





-દયારામ
(પૂર્વભૂમિકા :
એકવાર શ્રી કૃષ્ણે રાધિકાના મુખની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘રાધિકે, તું તો ચંદ્રમુખી છે.’ બસ, રાધિકાને આમાં તો માઠું લાગી ગયું, કેમ કે ચંદ્રમાં તો ડાઘ હોય! દયારામે તેમના આ પદને રાધિકામુખે મૂક્યું છે અને શ્યામ એવા કૃષ્ણ સાથેના મધુર રિસામણાને અહીં એવી રીતે અભિવ્યક્ત કરવામાં આવ્યું છે કે હવેથી તે શ્યામ રંગ સમીપે જશે નહિ.)
શ્યામ રંગ સમીપે ન જાવું
શ્યામ રંગ સમીપે ન જાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું
જેમાં કાળાશ તે તો સૌ એકસરખું
સર્વમાં કપટ હશે આવું
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં
કાજળ ના આંખમાં અંજાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું
કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને
કાગવાણી શકુનમાં ન લાવું
નીલાંબર કાળી કંચૂકી ન પહેરું
જમનાનાં નીરમાં ન ન્હાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું
મરકતમણિ ને મેઘ દૃષ્ટે ના જોવા
જાંબુ વંત્યાક ના ખાવું
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો
મન કહે જે પલક ના નિભાવું
મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું
સૌજન્ય : www.mavjibhai.com