફન્ટ પણ ડાયનોસોરની જેમ ભૂતકાળ બનીને રહી જશે. જો કે આવી વાતો ‘આધુનિક માનવ’ માટે અરણ્યરુદન જેવી જ ગણાય. કારણકે આજના યુગમાં સંબંધો માત્ર અને માત્ર ‘ઉપયોગીતા’ને આધારે જ ટકે છે! પૂર્વે હાથીઓનો ઉપયોગ માલવાહક તરીકે થતો, યુદ્ધમાં પણ એ મોટો ભાગ ભજવતા. પણ હવે શસ્ત્રો-મશીનો આવતા એ ઉપયોગીતા ઓછી થતી ચાલી. હવે આપણને માત્ર હાથીદાંત પૂરતી જ ગરજ છે! આથી ‘હાથી બચાવો’ની ઝુંબેશને બદલે હાથીઓની કેટલીક બૌદ્ધિક ક્ષમતાઓ વિષે જાણકારી મેળવવી જોઈએ. એમાંથી કશુંક કામનું લાગે તો સ્વાર્થી માનવ હાથીને બચાવી લે, એમ બને!
સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સીટીના સંશોધકો એન સ્મેટ અને પ્રોફેસર રીચાર્ડ બાયરને સવારી માટેની તાલીમ પામેલા કેટલાક જંગલી હાથીઓને માત્ર મૌખિક સંકેતો દ્વારા ‘માર્ગદર્શન’ આપવાનું શરુ કર્યું. આ માટે શરુ શરૂમાં તેમણે બે પ્લાસ્ટિક બકેટ હાથી સામે મૂકી. ત્યાર બાદ મૌખિક રીતે અને થોડા ઇશારાઓની મદદથી બે પૈકીની એક ખાસ બકેટ ઉપાડવા જણાવાયું. સ્વાભાવિક રીતે જ સંશોધકોએ જે બકેટ ઉપાડવાનો નિર્દેશ કર્યો એમાં હાથીને ભાવતો ખોરાક મુકવામાં આવેલો. આવો ‘સ્વાદિષ્ટ લાભ’ મળવાને કારણે, વારંવાર થતાં પ્રયોગો સમયે, હાથીઓને ધીમે ધીમે સંશોધકોના આદેશ પ્રમાણે વર્તવાની ટેવ પડવા માંડી. પછી તો એક સમય એવો આવ્યો કે સંશોધકો કોઈ પણ પ્રકારના હાવભાવ વ્યક્ત કર્યા સિવાય, માત્ર મૌખિક સંદેશાઓ આપવા માંડ્યા. હદ તો ત્યારે થઇ જ્યારે સંશોધકો હાથીની પાછળ ઉભા રહીને સંદેશાઓ આપ્યા, જેથી હાથી તેમને જોઈ ન શકે, છતાં, માત્ર મૌખિક આદેશો સાંભળીને હાથીઓએ બરાબર તે મુજબનું વર્તન કરી બતાવ્યું!
સામાન્ય રીતે, જ્યારે પણ કોઈ જાનવરોને તાલીમ આપવાની હોય, ત્યારે ‘હાવભાવ’-બોડી લેન્ગ્વેજ દ્વારા થતી અભિવ્યક્તિ, ભાષા કરતાં વધુ મહત્વની પુરવાર થાય છે. ઘોડા અને કૂતરા જેવાં પાળી શકાતાં પ્રાણીઓને આ રીતે જ તાલીમ આપવામાં આવે છે. પરંતુ એન સ્મેટ અને પ્રોફેસર રીચાર્ડ બાયરનના સંશોધન પ્રમાણે હાથીઓ, ‘સમજશક્તિ’ અને ‘ગ્રહણશક્તિ’ની બાબતે બીજા તમામ પાલતુ જાનવરો કરતાં હોંશિયાર સાબિત થયા!
એન સ્મેટના કહેવા મુજબ, મૌખિક સંદેશાઓ સમજવામાં હાથીઓએ બતાવેલી હોંશિયારી ખરેખર આશ્ચર્યજનક છે. કારણકે મનુષ્ય સહિતના દરેક પ્રાણીમાં કેટલાંક સ્વભાવગત લક્ષણો અને શક્તિઓ જન્મજાત હોય છે. પરંતુ અમુક બાબતો એવી હોય છે, કે ગમે એટલું કેળવવા છતાં શીખી શકાતી નથી. જેમ કે, જંગલી વાઘને ગમે એટલું કેળવો, તો પણ એ સંપૂર્ણ શાકાહારી બની શકતો નથી! તેજ પ્રમાણે, નૃવંશશાસ્ત્ર મુજબ જો કોઈ પ્રાણી મૌખિક સંદેશાઓ ‘સમજી’ શકે (અહીં માત્ર ‘સાંભળવું’ અને ‘સમજવું’, એ બે તદ્દન અલગ બાબતો છે), તો એ પ્રાણી મૂળભૂત રીતે આ પ્રકારની શક્તિઓ ધરાવતું હોય એ જરૂરી છે, દા.ત. માનવી! ગમે એટલું કેળવવા છતાંયે કોઈ પ્રાણી આ પ્રકારની આવડત મેળવી શકતું નથી. પ્રયોગોને અંતે હાથીઓ મૌખિક સંદેશાઓ સમજી શક્યા, એ બતાવે છે, કે તેઓ માણસની જેમ જ, મૌખિક સંદેશાઓ સમજવાની મૂળભૂત શક્તિ ધરાવે છે! ગોરીલા અને ચિમ્પાન્ઝી જેવાં, આપણા જ વંશના (અને આપણા પૂર્વજો એવાં) પ્રાણીઓ પણ મૌખિક સંકેતો સમજતા હોય એમાં નવાઈ નહિ.
આ ઉપરથી એક વાત સાબિત થાય છે, કે માત્ર મનુષ્ય જ નહિ, પણ હાથી જેવાં બીજા પણ કેટલાંક પ્રાણીઓ એવાં હોઈ શકે છે, જે મૌખિક સંદેશાઓ સમજી શકે. કદાચ બીજી ઘણી બાબતો એવી હોઈ શકે, જે અત્યાર સુધી માત્ર માનવમાં જ જોવા મળી છે. જો યોગ્ય દિશામાં અભ્યાસ થાય અને સફળતા મળે, તો હાથીની જેમ બીજા ઘણા પ્રાણીઓની એવી શક્તિઓ વિષે આપણને માહિતી પ્રાપ્ત થાય. અને પ્રાણીઓની આ શક્તિઓને કોઈક રીતે ઉપયોગમાં લઇ શકાય તો ચમત્કારિક પરિણામો પણ મળી શકે!
જો આવું હોય તો બીજા પ્રાણીઓ વિશેની આવી માહિતી બને એટલી ઝડપથી ભેગી કરવી જોઈએ. કેમકે મશીનના આ યુગમાં હાથી જેવા માલવાહક પ્રાણીઓની ઉપયોગીતા ઘટી રહી છે. અને જેનો કોઈ ઉપયોગ ન હોય એવા સજીવો આપણા કહેવાતા ‘સભ્ય સમાજ’માં અળખામણા બની જતા હોય છે! બાકી ‘સેવ ટાઈગર’ કે ‘સેવ એલીફન્ટ’ના આર્તનાદ ભૌતિકવાદ તરફ આંધળી દોટ મૂકતા આધુનિક માણસના કાન સુધી ભાગ્યે જ પહોંચે છે. કાશ… આપણા કાન પણ સૂપડા જેવા હોત!
શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.