નિરાંતે સૂઈ જાજો શ્યામળા (ગીત)

Facebooktwitterredditpinterestlinkedinmail

-ધ્રુવ ભટ્ટ

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા,
અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા?


આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં,

એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને કાઢું ક્યાં આરતનાં વેવલાં?

આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કરશું કે કરાવશું બાપલા,

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા.


ઠીક છે, જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું;
બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું.
આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગું હું કામળી ને કામળા,
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા.


આવી ગયો તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું,
આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું!
આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે તમને શું અમથા ભગાડવા;
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા.


* * *

સંપર્કસૂત્રો :

મોબાઈલ – 91 9426331058
Email: dhruv561947@yahoo.com


(કરમસદના કવિ શ્રી ધ્રુવભાઈ ભટ્ટનું આ એક મઝાનું લયબધ્ધ ગીત છે. ભગવાનની ફિકર કરતાં ભક્તની આ બેકિફરીની અદા ખૂબ ગમી જાય છે. આ અગાઉ તેઓશ્રીનું વેબગુર્જરી ઉપર પદાર્પણ થઈ ચૂક્યું છે. આ રચના બદલ તેઓશ્રીનો ખૂબ ખૂબ આભાર.

– દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય સમિતિ)

1 comment for “નિરાંતે સૂઈ જાજો શ્યામળા (ગીત)

  1. Neetin Vyas
    September 16, 2018 at 5:15 pm

    “નિરાંતે સૂઈ જાજો શ્યામળા” આજે વહેલી સવારે વાંચ્યું, આજનો દિવસ તો ઠીક, હવે પછીના દિવસો પણ સુધારી ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *