પરિસરનો પડકાર ૧૫ : ભારતમાં મળી આવતાં હરણ [૨]

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા

પ્રિય વાચક, ગયા લેખમાં આપણે ભારતના જંગલોમાં મળી આવતા હરણોની કુલ ૯ પ્રજાતિઓ પૈકી પાંચ પ્રજાતિઓ વિષે માહિતગાર થયા. ચિતલ અથવા સ્પોટેડ ડિયર, સાબર અથવા તો સાંભર, બારાસિંઘા અથવા સ્વામ્પ ડિયર, ડાન્સીંગ અથવા થામીન અથવા તો બ્રો એંટલર્ડ ડિયર અને હોગ ડિયર (પાર્હા). આજે આપણે બાકીની ચાર અગત્યની પ્રજાતિઓથી માહિતગાર થશું.

૧. બાર્કિંગ ડિયર/ઇંડિયન મુંટજેક:(Muntiacus muntjack)

ચિતલ, સાંભર અને હોગ ડિયરથી પણ કેટલાક અંશે નાનું કદ ધરાવે છે. તેના શીંગડાં નાના અને શાખા વગરના હોય છે. ચામડીનો રંગ રતાશ પડતો ભૂખરો હોય છે. એક પુખ્ત નર મુંટજેકમાં ‘રાક્ષી’ (Canine) દાંત સારી પેટે વૃદ્ધિ પામેલા હોય છે જેનો ઉપયોગ દુશ્મન સામે રક્ષણ મેળવવા માટે કરવામાં આવે છે. ભારતના મોટાં ભાગના જંગલોમાં બાર્કિંગ ડિયરની ઉપસ્થિતિ જોવા મળે છે. આ હરણ મોટે ભાગે ગીચ જંગલમાં રહેવાનુ પસંદ કરે છે અને સામાન્યત: નાના ટોળાંમાં ફેમિલીના અન્ય સદસ્યો સાથે રહેતાં હોય છે. પર્વતીય વિસ્તારોમાં અંદાજિત આઠથી નવ હજાર ફૂટની ઊંચાઈ સુધી ભ્રમણ કરે છે. અન્ય હરણોની માફક મુંટજેકને પણ આંખોની નીચે ‘સેંટ ગ્લાંડ’ આવેલી હોય છે અને વધારામાં તેના કપાળમાં પણ એક ગ્રંથિ આવેલી હોય છે. આ ગ્રંથિઓમાંથી ખાસ પ્રકારનો રસ ઝરે છે જે પ્રજનન સમય વખતે માદા મુંટજેકને આકર્ષવા માટે હોય છે. મુંટજેક પાંદડાં, ઘાસ અને અન્ય જંગલી ફળ ખાય છે. ભયસૂચક પરિસ્થિતિઓમાં કૂતરાની માફક ભસતું હોય તેવો અવાજ કાઢીને ઝાડીમાં છુપાય જાય છે.

૨. કાશ્મીર સ્ટેગ/ હંગુલ (Cervus elaphus hanglu):


કાશ્મીર સ્ટેગ અથવા તો હંગુલ પ્રજાતિ યુરોપમાં થતી ‘રેડ ડિયર’ પ્રજાતિની વધારે નજીક છે અને શ્રીનગરથી ઉપરના ભાગમાં આવેલ ‘દચીગામ’ વિસ્તારમાં જ ફક્ત જોવા મળે છે. વિસ્તારની દ્રષ્ટિએ મણિપુરના ડાંસિંગ ડિયરની માફક કાશ્મીરના ખીણ વિસ્તારમાં જ જોવા મળે છે. કોઈપણ એક ખાસ વિસ્તારમાં જ જ્યારે પશુ/પક્ષી નિવાસ કરતાં હોય તેવી પ્રજાતિઓને ‘એંડેમિક સ્પિસિસ’ કહેવામા આવે છે. આ પ્રકારનું ‘એંડેમીઝ્મ’ ઘણી વનસ્પતિઓમાં પણ જોવામાં આવતું હોય છે. હંગુલ પ્રજાતિ સિઝનથી અતિ પ્રભાવિત રહે છે. ઋતુ પ્રમાણે હંગુલ સ્થળાંતર કરતાં જોવામાં આવે છે. હંગુલ પોતાના નિવાસ-ક્ષેત્રમાં ફર્યા કરવાનું પસંદ કરે છે. નર અને માદા ફક્ત પ્રજનન કાળ દરમ્યાન જ નજદીક આવે છે. બચ્ચાઓની સંભાળ માદા હંગુલ મારફત કરવામાં આવે છે.

3. હિમાલયન કસ્તુરી મૃગ (મસ્ક ડિયર): Moschus leucogasterઘણી ઊંચાઈવાળા વિસ્તારોમાં અનુકૂલન સાધી જીવનારું હિમાલયન મસ્ક ડિયર એટ્લે કે કસ્તુરી મૃગના પહોળા આંગળા અને સારા એવા વિકાસ પામેલા તીક્ષ્ણ નહોર તેને ગમે તેવા ઢોળાવ પર સ્થિર રહેવા માટે ઉપયોગી બને છે. તેના શરીર પર આવેલા ઘટ્ટ અને ખરબચડા વાળ અને હવા ભરેલા કોષ અત્યંત ઠંડા વાતાવરણમાં રક્ષણ પૂરું પડે છે. ‘સર્વિડી’ કુળમાં સમાવિષ્ટ અસલ હરણની પ્રજાતિઓને ‘એંટલર’ (શિંગડાં) હોય છે તે આપણે જાણીએ છીએ પરંતુ કસ્તુરી મૃગને ‘એંટલર’ હોતાં નથી. કસ્તુરી મૃગને, દેખાવમાં હાથીદાંત જેવા લાગતાં રાક્ષી દાંતની (Canine teeth)જોડ આવેલી હોય છે જે તેની ઉમરની સાથે વૃદ્ધિ પામતી રહે ચ્હે અને અંદાજિત દસ સેન્ટિમીટર જેટલી લંબાઇ ધારણ કરી શકે છે. શરીરનું કદ બેઠા આકારનું ધરાવે છે. આગળના બે પગ ટૂંકા અને પાતળા હોય છે જ્યારે પાછળના બંને પગ લાંબા અને વધારે મજબૂત હોય છે. આ પ્રકારના શારીરિક લક્ષણોને કારણે કસ્તુરી મૃગનો વળાંક ધરાવતો આકાર તેને દોટ મૂકવાને બદલે ઠેકડા મારીને આગળ વધવા માટે અનુકૂળતા કરી આપે છે. હિમાલયન કસ્તુરી મૃગ, તેના નર જાતિના પેડુ (એબડોમેન)ની અંદરના ભાગમાં ઝરતાં ખાસ પ્રકારના ચીકણા સુગંધિત રસ, કસ્તુરી માટે અત્યંત લોકપ્રિય છે. આ કસ્તુરીનો ઉપયોગ નર મૃગ પોતાનું વિસ્તારલક્ષી આધિપત્ય સ્થાપવા માટે અને પ્રજનન કાળ દરમ્યાન તેના પ્રતિસ્પર્ધી મૃગને દૂર રાખવા માટે કરે છે. કસ્તુરીની સુવાસને કારણે સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગમાં તેનો બહોળા પ્રમાણમા ઉપયોગ થતો આવ્યો છે. કમનસીબે, કસ્તુરી મૃગનો શિકાર પણ આવા કારણથી મોટા પ્રમાણમા થાય છે. નૈસર્ગિક કસ્તુરીની ઉપલબ્ધિ ઓછી હોવાથી તેની કિંમત પણ ખૂબ જ ઊંચી આંકવામાં આવે છે.

૪.  ઇંડિયન માઉસ ડિયર/શેવ્રોંટેઇન (Moschiola indica)


દોસ્તો, આ પ્રાણી ઉંદર નથી પણ ઇંડિયન શેવ્રોંટેઇન છે જે માઉસ ડિયર તરીકે પણ ઓળખાય છે. ભારતના સદા હરિત તેમ જ પાનખર પ્રકારના જંગલોમાં જોવા મળે છે. જ્યાં પાણીની છત હોય તેવો વિસ્તાર વધારે પસંદ કરે છે. આ પ્રાણી મોટા ભાગે એકલવાયુ જીવન વિતાવે છે. માઉસ ડિયર વિષે ઘણી જ ઓછી વૈજ્ઞાનિક માહિતી ઉપલબ્ધ છે. પુખ્ત ઉમરના પ્રાણી મહડ અંશે એકલા જ જોવામાં આવે છે અને માત્ર પ્રજનન સમયે એકબીજા નજીક આવે છે. દિવસ દરમ્યાન શેવ્રોંટેઇન ઝાડની બખોલ કે પછી પત્થરોની આડશમાં છુપાઈને રહે છે. અન્ય હરણોની માફક વાગોળનારું પ્રાણી છે અને તેથી તેને ચાર ખાના ધરાવતું જઠર હોય છે. આ પ્રાણી અસલ હરણની વ્યાખ્યામાં બંધબેસતું નથી. તેને હરણ જેવા શિંગડાં પણ હોતા નથી.

આ સાથે ભારતના જંગલોમાં સમાન્યત: જોવા મળતા હરણની પ્રજાતિઓ સંબંધિત ટૂંક પરિચય પૂરો કરું છુ. હરણની જેવું બીજું પ્રાણી છે જે ‘એન્ટીલોપ’ કહેવામા આવે છે. એંટીલોપ વિષે વિગતવાર ચર્ચા આગામી લેખમાં કરશું.


નોંધ: પ્રસ્તુત લેખમાં સમાવિષ્ટ માહિતી અને ચિત્રો ઇન્ટરનેટ પરથી લેવામાં આવેલ છે જેનો હેતુ ફક્ત પર્યાવરણ વિષયક જાગૃતિ ફેલાવવાનો છે. કોઈ પ્રકારનો વ્યાવસાયિક હેતુ રાખવામા આવ્યો નથી.


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *