બંસી કાહે કો બજાઈ: પ્રકરણ ૧૬

Facebooktwitterredditpinterestlinkedinmail

લેખિકા : નિર્મલા દેશપાંડે

અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે

હરિયાલી તીજ (હરિતાલિકા વ્રત)નો દિવસ ઉગ્યો. જાંબુડીના ઝાડ પર ચઢી સિકત્તર અને રામરતને એક મજબૂત ડાળ પર હિંડોળાની રસ્સી બાંધી. રંધો મારી મારીને લિસી – લસ્સ કરેલી સાગની પાટલીમાં દોરડું પરોવવામાં આવ્યું હતું.

સત્વંતકાકીએ જામુની – મિથ્લાને નવડાવીને બપોરના જ બંગલે મોકલી હતી. અહીં શેખરને તલ અને ખસખસના ઉબટનથી વિધિવત્ નવડાવવામાં આવ્યો હતો. આસપાસની વસ્તીમાં જે મળે તેને હરિયાલી તીજના ઝૂલા – બંધનનું આમંત્રણ આપી આપીને સિકત્તર થાકી ગયો હતો.

સાંજ પડવા લાગી. આકાશ કિરમજી રંગનું થયું. હિંડોળાના પાટિયા નીચે રંગોળી કાઢી રહેલી ચંદ્રાવતીની નજર વારંવાર ઠંડી સડક પર ભટકતી હતી. હવાની એક લહેર આવી અને તેની રંગોળી વિખરાઈ ગઈ.

જામુની અને મિથ્લા ત્યાં આવી પહોંચી હતી. તેમની સેંથીમાંથી સરકતી બિંદીને ચંદ્રાવતી ફરી ફરી હૅર પિનથી મૂળ જગ્યાએ બેસાડવાનો પ્રયત્ન કરતી હતી. નવાં સીવેલાં ઘાઘરી – ચોળી બન્ને બહેનોને બરાબર બંધ બેસતા થયા હતા. ચંદ્રાવતીએ તેમનાં ચહેરા પર પાઉડર, આંખોમાં કાજળ અને કપાળ પર વરખનાં ચાંદલિયા લગાડ્યાં હતાં. બે ભમ્મર વચ્ચે ચંદન – કંકુની ટિલીઓ તથા હોઠ તથા ગાલ પર ગુલાબી રંગની સુરખી કરી હતી!

બંગલામાં શેખર માટે ભરપુર ગળી નાખેલ ટાલ્કમ પાવડરનો લેપ તૈયાર કરી તેના આખા શરીરે ચોપડવામાં આવ્યો અને હવે નીલા રંગના થયેલા શેખરના ખભા પર જાનકીબાઈએ કાળી શાલ પહેરાવી કાલીકમલીવાળો શ્યામ બનાવ્યો હતો. ચંદ્રાવતીના નાનપણમાં બનાવેલાં ઝાંઝર પહેરી શેખર છમ્ છમ્ ડગલાં ભરતો સિકત્તરની સાથે ઝૂલાની નજીક આવ્યો. તેના માથા પરના મુકુટ પર જડેલું મોરપીચ્છ ચમકતું હતું.

આકાશ હવે વાદળાંઓથી ઘેરાઈને ઘનઘોર થયું. પવન ફૂંકાવા લાગ્યો હતો અને ઝાડ પર પાકેલાં જાંબુ ટપોટપ જમીન પર પડતા હતા. વરસાદના મોટાં મોટાં ટીપાં પડવાની શરુઆત થઈ ન થઈ એટલામાં હવા વેગથી ફૂંકાઈ અને વાદળાં વિખરાઈ ગયા. વરસાદ થંભી ગયો. માટીની સુગંધમાં જમીન પર પડેલી કેરી અને પાકી લિંબોળીની મધુર – કટૂ મિશ્ર સુગંધ પમરાતી હતી. દૂર જંગલમાંથી આવતો મોરનો કેકારવ અને આજુબાજુનાં વૃક્ષોમાંથી આવતા કોયલના ટહૂકાર ધારધાર છરીઓની જેમ ચંદ્રાવતીના કાળજાના કટકા કરતા હતા.  ગામમાંથી મંગાવેલ પેટ્રોમૅક્સની બત્તીઓ ઝાડની નીચે આવી પહોંચી હતી.

હૉસ્પિટલની આજુબાજુ રહેતા બાળગોપાળ, ઘરડાં અને જુવાનોનું ટોળું હિંડોળા ફરતું ભેગું થયું હતું. પૂજાઘરમાંથી લાવેલા બાળકૃષ્ણની સ્થાપના હિંડોળા પર કરવામાં આવી અને લોકોએ મૂર્તિ પર ગુલાલ ઉછાળીને કાનજીનું સ્વાગત કર્યું.

પીતાંબર પહેરીને ડૉક્ટરસાહેબ વરંડાનાં પગથિયાં ધીમે ધીમે ઉતર્યા અને હિંડોળા તરફ આવ્યા. ચહેરા પર ઘૂંઘટ ખેંચી સત્વંતકાકી ઝાડની પાછળ જઈને ઉભા રહ્યાં. તેમની પાછળ ખડી હતી ચંદ્રાવતી. ડૉક્ટરસાહેબની પાછળ પાછળ જાનકીબાઈ ઝૂલા પાસે આવ્યા. બન્નેએ મળી પૂજાઘરમાંથી લાવેલા કૃષ્ણની મૂર્તિની પધરામણી હિંચકા પર કરી અને તેમની પૂજા કરીને ડૉક્ટરસાહેબ પાછા બંગલામાં ગયા. ત્યાર બાદ આ મૂર્તિની પધરામણી વાજત ગાજતે પાછી પૂજાઘરમાં થઈ. બંગલાના કમ્પાઉન્ડમાં જાંબુડીની નીચે ભેગા થયેલ બાળકો સિસોટી, પિપૂડી, ડમરુ, થાળ – જે હાથમાં આવ્યું તે લઈને જોર જોરથી વગડતા હતા.

શ્રીકૃષ્ણની પધરામણી પૂજાઘરમાં થતાં શેખર અને જામુનીને હિંચકા પર બેસાડવામાં આવ્યા. જામુનીની બાજુમાં બેઠી હતી મિથ્લા. નાનકડાં રાધા – કૃષ્ણને ઝૂલાવવા લોકો આગળ આવ્યા. બડેબાબુજી ખૂબ ભક્તિભાવપૂર્વક આરતી ગાવા લાગ્યા :

“આરતી કુંજબિહારી કી, ગિરિધર ક્રિશન-મુરારી કી

ગલેમેં પહની બૈજન્તીમાલા, બંસી બજાવૈ મુરલીવાલા

પ્રીત હૈ ગોપ કુમારી કી”

જાંબુડીના થડ પાસે ઊભી ચંદ્રાવતીને હસવું આવ્યું. ‘આ છે આપણી સંસ્કૃતી! એક તરફ વાસ્તવિક જગતમાં બે માનવીઓ વચ્ચે જોડાતા મનના ધાગા તો તડાતડ તોડી નાખવામાં આવે છે અને બીજી બાજુ કાલ્પનિક પ્રિતીનાં મધુરાં ગીતો ગવાય છે!’

પાંચ વાટની બનાવેલી આારતીનો થાળ હાથમાં લઈ બડેબાબુજીએ આરતી પૂરી કરી. ‘નિછાવર’ના – રાધાકૃષ્ણને ચઢાવેલા – સિક્કાઓથી થાળ ભરાઈ ગયો. આવતી કાલે આ પૈસાથી ખરીદેલી મિઠાઈ આસપાસના લોકોને ઘેર પહોંચાડવામાં આવશે.

ભેગાં થયેલા લોકો એક એક કરીને આવતા ગયા અને ‘રાધા – કૃષ્ણ’ના પગ પર મસ્તક ટેકવી નમસ્કાર કરવા લાગ્યા. તેમને આશીર્વાદ આપવા માટે શેખર – જામુનીનાં નાનકડા હાથ ઊંચા થતા હતા. રાધા – કૃષ્ણને પગે લાગવાનો કાર્યક્રમ પાર પડ્યા પછી લીલા – પીળા ઘાઘરા અને ઓઢણી પહેરેલી છોકરીઓ હિંડોળા ફરતાં ચક્કર મારી ગીત ગાવા લાગી :

‘બંસી કાહે કો બજાઈ – ઈત્તી ક્યા પડી થી

અભ્ભી મેરી ગોદમેં ગુડ્ડા -ગુડ્ડી જોડી થી


બંસી કાહે કો બજાઈ – ઈત્તી ક્યા પડી થી

નીમ તલે મૈં તો મેરે આંગનમેં ખડી થી

બાલી-સી ઉમરિયા, મૈં બારહ-કી મોડી થી


બંસી કાહે કો બજાઈ – ઈત્તી ક્યા પડી થી

વચ્ચે જ એકાદ સાવન પણ ગવાઈ જાય છે.

ગીતો પૂરા થયા. હવે હિંચકો બાકીના બધા બાળકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો અને તેના પર બેસવા બાળકોનો ધસારો શરુ થઈ ગયો. અહીં ઝૂલા પરથી ઉતરતાં વેંત શેખરે ખભા પરની કામળી અને હાથમાંની વાંસળી જમીન પર ફેંકી. માથા પરનો મુકુટ ખેંચી કાઢ્યો અને બોલ્યો, “હટ્, અગલી સાલ હમ તો ક્રિશન નહી બનેંગે.”

“કેમ અલ્યા, શા માટે નહી?” જમીન પરનો મુકુટ ઉપાડતાં ચંદ્રાવતીએ પૂછ્યું.

“તો ફિર રાધારાનીકી ક્યા હાલત હોગી, ક્રિશન ભગવાન?” આસપાસ જાનકીબાઈ નથી તે જોઈને સિકત્તર બોલ્યો.

“ઔર કોઈ ભી બન સકતા હૈ. હમ અબ બડે હો ગયે હૈં. આશીર્વાદ દે -દે કર હાથ ભી દુખને લગા,” શેખર ગુસ્સામાં હતો!

“હવે ઘરમાં આવો. પ્રસાદના દોણાં ભરવાના છે,” જાંબુડીની નીચે હાંફળા થઈને આવેલાં જાનકીબાઈએ ચંદ્રાવતીના ખભાને સ્પર્શ કરીને કહ્યું.

“આ જો, આવી જ..”

પેટ્રોમૅક્સની બત્તી સમ્ સમ્ કરીને ધગધગતી હતી. જાણે ચંદ્રાવતીના મનમાં ઉઠેલી કળનાં સિસકારાને વાચા આપી રહી હતી.


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *