





– રજનીકુમાર પંડ્યા
ભોજરાજગીરીએ કહ્યું: ‘નાનાભાઈ ભણતા હતા ત્યારે બીજા ધોરણમાં ખાલપરને અડીને આવેલા વંડા ગામ ભણવા આવતા રહ્યા. ગરીબી એટલી બધી હતી કે ઘરમાં ક્યારેક એકાદ ટંક જ ખાવાનું જડે. એટલે દાણા-પાણી ને તેલ તુરી સિવાય બીજું કાંઇ હટાણું વહોરવાની તો વાત જ ના થાય.
ગોઠીયાઓની ચોપડીઓ વાંચતા-ને ધોરણ તરી જતા, પણ એ બધા પાસ થઈને બહાર ભણવા ચાલ્યા ગયા ત્યારે એ તરાપો પણ એ સૌની ભેળો તણાઇ ગયો. એટલે બાપુ કહેવા માંડ્યા કે ‘કુંવર,કુંવર, હવે હાઉં, ઊઠી જાઓ. ભણવાનું આપણું કામ નથી. મારી જેમ બીડીઓ વાળો બીડીઓ.’ અને નાનાભાઈ ખરેખર બાર વરસની ઉંમરે રોજની ત્રણ હજાર બીડીઓ વાળવા બેસી ગયા. હજારે આઠ આની મળે. દિવસ આખો વાળે, રાતે એના માટેના પાંદડાં કાતરથી કાપવાના, અને દિવસે મોટાભાઈ દડુભાઈ ઢોર ચરાવવા જાય. નાનાભાઈ બીડીઓ વાળે. સૌથી નાનો ઉનડભાઈ દાડીદપાડી કરે – બેન તો નાની સાવ દસ દિવસની હતી. બીડીઓનો ભરાવો થઇ જાય અને થાલો (બીડીઓ માટેના પાંદડા.તમાકુ અને દોરા બધું એક સાથે મુકવાનો લોખંડનો મોટો તાંસ) ઠાલો થઇ જાય ત્યારે નાનાભાઈ ગામમાં દાડીયે-મજૂરીએ જાય. ઘરમાં ઢેફાં ભાગે, નિંદામણ કરે, વાવણી કરે. એ કામ પણ ન મળે ત્યારે લોટ દળવાની ઘંટીએ રોજમદારીના રૂપિયા એક લેખે ઘટીયામણે જાય. આમ છતાં, એક વાર અટાટની મુસીબત આવી પડી ત્યારે એમણે અમદાવાદની ટાટા એરલાઈન્સમાં ચોકીદારની નોકરી પણ સ્વીકારીને અમદાવાદ જવા પરિયાણ માંડ્યું. ત્યારે વળી ‘તને કુટુંબથી જુદો પાડવો નથી.’ એમ કહીને બાપુએ જવા ન દીધા. એટલે પાઈપાઈ માટે કુમળી ઉમરમાં નાનાભાઈ લોહીપાણી એક કરવા માંડ્યા– શા માટે ? ભાંડરડાના પેટ ભરવા માટે અને બાપુની અફીણની લત પૂરી કરવા માટે. ફદીયાં ભેગાં કરીને બન્ને ભાઈઓ ત્રણ ગાઉની ખેપ કરીને વેળાવદર ગામથી બાપુ માટે અફીણ લેવા જાય. અફીણનું બંધાણ તો બાપુને એવું કે ન મળે તો એમના ટાંટીયા ગારો થઈ જાય, શરીરની નસો તૂટે!’
‘નાનાભાઈ’ મેં પછી નાનાભાઈને ખુદને જ પૂછ્યું: ‘તો પછી તમે ભણ્યા કેવી રીતે ?’
‘મેં એક વાર એક મોટા શેઠની દુકાનની સામે ચા-બીડી-ઘાસલેટની નાનકડી હાટડી શરૂ કરી હતી. એમાં કંગાળ માણસો બે પૈસા, એક આનાનું તેલ-મરચું લેવા આવે. કોઈ રાંડીરાંડ વળી પંગુ સસરા માટે કાળી મજૂરીના કાવડીયામાંથી બીડીની ઝૂડી લેવા આવે. આંગળીએ વળગેલું છોકરું બે પૈસાની મીઠી ગોળી (પીપરમીંટ) માટે કજીયે ચડ્યું હોય, પણ બાઇ એ ન લ્યે અને એટલા પૈસામાંથી દમલેલ સસરા માટે બીડીની ઝૂડી લઇ જાય. એમ ના કરે તો ધણી ધીબેડી નાખે. આ બધું જોઈને મન મનમાં કોચવાયા કરીએ કે ‘આપણે ખુદ ગરીબ, આપણા ઘરાક આપણાથીય જાય એવા ગરીબ, તો શું આપણે એવા ગરીબનાય ગરીબ પાસેથી રળીને આપણું ડોજરું (પેટ) ભરવું છે? હે ભગવાન, આવા ધંધાના ગાળીયેથી મને છોડાવ. પછી એ જ સીધી લીટીમાં આગળ વિચાર આવ્યો કે માસ્તર થયા હોઈએ તો કેમ? ઠેરવ્યું કે થવું. આખો દિવસ મજૂરી કર્યા પછી રાતના દસ પછી માસ્તર ભાઇબંધો બળવંત ત્રિવેદી અને લાભશંકર ભટ્ટ પાસે ભણવા જવા માંડ્યો એટલે રાતની સિલકમાં ફક્ત ચાર કલાકની નિંદર રહી. આમને આમ શાળાંત પાસ થયો. માર્કસ સારા આવ્યા એટલે સ્કોલરશીપ મળી ને સોનગઢ અધ્યાપન મંદિરમાં જઈને પી. ટી. સી. થયો ને આમ ૧૯૬૧માં પાંસઠના બાદશાહી પગારે માસ્તરપદ પામ્યો.’ગ્રેડ કેટલો ? ચાલીસ ત્રણ સિત્તેરનો..’
‘આ માસ્તરત્વ અને લેખકત્વને કંઈક સંબંધ લાગે છે.’ મેં કહ્યું.
‘મારા મામલામાં તો ઠામુકો નહીં’. એ બોલ્યા: ‘સીધો સંબંધ ગણો. ભોજરાજગીરી વળી વાર્તા લખે તે ક્યાંક એમના નામ સાથે છપાય તે જોઈને મને પણ મારું નામ છાપેલું જોવાનું મન થયું. લોકકથાઓ અને ગ્રામ્યકથાઓના બીયારણ તો અમારી રગમાં હોય. એટલે એક વાર્તા લખી અને સારે ઠેકાણે છપાણી તે જોઈને આપણને તો ભયોભયો થઈ ગયું.’
નાનાભાઈની વાત સાચી નહોતી. એ તો બધું ભોળેભાવે બોલતા હતા. એમ તો છાપેલું નામ જોવાની હોંશ સૌ કોઈને હોય. પણ એ સૌ કંઈ લેખક બની શકતા નથી. એક વાર માનો કે બની ગયા તો પણ હંમેશને માટે ‘બનેલા’ રહી શકતા નથી. નાનાભાઈને શી ખબર ? લેખક તરીકે તાજા ઉગેલા હતા. હજુ માથે તડકો ક્યાં પડ્યો હતો ? ધીરે ધીરે ચામડી બાળી નાખે એવો તડકો પડ્યો. પહેલો અનુભવ એવો થયો કે એમની પહેલી નવલકથા વખતે એમને રૂપિયાની એવી તાતી જરૂર કે એની હસ્તપ્રત એમણે એક પ્રકાશકને બસ્સો રૂપિયાની ઉચ્ચક મામૂલી રકમમાં આપી દીધી. રાજકોટ મારે ત્યાં આવ્યા હતા અને હું જ એમને સાયકલના કેરિયર પર વેંઢારીને ત્યાં લઇ ગયો હતો. બસોની કિમત એ વખતે ઠીક હતી પણ દળદાર નવલકથાના હક્કો ખરીદવા માટે બહુ મામૂલી ગણાય, પણ શોષણ સામે અક્ષર અમે ન બોલી શક્યા. કારણ કે અમે નાનકડા અને નવા હતા. બ્રોકરની ઓળખાણ મને મોહમ્મદ માંકડે કરાવી હતી એટલે મેં એમને પ્રસ્તાવના લખી આપવાની વિનંતી કરી હતી, પણ નવલકથા પ્રસ્તાવના લખવાજોગ લાગે તો જ લખી દેવાની એમણે હા પાડી હતી. એ વાંચીને તેઓ એટલા બધા રાજી થયા કે બહુ ઉલટથી લખી આપી. અને લખ્યું કે આ માણસમાં સૌરાષ્ટ્રના પન્નાલાલ થવાના બીજ છે. એમને થોડા સાહિત્યિક-સત્સંગનો લાભ મળ્યા કરે તેવી ગોઠવણ કરજો..
એ પછી એમની બીજી નવલકથા ‘લોહરેખા’ બે ભાગમાં પ્રગટ થઈ. એક વિદ્વાને એને ‘સિનેમાસ્કોપિક નવલકથા’ તરીકે નવાજી. સંખ્યાબંધ પાત્રોને સમાવતી એ નવલકથા સાચે જ ધરતી સાથે જડાયેલી નવલકથા હતી. જીવનના સંસ્પર્શથી ભરીભરી અને છતાં કલાકારીના ટુકડા જેવી. એ પછી છાપાઓમાં હપ્તાવાર પ્રગટ થતી અને પુસ્તકાકારે પ્રગટ થયેલી અનેક નવલકથાઓ બહાર આવી. ‘મેઘરવો’, ‘સુરજ ઉગ્યે સાંજ’, ‘ભીનાં ચઢાણ’, અર્ધા સૂરજની સવાર’, ‘એંધાણ’ અને અનેક લોકકથાઓ પ્રગટ થઈ, વાંચતા ડોલી જવાય એવી ટૂંકી વાર્તાના સંગ્રહો પ્રગટ થયા. ભજવવા લાયક બાળનાટકોનો સંગ્રહ અને સૌરાષ્ટ્રમાં જેને ઓઠાં કહેવાય તેવી લોકદૃષ્ટાંત કથાઓના સંગ્રહ ‘ધકેલ પંચા દોઢસો’ રાજકોટના પ્રવિણ પુસ્તક ભંડારે પ્રગટ કર્યા. વાંચકોમાં નાનાભાઈ બહુ લોકપ્રિય થયા- પણ ઉન્નતભ્રુ વિવેચકો સુધી એમની છાલક ન પહોંચી. ‘સંદેશ’ જેવા માતબર દૈનિકમાં રવિપૂર્તિમાં એમની ‘અતિથિ’ના ઉપનામે પ્રગટ થતી ‘અલખનો ઓટલો’ કટાર વાંચીને તારક મહેતા જેવાએ વિનોદ ભટ્ટને પૂછાવ્યું કે આવું સરસ લખનાર માણસ છે કોણ ? ક્યાં રહે છે ? મોહમ્મદ માંકડ જેવા એમની ટૂંકી વાર્તાઓ વાંચીને પ્રભાવિત થઈ ગયા, છતાં આપણા માન્ય ‘વેલ્યુઅર્સ અને સર્ટીફાયર્સ’ સુધી એમને આંબવાનું બન્યુ નહીં. કારણ એમની પોતાની જાતમાં જ પોતાના ઢોલ પર દાંડી પીટવા માટેનું કોઈ યંત્ર નહોતું. એ ગામડીયા રહ્યા. જનસંપર્કના કોઈ જોરદાર મૈત્રીતંત્ર વગરના રહ્યા. પારખુ માણસો સુધી પહોંચ્યા પણ અવાજદારો સુધી ન પહોંચી શક્યા. એમાં થોડો એમનો પણ વાંક હતો. સતત લઘુતાભાવ અનુભવતા રહ્યા અને ‘હું તો કંઈ નથી’ માનતા માનતા મીંડુ થઈ જવાય ત્યાં સુધી અંદર ને અંદર બેવડ વળી ગયા. એક વાર મને એમણે લખ્યું: ‘હું કંઈ લેખક નથી. યાતનામાંથી છૂટવા માટે લખું છું.’
એક વાર મેં એમને ‘આમ શા માટે? કહીને ઠપકો આપ્યો તો કહે, ‘હું તો ટુકડે ટુકડે કપાઈને જીવું છું. એક વાર બાપાના ઠપકાથી ઘવાઈને કૂવે પડેલો ત્યારે કાળુ આયરે મને મેં એના હાથે લોહી નીંગળતું બટકું ભર્યું તો ય બચાવેલો. બીજી એક વાર ડબલ ન્યુમોનીયા થયો ત્યારે મને સાથરે લીધેલો. પંથદીવો પણ પ્રગટાવેલો. પણ મારી આજુબાજુ વાંસળીઓ વાગતી હોય્ એવો મને ભાસ થયો ને હું બેઠો થયો. પુનર્જન્મ પામ્યો. ત્રીજી વાર મારી મા જેવી ભાભી પાંચુબેન કેન્સરથી પીડાઈને મને ‘ભાઈ, મને ઝેરનું ઈંજેકશન આપી દો.’ એમ બોલતી હતી ત્યારે મારો એક ટૂકડો કપાઈ ગયો હતો. આમ કપાઈ કપાઈને જીવું છું – ને ગરોળીની પૂંછડીની જેમ ત્રુટક ત્રુટક તરફડ્યા કરું છું. બીડી વાળતો હતો ત્યારે એમાં એટલો બધો હાથ બેસી ગયો હતો કે ઘરાક મારી વાળેલી બીડી જ માગતા હતા છતાં હું ભૂખે મરતો હતો. આજે સામયિકો અને છાપાં મારી વાર્તા માગે છે તો ય એટલો દખી છું. પુત્રને કોલેજમાં દાખલ કરવા માટેનો ખર્ચો પણ મારી કલમ જોગવી શકતી નથી. થાય છે કે ગુજરાતી ભાષામાં લખવાના આ ફંદ છોડીને ફરી પાનબીડીની- ઘાસલેટની હાટડી માંડુ. બાકી સમજી શક્યો છું કે માણસ જન્મે, ભેગું દુઃખ જન્મે, એ મોટો થાય, ભેગુ દુઃખ મોટું થાય. એ ખુદ ટકે એટલી જ વાર દુઃખ પણ ટકે. આમાંથી કોઈ આરો-ઉગારો ખરો કે નહીં ?’
એ વખતે વંડા (વાયા ધોળા જકંશન- સૌરાષ્ટ્રમાં) પ્રાથમિક શાળામાં શિક્ષક એવા નાનાભાઈ જેબલીયા ઉર્દૂ શાયર ગાલિબના શેરની પ્રથમ પંક્તિ જેવું પૂછતા હતા. ‘ગમે હસ્તિકા અસદ કીસસે હૈ જૂજમર્ગ ઈલાજ’ (હૈ ગાલિબ, આ હયાતીની પીડાનો કોઈ ઈલાજ ખરો ?”)
જવાબમાં મેં ગાલિબની એ જ શેરની બીજી પંક્તિ ટાંકી: ‘શમા હર રંગમે જલતી હૈ સહર હોને તક’ (મીણબત્તીએ કોઈ પણ રીતે સવારોસવાર સળગતા જ રહેવાનું છે.’)
હા, પણ જો એના પ્રકાશની કોઈ નોંધ સુધ્ધાં ન લે તો એની વળી જૂદી જ પીડા છે. જૂદા જ પ્રકારની વ્યથાની એ સમજી શકાય તેવી વાત છે, અચાનક મરવાની નહીં, ધોમ તડકામાં ધીરે ધીરે કરમાતા જવાની વાત છે,.નાનાભાઇ જેબલીયા મર્યા નથી, કરમાઇ કરમાઇને ખર્યા છે. પણ ફોરમ ક્યાં લુપ્ત થઇ છે ?
***** ***** *****
સંસ્મરણો અનેકાનેક છે, પણ એ ઉતારવાની આ જગ્યા નથી, છેલ્લી વાર જુન 2011 માં ખડસલીની એક સંસ્થાના સમારંભમા હાજરી આપીને ભાઇ બીરેન કોઠારી સાથે એમને ત્યાં જવાનું બન્યું હતું, ત્યારે અમારું મળવાનું લગભગ એકપક્ષી હતું, મને એકનો એક સવાલ વારેવારે પૂછ્યા કરતા હતા “ક્યારે આવ્યા?”, “ક્યારે આવ્યા ?”, “ક્યારે આવ્યા ?” મારો જવાબ એમની સ્મૃતિની ઉપલી પોપડીને પણ ખેરવી શકતો ન હતો.. છતાં અચરજ એ વાતનું કે સાવ તળીયાની વાતો એ યાદ કરતા હતા!. સવિતા”ના ઇનામોના અમે કાઢેલા વારાઓની વાતો અને બીડીના બંધાણને કારણે એમનું લોહી એમનાં પત્નીને ચડાવવાની ડૉક્ટરે ના પાડી હતી અને પોતે એથી ચોધાર રોયા હતા એની, રાજકોટમાં ડામરની સડક પર ચાલતી વખતી એમના લોખંડની નાળ જડેલાં ભારે પગરખાં ધડ ધડ અવાજ કરતા હતા ત્યારે મેં એમને ટપાર્યા હતા એની, અને એવી બધી…
બીરેને ફોટા પાડ્યા અને એક એક બબ્બે મિનિટની વિડીયો ક્લિપ પણ ઉતારી, હવે એમને હયાત જોવા હોય તો કાં તો એમનાં પુસ્તકો અને કાં તો ફોટા અને વિડીયો ક્લિપ્સ !
અને હા, ગુજરાતી સાહિત્યના ઇતિહાસના પાને તો ખચિત જ ! ઉકેલનારને વાંચતા આવડવું જોઇએ એ શરત!
(સંપૂર્ણ)
નાનાભાઇ હરસુરભાઇ જેબલીયાનો જન્મ 11-11-1938/ અવસાન 26-11-2013
અનેક ઇનામો અને નવાજીશો ઉપરાંત ગુજરાત સરકારનો એક લાખ રૂપિયાનો નરસિંહ મહેતા એવૉર્ડ
યાદગાર સર્જનો-તરણાનો ડુંગર (પ્રથમ નવલકથા). રંગ બિલોરી કાચના, મેઘરવો, એંધાણ, સુરજ ઉગ્યે સાંજ, ભીનાં ચઢાણ- આ બધી નવલકથાઓ ઉપરાંત બીજી થોડી/ સથવારો, શૌર્યધારા જેવા વાર્તા સંગ્રહો, ધકેલ પંચા દોઢસો, સતયુગ આવ્યો, હાસ્યકથાઓ – જેવી હાસ્યકથાઓ, ઇતિહાસનું ઉજળું પાનું,મુઠી ઉંચેરા માનવી,માણસાઇના કાંઠે કાંઠે- જેવી ઇતિહાસકથાઓ ઉપરાંત આપા વિસામણ, આપા જાદરા, સંત મૂળદાસ, સિહોરના સંતો જેવી સંતકથાઓ એમણે આપી છે.
(નોંધ: 2011માં યોજાયેલા સેમિનાર પછી વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન દ્વારા “નાનાભાઇ : વ્યક્તિ અને વાંગ્મય” નામનું એકસો તેવીસ પાનાનું સુંદર પુસ્તક કેસર મકવાણાના સંપાદન હેઠળ પ્રગટ થયું છે. કેટલાક સંદર્ભ વાસ્તે તેનો ઉપયોગ કર્યો છે, તેમાં નાનાભાઇના અનેક મિત્રોના લેખો છે.મનોહર ત્રિવેદીનો એમાં શીરમોર છે.-લેખક)
———————————————————————————————
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
અમદાવાદ-380 028/ ફોન- 079-2532 3711 /મૉબાઇલ-+91 98980 15545
ઇ મેલ-rajnikumarp@gmail.com./બ્લૉગ-http;//zabkar9.blogspot.com
ખુબજ સુંદર. સરસ
આકલન.છણાવટ
નાનાભાઈ હ. જેબલિયા
વાંચવા ખુબજ ગમે છે.
ખૂબ ખૂબ સરસ રજનીભાઈ
આભાર અને અભિનંદન
Thanks Rajnikumarji for great story of our Gujarati writer which we did not know still this day !
ગુજરાતી સાહિત્યમાં આ જ હકીકત છે કે બોલે તેના બોર વેચાય. આવી વ્યક્તિઓને ઉજાગર કરીને આપ સુંદર કાર્ય કરી રહ્યા છો.
ખળભળી જવાયું નાનાભાઇની આ વાતો વાંચીને.
માણસ જન્મે એટલે દુખ જન્મે અને એની સાથે મોટું થતું જાય…. આ શબ્દો ધારદાર રીતે અંદર ઉતારી ગયા….
રજનીભાઈ તમારી શૈલી માટે મને અનહદ માન છે.