સાયન્સ ફેર : રામન સ્પેકટ્રોસ્કોપી : લોહીના ડાઘા કાતિલની ઉંમર કહેશે!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

જૂની હિન્દી ફિલ્મોમાં કોઈ આધેડ વયનો શાતિર વિલન હીરોની ગેરહાજરીમાં એકાદ ચરિત્ર અભિનેતા સાથે ઝપાઝપી કરી, એને ખંજર મારીને નાસી જતો. થોડી જ વારમાં દેવ આનંદ, રાજકુમાર કે ધર્મેન્દ્ર જેવા હીરોની એન્ટ્રી થતી અને કંઈ પણ સમજ્યા-મૂક્યા વિના ચરિત્ર અભિનેતાના શરીરમાં રહી ગયેલું પેલું ખંજર આપણા હીરોભાઈ પકડી લેતા. બસ, ખેલ ખલ્લાસ! ખંજર પર હીરોની ફિંગરપ્રિન્ટ આવી જતી અને “ચૌદહ સાલ કૈદ-એ-બામુશક્ક્ત”ની સજાવાળો ચવાયેલો ડાયલોગ આપણે વધુ એક વાર સાંભળવો પડતો!

એ સમયની ફિલ્મોમાં આવો રેઢીયાળ પ્લોટ વારંવાર રીપીટ થયા કરતો, એના માટે ફોરેન્સિક સાયન્સ જવાબદાર ગણાય! વિલન શેરલોક હોમ્સથી માંડીને આપણા દેસી બાબુમોશાય વ્યોમકેશ બક્ષી સુધીના ડિટેકટીવ પાત્રોનું સર્જન થયું એ સમયે ફોરન્સીક સાયન્સ આજના જેટલું વિકસીત નહોતું. આથી હત્યા કે બળાત્કાર થયા હોય અને ઘટનાસ્થળે લોહીનું ખાબોચિયું ભરાયું હોય તો પણ એનો કોઈ ‘ખાસ ઉપયોગ’ નહોતો થઇ શકતો. એ સમયના ડિટેકટીવ્ઝને-પોલીસને બીજા પુરાવાઓ અને લોકોએ આપેલી જુબાનીના આધારે જ ભેજું કસવું પડતું. પણ ડીએનએ પરીક્ષણોની શરૂઆત થઇ પછી ચિત્ર બદલાયું. છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન જો ગુનો બનવાના સ્થળે કોઈક દ્રવ્ય કે લોહી જરા જેટલી માત્રામાં મળી આવે, તો ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ અને ગુનેગાર વિષે ઘણી માહિતીઓ મેળવવાનું શક્ય બન્યું છે. કારણકે જે-તે દ્રવ્ય કે લોહીનો ડીએનએ ટેસ્ટ થઇ શકે છે. આપણે ત્યાં હજી પોલીસ ડીપાર્ટમેન્ટ પોતાની ‘આગવી ઢબ’માં ભારોભાર વિશ્વાસ ધરાવે છે, પરંતુ વિદેશોમાં તો ગુનાશોધન માટે ફોરેન્સિક સાયન્સ પર જ આધાર રાખવાનું વલણ જોવા મળે છે, કેમકે ડીએનએ કદી ખોટું નથી બોલતા!

જો કે ડીએનએ તપાસની ય પોતીકી મર્યાદાઓ તો છે જે! અત્યારે થતી ડીએનએ તપાસ દ્વારા ઘટનામાં સામેલ વ્યક્તિઓની ઉંમર વિષે કોઈ માહિતી નથી મળતી. સામાન્ય દ્રષ્ટિએ આ વાત બહુ મહત્વની ન લાગે પણ ઉદાહરણ તપાસતા સમજાશે. ધારો કે કોઈ એક સ્થળે શરમજનક ગુનાનો ભોગ બનેલી નાની બાળકી મળી આવે છે. હવે ફોરેન્સિક તપાસને અંતે ગુનેગારની ઉંમર જાણી શકાય તો પોલીસને ખબર પડે કે વિકૃત ઘટનાને અંજામ આપનાર ગુનેગાર કોઈ તરુણ વયનો છોકરો હતો કે આધેડ વયનો રીઢો શખ્સ! પોલીસ તપાસમાં આ પ્રકારની બાબતો બહુ અગત્યનો ભાગ ભજવતી હોય છે. ગુનેગારનું ‘એજ ગ્રુપ’ નક્કી થઇ શકે તો પોલીસતપાસ ‘વેલ ફોકસ્ડ’ થવાને કારણે ઝડપી રિઝલ્ટ મળે છે. પરંતુ ઉપર જણાવ્યું એમ ડીએનએ તપાસ દ્વારા જે-તે વ્યક્તિની જાતીયતા (સેક્સ) અંગે તો માહિતી મળે છે, પણ એની ઉંમર વિષે કશું જાણવા મળતું નથી. વળી ડીએનએ તપાસની એક મર્યાદા એ પણ ખરી, કે એના રિપોર્ટ આવતાં ખાસ્સી વાર લાગે છે. આને કારણે ઘણી વાર ગુનેગાર છટકી જાય એમ પણ બને! જો કે હવે આ સમસ્યાનો ઉકેલ પણ મળ્યો છે ખરો.

‘એસીએસ સેન્ટ્રલ સાયન્સ’ નામની અમેરિકાથી પ્રગટ થતી સાયન્સ જર્નલમાં કેમેસ્ટ્રી-રસાયણશાસ્ત્ર સાથે સંલગ્ન હોય એવા વિષયો ઉપર લખાયેલા રિપોર્ટસ પબ્લિશ થાય છે. એમાં આ વખતે અલ્બેની ખાતે આવેલી સ્ટેટ યુનિવર્સીટી ઓફ ન્યૂયોર્કના સંશોધકોનું રિસર્ચ પેપર પ્રકાશિત થયું છે. આ સંશોધકોએ લોહીના નમૂનાના પૃથક્કરણ માટે ‘રામન સ્પેકટ્રોસ્કોપી’[1]નો ઉપયોગ કરવાની વાત કરી છે. અહીં ‘રામન’ શબ્દ આપણા મહાન વૈજ્ઞાનિક સર સી.વી. રામનનું નામ દર્શાવે છે. અને કોઈ પદાર્થ ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણોની જે અસર થાય, એના અભ્યાસને ‘સ્પેક્ટ્રોસ્કોપી’ તરીકે ઓળખવામાં આવે છે. રામન સ્પેક્ટ્રોસ્કોપીની ટેકનિકનો ઉપયોગ સામાન્ય રીતે રસાયણશાસ્ત્રની શાખાઓમાં વિવિધ પરમાણુઓના અભ્યાસ માટે કરવામાં આવે છે. પ્રકાશના બિન સ્થિતિસ્થાપક-ઇનઈલાસ્ટીક પ્રસારને કારણે ફોટોન કણો જે-તે પદાર્થના સેમ્પલને ઉત્તેજે છે. પરિણામે પરમાણુઓના વાઈબ્રેશન-રોટેશન વગેરેનો અભ્યાસ કરીને જે-તે પદાર્થની પરમાણુ રચના વિષે ઘણી બધી માહિતી મેળવી શકાય છે. (સર સી.વી. રામનને પોતાની આ શોધ બદલ ઇસ ૧૯૩૦માં ભૌતિકશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ પણ મળી ચૂક્યું છે. અને પ્રકાશના કિરણને સ્કેટર કરીને મેળવાતી અસરને ‘રામન ઇફેક્ટ’ નામ આપવામાં આવ્યું છે.)

સંશોધકો માને છે કે રામન સ્પેકટ્રોસ્કોપી માટે ગુનાના સ્થળે મળી આવતા ગુનેગારના લોહીના ડાઘા જ પૂરતા હશે, જેના ઝડપી પરિક્ષણ દ્વારા થોડા જ કલાકોમાં ગુનેગારની ઉંમર, જાતિ અને બીજી કેટલીક ઉપયોગી બાબતો વિષે માહિતી મળી શકે છે. એ વાત તો જાણીતી છે કે મનુષ્યનું લોહી જાતિ (સેક્સ), ઉંમર અને હેલ્થ સ્ટેટસના આધારે જુદું પડતું હોય છે. દાખલા તરીકે વૃદ્ધ અને યુવાન માણસના લોહીમાં આલ્કલાઈન ફોસ્ફેટાસ (એએલપી)નું પ્રમાણ જુદું-જુદું હોય છે. વળી રક્તકણોનું બંધારણ અને આકાર પણ એઈજ-ગ્રુપ મુજબ જુદા જુદા હોય છે. સ્ટેટ યુનિવર્સીટી ઓફ ન્યૂયોર્કના સંશોધકોએ પોતાની રિસર્ચ દરમિયાન ૪૫ રક્તદાતાઓના લોહીના નમૂનાનું પરીક્ષણ કર્યું. આ ૪૫ વ્યક્તિઓ ત્રણ એજગ્રુપમાં વહેંચાયેલી હતી. ૪૩ થી ૬૮ વર્ષના પુખ્ત, ૧૧ થી ૧૩ વર્ષના કિશોર અને ૧ વર્ષ કરતાં પણ ઓછી ઉંમર ધરાવનારા નવજાત બાળકો. કયું લોહીનું સેમ્પલ કઈ વ્યક્તિનું છે એનાથી સાવ અજાણ સંશોધકોએ લોહીના વિવિધ નમૂનાઓનું પરીક્ષણ કરીને જે-તે વ્યક્તિની ઉંમર અંગે જે અંદાજ બાંધ્યો એ આશ્ચર્યજનક રીતે સાચો પડ્યો. આ પદ્ધતિમાં સફળતાનું પ્રમાણ ૯૯% જેટલું ઊંચું રહ્યું! જો કે આ રિસર્ચમાં ભાગ લેનારા તમામ રક્તદાતાઓ પુરુષ હતા અને કોકેશિયન પ્રજાતિના હતા. બની શકે કે મહિલાઓના લોહી સહિતના બાયોલોજીકલ દ્રવ્યોમાં કંઈક જુદું અવલોકન નીકળે! એવું ય બની શકે કે માનવની કોઈ એક પ્રજાતિ એવી ય હોય, જેમાં પુખ્ત અને કિશોર વયના લોકોના લોહી, વીર્ય કે બીજા બાયોલોજીકલ દ્રવ્યોમાં કોઈ જુદાપણું ન હોય. જો કે આમ બનવું અશક્ય છે, તેમ છતાં ચકાસણી વિના સ્વીકારે તો વિજ્ઞાન શાનું!

ખેર, આવતીકાલનું ફોરેન્સિક સાયન્સ આપણા દેશના વિજ્ઞાન પુરુષ સર સી.વી. રામનની થીયરીને ફોલો કરે એ આપણા માટે ગર્વની વાત છે. બાકી આપણા પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે ગુનો ઉકેલવા માટે ‘ચૌદમું રતન’વાળી અકસીર પ્રણાલી તો છે જ!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


[1]

3 comments for “સાયન્સ ફેર : રામન સ્પેકટ્રોસ્કોપી : લોહીના ડાઘા કાતિલની ઉંમર કહેશે!

 1. Samir
  September 21, 2018 at 1:28 pm

  સરસ અને માહિતીપ્રદ લેખ અને તે પણ એકદમ રસાળ શૈલી માં .
  ખુબ આભાર

 2. September 23, 2018 at 3:34 pm

  Latest and In-depth information.

 3. Jwalant
  November 13, 2018 at 7:28 pm

  Thanks a lot friends..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *