





વીનેશ અંતાણી
અગિયાર વરસનો કૉલીન શારીરિક રીતે અપંગ હતો. શાળામાં કોઈ એની બાજુમાં બેસવા તૈયાર થતું નહીં. એ રિસેસમાં પણ એકલો બેસી રહેતો. આ બધાની એના વર્તન પર પડવા લાગી. એ ઘરમાં પણ એકલો અને ઉદાસ બેસી રહેતો, કોઈની સાથે ભળવું ગમતું નહોતું. એના મનમાં લોકો પ્રત્યે એક પ્રકારનો વિદ્રોહ જન્મી રહ્યો હતો. આ બધાથી ચિંતામાં પડેલી માએ કૉલિનના અગિયારમા વરસના જન્મદિવસે પાર્ટીનું આયોજન કરવાનું નક્કી કર્યું, પરંતુ કૉલિને સ્પષ્ટ ના પાડી. એણે કહ્યું કે એના કોઈ મિત્ર નથી. માએ દીકરાને આવી માનસિક પરિસ્થિતિમાંથી બહાર લાવવા ફેસબુકનો આધાર લીધો. એણે એક પેજ બનાવ્યું, જેમાં લોકોને કૉલિનને શુભેચ્છા આપતા સંદેશ મોકલવા અને સકારાત્મક બાબતો જણાવવા આમંત્રણ આપ્યું. એક અઠવાડિયામાં કૉલિનને જન્મદિવસની શુભેચ્છા આપતા એટલા બધા સંદેશા આવ્યા કે એક પણ મિત્ર વિનાના કૉલિનના ફેસબુક પર સાઠ હજાર મિત્રો થઈ ગયા. હવે એને એકલતા લાગતી નથી.
આ ઘટના સોશ્યલ મિડિયાની સારી બાજુ દર્શાવે છે, પરંતુ એની નકારાત્મક બાજુઓ પણ ધ્યાનમાં આવી રહી છે. કોઈ પણ બાબતનો અતિરેક હંમેશાં નુકસાન કરે છે. સોશ્યલ મિડિયામાં રસ ધરાવતા લોકો એના વ્યસની થઈ જાય ત્યારે ગંભીર પરિણામ પણ આવે છે. ચોંત્રીસ વરસની એક અમેરિકન મહિલાને હાથના કાંડામાં અસહ્ય દુખાવો થવાથી હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. કારણ? એણે ક્રિસમસના દિવસે પ્રમાણમાં વજનદાર સ્માર્ટ ફોન પર અટક્યા વિના સળંગ છ કલાક સુધી વૉટ્સએપ મેસેજ કર્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૪માં ચોવીસ વરસની ભારતીય યુવતીએ આપઘાત કર્યો. કારણ જાણવા જેવું છે. એ થોડા મહિના પહેલાં ફેસબુક તરફ આકર્ષાઈ હતી અને દરરોજ કલાકો સુધી કમ્પ્યૂટર સામે બેસી રહેતી હતી. એણે ઘરની કે બહારની કોઈ પણ પ્રવૃત્તિમાં રસ લેવાનું બંધ કરી નાખ્યું હતું. એક દિવસ એનાં માતાપિતાએ એના નવા વ્યસન અને નિષ્ક્રિયતા બદલ એના પર ગુસ્સો કર્યો. યુવતીએ રૂમનું બારણું બંધ કરી સિલિન્ગ ફેન પર લટકીને આપઘાત કર્યો. ઓસ્ટ્રેલિયા ફરવા ગયેલી એક મહિલા સ્માર્ટ ફોન પર ફેસબુક અને વોટ્સઍપમાં એટલી મશગુલ થઈ ગઈ હતી કે એ ચાલતી ચાલતી ‘પોર્ટ ફિલિપ બૅ’ના કાંઠા પરથી પાણીમાં ઊથલી પડી. સારા નસીબે એને બચાવી લેવાઈ હતી. લૅરી કાર્લાર્ટ નામના ‘ટ્વિટરપ્રેમી’એ નોકરી ગુમાવી હતી અને એની પત્ની એનાથી અલગ થઈ ગઈ.
સોશ્યલ મિડિયાને ગંભીરતાપૂર્વક લેતા લોકોના મનમાં અનેક પ્રશ્ર્નો જન્મે છે. તેઓ વિચારે છે કે સોશ્યલ મિડિયા આપણને સહાયભૂત બને છે કે જિંદગીમાં અવરોધક બને છે? એનાથી આપણાં જ્ઞાન, માહિતી અને ક્ષમતામાં વધારો થાય છે કે તે સમય બરબાદ કરતી પ્રવૃત્તિ બની ગયું છે? આવા પ્રશ્ર્નોના જવાબ વ્યક્તિ પોતે આ પ્લેટફોર્મનો કેવો ઉપયોગ કરે છે એમાંથી જ મળી શકે. ઘણા જવાબદાર લોકો સોશ્યલ મિડિયા પર ગંભીર વિષયોની ચર્ચા કરે છે, આધારભૂત મહિતી પોસ્ટ કરે છે, કળા, જ્ઞાન-વિજ્ઞાન, સાંપ્રત ઘટનાઓ વગેરેની અભ્યાસપૂર્ણ વાતો જણાવે છે. આ બધું વ્યક્તિવિકાસમાં ખૂબ મહત્ત્વનું બને છે. સોશ્યલ મિડિયાએ વિશ્ર્વભરમાં લોકો માટે અભૂતપૂર્વ બારી ખોલી આપી છે. નવા મિત્રો બને છે, જૂના અને વરસોથી ખોવાઈ ગયેલા પરિચિતો સાથે જોડી આપે છે, વ્યાવસાયિક સંપર્ક વધે છે. ટેક્નોલોજીના વિકાસથી સોશ્યલ હોવાનો અર્થ જ બદલાઈ ગયો છે. ઘરનો ખૂણો છોડ્યા વિના દુનિયાના કોઈ પણ ખૂણામાં વસતી વ્યક્તિને ‘મળી’ શકવાની સુવિધા બહુ મોટી વાત છે.
તેમ છતાં એનાં નકારાત્મક પાસાં પણ ઊભરી રહ્યાં છે. ભારતમાં ટેલિકોમના ક્ષેત્રમાં ક્રાંતિ સર્જનાર ગુજરાતના સુપુત્ર સામ પિત્રોડાએ થોડા સમય પહેલાં એક અખબારમાં આપેલી મુલાકાતમાં વિશ્ર્વભરમાં સોશ્યલ મિડિયાના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એના પર ફેલાવાતાં જૂઠાણાં, ધિક્કારની લાગણી અને ખોટા – બિનજરૂરી વિચારો જેવી બાબતો નકારાત્મક પાસાં છે. પૂરતા અભ્યાસ વિના મૂકવામાં આવેલી કાચી, અધૂરી, સત્યથી તદ્દન વેગળી વિગતોને લોકો સાચી માની લે છે. અમેરિકાના સાયન્સ કોમ્યુનિકેટર બિલ નાય કહે છે તેમ સોશ્યલ મિડિયા પરથી મળતી માહિતી અભ્યાસનિષ્ઠાનો વિકલ્પ બની શકે નહીં. સોશ્યલ મિડિયાનો પ્રસાર ખૂબ પ્રચંડ અને વેગીલો છે. તેથી એમાં મૂકવામાં આવતી માહિતીની પ્રમાણભૂતતા અનિવાર્ય છે. સામ પિત્રોડાએ કહ્યું હતું તેમ જૂઠી માહિતી હજારો લોકો સુધી પહોંચી જાય છે અને સત્યનું સ્થાન લઈ લે છે. ગાડરિયા પ્રવાહની કમી નથી. આમ પણ સામાન્ય લોકોને અફવાઓ ફેલાવી, સાંભળી, સાચી માની, તેનો પ્રચાર કરવામાં રસ પડતો હોય છે.
દરેક નવી ટેકનોલોજીનાં સારાં અને ખરાબ પાસાં હોય છે. આપણે એનો કેવો ઉપયોગ કરીએ છીએ તેના પર એની ઉપયોગિતા નક્કી થાય છે. સોશ્યલ મિડિયા લોકોને વિશાળ પાયે જોડી તો રહ્યું છે, પરંતુ એના વ્યસન અને દુરુપયોગથી આપણે જાત સાથેનો સંપર્ક તો ગુમાવી રહ્યા નથીને તે વાત પણ વિચારવા જેવી છે.
***
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com
અતિ સર્વત્ર વર્જીયેત આજકાલ ભણેલા કે અભણ,મોટા કે નાના અરે ફુટપાથ પર બેસી શાકભાજી વેચતા લોકો પણ સમજ્યા વગર ઉપયોગ કર છે. યુવા વર્ગને તો પ્રેમરોગ ના વાયરસ વળગ્યા છે જેનો કોઈ ઉપાય કે ઈલાજ નથી. ૯૦% લોકો ગેરઉપયોગ કરેછે.