





– દર્શા કિકાણી
ટોકયોમાં બે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે : નરીતા અને હનેડા. હનેડા એરપોર્ટ સેન્ટ્રલ ટોક્યોથી નજીક છે. લગભગ ૧૯૮૦ સુધી હનેડા એરપોર્ટ પ્રાથમિક ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું. તે એશિયાનું ત્રીજા નંબરનું (દુબઈ અને બેજિંગ પછી) એરપોર્ટ છે. ૨૦૧૭માં લગભગ ૮.૫ કરોડ મુસાફરોએ આ એરપોર્ટનો લાભ લીધો હતો! જો ટોક્યોનાં બંને ઇન્ટરનેશનલ એરપોર્ટને ભેગાં કરીએ તો (લંડન અને ન્યુ યોર્ક સીટી પછી) ટોક્યો દુનિયાની ત્રીજા નંબરની એરપોર્ટ સિસ્ટમ છે.
કસ્ટમ્સ અને ઈમિગ્રેશનની લાંબી સર્પાકાર લાઈનમાં કલાક ઊભા રહ્યાં બાદ સામાન લઈ એરપોર્ટની બહાર નીકળ્યાં ત્યાં તો સાંજ પાડવા આવી હતી. સરસ મોટી બસ અમારા માટે આવી ગઈ હતી. બધાંનો સામાન બસમાં ગોઠવી અમે સૌ પણ બસમાં ગોઠવાયાં.
અમારા ગાઈડ શ્રી પ્રેમલ વકીલ સાથે અને ગ્રુપનાં અન્ય સભ્યો સાથે ઓળખાણ થઈ. જૂનાં મિત્રો મળ્યાં, સી.એન. વિદ્યાલયનાં સહાધ્યાયીઓ પણ મળ્યાં. અમેરિકાથી બે ડૉક્ટર યુગલ ગ્રુપમાં હતાં. સુરતથી પણ બે યુગલ જોડાયાં હતાં. મોરબીથી ચાર ઉદ્યોગપતિઓ હતા, મુંબઈથી ત્રણ બહેનો હતી, નૂતન-શરદભાઈ પુનાથી અને બાકીનાં સભ્યો અમદાવાદથી હતાં. ગ્રુપ સરસ હતું. સફરમાં ગ્રુપનાં સભ્યો એકબીજાને સમજી શકે તેવા અને સમાન રસવાળા હોય તો જ સરળતા રહે. અમે આટલા મોટા ગ્રુપમાં ભાગ્યે જ મુસાફરી કરીએ છીએ. આગળ જણાવ્યું તેમ જાપાનમાં ભાષા અને જમવાની અગવડ મોટી એટલે જાપાન માટે (કદાચ ચીન, વિએટનામ, કોરિયા જેવા દેશો માટે પણ) કંડક્ટેડ ટુર સારી પડે એવું અમારું માનવું હતું.
પ્રેમલભાઈ છેલ્લાં ૧૫ વર્ષથી જાપાનમાં જ રહે છે અને અહીંની ભાષા સરસ રીતે બોલી શકે છે. શહેરના અને દેશના પૂરેપૂરા જાણકાર છે.જાપાન વિષે બહોળી માહિતી ધરાવે છે. દિવસ દરમ્યાન જ્યાં પણ જવાનું હોય ત્યાંની માહિતી બહુ રસપ્રદ રીતે અમને આપે છે. હનેડા એરપોર્ટથી હોટલ ખાસ્સી દૂર હતી. હોટલ પહોંચતાં સુધીમાં અમારી સરસ સીટી-ટુર થઈ ગઈ.
જાપાનની પ્રજા બહુ દેશપ્રેમી છે. ત્યાંની સંસદમાં ઉગ્ર ચર્ચાઓ થાય છે અને ખુરશીઓ પણ ઊછળે છે. પરંતુ, દેશની વાત આવે ત્યારે ‘દેશ પહેલો અને બીજું બધું પછી’ એ ભાવના કાયમ હોય છે. દેશનો એકએક નાગરિક પોતાની ફરજોથી પૂરો વાકેફ હોય છે. નાનાં બાળકો સામાન્ય બસ કે ટ્રેનમાં મુસાફરી કરી શાળા સુધી એકલાં જઈ શકે છે કારણ કે દરેક નાગરિક અંગત વડીલની જેમ બાળકોનું ધ્યાન રાખે છે. આખા દેશમાં એક જ ભાષા બોલાય છે- જાપાનીઝ. જરૂર પડે ત્યારે જ અંગ્રેજીનો ઉપયોગ થાય છે. પણ અહીંના આમ-આદમીનું જીવન બહુ એકધારું બની ગયેલ છે, રોજ-બ-રોજની જિંદગીમાં કોઈ પડકારો નથી. બાળપણમાં સારી સ્કૂલની વ્યવસ્થા, યુવાનો માટે નોકરીની તક, સામાન્ય રીતે એક જ કંપનીમાં આજીવન નોકરી અને આવડત પ્રમાણે પ્રમોશન…. કંઈક નવું કરવા માટે અવકાશ ઘણો ઓછો. બધી સગવડો સાથેના ૬૦૦ ચો. ફૂટના ઘરમાં વિભક્ત કુટુંબમાં રહીને માણસો કંટાળે છે.
જાપાન નાનકડો એવો ટાપુઓનો બનેલો દેશ છે. આખા દેશનું કુલ ક્ષેત્રફળ ૩૩૭૯૬૧ ચો.કી.મી. છે! ૨૨ જાપાન એક ઓસ્ટ્રેલિયામાં સમાઈ જાય! જાપાનમાં કુલ ૬૮૫૨ ટાપુઓ આવેલા છે. આખો દેશ દરિયા પર તરતો હોય તેવું લાગે! મુખ્ય ૪ ટાપુઓમાં દેશની ૯૭% જમીન આવી જાય. તે ટાપુઓ એટલે :
- હોન્શુ
- શિકોકુ
- હોકાઈડો
- ઓકીનાવા
દેશની વસ્તી લગભગ ૧૨ કરોડ, ગુજરાતથી ડબલ અને એરિયા પણ આશરે ગુજરાતથી ડબલ. પણ ઈકોનોમી ઘણી મજબૂત, દુનિયાની ત્રીજા નંબરની ઈકોનોમી. ફક્ત ૫-૬ શહેરમાં દેશની અડધી વસ્તી વસે અને બાકીની વસ્તી બાકીના પૂરા દેશમાં! માત્ર ૨ % લોકો જ ખેતીવાડીમાં લાગેલાં છે.
આસપાસ જોતાં-જોતાં અને જાપાન વિષે વાતો સાંભળતાં-સાંભળતાં અમે હોટલ પર આવી લાગ્યાં. યોકોહામા વિસ્તારમાં યામાશીતા નામના સુંદર ગાર્ડન અને વહાણો લાંગરેલી નાની ખાડીની સામે હોટલ ન્યુ ગ્રાન્ડમાં અમારો ઊતારો હતો. રીશેપ્શન પર હોલની વચ્ચે જ મોટા ફ્લાવરવાઝમાં સુંદર રંગબેરંગી પુષ્પો શોભતાં હતાં. નાનાંનાનાં ટેબલો પર નાનાંનાનાં કૂંડામાં સરસ ફૂલો સજાવ્યાં હતાં. રૂમ એલોટ થતાં અને ચાવી તથા સામાન મળતાં થોડી વાર લાગી પણ WIFI ની વ્યવસ્થા સારી હતી. બધાં પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયાં. સામાન જાતે જ રૂમ પર લઈ જવાનો હતો. અમે તો એટલી વારમાં બગીચામાં આંટો મારી આવ્યાં. સુંદર પુષ્પોથી ઊભરાતો બગીચો ખૂબ જ મનોરમ્ય હતો.
સોળમાં માળ પરની ૧૬૦૫ નંબરની રૂમ પર જઈ, ફ્રેશ થઈ અમે ચારેય ફરવા નીકળી પડ્યાં. હોટલનો પોતાનો ગાર્ડન પણ સરસ હતો. ઘણાં મહેમાનો હતાં એટલે લાઈટોથી ઝગમગતો કર્યો હતો. ફૂલો અને લાઈટો વચ્ચે જાણે ‘વધુ સુંદર કોણ?’ની હરીફાઈ લાગી હતી! બગીચા પાસેની ખાડીમાં ત્રણ-ચાર વહાણો લાંગરેલાં હતાં, તેમાં પણ લાઈટો ઝગમગતી હતી. બગીચાની વચ્ચે આકર્ષણના કેન્દ્ર સમો સુંદર ફુવારો હતો. તેની આજુબાજુ બેસવા માટે બાંકડા નાખેલા હતા. અમે ત્યાં બેઠાં. આખા દિવસનો થાક ઉતરી ગયો!
પાછાં હોટલ પર આવી ગ્રુપ સાથે અડધો કિ.મિ. દૂર આવેલ એક શોપિંગ સેન્ટરમાં જમવા ગયાં. શોપિંગ સેન્ટરમાં ભોંયતળિયે સરસ હોલ હતો. ભોંયરામાં લાઈનબદ્ધ દુકાનો આવેલી હતી. રાતનો સમય હતો એટલે લગભગ બધી દુકાનો બંધ હતી. એક મોટી દુકાનમાં ‘કલકત્તા’ નામથી ભારતીય ભોજન પીરસાતું હતું. ત્રિરંગી ધ્વજથી શણગારેલ નાનું અમથું ફૂડજોઈન્ટ જોઈ અમે સૌ આનંદમાં આવી ગયાં. આજકાલ જાપાનમાં ભારતીય ભોજન ઘણું લોકપ્રિય બની રહ્યું છે. સ્વાદમાં સારું અને ખિસ્સાને પોસાય તેવું! ફૂડજોઈન્ટ પર અમારે માટે સ્પેશિઅલ એરેન્જમેન્ટ કરી હતી. જમવામાં રગડાપેટીસથી શરૂઆત કરી રોટી, બે-ત્રણ શાક, પુલાવ-દહીં વગેરેની સુંદર વ્યવસ્થા હતી. અમારી અપેક્ષા કરતાં જમવાનું ઘણું સારું હતું અને વ્યવસ્થિત રીતે પેશ કર્યું હતું. ટોકયોની શરૂઆત સરસ રહી! બધાં પેટ ભરીને જમ્યાં અને ચાલતાં ચાલતાં હોટલ પર આવ્યાં. ફૂડજોઈન્ટથી હોટલ સુધીનો વોક બહુ સરસ રહ્યો. ચોખ્ખા, ખાલી રસ્તા અને મકાનો પર સુંદર રોશની. બધાં થાક્યાં હતાં એટલે હોટલ પાછાં પહોંચી કોઈ કોમન પ્રોગ્રામ ન કરતાં બધાએ સૂઈ જવાનું પસંદ કર્યું.
સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
Tamari sathe maro y utsah vadhto jay che. Trijo bhag kyare aavshe? Mane large che Ke tame episode bahu Nana karya che. Aankh kholu ne bandh karu thayan to episode puro y Thai jay che. Thodu vadhu lakhan malshe to saru raheshe.plz aa ange vicharjo
આભાર, ભારતીબેન. આપના જેવા વાચકો લેખકોનું સદભાગ્ય છે! સાચું કહું તો અમારો તો આખો પ્રવાસ આંખના પલકારામાં પૂરો થઈ ગયો! જાપાન પ્રવાસનું સુંદર રંગીન પુસ્તક તૈયાર થઈ ગયું છે. જો આપ અમદાવાદમાં રહેતા હો તો તમને એ પુસ્તક પહોંચાડી દઉં અને બહાર ક્યાંક હો તો ઈમેલ આઈડી આપો તો પુસ્તકની softcopy પહોંચાડું.
તમારા અનુભવો વાંચવાની મજા આવી ગઈ. મારા જાપાન જતાં પહેલાં જ ત્યાં જવાની ઈન્તેજારી વધતી જાય છે
I am sure, you will love and enjoy your visit to Japan!
I am very much delighted to read your travelogue on japan visit.Recently watching lots of program on Japanese TV NHK which gives lots of information on Japanese culture,but reading from Gujarati perspective it is more interesting.Eagerly awaiting for next post.( I have met you personally in Vancouver (Canada) at one of my friends house)
Wow! Rajan, I am really impressed with your memory! And yes, Japan is an interesting country. We really enjoyed our cherry blossom trip. Thanks for reading. Keep reading the whole series!
Darshaben,the way you describing your mjourney to Japan is really very interestibg. Love to read it
Thanks, Ami! Keep reading!
This article gives me our lovely time spent with our group. Thanks
Thank you, Kamalbhai! Keep reading!