બીઝનેસ સૂત્ર |૮.૨| તમે શું છો અને તમારી તમારા પોતા વિષેની છબી શું છે?

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ

બીઝનેસ સૂત્ર | ૮ | કૌટુંબીક ઝઘડા

સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી. નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે. બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે. ચોથા અંકમાં ‘સંઘર્ષ’ની ચર્ચા નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને ‘સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે’?ના સંદર્ભમાં કરેલ છે. પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ. છઠ્ઠા અંકમાં ‘માપ’ની ચર્ચા માટે તેઓએ પહેલા ભાગમાં . ‘શું માપી શકાય?’, બીજા ભાગમાં ‘હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા’ અને ત્રીજા ભાગમાં આ પ્રકારની માપણીના આધારે ‘તમે કેટલા મહાન છો?‘ની ચર્ચા કરી હતી. ૭મા અંકના પહેલા ભાગમાં ‘પર્યાવરણ’ વિષયને અનુલક્ષીને કરાયેલ ચર્ચા દરમ્યાન ફલિત થતું જણાય છે કે માનવ સભ્યતાનો વિકાસ કુદરતી સંસાધનોના ભોગે થાય છે. બીજા ભાગમાં બતાવાયું છે કે જ્યારે માનવી પોતાનાં સાધનોનો સંપોષિત રીતે ઉપયોગ કરવાની સીમા ઉલ્લંઘે છે ત્યારે કુદરત વળતો પ્રહાર કરે છે.

૮મા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કૌટુંબીક ઝઘડા‘ને પ્રસ્તુત શ્રેણીમાં ચર્ચાના વિષય તરીકે પસંદ કરેલ છે. જેની ચર્ચાની શરૂઆતમાં પહેલા ભાગમાં તેમણે ‘ભાઈઓની ત્રણ જોડી‘માં નૈતિક સ્તરે માલિકીની ભાવનાને સાંકળી લીધેલ છે.

બીઝનેસ સૂત્ર |૮.૨| તમે શું છો અને તમારી તમારા પોતા વિષેની છબી શું છે?

What Exactly is a Self-Image? Here’s What You Need to Know…ની શરૂઆત :

‘તમે લોકોને શું કહો છો તેના કરતાં એ લોકોના કાનમાં શું કહો છો એમાં ખરી શક્તિ છે.’

રોબર્ટ કિયોસાકીની એ વિચાર કણિકાથી કર્યા પછીથી પોતા વિષે બીજાંની નજરમાં શું હોવું જોઇએ તે માટે કહે છે કે, ‘પોતાની છાપ બીજાંની નજરમાં શું છાપ હોવી જોઈએ તે તમારી પોતાની જાત વિષેની તમારી પોતાની છાપ તે તમારી સંપતિ અને દેવાંઓની સામુહિક રજૂઆત છે.’ બીજા શબ્દોમાં કહીએ તો, તમારી તમારા પોતા વિષેની છબી તમારી સબળી અને નબળી બાજૂઓ પર અધાર રાખે છે.

પ્રસ્તુત લેખ આઠ ભાગની શ્રેણીનો એક ભાગ છે.આ શ્રેણી તમારાં લક્ષ્યોની સિધ્ધિના માર્ગ પરની તમારી સફરમાં તમારા પોતાના વિશ્વાસને વધારવાનો એક પયાસ છે.આ શ્રેણીના બધા લેખોની યાદી આ મુજબ છે:

  1. Improving Self-Esteem
  2. Transform Your Self-Concept
  3. Boosting Self-Confidence
  4. Developing Self-Worth
  5. Building a Healthy Self-Image
  6. Pursuing the Ideal Self
  7. Fake it ‘Til You Make it!

8. Developing Superhero Courage

દેવદત્ત પટ્ટનાઈકે કૌટુંબીક ઝઘડાઓમાં ભાઈઓની ત્રણ જોડીને માલિકીની નૈતિક ભાવના સાથે સાંકળી લીધા પછી હવે તમે શું છો અને તમારી તમારા પોતા વિષેની છબીને શી રીતે સાંકળી લે છે તે જોઈશું..

આ ભાઈઓની ત્રણે જોડીના ઝઘડાના હાર્દમાં હેતુ કે કારણ શું હોઈ શકે? રામ અને ભરત વચ્ચે તો ઝઘડો તો હતો જ નહી, પણ એ કિસ્સામાં ભરતનાં માતા કૈકેયીની પોતાના પુત્રને જ રાજપાટ મળે એવી પ્રબળ ઈચ્છા જ કારણભૂત હતીને? એટલે ભાઈઓનો આ ત્રણેય કિસ્સાઓનાં મૂળમાં તો સંપત્તિ માટેની લાલસા જ કારણભૂત જણાય છે ! તેમાંથી આપણે શું સંદેશ મેળવવો રહ્યો?

એ માટે આપણે સંપત્તિના આપણી નજરમાં દેખાતા અર્થને સમજવો પડે. સંપત્તિના અર્થને સમજવા માટે આપણે એ વિચારનો જે રીતે વિકાસ થતો આવ્યો છે તે સમજવો પડે, શરૂઆત ક્યાંથી કરવી?

કુદરતનાં વિશ્વને એક છેડે માણસ છે તો બીજે છેડે છે પ્રાણી. પ્રાણીઓમાં પોતાના સુરક્ષિત ક્ષેત્ર પરનાં આધિપત્યની ભાવના સ્પષ્ટપણે જોવા મળે છે. તેમની એ ભાવના પાછળ પ્રદેશ એ તેમનું કારણ નથી પણ એ તેમનાં અસ્તિત્ત્વને ટકાવી રાખવા માટે તેમની આવશ્યકતા છે. માણસ પણ ૯૯% તો પ્રાણી જ છે , આપણો જે અંશ આપણને અલગ પાડે છે તે આપણું મગજ અને તેની કલ્પના શક્તિ. પરંતુ આપણે મહદ અંશે પ્રાણી તો છીએ જ એટલે આપણે પણ આપણાં એક સુરક્ષિત ક્ષેત્રની વાંછના રાખીએ છીએ અને તે આપણા માટે પણ આપણાં અસ્તિત્ત્વને ટકાવી રાખવાનું સાધન પણ છે.

પણ આમાં સંપત્તિ વચ્ચે ક્યાંથી આવી?

સુરક્ષિત ક્ષેત્રની ભાવના જ્યારે સંપત્તિનું સ્વરૂપ લેવા લાગે. માણસ અને પ્રાણી વચ્ચેનો મહત્ત્વનો ફરક છે માણસ ની કલ્પ્નાશક્તિનો. આપણે શું છે તે આપણે કલ્પીએ છીએ, ઍતલે કે આપણા મનમાં આપણે શું છે તેની એક માન્યતા રહેલી હોય છે.આના પણ બે ઘટક છે – હું શું છું અને મારી પાસે શું છે. હુ અબકડ નામની વ્યક્તિ તો છું પણ અને મારી પાસે આટલી આટલી સંપત્તિ છે. હું મર્ત્ય છું પણ મારી પાસે જે છે તો અમર્ત્ય છે. મારૂ મૂત્યુ નિશ્ચિત છે. પણ મારી કીર્તિ, મારી સિધ્ધિઓ, મારી યાદ કે મારી સંપત્તિ પણ મારા પછળ રહી શકે છે. આમ મારી સંપત્તિ દ્વારા હું જીવંત રહી શકું છું.

સંપત્તિની આવરદા લાબી ?

માણસનો આ કદાચ સૌથી મોટો ભરમ છે.ખેર, મારી પોતાની એક છબી છે જેમાં હું અને સાથે મારી સંપત્તિ પણ દેખાય છે. જેમ મારી પાસે વધારે સંપત્તિ તેમ મારી નજરમાં મારી છબી મોટી. જો મારે મારી છબીને વધારે મોટી કરવી હોય તો મારે વધારે સંપત્તિ વસાવવી પડે.

પરંતુ કૌટુંબીક ઝઘડાઓ પણ આ સંપત્તિઓ કારણે જ થાય છે !

આ વાત ડાહ્યાં લોકો સમજે છે. તે લોકો બહુ સ્પ્ષ્ટપણે સમજે છે કે તમે જે છો તેને તમારી પાસે કેટલુ છે તેની જોડે કંઇ લેવાદેવા નથી, રામાયણમાં ત્રણ સાવ અનોખા પ્રકારના ભાઈઓની ત્રણ જોડીઓની વાત કરવામાં આવી છે.એક બાજૂ રામ છે તો બીજી બાજુ રાવણ છે. રામને પોતે શું છે તે બરાબર ખબર છે, તેમને ખબર છે કે તેમની છબી તેમની સંપતિને કારણે નથી.

એટલે જ કદાચ એ બધું છોડી દેતાં તેમને જરા પણ તકલીફ ન પડી. !

જ્યારે ભરતને પણ ખબર છે કે પોતે શું છે, એ પણ અયોધ્યાના રાજા તરીકેની પોતાની છબી પર અવલંબિત નથી. તેને રાજપાટની ખેવના નથી. રાજપાટનું તેની છબીમાં મહત્ત્વ નથી. આમ આ બન્ને ભાઈઓ પોતે શું છે અને પોતાની પાસે શું છે તે બાબતે બહુ સ્પષ્ટ છે. આ બન્ને ભાઈઓ બહુ સમજુ છે. પણ રાવણમાં એવી સમજ નથી. તે એવું માને છે કે તે શું છે તે તેની પાસે શું છે તેના થકી જ મપાશે. એટલે તેને તેના ભાઈનું જે કંઇ હતું તે જોઈતું હતું, જેમને તે સ્વયંવરમાં નહોતો જીતી શક્યો તે રામનાં સીતા જોઈતાં હતાં, બધાંનું બધું જ તેને જોઈએ છે, કારણકે તેના માટે તે શું છે તેનું માપ તેની પાસે શું છે તે છે. ૯૯% માણસ જાત આવી જ હોય છે. પુરાણો આપણને જે કહેવા માગે તે એ છે કે જ્યાં સુધી તમે તમારૂં મૂલ્યાંક્ન તમારી પાસે શું છે તેના વડે કરતાં રહેશો ત્યાં સુધી તમારી જિંદગીમાં મુશ્કેલીઓની ભરમાર ચાલુ જ રહેશે.

આ વાત ભૌતિક આકર્ષણોનાં સ્વરૂપમાં વર્ણવી શકાય ?

આપણે આપણી જાતને સવાલ એ પૂછવાનો છે કે આપણને જે કંઈ જોઈએ તે શા માટે જોઈએ છે. અસ્તિત્વ ટકાવવા માટે રોટી, કપડાં, મકાન તો જોઈશે જ, દરેકને સુખસગવડભરી જિંદગી તો જોઈતી જ હોય છે. એ માટે જરૂરી અસ્તિત્વ ટકાવી રાખવા માટેની જરીરિયાતો સમજમાં આવી શકે છે. રામાયણમાં એક પ્રસંગ છે જેમાં સમુદ્રી દૈત્ય હનુમાનને કહે છે જો તે હનુમાનને પોતાની ભૂખ પૂરી કરવા મારી નાખે તો એ ખોટું ન કહેવાય, પણ પોતાની રમત માટે કરીને તે જો હનુમાનને મારી નાખે તો તે પાપ છે…

ભુખાળવા થઈને મારવાથી પણ પાપ તો લાગે…

આમ રામાયણમાં માણસના સંપત્તિ અને તેની સાથે પોતાની છબી સાથેના સંબંધ પર સવાલ કરાયો છે. તેનાં ફાંફાંનું કારણ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની ઈચ્છા નથી જોવા મળતી. પ્રાણીઓ આ બાબતે નિર્દોષ છે. તેમને માત્ર તેમનાં શરીરને ટકાવી રાખવાથી વધારે ખેવના નથી. એના માટે તે લડે પણ છે, જ્યારે માણસ પોતાનાં ભૌતિક શરીર માટે નહીં પણ પોતાનાં કાલ્પનિક શરીર, તેની પોતાની છબી, માટે લડતો હોય છે.

પોતાની પાસે જે છે તે છોડી દેવું કદાચ બહુ મુશ્કેલ નથી, પણ જે પોતાની પાસે નથી એ મેળવવામી ઈચ્છાને કદાચ સ્વાભાવિક કહી શકાય. રાવણ માટે દૃષ્ટિએ આપણે થોડી સહાનુભૂતિ કેળવીએ તો એમ કહી શકાય કે તેની પાસે જે નહોતું તે જ મેળવવા તે પ્રયત્નશીલ હતો. તેણે તે મેળવવા માટે જે સાધનો ઉપયોગ કર્યો હતો તે ખોટાં હતાં. પણ જે નથી તે મેળવવાની ઈચ્છા ખોટી કે ખરાબ વાત ન કહેવાય. જેની પાસે છે તેના માટે પોતાની સંપત્તિ બાબતે ઊંચાં મૂલ્યો ધરાવવાં સહેલી વાત છે.

આપણો મુદ્દો ઈચ્છવું કે ન ઈચ્છવું નથી. મુદ્દો છે પોતે શું છે તે સમજવું. પોતાની ઓળખને સમજવા જતાં માણસ સંપત્તિ એકઠી કરે છે, કે જે છે તે ખોવે પણ છે. હું જે છું તે મારી સંપત્તિને કારણે છું કે મારી સંપતિથી નિરપેક્ષ જે છે તે છું? સમૃદ્ધિઓ તો આવશે અને જશે. મારી પાસે બહુ છે એટલે હું વધારે ઉદાર બનીશ એવું પણ જરૂરી નથી. ઉદારતા અને સંપત્તિ વચ્ચે કોઈ સંબંધ નથી. ઉદારતા તમે જે છો તે છે અને સંપત્તિ તમારી પાસે જે છે તે છે.

મારી પાસે વધારે હશે તો હું વધારે ઉદાર બનીશ એમ માનવાની ભૂલ કદી ન કરવી. એટલે જ તો સામાજિક જવાબદારી માટે કાયદાઓ બનાવવા પડે છે !

આજના આ અંકમાં સંપતિ અને વ્યક્તિની પોતાની છબીને સાંકળી લેવાના સંન્નિષ્ઠ પ્રયાસના છેડે સામાજિક જવાબદારી અંગેનું ડાઢમાં કાંકરો રાખેલું કથન સમગ્ર વાતને બહુ સ્પષ્ટ કરી આપે છે.

બીઝનેસ સૂત્રની આ ટીવી શ્રેણીના ૮મા અંકના ત્રીજા ભાગમાં દેવદત્ત પટ્ટનાઈકની આ ચર્ચાને વફાદારી અને ધર્મ એ શીર્ષક હેઠળ આગળ વધારીશું.


નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *