બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૧૪

લેખિકા : નિર્મલા દેશપાંડે

અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે

ચંદ્રાવતીએ હળવેથી બૅગ જમીન પર મૂકી. ચંપલ પહેરી લીધાં અને પાલવ વડે આંખ – ગાલ પરનાં આંસુ અને પ્રસ્વેદથી ભીનાં થયેલાં હાથ અને પગનાં તળિયાં લૂછી ચંદ્રાવતી બંગલા તરફ પીઠ કરીને ઊભી રહી. નીલા રંગના કિમતી સૂટમાં સજ્જ થયેલો વિશ્વાસ ધીરે ધીરે પણ મક્કમ પગલે બંગલાના કમ્પાઉન્ડની દીવાલ નજીક આવીને ઊભો રહ્યો. તેનો શ્યામલ ચહેરો ચાંદનીના પ્રકાશમાં અસ્પષ્ટ દેખાયો.

“પહેલાં બૅગ આપો,” દીવાલ પારથી ઘોઘરા અવાજમાં વિશ્વાસ બોલ્યો.

ચંદ્રાવતી એકાએક શબવત્ સ્તબ્ધ થઈ ગઈ.

“ચાલો, ઝટપટ પતાવો. મોડું થાય છે. એક પગ પત્થર પર મૂકો અને સહેજ નજીક આવો. અમે આપને ઊંચકી લઈશું,” ચંદ્રાવતીનો હાથ ખેંચતાં વિશ્વાસ બોલ્યો.

“ના, ના! હું નહી આવી શકું…”

“હત્તેરે કી! આમ હિંમત ન હારો. ચાલો, પગ ઉપાડો.”

“પ્લીઝ, વિશ્વાસ તમે જાવ. સાચે જ, હું નહી આવી શકું.”

“શી વાત કરો છો? આમ એકદમ વિચાર કેમ બદલ્યો? જલદી કરો. ચાર વાગ્યા પહેલાં અહીંથી છટકવું જોઈશે.”

“હું નથી આવી શકતી. પ્લીઝ!!”

“એટલે?”

“એટલે મારાથી નહી અવાય. મને માફ કરો.”

“આવું જ કરવું હતું તો આ બધો ઘાટ મારી કને શા માટે ઘડાવ્યો?”

“મેં – મેં નથી ઘડાવ્યો. તમે અહીંથી જલદી જતા રહો.”

“આખરે તમે તમારી જાત પર ગયા જ! કહેવાતી ઈમાનદાર – વફાદાર પરભૂ જાત! થૂ!!” વિશ્વાસનો હિમની કટાર જેવો અવાજ સવારની ઠંડીને પણ કાપતો હોય તેવો ધારદાર હતો.

એક ક્ષણમાં જ થાકી ગયેલા માણસની જેમ પગલાં નાખતો વિશ્વાસ પરોઢના ધુમ્મસમાં અદૃશ્ય થઈ ગયો. રાવરાજાની મોટરની ટેઈલ – લાઈટનાં લાલ દીવા અસ્પષ્ટ થઈ અંધારામાં ઓગળી ગયા. ચંદ્રાવતી હજી પણ બોગનવિલિયાની નીચે ઊભી હતી. તેના શરીરમાંની ચેતના નષ્ટ થઈ ગઈ હતી.

અચાનક નજીકની જાંબૂડીની ડાળમાં છૂપાયેલી કોયલનો આર્ત ટહૂકાર – ‘કૂ..હૂ’ સંભળાતાં જ ચંદ્રાવતી હોશમાં આવી. તેણે બૅગ ઊંચકી. પગમાંથી ચંપલ કાઢી હાથમાં લીધાં અને ધીમે ધીમે પાછી બંગલાના પગથિયાં ચઢવા લાગી.

સિકત્તર હજી માથા પર ચાદર ઓઢી ઘેરી નીંદરમાં હતો.

ધીમેથી પોતાના કમરામાં પ્રવેશ કરી ચંદ્રાવતીએ હાથમાંની બૅગ પલંગની નીચે સરકાવી અને બારીને અઢેલીને ઊભી રહી. બહાર ધુ્‌મ્મસમય અંધકારમાં નજર નાખતી વેળા તેને પહેલો અહેસાસ થયો હોય તો તેના હાથ – પગમાં છૂટેલી ધ્રુજારીનો…અને ગળામાં ઉપજેલી શુષ્કતાનો. બારી પાસે ત્રિપાઈ પર રાખેલી સિરોહીમાંનું ઠંડું પાણી પી, તેણે સાડી બદલી. મશીનની સોયમાં પરોવેલી ચિઠ્ઠી ફાડી તેના નાનાં નાનાં કકડા ટેબલની નીચે રાખેલી નેતરની ટોપલીમાં નાખ્યાં.

ફરી એક વાર તે વિચારોનાં વમળમાં પડી.

આ હું શું કરી બેઠી?

ક્યા ભૂતે મારી ગરદન પકડીને મારી પાસેથી પીછેહઠનું વિપરીત કૃત્ય કરાવ્યું?

ક્યાં ગયા ગણપતિબાપ્પાના મુકુટ પર હાથ રાખીને એકબીજાને આપેલાં કોલ અને વચન?

વિશ્વાસ મને ઠેઠ અહીં સુધી લેવા આવ્યો અને મેં તેની સાથે આવી બેઈમાની કરી? મારા હાથેથી આવું આત્મઘાતક કૃત્ય થયું જ કેમ?

બધું ખતમ! હવે તો જીવનનો અંત આવ્યો સમજવો.

હવે પછીનું જીવન એટલે કેવળ જીવતા રહેવાનું. બસ.

વિશ્વાસ મારી નજરથી દૂર થયો અને હું સંવેદનારહીત મનથી બંગલામાં પછી આવી. સાવ સૂકી, ભાવના-વિરહીત. જાણે તેના અને મારા મનનાં તાણા વાણાં કદી વણાયા જ નહોતાં. વિશ્વાસનું પ્રસ્થાન હું એક સ્થિતપ્રજ્ઞની જેમ જોતી જ રહી ગઈ. તેના ચિરગમન સંબંધે એક મૃદુ વાક્ય બોલવાનું પણ મને કેમ સૂઝ્યું નહી?

એક વાર સંબંધ તોડવાનું નક્કી કર્યા પછી ‘આવજો’ કહેવા જેવી લેવાદેવા શા માટે રાખવી?

પણ…સંબંધ તોડવાનું કોણે નક્કી કર્યું? ક્યારે? શા માટે? હું તો હોશંગાબાદ પહોંચતાં જ મંગળસૂત્ર બંધાવવાનાં શમણાં જોતી હતી… તો પછી આડું કોણ આવ્યું? મારે પીછેહઠ શા માટે કરવી પડી? તે પણ અજાણતાં? અભાવિત રીતે?

સમાજ અને ઘરનાં લોકો વિરુદ્ધ બળવો કરવા મારું મન તૈયાર હતું, તેમ છતાં છેલ્લી ઘડીએ મારા મન પર સંસ્કારોની ધૂંસરી કેવી રીતે આવી પડી? કોણે લાદી આ ધૂંસરી? તે પણ અદૃશ્ય રીતે?

ઊંડો વિચાર કરીને વિશ્વાસ સાથે ન જવાનો નિર્ણય લીધો હોત તો પણ તેને છોડવું મારા માટે શક્ય નહોતું…અમે બન્ને એકબીજાને છોડી શકવાનાં નહોતાં. હું ‘ના, ના’ તો કહેત, પણ પાછી પ્રેમનાં વમળમાં ડૂબતી ગઈ હોત…

પણ… તેણે મને બગીચાની વંડી પરથી ખેંચી કેમ ન લીધી? મને ઉપાડીને મોટરમાં બેસાડી દીધી હોત તો? મેં પ્રતિકાર કર્યો હોત તો પણ તેની સામે મારું કશું ચાલ્યું ન હોત…આ ખેંચતાણમાં સિકત્તર જાગી ગયો હોત, પણ ત્યાં સુધીમાં મોટર દૂર પહોંચી ગઈ હોત…

તેણે મને બળજબરીથી વંડી પરથી ખેંચી કેમ ન લીધી?

મિશ્ર – જાતિના વિવાહના કહેવાતા પરિણામનો તેને પણ ડર લાગી ગયો હતો કે શું? કે પછી તેનો અહંકાર આડે આવ્યો? તેનો જન્મજાત અહંકાર?

એ તો મને હંમેશા કહેતો હતો, ‘અમે પવાર ખાનદાનના લોકો કોઈની ખુશામત નથી કરતા!’ વાહ, ભાઈ વાહ!

‘નથી આવવું?’ એણે કહ્યું હશે, ‘તો ના આવશો. તમે તમારી જાત પર જવાના જ – ઈમાનદાર કૂતરાંની જેમ! કેટલી સહજતાથી વિશ્વાસ બોલ્યો હતો!! જો કે તેની આંખો ભરાઈ આવી હતી અને ચહેરો લાલચોળ થઈ ગયો હતો. તેના અવાજમાં કંપ હતો પણ તેના કહેવાના લહેજામાં તો નરી તુચ્છતા ભરી હતી…

‘કહેવાતા ઈમાનદાર પરભૂ લોકો!’ તે બોલ્યો હતો! પણ… તેને પોતાને સુદ્ધાં આ ચક્રવ્યૂહના આ સાતમા કોઠામાંથી છટકી નીકળવું હતું કે શું? પોતાની આસપાસના, પોતાના પરિવારના, સમાજના તથા માતાનાં સાસરિયાંઓની તીવ્ર -તીક્ષ્ણ પ્રતિક્રિયાઓમાંથી છૂટવું હતું? શું તેની માતાના મનસ્તાપનો અને પિતાની આર્થિક સમસ્યાઓનો ફંદો તેના ગળામાં આવી પડ્યો હતો તેથી જ તે પણ ત્યાંથી ચાલ્યો ગયો હતો?

કરોળિયાની જાળના સુરક્ષિત કેદખાનામાંથી છૂટીને અસુરક્ષિત, ખતરનાક અને અનિશ્ચિતતાની વિચીત્ર મુક્તીમાં પ્રવેશ કરતાં હું ગભરાઈ ગઈ હતી? નાહિંમત થઈ ગઈ હતી?

ભગવાન! અમારી બન્નેની મુલાકાત જ નહોતી થઈ જોઈતી. જો કે આ મેળાપ અટળ હતો. અને આ અટળ મિલન કરતાં વધુ અટળ હતો અમારો સંબંધ વિચ્છેદ.

મારાં જ કમનસીબ! બીજું શું?

તેની સાથે થયેલી પ્રથમ મુલાકાતની તે કેસરી – કિરમજી રંગની સંધ્યા મોગરાના ફૂલની જેમ સુગંધિત શા માટે થઈ હતી? તે પણ અભાવિત રીતે?

ઓ ભગવાન! અમારી બન્નેની કુંડળીઓમાં શુક્ર – શનિ – જે હશે તે અમારા પર અક્ષરશ: તૂટી પડ્યા. નક્ષત્રો ચમકીને વેરવિખેર થઈ ગયા. દિશાઓ બેભાન થઈ ગઈ. ગ્રહોના સમૂહને ઘેન ચઢ્યું અને અમારા બન્નેનાં મન એકબીજાની ભાવનાઓમાં આવી એક જીવલેણ વંટોળિયામાં સપડાઈ ગયા –  પાછાં ખાલીખમ થવા માટે.

પરંતુ વિશ્વાસની સાથે હું ન ગઈ એનો અર્થ એવો નથી થતો કે તેના પ્રત્યેનો મારો પ્રેમ અને મારી ભાવનાઓ મારા મનમાંથી ખાલી થયાં છે. તેના પરનો મારો પ્રેમ આજન્મ રહેશે.

એ તો ચાલ્યો ગયો. તેના પ્રત્યેના મારા અસીમ પ્રેમને મનની કૂપીમાં બંધ કરી મેં તેને ચાલ્યા જવાની ફરજ પાડી. તેના મનમાંથી મારા પ્રત્યેની ભાવનાઓ તો ખાલી થઈ ગઈ હશે. મારા પ્રત્યે તેને કદાચ ઘૃણા થઈ આવી હશે. તેણે મારી જાત કાઢીને આ નહોતું કે બતાવી આપ્યું? હા, અમારી જાત ઈમાનદારી માટે જાણીતી છે. એટલી હદ સુધી સ્વામીનિષ્ઠ કે તેમની રક્ષા કરવા માટે લોહીના છેલ્લા ટિપા સુધી લડી આત્મસમર્પણ કરનારા અમે, અને તે ‘થૂ’ કહીને નીકળી ગયો!

આવા ઘાતક શબ્દો તેણે ક્રોધમાં કે નિરાશામાં તેની મને ખાતરી છે. મારા આ પગલાથી તેને લાગેલો આઘાત તે જીરવી શકશે? કે પછી ભાંગી પડશે? હે ભગવાન! આ હું શું કરી બેઠી?

તેને આધાર આપવા તો રાવરાજા છે. વિશ્વાસનું મનઅન્ય સ્થળે પરોવવા માટે તેઓ અનેક માર્ગ શોધી કાઢશે. પણ હું? મારું કોણ…?

મારી સ્થિતિ ન કહેવાય – ન સહેવાય એવી થવાની. કોઈ કરતાં કોઈ પાસે આ બાબતમાં એક અક્ષર પણ બોલવા જેવું મારી પાસે રહ્યું નથી. ચારે બાજુ ચોકી પહેરા છે. સૌ તીક્ષ્ણ નજરે મારી દરેક હિલચાલ જોઈ રહ્યા છે. જુઠી સહાનુભૂતિ અને ખોટી માયા બતાવીને લોકો મારા હૃદયની વાત કઢાવશે, પરોક્ષ રીતે તાતા તીર જેવા સવાલ પૂછશે અને મારે તેમને જવાબ આપવા પડશે. મૂંગા રહીને લોકોનાં શાબ્દિક મુક્કાઓનો માર મારે સહન કરવો જ રહ્યો. સૌની નજરનાં બાણ મારે ઝીલવાનાં છે.

સાચું કહું તો વિશ્વાસ કરતાં વધુ ભયંકર આઘાત મને લાગ્યો છે. બુદ્ધિવાદી વિચારસરણીનું વિશ્લેષણ કરતાં કરતાં મારા હાથેથી આ શું થઈ ગયું? જન્મજાત સંસ્કારોની અદૃશ્ય શક્તિ આગળ ચીત થઈને કાયરતા બતાવ્યાનો આઘાત, સિદ્ધાંતોને મેં છેતર્યા. પરિણામે મારા આત્મા પર પડેલા ઘા મારે જ સહન કરવાના છે. હવે તો હૈયા પર પડેલા તેના સોળ મારા આત્મામાં સમાવીને બાકીની જીંદગીનો પ્રવાસ કરવો રહ્યો. મારી ભીરુતા અને બેઈમાનીના વ્રણ સુદ્ધાં મારે મારા હૃદયમાં સમાવી રાખવાના છે.

ભગવાન સમક્ષ મેં આપેલા વચન, કોલ, સોગંદ – બધા સાથે મેં બેઈમાની કરી. મારા આધુનિક વિચાર અને સમાજ સુધારણાની ભેખ સાથે કૃતઘ્નતા કરી, પણ મારું સૌથી હીન કર્મ તો મારી પોતાની નિષ્ઠા સાથે મેં પોતે કરેલો દગો છે. આ પાપનું ફળ શું હશે? શું કરવાથી મેં કરેલા વિશ્વાસઘાતના આ ડાઘ અંશત: પણ દૂર થશે?

હવે વિશ્વાસ ક્યાં મળશે? અને મળશે તો શું કહેશે? મારા મન પર શી વીતશે? મારા મનની વાત જણાવતી ચિઠ્ઠી લખું તો પણ મહેલ સુધી તેને કેવી રીતે પહોંચાડું? તેની માફી કેવી રીતે માગું?

સિકત્તર સાથે ચિઠ્ઠી મોકલવી અશક્ય છે. શીલા થકી પણ આ રુક્કો મોકલવો યોગ્ય નથી. મારા માટે તો તેના પણ સઘળા દરવાજા બંધ છે.

વીતેલા ક્ષણ પાછા આવવા જ જોઈએ! અને તે આવે તો વિશ્વાસની મોટર સામે ઝંપલાવી દઈશ…

ન જાને દુંગી – જાને ન દુંગી

રથકે નીચે પ્રાન તજુંગી

લેટી રહૂંગી રાહ મેં…

કૃષ્ણ મથુરા જવા નીકળ્યા ત્યારે રાધા આમ જ તેના કહાનના રથ સામે આડી પડી હતી…પ્રાણ આપવા નીકળી હતી. અને હું કેવી નિર્દયી નીકળી! મારો શ્યામ તો મને લેવા આવ્યો હતો અને મેં જ તેને “જા” કહ્યું!

હે ભગવાન! આ હું શું કરી બેઠી?

પરોઢિયું થતાં સુધી વિચારોના તુમુલ્લ યુદ્ધમાં સપડાયેલી ચંદ્રાવતીની આંખ કોણ જાણે ક્યારે લાગી ગઈ. રડી રડીને થાકી ગયેલા શિશુની જેમ તે ગાઢ નીંદરમાં પડી ગઈ.


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.