ફિર દેખો યારોં :: રાજદ્રોહનો આરોપ: કીડીને કોશના ડામ

– બીરેન કોઠારી

સર્વોચ્ચ અદાલત આજકાલ તેના ચુકાદાઓ બદલ સમાચારમાં છે. ગયા સપ્તાહે સજાતીય સંબંધોને માન્ય ઠરાવતા, કલમ 377 ને નાબૂદ કરતા ઐતિહાસિક ચુકાદાને વાજબી રીતે બહોળા વર્ગ દ્વારા આવકાર મળ્યો. કોઈ પણ કાયદો પસાર થાય એને લઈને કંઈ રાતોરાત પરિવર્તન આવી જતું નથી, કેમ કે, સવાલ માનસિકતાનો અને જાગૃતિનો પણ છે. આ બાબત ગમે તે કાયદાને લાગુ પડે છે. જે સમુદાયને અનુલક્ષીને આ ચુકાદો આપવામાં આવ્યો તે સંખ્યાની દૃષ્ટિએ સાવ લઘુમતિમાં છે. લઘુમતિનાં હિતોને માન્યતા આપીને તેનું રક્ષણ કરતો આ ચુકાદો લોકશાહી રાજ્યવ્યવસ્થામાંના વિશ્વાસને ટકાવી રાખે એવો છે.

લોકશાહી રાજ્યવ્યવસ્થામાં એક ભયસ્થાન એ રહેલું છે કે કોઈ શાસક તમામ સરકારી તંત્રોનો ઊપયોગ પોતાના લાભ માટે કરે. આ લાભ આર્થિક જ હોવાનું માની લેવું નરી મુગ્ધતા ગણાય. બહુમતિના જોરે ચૂંટાયેલા શાસકને આવું મન ઘણી વાર થઈ આવતું હોય છે. આમ થાય ત્યારે તે સૌથી પહેલાં પોતાના વિરોધી સૂરને દાબવા મથે છે. ચાહે એ પોતાના પક્ષમાંથી ઊઠતો હોય, વિરોધ પક્ષમાંથી હોય, પ્રસાર માધ્યમમાંથી ઊઠતો હોય યા અન્ય કોઈ સ્થાનેથી હોય. આવા વિરોધી સૂરને દાબવાનું અસરકારક શસ્ત્ર છે રાજદ્રોહનો આરોપ. આમ કરનાર વ્યક્તિ કે સંસ્થા પર ભારતીય દંડસંહિતાની કલમ 124 એ અંતર્ગત રાજદ્રોહનો ગુનો દાખલ કરી દેવામાં આવે એટલે પત્યું. પોલિસ અધિકાર હેઠળના (કોગ્નીઝેબલ), બિનજામીનપાત્ર અને બિનમાંડવાળપાત્ર એવા આ ગુનાની સજા કાં આજીવન કેદ હોય કે દંડ યા દંડ વિનાની મહત્તમ શિક્ષા. આ કાયદો વાસ્તવમાં અંગ્રેજી શાસનના સમયગાળાનો છે. અંગ્રેજોએ 1860થી ભારતીય દંડસંહિતા અમલી બનાવ્યા પછી દસ વર્ષે, એટલે કે 1870 માં રાજદ્રોહનો સમાવેશ કર્યો હતો. તેમનો હેતુ સાફ હતો. અંગ્રેજી શાસન વિરુદ્ધ ઊઠતા, સ્વાતંત્ર્યની માગણી કરતા રાષ્ટ્રવાદી સૂરને કચડી નાખવા માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું, અને તેનો છૂટથી અમલ પણ કરવામાં આવ્યો. લોકમાન્ય ટિળક, ભગતસિંહ, ગાંધીજી અને જવાહરલાલ નહેરુ સહિત અનેક અગ્રણીઓ પર રાજદ્રોહનો આરોપ મૂકાયેલો અને તેની સજા પણ ફટકારવામાં આવેલી.

ફિલ્મ જેવા પ્રભાવક દૃશ્યમાધ્યમ થકી ક્યાંક રાષ્ટ્રભાવના પ્રસરી ન જાય એની તકેદારીરૂપે અંગ્રેજોએ સેન્‍સર બૉર્ડની રચના કરી, અને દેશને સ્વાતંત્ર્ય મળ્યા પછી સેન્‍સર બૉર્ડનો હેતુ સાવ બદલાઈ ગયો. કંઈક એવું જ રાજદ્રોહની કલમ બાબતે કહી શકાય. તેની મૂળ વ્યાખ્યા મુજબ કોઈ વ્યક્તિ શબ્દોથી યા અન્ય રીતે સરકારની સામે ધિક્કાર યા તિરસ્કાર ફેલાવવાનો, અસંતોષને ઉત્તેજન આપવાનો કે પ્રસરાવવાનો પ્રયાસ કરે ત્યારે રાજદ્રોહનો ગુનો આચર્યો કહેવાય. અસંતોષ અંતર્ગત દ્રોહ અને અદાવતનો સમાવેશ કરવામાં આવ્યો, પણ ધિક્કાર, તિરસ્કાર કે અસંતોષને ઊત્તેજન ન આપે એવી ટીપ્પણીઓ ગુનો ન ગણાય એવી જોગવાઈ સ્પષ્ટ કરવામાં આવી.

જો કે, 1937 થી કાર્યરત બનેલી સંઘીય અદાલત અને લંડનની સર્વોચ્ચ ગણાતી પ્રિવી કાઉન્સિલ દ્વારા રાજદ્રોહનું અર્થઘટન કંઈક અલગ કરવામાં આવ્યું. એ મુજબ ‘જાહેર અશાંતિ અથવા એમ થવાની સંભાવના’માં જ આ અપરાધને સમાવી લેવામાં આવ્યો. અગાઉ પ્રિવી કાઉન્‍સિલ દ્વારા લોકમાન્ય ટિળક પર રાજદ્રોહનો આક્ષેપ લોકલાગણી ઉશ્કેરવા બદલ મૂકાયો હતો. 1947માં દેશને સ્વાતંત્ર્ય મળ્યું, પણ કાયદાકીય માળખામાં પરિવર્તન ધીમે ધીમે આવતું ગયું, અને તેનું અર્થઘટન બદલાતું રહ્યું. રાજદ્રોહ બાબતે ઉદાહરણરૂપ ચુકાદો 1962 માં સર્વોચ્ચ અદાલત દ્વારા અપાયો. બિહારના સાહિત્યકાર કેદારનાથ સીંઘે 1953માં બડૌનીના ગ્રામજનોને ઉદ્દેશીને કહેલું, ‘અંગ્રેજોને આપણે તગેડી શકતા હોઈએ, તો કૉંગ્રેસી ગુંડાઓનો પણ સામનો કરી શકીએ છીએ. તેઓ અમેરિકન ડૉલર પર આધારિત છે, અને જાતજાતના વેરા જનતા પર ઝીંકી રહ્યા છે. મજૂરો અને ખેડૂતો જેવા આપણા બંધુઓનું લોહી ચૂસી રહ્યા છે.’ આ શબ્દો બદલ બિહારની સરકાર દ્વારા મૂકાયેલા રાજદ્રોહના આરોપને સર્વોચ્ચ અદાલતે બરખાસ્ત કરી દીધો, એટલું જ નહીં, રાજદ્રોહ કોને કહેવાય એ પણ સ્પષ્ટતાથી જણાવ્યું. ન્યાયમૂર્તિ બી.પી.સિંહાના વડપણ હેઠળની સર્વોચ્ચ અદાલતની બૅન્ચ દ્વારા જણાવવામાં આવેલું, ‘સરકારની ટીકા કરતું નિવેદન રાજદ્રોહ કે બદનક્ષીના અપરાધને પાત્ર બનતું નથી.’ આ ચુકાદો વાણીસ્વાતંત્ર્ય બાબતે સીમાચિહ્નરૂપ બની રહ્યો છે.

મતભેદના સૂરોને રાજદ્રોહ યા બદનક્ષીનું લેબલ લગાડીને તેને દબાવી દેવાની નીતિરીતિ સરકારોને ઠીક માફક આવતી રહી છે. રાષ્ટ્રવાદના નામે આમ કરવું સરળ હોય છે. એ વાત અલગ છે કે આ દમનને રાષ્ટ્ર કે રાષ્ટ્રવાદ સાથે કોઈ લેવાદેવા હોતી નથી.

ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ 54 વર્ષ અગાઉના સર્વોચ્ચ અદાલતના રાજદ્રોહ અંગેના આ ચુકાદાને ટાંકતા જણાવ્યું, ‘અગાઉની બૅન્ચ દ્વારા અપાયેલા ચુકાદાનો શબ્દેશબ્દ આજે પણ એટલો જ સાચો છે. તેમાં કશું બદલાયું નથી, કે કશું બદલાવું ન જોઈએ.’ તેમણે વધુમાં એમ પણ કહ્યું કે રાજદ્રોહ તો ઠીક, તેની સામે બદનક્ષીનો ગુનો પણ ન નોંધી શકાય.

ઊલ્લેખનીય છે કે છેલ્લાં બે-ત્રણ વરસમાં લેખિકા-કર્મશીલ અરુંધતી રૉય, કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદી, કર્મશીલ ડૉ. બિનાયક સેન, અભિનેતા આમીર ખાન, તમિળ લોકગાયક એસ. કોવન, જે.એન.યુ. સ્ટુડન્‍ટ્સ યુનિયનના પ્રમુખ કન્‍હૈયાકુમાર સહિત બીજા અનેકની સામે રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અણુશસ્ત્રવિરોધી કર્મશીલ ડૉ. એસ.પી. ઉદયકુમાર સામે લગાડવામાં આવેલા રાજદ્રોહના આરોપ બદલ એન.જી.ઓ. કૉમન કૉઝ તેમજ અન્યો વતી પી.આઈ.એલ.ના વકીલ પ્રશાંત ભૂષણે અદાલતને જણાવ્યું હતું કે મોટા ભાગની સરકારો આ કલમનો બેફામ અને મનસ્વીપણે ઊપયોગ કરે છે, તેમજ પોલિસને કેદારનાથ સિંહના કેસની જોગવાઈઓનો ખ્યાલ હોતો નથી.

ન્યાયમૂર્તિ મિશ્રાની બૅન્ચ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પ્રત્યેક નાગરિકને સરકાર કે તેનાં પગલાં વિષે પોતાને લાગે એ કહેવાનો કે લખવાનો હક છે. સરકાર સામે તે લોકોને હિંસા ભડકાવે કે જાહેર શાંતિનો ભંગ કરે એવું ન હોવું જોઈએ.’

આ અર્થઘટન અને ટીપ્પણી સરકારને ખબર હોય તેનાથી વધુ નાગરિકોએ જાણી લેવી વધુ જરૂરી છે. કેમ કે, સરકારો સતત બદલાતી રહે છે, પણ તેના વલણમાં ઝાઝો ફરક હોતો નથી. આ સંજોગોમાં નાગરિકોએ જ જાગૃતિ કેળવવાનો ઊપાય ઉત્તમ છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩-૯-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.