ફિર દેખો યારોં : મનુષ્યને જીવતો ન છોડનારો વાઘને બચાવે?

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

વિકાસના આ યુગમાં કોઈ પણ સ્થળને પ્રવાસનધામ તરીકે વિકસાવવાની તેમજ પ્રવાસીઓ માટેનાં આકર્ષણો ઊભાં કરવાની ઘોષણા સરકારી યા બિનસરકારી રાહે કરવામાં આવે ત્યારે હૈયે ફાળ પડે છે. આમ થવું સકારણ છે. માહિતીના સ્ફોટના આ યુગમાં હવે લોકોનો પ્રવાસપ્રેમ માઝા મૂકી રહ્યો છે. આથી સ્થળ જો ઐતિહાસિક યા પ્રાકૃતિક મહત્ત્વ ધરાવતું હોય તો પ્રવાસીઓનો બેકાબૂ ધસારો સ્થળના એ વિશેષત્ત્વને જોતજોતાંમાં ખતમ કરી મૂકે છે. આનું ઉદાહરણ શોધવા માટે કોઈ મોટા અભ્યાસની જરૂર નથી. પ્રવાસભૂખ્યા લોકોને હવે દરેક સ્થળે પહોંચી જવું છે, એ સ્થળની અઢળક તસવીરો ઝડપવી છે, અને ફટાફટ તેને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર તેને ચડાવવી છે. આવા પાગલપણાને લઈને કેવળ આ જ હેતુએ પ્રવાસ ખેડતા લોકો બહુ ઝડપથી કંટાળો અનુભવતા થઈ જાય છે. અલબત્ત, આવા સમૂહમાં પણ સાચુકલા પ્રવાસપ્રેમીઓ હોય છે એ અલગ વાત થઈ.

તાજેતરમાં સરદાર સરોવર અને નર્મદા બંધના વિસ્તારમાં પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક આકર્ષણોની સાથેસાથે એક ટાઈગર સફારી બનાવવાની ઘોષણા પણ કરવામાં આવી. એ મુજબ, પ્રાણીબાગમાં ઊછરેલા કુલ આઠ વાઘને અહીં વસવાટ માટે લાવવામાં આવશે, જેમાં ચાર તો બચ્ચાં છે. ચાલીસ હેક્ટરના વિસ્તારમાં આ સફારી વિકસાવવામાં આવશે. આની પાછળનું મુખ્ય અને એક માત્ર કારણ પ્રવાસીઓને આકર્ષવાનો છે.

આવા સમાચાર વાંચીને શી પ્રતિક્રિયા આપવી એ જ ન સમજાય. પર્યાવરણના સંતુલનને માનવ જે ઝડપે ખોરવતો રહ્યો છે તેનો હજી તો હિસાબ મેળવાય એ પહેલાં માઠાં પરિણામો મળવાનાં શરૂ થઈ ગયાં છે. આવા સંજોગોમાં અન્ય પ્રજાતિઓ સાથે ચેડાં કરવામાં તેને શો સ્વાદ આવતો હશે એ સમજાતું નથી. આ સમયગાળાની એક અન્ય ઘટના પર નજર કરવા જેવી છે.

મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં જિલ્લામાંએક વાઘણ ચર્ચામાં છે. છેક જૂન, 2016થી તે માનવોનો શિકાર કરી રહી હોવાની ફરિયાદ છે. એક તરફ એ વિસ્તારના સ્થાનિકો તેનો શિકાર કરી નાખવાની માંગ જોરશોરથી કરી રહ્યા છે, બીજી તરફ કર્મશીલોનું એક જૂથ અને કેટલાંક બિનસરકારી સંગઠનો એમ કરવાનો વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર વનવિભાગ દ્વારા આ વાઘણ માટેના ‘દેખો ત્યાંથી ઠાર’ના હુકમને વડી અદાલતે માન્ય રાખ્યો છે અને આ મામલે દખલઅંદાજી કરવા બાબતે સર્વોચ્ચ અદાલતે ઈન્‍કાર કરી દીધો છે. વન્ય પશુ દ્વારા થતા માનવભક્ષણને લઈને વનવિભાગ ઊતાવળે એ પશુને માનવભક્ષી ઘોષિત કરી દેશે અને પછી તેને ઠાર મારીને તેનાથી છૂટકારો મેળવવામાં આવશે. પણ શું મામલો એટલો સીધોસાદો હોય છે ખરો?

સામાન્ય સંજોગોમાં વાઘ એક સપ્તાહમાં એક મોટો શિકાર કરતો હોવાનું જણાયું છે. ભારતના બે હજારની આસપાસ વાઘ દ્વારા વર્ષમાં આશરે એકાદ લાખ જેટલા શિકાર થતા હોવાનો અંદાજ છે. વાઘ માનવભક્ષી હોય તો ભારત જેવા ગીચ દેશમાં આ એકાદ લાખ પૈકીના ઘણા શિકાર માનવોના હોવા જોઈએ. આમ છતાં, આપણા દેશમાં વરસેદહાડે સોથી વધુ માનવોના શિકાર વાઘ દ્વારા થતા નહીં હોવાનું એક અહેવાલમાં જણાયું છે. વાઘ દ્વારા માનવ પર થતા મોટા ભાગના હુમલાઓ આકસ્મિક હોય છે. બચ્ચાંઓના રક્ષણ માટે વાઘણ હુમલો કરે, પોતે કરેલા શિકારને જાળવવા વાઘ ત્રાટકે કે માનવોની ગતિવિધિઓથી વ્યાકુળ બનેલો વાઘ સ્વરક્ષણ માટે આક્રમણ કરે એ શક્યતાઓ વધુ હોય છે.

વાઘના હુમલાના સંજોગો આકસ્મિક હતા કે કેમ એ જાણવું સહેલું નથી. આથી હુમલો કરનાર પ્રાણીને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવે છે. શિકાર પર મળી આવેલા હુમલાખોર પ્રાણીના વાળ કે લાળનું ડી.એન.એ. પૃથક્કરણ કરવાથી તેમજ શક્ય હોય ત્યાં કેમેરા મૂકીને રેકોર્ડિંગ કરવાથી આ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ કશું ન કરવું હોય તો છેલ્લા ઊપાય તરીકે જે તે પ્રાણીને માનવભક્ષી ઘોષિત કરી દેવાનો ઊપાય હાથવગો છે. માનવભક્ષી ઘોષિત કરાયા પછી આ પ્રાણીનો બને એટલી ઝડપે ‘નિકાલ’ કરવો જરૂરી બની રહે છે. પણ આ નિકાલ શી રીતે કરવો? ‘નેશનલ ટાઈગર કન્‍ઝર્વેશન ઑથોરિટી’ દ્વારા 2013ની પ્રમાણિત કાર્યપદ્ધતિ અનુસાર આવા વાઘને પકડી લેવો જોઈએ અને તેને નજીકના જાણીતા પ્રાણીબાગમાં મોકલી આપવો જોઈએ. તેને કોઈ પણ ભોગે વનમાં છોડવો નહીં. વાઘને પકડવા માટે છટકું ગોઠવવું કે કામચલાઉ ધોરણે ઘેનની દવા આપવા જેવા ઊપાયો છે, પણ તેનો અમલ દર વખતે એટલો સરળ નથી હોતો. ક્યારેક જંગલની ગીચતાને કારણે છટકું ગોઠવવું મુશ્કેલ બની રહે છે. આવા સંજોગોમાં માનવભક્ષી પ્રાણીને ઠાર મારવા સિવાય કોઈ આરો હોતો નથી. વન્ય પ્રાણીઓના જતન અંગે કામ કરતા કર્મશીલો આવા પગલાનો સખત વિરોધ કરે છે, પણ વાઘના સંવર્ધનમાં ઝાઝો ફરક પડતો નથી, કેમ કે, માનવભક્ષીને પ્રાણીબાગમાં મોકલવામાં આવે યા તેને મારી નાખવામાં આવે, જંગલમાંથી એક વાઘ ઓછો જ થાય છે.

એક તરફ જંગલનો વિસ્તાર સતત ઘટતો રહ્યો છે. વન્ય પશુઓ માનવવિસ્તારમાં ઘૂસી આવવાના બનાવ વધી રહ્યા છે, જે હકીકતમાં વન્ય પશુઓના વિસ્તારમાં માનવોએ કરેલું અતિક્રમણ છે. આ સમસ્યા ઓછી હોય એમ સરકારી રાહે વાઘના સ્થળાંતરની યોજનાઓ અમલી બનવાના એંધાણ છે. કેવળ પ્રવાસીઓને આકર્ષવા માટે કે પોતે અમુકતમુક યોજના પાર પાડી એવી ઘોષણા કાજે આખેઆખી એક પ્રજાતિના અસ્તિત્વ સાથે ચેડાં કરવાની રમત બહુ ખતરનાક પરિણામો લાવી શકે એમ છે. જો કે, મનુષ્ય સભ્ય બન્યો ત્યારથી પોતાના સિવાયની, અમુક કિસ્સામાં તો પોતાની પણ તેમજ અન્ય પ્રજાતિઓને જોણું બનાવીને પાશવી આનંદ લૂંટતો આવ્યો છે. આ તેની આદિમ વૃત્તિ છે, જેનું વર્તમાન યુગમાં કેવળ સ્વરૂપ બદલાયું છે, વૃત્તિ નહીં. આવો મનુષ્ય પોતાની જાતને ‘સુધરેલો’ ગણે એ પણ વક્રતા જ ગણવી રહી! પોતાના જાતભાઈઓને રહેંસી નાખવામાં જરાય ન અચકાતો મનુષ્ય વાઘ યા અન્ય પ્રજાતિઓ બાબતે ચિંતા સેવે એ અપેક્ષા વધુ પડતી જણાય છે! મુઠ્ઠીભર લોકો ભલે એ કરતા, મોટા ભાગનાઓને તો ‘સેલ્ફી’ લેવા માટે વાઘનું મોં પૂરતું થઈ પડે એમ છે. એ જીવતા વાઘનું હોય કે મરેલા વાઘનું, શો ફેર પડે!


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦-૯-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : મનુષ્યને જીવતો ન છોડનારો વાઘને બચાવે?

  1. September 27, 2018 at 1:16 pm

    કુદરતી પ્રક્રિયામાં માણસની ગેરવ્યાજબી દખલ અંગેની ચિંતાની લાગણીઓ સુપેરે વ્યક્ત થઇ છે. માણસ હવે સુધરે તો સારું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *