ફિર દેખો યારોં : કરના થા ઈકરાર, મગર ઈન્કાર ઈસી સે કર બૈઠે

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

કોઈ પણ સમસ્યાનો ઊકેલ આપણે ધારીએ છીએ એટલો અઘરો નથી હોતો. સમસ્યાને ઊકેલવાની બે પ્રચલિત પદ્ધતિઓ આપણે ત્યાં છે. જે તે સમસ્યા હોવાનો જ ઈ‍ન્કાર કરી દેવો એ સૌથી લોકપ્રિય પદ્ધતિ છે. સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરવા એ બીજી પદ્ધતિ છે, જે પહેલી પધ્ધતિની સરખામણીએ કંઈક ધોરણસરની કહી શકાય, કારણ કે તેમાં સમસ્યાના અસ્તિત્ત્વનો સ્વીકાર છે. જે તે સમસ્યાને જાણીને, તેના મૂળમાં જઈને કારણોને ઓળખીને, તેને નાબૂદ કરવાનું આયોજન અને એ આયોજન માટેનાં પગલાં લેવાની પણ એક પદ્ધતિ છે. મોટે ભાગે પહેલી બે પદ્ધતિમાં જ સમસ્યા ઊકલી જતી હોવાથી ત્રીજા વિકલ્પ સુધી જનારા સાવ ઓછા હોય છે.

માનવમળનું વહન કરનારા વર્ગ બાબતે આમ જ છે. એક તરફ આવી કોઈ પ્રથા હવે નાબૂદ થઈ ગઈ હોવાનું મોટા ભાગના લોકો માની રહ્યા છે. સરકારે તેને કાયદાકીય રીતે પણ પ્રતિબંધિત કરી છે. ગટરની સફાઈ માટે તેમાં ઊતરનારા સફાઈ કામદારોની સમસ્યા બાબતે સાવ આવું નથી. એટલું આશ્વાસન લઈ શકાય કે લોકો આ પ્રથાના અસ્તિત્ત્વનો સ્વીકાર કરે છે. સફાઈ કામદારોના હિત માટે સરકાર દ્વારા રચાયેલા નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારી (એન.સી.એસ.કે.) દ્વારા એકઠા કરાયેલા આંકડા અનુસાર દેશભરમાં 1 જાન્યુઆરી, 2017 થી લઈને આજ સુધીમાં સરેરાશ પાંચ દિવસે માનવમળનું વહન કરતા એક સફાઈ કામદારનું મૃત્યુ થાય છે. આ સંસ્થા દ્વારા એકત્ર કરાયેલા આંકડા અખબારી અહેવાલોના આધારે તેમજ કેટલાક રાજ્યોની સરકાર તરફથી પ્રાપ્ત થયા છે. આવો આ પહેલવહેલો અધિકૃત સરકારી પ્રયાસ છે.

એન.સી.એસ.કે.ના અહેવાલ અનુસાર જાન્યુઆરી, 2017 થી કુલ 123 લોકો આ રીતે જાન ગુમાવી ચૂક્યા છે. અલબત્ત, અમુક અધિકારીઓના મતે મૃત્યુનો આંકડો ઘણો વધુ હોવો જોઈએ, કેમ કે, પૂરતી માહિતીના અભાવને કારણે સાચા આંકડા ઊપલબ્ધ થઈ શકતા નથી. બીજી એક વાત એ છે કે આ સંખ્યા માનવમળનું વહન કરતા લોકોના મૃત્યુની છે. હજી ગટર કે સેપ્ટિક ટેન્‍કની સફાઈ કરતાં મરણ પામેલા કામદારોનો આમાં સમાવેશ થયો નથી. કુલ 28 રાજ્યો અને સાત કેન્‍દ્રશાસિત પ્રદેશો પૈકી કેવળ 18 રાજ્યોના 170 જિલ્લાઓના જ આ આંકડા છે અને મુખ્યત્વે અંગ્રેજી તેમજ હિન્દી અખબારોમાં પ્રકાશિત સમાચારોને આધારે તેની ગણતરી કરવામાં આવી છે. પ્રાદેશિક અખબારોમાં પ્રકાશિત સમાચાર ગણતરીમાં લે તો હજી આ આંકડો ઘણો મોટો હોઈ શકે. હરિયાણા, ઊત્તર પ્રદેશ, દિલ્હી અને ગુજરાતમાં આ આંકડો સૌથી વધુ અને આ જ ક્રમમાં છે.

આ અહેવાલ અનુસાર, આ અરસામાં સૌથી ઓછાં, ફક્ત બે મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જો કે, 2011 ની વસતિગણતરી અનુસાર મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં બધું મળીને 65,181 ઘર એવાં છે કે જેમાંની ઓછામાં ઓછી એક વ્યક્તિ માનવમળના વહનકાર્ય સાથે સંકળાયેલી છે. એ રીતે આ વિસ્તારની ટકાવારી ભારતભરમાં સૌથી વધુ, એટલે કે ભારતીય ગ્રામ્યવિસ્તારમાંના 35 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. વસતિ ગણતરીના આ આંકડાઓમાં શહેરી વિસ્તારના ગટરની સફાઈ કરતા કર્મચારીઓનો સમાવેશ થતો નથી. એન.સી.એસ.કે.ના અધ્યક્ષ મનહર ઝાલાના જણાવ્યા મુજબ તેઓ આ કાર્યમાં સંકળાયેલા લોકોની વિગત રાજ્ય સરકાર પાસે વારેવારે માગે છે, પણ રાજ્ય સરકારો આવી પ્રથા ચાલુ હોવાનો જ ઈન્‍કાર કરી દે છે. પરિણામે ઘણા કિસ્સાઓમાં મૃતકના પરિવારજનોને વળતર સુધ્ધાં મળતું નથી. આનો દાખલો એ કે દોઢેક વર્ષમાં થયેલાં 123 મૃત્યુના કિસ્સાઓમાંથી કેવળ 70 મૃતકોના પરિવારજનોને જ વળતર ચૂકવાયું છે, જેનો સરવાળો છે દસ લાખ રૂપિયા. આનો અર્થ એ થયો કે એક પરિવારને સરેરાશ માંડ ચૌદ હજાર રૂપિયા જેટલું જ વળતર ચૂકવાયું. આના પરથી એ કામદારોને વેતન કેટલું મળતું હશે એ અંદાજ પણ મનમાં મૂકવા જેવો છે.

અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 170 જિલ્લાઓ પૈકી કેવળ 109 દ્વારા જ માહિતી પૂરી પાડવામાં આવી છે. તેમાંથી માત્ર 62 જિલ્લાઓના પ્રશાસને ઓછામાં ઓછો એક એવો સફાઈ કામદાર હોવાનું જણાવ્યું છે કે જે માનવમળનું વહન કરતો હોય. કોઈ પુરાવો નથી, છતાં આપણા તંત્રની કામગીરીથી પરિચીત હોવાથી સમજાય કે આ કામ તેમણે માત્ર કરવા ખાતર કર્યું છે અને સાચા આંકડા એકઠા કરવાની તસ્દી લીધી જણાતી નથી.

હજી ઘણા ‘નિર્દોષ’ નાગરિકો માને છે કે આપણે ત્યાં વર્ણપ્રથા નથી, કેવળ આર્થિક અસમાનતા જ પ્રવર્તે છે અને તેનો નિકાલ આવી જાય તો સામાજિક અસમાનતા જેવું કશું રહે જ નહીં. દેશ ગમે એવો વિકાસ કરે અને ગમે તેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ થાય, સફાઈની મૂળભૂત સમસ્યાનો ઊકેલ સફળતાપૂર્વક અપનાવવામાં ન આવે ત્યાં સુધી તે પછાત જ ગણાય. માનવગૌરવ સ્થાપવાની વાત તો એ પછી આવે.

‘સફાઈ કર્મચારી આંદોલન’(એસ.કે.એ.)ના સ્થાપક બેઝવાડા વિલ્સનના જણાવ્યા મુજબ બાકીના ત્રણસો જિલ્લાઓમાં અને ગટર તેમજ સેપ્ટિક ટેન્‍કના સફાઈ કામદારોને પણ આ સર્વેક્ષણમાં સમાવી લેવાની તેમની વારંવારની ભલામણને કેન્‍દ્ર સરકાર અવગણી રહી છે. આ સંસ્થાએ નોંધાયેલા ગુનાઓના આંકડા તૈયાર કરતા ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો’ને પણ આવાં મૃત્યુની નોંધણી અલાયદી કરવા માટે સૂચવ્યું હતું, જેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો. પણ એ પછી તેનો અમલ થયો નથી.

‘સ્વચ્છતા અભિયાન’ના રૂપાળા નામ હેઠળ ગાંધીચશ્માના પ્રતીક હેઠળ પાટિયાં પર ઝુંબેશ ચલાવવી એક વાત છે, અને આ સમસ્યાના ઊકેલ તરફ નક્કર કદમ માંડવા બીજી વાત છે. અત્યારે તો સરકારનો એટલો ઊપકાર માનવો રહ્યો કે આ પ્રથાને તેમણે ‘રાષ્ટ્રીય ગૌરવ’ તરીકે ઘોષિત કરી નથી અને આવી પ્રથા ધરાવતા આપણે વિશ્વના એક માત્ર અને સૌથી પુરાણા દેશ હોવાનો દાવો કર્યો નથી. આટલું થાય તો પણ આ પ્રથાના અસ્તિત્ત્વનો સ્વીકાર તો થશે! હાલની પરિસ્થિતિમાં આ પ્રથાનો સ્વીકાર થાય એ કંઈ ઓછું આશ્વાસન નથી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭-૯-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *