





ડો. દિનેશ વૈષ્ણવ
આ વાતના પે’લા બે ભાગ વે.ગુ.માં અનુક્રમે જુલાઈ ૧૭ અને ઓગષ્ટ ૧૪, ૨૦૧૮ના પ્રકાશીત થયેલ છે અને એની લીંક છે:
આ ભાગ ૩ પે’લા બે ભાગના અનુસંધાને છે એટલે જો ઈ ન વાંચ્યા હોય તો ઈ પે’લાં વાંચજો જેથી આ ભાગ સમજી સકાય.
અમે બાલુઆપાની સાસણ ગર્યનાં ભૂતભુતાવળ ને જાડપાનની વાત્યું સાંભળતાસાંભળતા કનકાઈ મંદિર કોર જાતાતા એવામાં રોઝડાનું ટોળું લીલીકુંજ ધ્રોખડ ચરતું જોયું ને આપાએ ગર્યના પશુપંખી ને જીવજીવાતની વાત માંડી. એને કીધું ઈ પ્રમાણે ગર્ય એટલે બે હજારથી વધુ જાતના પશુપક્ષીઓને પાળતુંપોસતું એક ખોયડું. હીંસક પ્રાણીઓમાં સાવજ, દીપડા, કુત્તી દીપડા, જગલ બિલાડાં, રણ બિલાડી, કાંટાળી બિલાડી, ઝરખ, શિયાળ, લોમડી, નોળિયા, જબાદીયુ અને રતેલ જેવાં પ્રાણીઓ વસે છ. બીજાં પ્રાણીઓમાં માલધારીયુંનાં પશુધન ઉપરાંત ચિત્તળ, રોઝ, સાબર, કાળિયાર, ચોસિંગા, ચિંકારા, જંગલી ડુક્કર, ઘોરખોદીંયા, શાહુડી, સસલાં અને કીડીખાઉ વસે છ. આ ઉપરાંત મગર, કાચબા, પાટલા ને ચંદન ઘો, કાકીડા, જાતજાતના નાનામોટા એરૂ અને અજગરનો પણ ગર્યમાં વાસ. પંખીઓમાં ગીધ, સમળી, ગરુડ, બાજ, ઘુવડ, ચિલોત્રા, લાવરી, લક્કડખોદ, પીલક, મોર, નવરંગ, બગલા, તેતર, કબૂતર, કાગડા, કાબર, કોયેલ, કોકિલ, ચકલાં, પોપટ અને સૂડા ગર્યમાં દેખાય. ટૂંકમાં, આપાએ કીધુંતું એમ આ બધાં પશુપંખી સંપીને પોતપોતાના સેઢામાં રે’છ ને ગર્યને ચોવીસે કલાક ભાતભાતની ભાંભરણ, ડણકું, અવાજું, ચેહકા, ટહુકા, ગહેકાટ, ચીચયારી અને કીલકીલાટથી ભરી દે’છ.
આપાની આ પશુપંખીની વાત હાલતીતી એવામાં એને સિંગોડા નદીના અમારી કોરના કાંઠે આઘેરો એક ભેખડ ઉપર ઢુંવો ને નદીને સામે કાંઠે કનકાઈનું મંદિર દેખાડયાં. ઢુંવો એટલે ગર્યમાં ભેખડ કે ધાર ઉપર જુના રાફડા, ટીમ્બા કે ટીમ્બી ઉપર ઊંચી ધ્રોખડ કે ઘાંસ હોય ને એમાં સાવજનો વસવાટ હોય. ઢુંવા સામાન્યરીતે જમીનથી ઉંચાણે હોય એટલે સાવજ એના મારણને જોઈ સકે. આપા જેવા ગર્યમાં ઉછરેલ ને જાણતલ માલધારીયુંને ખબર જ હોય કે ઢુંવા ક્યાંક્યાં છે ને ઈ રીડાં (એટલે ખાસ જાતની રાડ) પાડી ને સાવજને ઢુંવા માંથી બા’ર પણ કાઢી સકે.
અખડબખડ રસ્તે હજી કનકાઈ મંદિરે પહોંચવાનું થોડુંક છેટું હતું એટલે આપાએ સાવજુંની થોડીક વાત માંડતા કીધું કે “જેમ આપણે વસ્તીમાં નાત પ્રમાણે વાણીયા શેરી, બ્રાહ્મણ ફળી, કણબી વાડ, લુવાણા ખડકી, મોચી ગલી, હરિજનવાસ હોય છ એમ જનાવરું ને એના કટમ્બ પણ પોતપોતાના સેઢે રે’. ઈ દરેક કટમ્બના મોટામાથાના સાવજને (એટલે વડીલ સાવજને) અમે ગર્યમાં નામથી હોત ઓળખીયે – જેમ કે ચાંપલો ને એનું કટમ્બ ગર્યના ઓત્રાદે ખૂણે રે’છ, ટીલીયો ને એનો વસ્તાર ઉગમણે સેઢે વસે છ, બાપુડિયો એનાં છાયાંછોરુ હારે આથમણી સીમે રે’છ ની ઠાગો બેએક વરહ પે’લાં દેવ થી ગ્યો પણ ઇનો સંસાર દખણે છે.” સાવજુનાં આવાં નામોના કારણો દેતાં આપાએ કીધું “ચાંપલો” રાંટા પગે ડગ દે સ, “ટીલીયા”ના માથે ધોળું ચાઠું સે, “બાપુડિયો” ગરીબડો દેખાય સ, ની “ઠાગો” આગલા પગે લંગડાતોતો.” આપાએ આગળ કીધું કે આ ગર્યમાં ૫૦૦થી વધુ જનાવરું છે. બધા કટમ્બમાં સાવજ કરતાં સિંહણ જાજી હોય છ ને એનાં બચ્ચાંને “સરાયું કે ભુરડું કે’વાય. આ જનાવરું પંદરેક વરસનું આયુ ભોગવે ને ગર્યમાં સિંહનું મરણ થાય તીયે એના અંતિમસંસ્કાર કરવામાં આવે છે, એના બેસણાં રાખવામાં આવે છે ને ચારેકોરથી માલધારીયુ ખરખરે જાય ને શોક પાળે. છેલ્લે આપાએ કીધું, “અમારા હંધાય કરતાં આ ગર્યમાં જીણાભાઇ ઈ જનાવરુંનો સાચો જાણતલ માલધારી છે ને ટીલીયો ને જીણાભાઇ એવા તો ભેરુ કે એકાબીજાનું મોં ન ભાળે તો કોળિયો ગળે અટકે.” ૧૯૫૦ના વચલા ગાળે પપ્પા જયારે મેંદરડાથી માલણકા નેસે કોક દર્દીને જોવા ગ્યાતા ત્યારે હું પણ ગાડે ચડી ને ભેગો ગ્યોતો, ને ત્યારે જીણાભાઇને જોયાનું મને ઓહાણ છે.
આપાની સાવજની વાત પુરી થઈ એવામાં અમે સિંગોડા નદીના અમારાવાળા કાંઠે એક ભેખડે પોગ્યા. યાંથી આગળ કોઈ કેડી નો’તી એટલે અમારી મોટર ઈ આરે જ સાવજના ઢુંવાથી થોડીક આઘેરી ઉભી. અમે સૌ ઉતર્યા ને આપા અમારી મોર હાલ્યા. અમે ભેખડ ઉતરી, નદીનાં નળાડુબ પાણીમાં સેવાળે લપસણી છીપરેછીપરે દબાતા પગે આપાની પાછળપાછળ ઈ નદી પાર કરી સામે કાંઠે પોગ્યા. યાંથી એક ધાર ચડી ને કનકાઈમાંના મંદિરની ફળીમાં આવ્યા. મંદિરમાં માંની આરતી થાતીતી એટલે અમે એમાં ઉભા ને આરતી પતી એટલે માંની પ્રદિક્ષણા ફરી, પરસાદ લઈ ને બાર ઓટલે બે ઘડી બેઠા. આપાએ મંદિરના પુજારીના કટમ્બના ખબરઅંતર પૂછ્યા ને કીધું, “દાક્તર, આ મંદિરમાં મોટેભાગે રાજગોર બ્ર્હામણ પૂજારી હોય ને ઈ અમારા ગોર હોત હોય.” પછી મંદિરેથી નીકળી, ધાર ઉતરતાતા એવામાં આપાએ મંદિરની જમણીકોર એક જુપડું અમને દેખાડ્યું ને એને ગર્ય વિસ્તારમાં ૧૯૫૦ના ઉગમણા દસકે લૂંટફાટ કરતા ડાકુ વીસા માંજરીયાની વાત કાઢી:
“દાક્તર સાહેબ, વીસો આ મલકનો ખેડુ કાઠી ને ઈ ને એનું કટમ્બ કનકાઈમાંનાં પરમ ભગત. ઈ દીવસુમાં ઈ મંદિરના પૂજારી ને એના ગોર પરહોતમ માં’રાજને દર આઠદસ દી’એ વીસો ખપ પુરતાં સીધોસામગ્રી પુરાં પડતો ને નોરતાની નોમે માંના આંગણે હવનમાં બીડું હોમવા બેહતો. પણ જે કારણ હોય ઈ, પણ અકાળે એને કમત સુજી તે ઈ વીસો ને એના ત્રણ ભાયાતું વિસાવદર, ધારી, તાલાળા, માળીયા, દેલવાડા, તુલસીશ્યામ, બીલખા એમ વિસ્તારૂંમાં સુખી ધરું ભાંગે ને સીમશેઢે ધાડું પાડી ને નાનીમોટી રકમ, દરદાગીના ઇમ હધું ખૂનખરાબા કરી ની લૂંટવા મંડયા. આમ ઈવડા ઈ હંધાયે બેએક વરહ કાળો કેર ગર્યના ગામુમાં વર્તાવ્યોતો પણ પોલીસું એને જપત નો કરી હક્યા.”
આપાએ આગળ કીધું કે “તીયે રાજકોટમાં પોલીસના ઉંચા હોદે મેઘાસાહેબ ની ઈને વીસાના ગોર – દાક્તર સાહેબ આ દેખાય ઈ જુપડે રે’તા – પરહોતમ માં’રાજને ફોડ્યા ને હુકમ કીધો કી મા’રાજ, કાલે વીસાની ટોળીને રાતના આઠેક વાગે ઝૂંપડે વાળું કરવા નોતરો ની ઈ હંધા આવતા હસે તીયે અમે ઈને ઘેરી લસું ની ઠાર કરસું. તીયે ગોરબાપાએ મેઘાસાહેબને એક વીંનતી કીધી કી સાહેબ, ઈ મારા નોતરે આવેલ મેં’માનું કે’વાય ઈટલે ઈ હંધાય વાળું કરી લ્યે ને પાસા જુપડેથી નીકળે તીયે ઈ તમારા મેં’માન ની આમ મારી મેં’માનગતીમાં પણ મોળપ નહીં આવે. મેઘાસાહેબ આ વાત માન્યા ની બીજે દી’ વાળુ કરી ની જુપડાની પછીતેથી જીયે વીસો ની એની ટોળી ઘોડા પલાણવા ગઈ તીયે પોલીસુંએ ઈ ચારેયને ઠાર કર્યા. ઈટલે કનકાઈમાંના ભગતે આમ માંના પગમાં પ્રાણ છાંડયા.”
આપાએ ડાકુ વીસા માંજરીયાની વાત પુરી કીધી ઇવામાં અમે હોત મંદિરની ધારેથી ઉતરી ને મદીંર કોરના સિંગોડાના પટમાં પૉગ્યા. બરોબર ઈ ટાણે રાતોચોળ સુરજદાદો આથમણે ઉતરવામાં હતો એટલે આપાએ કીધું, “હાલો આઈ બે ઘડી પોરો ખાયેં ની પસે હામે કાંઠે મોટરુંમાં ખડકાયે.” આપાએ સામે આરેથી અમારા ડ્રાઈવરને સાદ દીધો ઈટલે ઈ પણ નદી વટોળી આવ્યો ને અમારી સૌ હારે બેઠો. પછી મારા માંએ નનકુઆઇએ દીધેલ સુખડીનું ગળોત્રીનું પેડું ઉઘાડ્યું ને શેયડીનાં છોતરાં સૌને દીધાં. અમે ઈ શેયડીના છોતરે ચડાવી ને ગળોત્રીના બેએક લપકા મોએ માંડ મુક્યા હસે એવામાં સામે કાંઠે અમારી મોટર કોરના ઢુંવેથી એક કોર સાવજ, બીજી કોર સિંહણ ને વચાળે એનાં બે સરાયું એમ આવી ને બરોબર અમારી મોટરને અડી ને ભેખડે અમારી સામે જ પચાસેક ફુટ છેટાં ઉભાં. આપાની ગર્યની જાણતલ નજર એટલે ઈ કળી ગ્યા કે નક્કી પાસેમાં ક્યાંક મારણ હસે. એટલે એને નેજવું માંડી ને જોયું તો એક ચિત્તળ બરોબર અમારી મોટર ને ઈ ભેખડથી નીચે, સિંગોડા નદીના ભાઠા આરે છીપેરું વચાળે કોરેલાં તયણાં ચરતુંતું ને એની ડાબીકોર થોડેક છેટે મરેલ ગાડરું પડ્યુંતું. સાવજ અમારી મોટરને અડોઅડ બેઠો, એના બે સરાયું એને ફરતાં ગેલ કરતાંતાં ને સિંહણ દબાતે ડગલે ચિત્તળ ઉપર કયડી નજર ટેકવી ને ભેખડ ઉતરતીતી. ઈ બેઠેલો ગર્યનો ઘણી, એના બે સરાયું ને ઈ ભેખડ ઉતરતી સિંહણને જોઈને હું આજ કવિ દાદના શબદે કઈ સકું કે:
“ડાલામથ્થો ને દશહથ્થો જબરી મોઢે મૂછ
સવા બે હાથનું પૂંછ ઈ વકરેલો વનનો ધણી.”
“બાકર બચ્ચા લાખ ને ઈ લાખે પણ બિચારાં
પણ સિંહણ બચ્ચું એક ને ઈ એકે પણ હજારાં”.
“સસલાં, તેતર, નાર, વગડે જઈ તગડે બધા
પણ સાવજ તણા શિકાર કોક‘જ ખેલે રાજિયા.”
ઈ સિંહણ ધીમેકથી ભેખડ ઉતરી ને પચીસેક ફૂટ છેટે બરોબર નાકની ડાંડીએ ચિત્તળના ગુડે ગોઠવાઈ ગઈ. ચિત્તળે મોમાં તયણાંનો જુડો લઈને એની ડોક વાગોળવા ઊંચી કીધી એટલે સિંહણે તરાપ મારી ને પછી તો આગળ ઈ ચિત્તળ ને પાછળ સિંહણ એમ નદીના સામે કાંઠે બરોબર અમારી સામે ડાબીકોર આ ખેલવાટ ત્રણેક મીલીટ હાલી. હવે આ સિંહણ મોર ભાગતા ચિત્તળ સારું તો છેલ્લા શ્વાસે જીવ ને શિવથી જેટલું છેટું હોય એવું હતું પણ એવામાં ન કરે નારાયણ ને ઈ સિંગોડા નદીમાં છએક ફુટ પોળો ઘુનો આવ્યો ને ચિત્તળ કૂદી ને ઈ ઘુનાને ટપી ગ્યું ને જે કાંઠે અમે બેઠાતા ઈ કોર આવ્યું ને સિંહણ એની જગ્યાએ સામે કાંઠે થોભી ગઈ. ઈ જીયે ચિત્તળ કૂદયું તીયે બાલુઆપાથી બોલાઈ ગ્યું કે, “વાહ, ત્રાઠી હયણી! વાહ ત્રાઠી હયણી! નક્કી તારા માથે માં મોમાઈના સાર હાથ સે નકર તું ઈ સિંહણના હાથે વૈકંઠ વઇ જાત.” આ બોલતાં આપાનું ગળું ભરાઈ ગ્યું.
પપ્પાએ ઘડીક ર’ઈ ને પૂછ્યું, “આપા ઈ તમે હમણાં ક્યાંક કેવી હયણી કીધી?” આપાએ ગળું ખખેરી ને કીધું, “દાક્તર, આ જે આપણે જોયું ને ઈ તો નસીબદારું જીવતરમાં એકાદબે વાર ભાળે ને ઈને અમે ગર્યમાં ત્રાઠી હયણી કીયેં. પછી આપાએ જે ઈ “ત્રાઠી હયણી” શબદ માલધારીની જભાને સમજાવ્યો ઈ મારી રીતે કહું તો – હયણાં, ચિત્તળ, નીલગાય કે એવા કુદતાં ચોપગાં જનાવરું ઘુનો, ખાય, ખાડો કે સીમસેઢે વાડ કે આડચ આવે તીયે ઈ દોડતાંદોડતાં એને કૂદીને વટોળે ને સામે પાર જાય. હવે જીયે ઈ કુદે તીયે ઈની ડોક તણાઈ ને લાંબી થાય, ઇના આગલા પગ ઈ પશુના ધડ કોર વળે, એનું ધડ જમીનથી સપાટ રે’ કે કમાન વળી જાય ને પાછલા પગ પછીત કોર તણાઈ જાય. આ ટાણે જે ઈ પશુનો ઇન્દ્ર ધનુષ જીવો આંખે, દિલે ને દિમાગે વસી જાય ઇવો અદ્દભુત આકાર બને એને ગર્યમાં “ત્રાઠી હયણી” કે “ત્રાઠી મર્ગલી” કે’.
મને લાગે છ કે એટલે જ બચુભાઈ ગઢવીએ તે દી’ રજપૂતાણીના રૂપનું વર્ણન કરતાં ચોરેશ્વરના ડાયરે કીધુંતું (આ વાતનો ભાગ ૧), “એનાં ત્રાઠી હયણી જેવાં નેણ તળેથી ઉઠતી એની નજરનો સનકારો કાં તો એની પાથીના પૂરનાર રજપૂતને દીવાની સગે ઓયડે નોતરતો હોય ને કાં તો ઈ માં ભોવાની થઇ ને રણે ચડવા જાતા રજપૂતને કે’તો હોય…”
ક્રમશ:
ડૉ. દિનેશ વૈષ્ણવનો વિજાણુ સંપર્ક કરવા માટેનું સરનામું: sribaba48@gmail.com
દીનેશભાઈ, અદ્ભુત વાત કહી ભાઈ, આ અનુભવો ,અભ્યાસ અને સંભારણા યાદ રાખી રાખી મિત્રોને કહેવા જેવા છે. આજે તો કોઇ પાસે આવી વાતયું છે કયાં!! તમે જે અક્ષરદેહ આપો છો તે વધાવવું આપતા રહેા તેજ વિનંતી. સીતાંશુભાઇ જેવા પણ મારી નાની વાતો સાંભળી તેનું જતન કરવાની આગ્રહી છે. અભિનંદન. તુષાર
મુ.વ. તુષારભાઈ – આભાર. કદાચ આવું લખનારા તો ઘણા હશે પણ તમારા જેવા વાંચનારા ને વાંચે તો એની કદર કરનારા ક્યાં હવે છે?