“નથી કરવો અમારે તમારો આ ખેતો !”

Facebooktwitterredditpinterestlinkedinmail

ખેડુત જુવાનિયાઓની દોટ શહેર ભણી કેમ ?

  હીરજી ભીંગરાડિયા

સાલ 2013 ની વાત છે. વાવણીની શરૂઆતથી જ વરસાદ એમનામ ઓછો-વધુ,ઓછો-વધુ ચાલુ જ રહ્યો. ન થઇ જમીનમાં આંતરખેડના સાંતી ચાલી શકે તેવી યોગ્ય વરાપ, કે ન મળ્યો મોલને સરખી રીતે નિંદવાનો ગાળો ! ખડ એવું ફાલી હાલ્યું કે મોલાતના ચાસ અને પાટલાં બધાં નિંદામણથી ભરોભર ! મોલ નાના અને એ મોટું ! ભલભલા ખેડુતો મોલાત ચોખ્ખી કરવા બાબતે ‘મીણ’ ભણી ગયા.

એમાં માળું, સવારના પહોરમાં સુખાને એના અદા-વાલાભાઇથી પુછાઇ ગયું કે “ કાં સુખા ! મારા પંડ્યની થોડી કફરના હિસાબે હમણાંથી વાડીએ આંટો અવાયું નથી-તે તને પૂછું છું કે આપણા મોલ ચોખ્ખા થયા કે નહીં ? જરા ધ્યાન આપજે હો બેટા !” અને સુખાનો પારો ગયો ! “ નથી કરવો અમારે તમારો આ ખેતો ! અલ્યા નથી જોતા રાત છે કે દી’, ઉગ્યાથી તે આથમ્યા લગણ જ નહીં- રાતેય પાછી રોઝડાં-ભૂડડાંના રખોલામાં કાઢવાની ! મારું તો જીવતર થઇ ગયું છે સાવ ઢોરાં જેવું ! આવો તે કાંઇ ધંધો હોતો હશે ? ટંક-બપોરનોય પોરો ખાતાય નેહાળ્યો છે ક્યારેય ? પંડ્ય તૂટી જાય એટલું કામ અને સામે વળતરમાં શું ભાળ્યું અદા ? ધૂળ અને ઢેફાં કે બીજું કાંઇ ? હું તો વાટ જોઇ રહ્યો છું ઓલી શ્યાળબાઇની જેમ, કે ક્યારે સાંઢિયાનો લબડતો હોઠ હેઠો પડે અને ક્યારે હું ખાઉં ! ઓણ સારું વરહ થાશે – પોર થાશે, પણ ના અદા ! આ બધાં ઝાંઝવાનાં જળ નેકળ્યાં !”

“ તમે અદા મને ખેડ્યમાં રાખીને ખરો મુંઝવ્યો છે હો ! મારી હાર્યનો ઓલ્યો લાલકાકાકાનો છગનો, ભલેને હીરામાં નો ફાવ્યું તો કાપડના ફેક્ટરામાં ઘુસી ગ્યો ! ને આજ ઘરની મોટર ફેરવતો થઇ ગ્યો છે. ને હું ? કાઢી નાખ્યાં આ તમે કીધું એમ પોણો દાયકો વરહ ! ક્યારેક કોકની જૂની-બૂની મોટરસાયકલ લેવાનું વેણ નાખું ત્યાં કહી ઉઠો છો “ સુખા બેટા ! આપણને ખેડ્યમાં આવા ખરચા ન પોહાય !” તે અમે એવો તે ક્યો ગનો કર્યો છે કે અમારે ઢોર થઇને જ જીવવાનું ? તમને બહુ વાલી છેને ખેડ્ય ? તે સંભાળો તમતમારે ! તમે કરો, ભાળ્ય ભાગવી આપો, અરે ! વેચી મારજોને તમતમારે ! હું હવે ઝાલ્યોય નથી રહેવાનો ! શહેર ભેળો થઇ જવાનો એ વાત નક્કી છે અદા !” આમ તો જૂઓ ! ‘ફર’ કહ્યું ત્યાં ‘ફરંગટી’ખાઇ ગયો જુવાનિયો ! અને માળો છટક્યો તે સાચેસાચ સુરત ભેળો થઇ ગયો ! શાંતિથી જવાબ દેવાની ધીરજે ય ખેડુત જુવાનિયામાં બચી નથી.કારણ હશે ને કાંઇક ?

વાત ધ્યાન આપવા જેવી છે

જરા ઊંડા ઉતરી વાલાભાઇના સુખાની “ખેડ્યત્યાગ”ની ઘટનાનું વિષ્લેષણ કરીએ તો ઘેર ઘેર સુખા-વાલાની આવી જ વાર્તા શરૂ થઇ છે. બધામાં બસ એક જ વાત ઊભરી આવે છે કે “ખેતી હવે કરવા જેવો ધંધો રહ્યો નથી !” પહેલાં તો કહેવાતું કે “ઉત્તમખેતી, મધ્યમ વેપાર, કનિષ્ક નોકરી” તો આ વ્યાખ્યા બદલાઇ કેમ ગઇ ?

સમાજે તો ખેડુતને ‘જગતનો તાત’-‘અન્નદાતા’ ગણ્યો છે. ક્યાં ગઇ ખેડુતની સમાજ પ્રત્યેની આ ભાવના ? ખેડુતના દિલમાંથી કેમ સરી પડી આ સંવેદના ?

મારું કહેવાનું બસ, અહીં જ છે

મિત્રો, મુરબ્બીઓ ! કે આ ભાવના શુ માત્ર ખેડુત એક પક્ષે જ હોવી જરૂરી છે ? બન્ને પક્ષે નહીં ? એ ભાવના ટકાવી રાખવા બાબતે આપણી-સમાજની કોઇ ફરજ ખરી કે નહીં ? ખેડુતના દિલમાં આ ભાવના કાયમ તો જ ટકી રહે, જો આ વ્યવસાયમાંથી તેના કુટુંબને પેટપૂરણ અને માન સહિતનો રોટલો મળી રહેતો હોય ! એ વિચારવાનો સમય આવી ગયો છે, કે આ બાબતે આપણે અન્ય લોકો તો ક્યાંક ફરજ બાબતે ઊણા ઉતર્યાં નથી ને ?

શહેર ભણીની દોટનું કારણ શું ?

ખેડુતોના છોકરાઓએ ખેતી છોડી, બીજા ધંધા માટે શહેર ભણી જે દોટ લગાવી છે, એની પાછળના થોડાક કારણો ભલે કુદરત સર્જિત હશે-એની ના નથી.[એની ખેડુતોને પૂરી જાણ છે જ]પણ ઘણાં કારણો સમાજ-સર્જિત અને કેટલાક કારણો સરકાર-સર્જિત પણ છે.તે અંગે જ ગંભીરતાથી વિચારવું પડે તેમ છે તે કહેવાની રજા લઇ રહ્યો છું હું.

  • કુદરત સર્જિત કારણો = ખેતીનો વ્યવસાય જ સંપૂર્ણ પણે કુદરતી પરિબળો પર આધારિત છે. ખેતીમાં વરસાદની ‘ઘટ’ તો નડે જ, પણ એની ‘વધ’ પણ નડે બોલો ! ઊભી મોલાતમાં રોગ લાગી જાય, જીવડાં કનડે, હીમ, માવઠું, વાવાઝોડું કે પૂર- અતિક્રમણ કોઇ પણ બાબતનું થાય એટલે છોડવા-ઝાડવાંને માઠી અસર થઇ જ સમજો ! અને પરિણામ ? પરિણામ સીધું જ ઉત્પાદન પર નઠારી અસર ! ખેડુતનું ધાર્યું કંઇ થાય નહીં ! ઉત્પાદન બાબતની ધારેલી આશાઓ પર ફરીવળે પાણી ! ધંધા પ્રત્યે અણગમો ન થાય તો બીજું થાય શું ?
  • સરકાર સર્જિત કારણો = અને માનો કે કોઇ વરસ આ બધી કુદરતી આફતોમાંથી ઉગરી જઇ-ઉત્પાદન પ્રમાણમાં ઠીક મળવા પામ્યું-ત્યારે બજાર ભાવ જ સાવ ઢેફે ગયેલા હોય ! અરે, 2011-નો જ દાખલો લઇએ. ઘઉંના 20 કીલોના રુ.બસો, મકાઇના પોણા બસો અને બાજરા જેવા ધાન્ય પાકના તો રુ. દોઢ સો પૂરા ! અલ્યા ! આ તે માલના કોઇ ભાવ કર્યા કહેવાય કે ખેડુતની નરી ઠેકડી ઉડાડી ગણાય ? ખેડુતે તો કરવતીના વાઢની જેમ બન્ને બાજુ કપાવાનું જ ને ! ધંધાને જરૂરી કાચો માલ ખરીદવો હોય તો ભાવ કરે વ્યાપારી અને પોતે ઉત્પન્ન કરેલ પેદાશ વેચવા નીકળે તો પણ મૂલતો વેપારીએ જ નક્કી કરવાનાં ! આ તે ક્યાંનો ન્યાય ? એની પડતર શું છે, એ તો પૂછો એમને ! પણ ના, એવી વ્યવસ્થા ઊભી કરવાની આપણી સરકારોની દાનત જ ક્યાં છે ભાઇઓ ! એમના હૈયે જો ખેતી અને ખેડુતો જીવવા જોઇએ એવી ઊંડી સમજણ હોય તો તેવી વ્યવસ્થા ઊભી કરવાનો વિચાર આવે ને ? એને તો બસ “ મત આપી દ્યો- તમેયે છુટ્ટા અને અમેયે છુટ્ટા !”

          તમે જ કહો ! જે વ્યવસાયમાં કાચો માલ જ મોંઘો હોય એની પડતર નીચી આવે કેમ ? જમીનમાં કસ ઉમેરણનાં ખાતરો મોંઘા, છોડવાઓને નરવ્યા કરવાની દવાઓ મોંઘી, પાણી ખેંચવા વપરાતી વીજળીના બીલ મોંઘા, અરે ! ટ્રેક્ટર વગેરે ખેત યન્ત્રો ચલાવવાના ઇંધણની મોંઘાઇની તો વાત જ કરવાની નહીં ! અને  અધુરામાં પૂરું હવે તો “ મનરેગા “ સરકારની યોજનાના અમલ પછી ખેતીકામમાં મદદ કરનારા મજૂરો થઇ ગયા સૌથી મોંઘા ! સોંઘો હોય તો માત્ર એક ખેડુત અને બીજો એણે પકવેલો માલ ! સરકારના પ્રતિનિધિઓને રાજધાનીમાં બેઠા બેઠા સત્તા ટકાવી રાખવાની વેતરણોમાં થોડો આવો બધો ગણતરી કરવાનો ગાળો હોય કે અભ્યાસ કરી યોગ્ય ભાવ અપાવે ?

          ખેતી સિવાયનો પાલવે ઈ ઉદ્યોગ શરૂ કરવાનો થાય, તો તેને માટેની જમીન, જરૂરી પાણી, જોઇતી વિજળીની સગવડ અને નાણાંની મામુલી વ્યાજની લોન અને તેમાં મોટીમસ સબસીડીની સુવિધા રાતની રાતમાં સરકાર ઊભી કરી દેશે, બોલો ! જ્યારે ખેડુતને કૂવા-બોરમાંથી પાણી ખેંચવા 5-7 કે 15 હો.પા.ની મોટર માટે વિજળીનું જોડાણ લેવું હોય તો અરધો ગઢ્ઢો થઇ જાય તોય મળે નહીં ! ખેતીની આ રાજકીય ઉપેક્ષા નહીં તો બીજું શું ગણાય મિત્રો !

           આંકડાઓ તો તપાસો ! 1990ના દસકામાં, યોજનાના કૂલ ખર્ચના 10 ટકા ખેતી પાછળ ખરચાયા હતા.જ્યારે 2010-11 ના બજેટમાં ઘટીને માત્ર અઢી ટકા થઇ ગયા ! ખેતીક્ષેત્રે ખર્ચ કરવામાં આટલી બધી કંજુસાઇ કેમ ? ઇરાદો જ ખેડ્યને ધૂળ ચાટતી કરી દેવાનો છે એવું સાબિત થાય છે. જે વ્યવસાય માણસોના પેટની ક્ષુધા સંતોષવા અન્ન ઉત્પન્ન કરનારો છે, એના પ્રત્યે સરકારોનું આટલું બધું દુર્લક્ષ હોય, ત્યાં ધંધો જીવે કેમ? ખેડૂતો ટકે કેમ ?

  • સમાજ સર્જિત કારણો = નાણાં વગર ‘નાથિયો’ અને નાણે ‘નાથાલાલ !’ તમે જુઓ ! સમાજમાં આજ પ્રામાણિકતાના, નીતિના, વફાદારીના, માણસાઇના મૂલ્યો કરતાં નાણાંનું મૂલ્ય વધુ અંકાતુ થઇ ગયું છે. યેનકેન પ્રકારે નાણું રળી લ્યો, મોભાદાર બની જવાશે ! અન્ય ધંધાની સરખામણીએ એમાં કરવી પડતી વધુ મહેનત પછી પણ ખેતી એટલા નાણાં રળી શકતી નથી. એટલે “ખેતી એ છેલ્લી કક્ષાનો ધંધો છે” એવું ગણી, આવો હલકો ધંધો કોણ કરે ? જેને અન્ય કોઇ ધંધાની ફાવટ ન હોય તે જ ને ? આવી શિષ્ટ સમાજમાં ઊભી થયેલી હવાએ ખેતી કરતા અને કરવા ઇચ્છતા યુવાનોને નીચા જોણું કરાવ્યું છે, હલકા પાડવાનું કામ કર્યું છે. અરે ! એટલે સુધી કે કોઇ યુવાન ભણીગણીને હોંશભેર ખેતી કરવા તૈયાર થયો હોય, અને એ જો કુંવારો હોય તો “ખેતી કરે છે ને ?” કહી, કોઇ દીકરી પરણાવવા તૈયાર નથી ! ઉપેક્ષાની કોઇ હદ હોય કે નહીં ? આ પરિસ્થિતિમાં યુવાનો ખેતી કરવા તૈયાર થાય કેમ ?

         અને બીજું કહું કે જેમણે જિંદગી આખી ખેડ્યમાં, છોકરાને ઘેર છોકરાં થઇ ગયા ત્યાં સુધી વિતાવી છે- તે બધામાં અગાઉ કરવા પડેલા અતિ શ્રમ અને ભોગવેલી ગરીબાઇથી એવા કંટાળી ગયા છે, અને એવું માનસ ધરાવતા થઇ ગયા છે કે “ આપણે હવે છોકરાઓને એવી નિહાળ્યમાં ભણવા મૂકવા છે કે જ્યાં ‘કામ’ બિલકુલ ન કરવું પડતું હોય !” અને તમે જુઓ ! ધંધાના બાહોશ માણસોએ આ માનસને બરાબર ઓળખી જઇ, તકનો ગેરલાભ લેવા એવી સ્કૂલો ખોલી વાળી છે કે બાલમંદિરથી જ બાળકોના વજન કરતાં વધારે પૈસા પડાવી “ તમારા બાળકનું મોઢું અમે ધોઇ દેશું, નખ અમે કાપી દેશું, વાળ અમે હોળી દેશું, પથારી અમે પાથરી દેશું, વાસણ અમે ઉટકી દેશું, કપડાં અમે ધોઇ દેશું અને નવરાવી પણ અમે દેશું ” એવો ફાલ ઉતારવા માંડ્યા છે, કે જેઓ પોતાની મેળે કંઇ પણ કરવા અસમર્થ બની જાય ! મનમાં શ્રમ પ્રત્યે શરમ, સંકોચ, અને આળસ, અરે ! એક પ્રકારની ‘સૂગ’ જ ઘર કરી ગઇ હોય ! આવા યુવાનો શરીર શ્રમ માગનાર ખેતી વ્યવસાયને તો છી…..છી…જ કરવાનાને ? એમની પાસેથી ખેતીવ્યવસાયની અપેક્ષાયે શી રાખી શકાય ?

          સૌરાષ્ટ્રમાં આંબલા, મણાર, માલપરા, ખડસલી, ધજાળા, વાળુકડ જેવી ઘણી બધી લોકશાળાઓ અને લોકભારતી સણોસરા જેવી ગ્રામવિદ્યાપીઠો શ્રમ સાથેનું શિક્ષણ આપી રહી છે. તેમાં ભણીને બહાર પડેલા વિદ્યાર્થીઓના જીવન તપાસો ! ખેતીતો શું ? સામે આવેલ કોઇ પણ કઠિનમાં કઠિન વ્યવસાય કે આંટીઘૂંટી વાળી પરિસ્થિતિઓમાંથી માર્ગ કાઢી, આગવું હીર દેખાડી રહ્યાં છે. શ્રમ પ્રત્યેની સૂગ નહીં હોવાના શિક્ષણ દરમ્યાન મળેલા સંસ્કાર, જીવનભર તેમની પડખે ઊભા રહે છે. આપણે તો ગળથૂથીમાં જ શ્રમ પ્રત્યેની નારાજગી પાઇ રહ્યા છીએ, પછી ‘ગજબ’ના ઝાડવાને તો ‘જુલમ’નાં જ ફળો આવે, કંઇ ‘અમી’ના થોડા આવે ભાઇઓ !

           પશ્ચિમી સંસ્કૃતિથી અંજાઇ, શહેરના ભભકાદાર જીવન જીવાતાં જોઇ, ખેતી કરતા કોઇ જુવાનિયાને ખાટું-મોળું મન થઇ જતું હોય, કે “વેચી નાખને બાપદાદાની આ જમીન. ધૂળ સાથે બથોડા ભરવાનુંય ટળે અને કિંમત ઉપજે છે બહુ ભારે અત્યારે ! નાણાં રોકી દઇએ કોઇ બીજા ધંધામાં- નહીં તો બેંકો ક્યાં બંધ થઇ ગઇ છે ? એય…ને નિરાંતવો રોટલો ખાધા કરીશ એટલું વ્યાજ આવ્યા કરશે” એવું કહેનારની ખોટી સલાહમાં કોઇ કોઇ તણાઇ જઇ ખેતી છોડતા હોય- એવું યે જોવા મળે છે, પણ ટવર્યું ટવર્યું- ખાસ નહીં. ત્યાં ખેતીનાં સંસ્કાર કામ કરી જાય છે.

            નાનેથી મોટા સૌની દોટ આજે દોમ દોમ સાહ્યબી વાળી-આર્થિક સધ્ધરતા બાજુની રહી છે. શહેરમાં દેખાતી સુવિધાઓ, ગામડાંના ખેડુતને ભોગવવાનું ક્યારેક મન થઇ આવે તો તે કંઇ ગુનો થોડો છે ?

ખેતી પાયાનો ધંધો છે, માણસોના પેટમાં પધરાવવાની ચીજો પકાવતો વ્યવસાય છે. જે કરવું ઘટે તે બધું કરીને પણ તેને ટકાવવો જોઇએ, વિકસાવવો જોઇએ અને એને માનભેર ખેડુતો સ્વિકારે, ચાલુ રાખે અને રસથી નભાવે, સંભાળનારના માન-મરતબો જળવાય અને આર્થિકરીતે અન્ય ધંધાથી પાછળ ન રહે તેવી પરિસ્થિતિ ઊભી કરવાની સરકાર અને સમાજ બન્ને તૈયારી દેખાડે, તો જ આ વાત શક્ય બને તેવું છે.


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *