





न मुझसे सलाह ली, न इजाज़त तलब हुई
बस बे-वजह रूठ बैठे हैं आप अपनी ख़ुशी से
મોટાભાગના લોકોની આજ ફરિયાદ જ હોય છે કે તેણે મારી સલાહ ન લીધી. પહેલાં પૂછ્યું હોત તો કાંઈક મદદ થાત. આપણે સહુ એકબીજાને દોષ દેવામાં માહેર છીએ, પણ એ દોષ જોતાં જોતાં સલાહ -સૂચન આપી દઈએ છીએ પણ લેવામાં બહુ પાછળ છીએ.
આ સલાહ, સૂચન, સમજણનો ભાર કામનો છે કે નકામો તે પ્રશ્ન બહુ જટિલ છે. કારણકે આ ત્રણેય શબ્દો જુદા જુદા અર્થમાં કામ કરે છે. આ ત્રણેય શબ્દો એવા છે જેનું અનુસંધાન આપણાં બાલ્યકાળની સડકોમાં જોવા મળે છે. આ માર્ગ જ આપણને સુખી થવાના કે સફળ થવાની સીમા સુધી લઈ જાય છે. બાળક જ્યારથી ચાલવાનું શરૂ કરે ત્યારથી મા ની નજર પણ બાળકની ગતિ સાથે ફરવા લાગે છે, અને આ લેવાનું, આ નહીં લેવાનું, આ ઉ છે, આ બુ-બુ છે, જે-જે કરો, ટા -ટા કરો વગેરે વાક્યો સાથે બાળકના જીવન ઘડતરના પાઠો શરૂ થઈ જાય છે. પરંતુ આ પાઠોને સલાહ તરીકે નહીં પણ સમજણ તરીકે ઓળખી શકાય છે. સમજણને ધીમે ધીમે ગ્રહણ કરાવવામાં આવે છે, કે ગ્રહણ કરવામાં આવે છે. આ જ બાળક મોટો થઈ કોઈ એક કેન્દ્રમાં ધ્યાન આપવા લાગે ત્યારે આ કેન્દ્ર તેને માટે સારું છે કે નહીં તે બાબતનું સૂચન કરવામાં આવે છે. સૂચન શબ્દમાં કોઈ ભાર મૂકવામાં આવતો નથી. તે બાબતનો ઉલ્લેખ કરીને બસ સામેવાળી વ્યક્તિ ઉપર છોડી દેવામાં આવે છે અને સૂચન આપનાર વ્યક્તિનું કાર્ય ત્યાં પૂર્ણ થયું માનવામાં આવે છે. આ જ વ્યક્તિ જ્યારે સાચા-સારા -ખોટા -જુઠા, યોગ્ય-અયોગ્ય નિર્ણયોની વચ્ચે જ્યારે ઝૂલવા લાગે છે ત્યારે સલાહનો ઉપયોગ કરવામાં આવે છે. આ સલાહમાં પણ કોઈ ભાર નથી હોતો, પણ સલાહ આપનાર અને લેનાર બંને આ વિષે સતત ક્રિયાશીલ રહે છે. ફર્ક એટલો હોય છે કે અંતની બાબત સલાહ આપનાર અને સલાહ લેનારની બુધ્ધિ અને સમજણશક્તિ પર આધાર રાખે છે. આ બાબતમાં સલાહ આપનાર વ્યક્તિ હંમેશા સાચી જ હોય છે તે જરૂરી નથી. તેથી જે વ્યક્તિને સલાહ મળે છે તેના પર પણ આધાર રાખવામાં આવે છે કે તે પોતાની બુધ્ધિનો ય થોડો ઉપયોગ કરે. બાઇબલમાં કહ્યું છે કે; તારે કયે માર્ગે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; પણ આ માર્ગ માટે તારે કેવળ મારા પર આધાર ન રાખવો. તારે તારા હૃદયમાં રહેલાં અંતરાત્માને પણ પૂછવું. કારણ કે ક્યારેક હું તારી સાથે હાજર હોઈશ, ક્યારેક નહીં હોઉં તો તે સમયે તારો અંતરાત્મા તને મદદ કરશે. (ગીતશાસ્ત્ર ૩૨:૮)
થોડા દિવસ પહેલાં એક નજીકની વ્યક્તિ સાથે વાત કરતી હતી, ત્યારે સહજતાથી મારાથી કહેવાઈ ગયું કે; મારે જે તે સર્જનની એપોઈંટમેન્ટ લેવાની છે, પણ કોઈ ને કોઈ કારણસર રહી જાય છે. તેઓ કહે અરે તો શું થયું રેગ્યુલર ફિઝીશ્યનની એપોઈંટમેન્ટ લઈ લે.
મે કહ્યું; ભાઈ જે કામ જેનું હોય તેને સાજે. સર્જનનાં કામમાં રેગ્યુલર ફિઝીશ્યનને શું ખબર પડે?
તેઓ કહે; અરે ડોકટરોની વાત બધા ડોકટરોને ખબર પડે.
મે કહ્યું; ભાઈ, બધા પાસે બધા પ્રકારનું નોલેજ હોતું નથી. આ વાત કેવળ મારી નથી. આપણી આજુબાજુ આજનો સમાજ એવો જ છે. જેમને ઘણાં પ્રકારનું નોલેજ પુસ્તકો, ટીવી અને અન્ય સાધનોથી મળી જાય છે. તેથી દરેક વ્યક્તિ માનતો થયો છે કે હવે સલાહની જરૂર નથી. હવે બસ થોડું જ્ઞાન પણ હશે તો પણ કોઈપણ ક્ષેત્રમાં પ્રવેશી પાર ઉતરી શકશે પણ જો સલાહ-સૂચન લેવામાં રહ્યાં તો પાછળ જ રહી જવાનાં. આ કારણે થયું એવું કે સાચી સલાહ-સૂચન કરવાવાળાં પાછળ છૂટી ગયાં અને અહીં -તહીંથી જ્ઞાન પ્રાપ્ત કરવાવાળાનું જ્ઞાન ચારેબાજુ ફેલાવવા લાગ્યું. આ અડધું અડધું ઊડતું -ફેલાતું સાચું ખોટું જ્ઞાન લેવાં કરતાં જે સ્વાર્થ વિહીન હોય, વિશ્વાસપાત્ર હોય, અનુભવી હોય, જેમને આપણાં માટે સ્નેહ હોય, જેઓ આપણાં માટે સાચું વિચારે છે અને ખાસ કરીને આપણી થતી ભૂલો પર આપણું ધ્યાન દોરવાની હિંમત રાખે છે તેવી વ્યક્તિઓની સલાહ લેવાનું વધુ વ્યાજબી છે એમ મારું માનવું છે. આવી વ્યક્તિઓ આપણી આસપાસ હોય ત્યારે આપણે વધુ સલામત બનીએ છીએ અને આપણી સફળતાનાં ચાન્સીસ વધી જાય છે.
मोह तसिब से सलाह कीजिएगा
मय को चंदे मुबाह कीजिएगानामा-बर मिल रहा है ग़ैर के साथ
ख़त में कुछ इस्तिलाह कीजिएगा
(કાએમ ચાંદપુરી )
પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ | purvimalkan@yahoo.com
Bahu sundar, chhanavat