લે ગઈ દિલ, સફર જાપાનકી : ૧ – સફરનો શુભારંભ

દર્શા કિકાણી

૨૭ માર્ચ ૨૦૧૮

અમદાવાદનું સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક સાવ સામાન્ય કક્ષાનું છે. જરૂરી સગવડો અને સ્વચ્છતા પણ સાવ સામાન્ય. દુનિયાનાં ઘણાં સારાં હવાઈમથકો જોયાં પછી લાગે કે આપણે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે! હવાઈમથક પર ચેક-ઇન કરવા અને બોર્ડીંગ પાસ લેવા માટે લાઈન લાંબી હતી પણ અમદાવાદથી છેક ટોકયો સુધીનું ચેક-ઇન થઈ ગયું. અમે સિંગાપુર એરલાઇન્સની SQ531 માં સિંગાપુર જવા રવાના થયાં. ફ્લાઈટમાં રાતના જમવાનું આવ્યું પણ અમે આરામ કરવાના મૂડમાં હતાં એટલે જમવામાં રસ ઓછો હતો.

સિંગાપુર એરલાઇન્સ ઘણી પ્રખ્યાત અને ભરોસાપાત્ર એરલાઇન્સ છે. તેમનું નેટવર્ક ઘણું સારું છે અને ઘણા દેશોને આવરી લે છે. વાંચકોની માહિતી માટે લખવાનું મન થાય છે કે હવે વિકલ્પ તરીકે ચાઈના એરલાઇન્સની સગવડ પણ ઉપલબ્ધ છે જે આપણા અમદાવાદીઓને ગમે તેવી એટલે કે મોટે ભાગે સસ્તી અને સારી છે. આજના ફરિફાઈના જમાનામાં કોઈ પણ એરલાઇન્સ સગવડો આપવામાં કરકસર કરી શકે નહીં પણ ટીકીટના ભાવમાં ઘણો તફાવત હોય છે. એટલે ટુર પ્લાન કરતી વખતે એકવાર ચાઈના એરલાઇન્સની વિગતો પણ તપાસી જોવી.

૨૮ માર્ચ ૨૦૧૮

સિંગાપુર આંતરરાષ્ટ્રીય હવાઈમથક

૬ કલાકની હવાઈ મુસાફરી બાદ સવારે સાત વાગે અમે સિંગાપુર ઊતર્યા. કલાકમાં જ અમારી બીજી ફ્લાઈટ હતી, ટર્મિનલ બદલવાનું હતું અને અમે ૩૦ મુસાફરો હતાં! સમય એકદમ કટોકટ હતો એટલે વોશરૂમનો ઉપયોગ પણ વિમાનમાં પતાવી દેવાનો અમને આદેશ હતો! ટર્મિનલ બદલવા નાની ટ્રેન હતી જેનો અનુભવ સારો રહ્યો. સિંગાપુર આંતરરાષ્ટ્રીય હવાઈમથક બીજા ઘણાં આંતરરાષ્ટ્રીય હવાઈમથક જેવું જ સામાન્ય હતું, ખાસ કંઈ નવિન હતું નહીં. જો કે અમારી પાસે સમય પણ હતો નહીં કંઈ EXPLORE કરવા માટે. સવારે ૮.૦૦ વાગે સિંગાપુર એરલાઇન્સની જ ફ્લાઈટ નં. SQ632 માં બેસી અમે સૌએ ટોકયો જવા પ્રસ્થાન કર્યું.

થોડીવારમાં સવારનો નાસ્તો આવ્યો, પણ મઝા આવી નહીં. આમ તો સિંગાપુર એરલાઇન્સનું નામ ઘણું સારું ગણાય પણ અમને તેમની સેવાથી બહુ સંતોષ થયો નહીં. સાડા પાંચ કલાકની હવાઈ મુસાફરી બાદ બપોરે ચાર વાગે અમે ટોકયોના હનેડા હવાઈમથકે ઊતર્યા.


સંપર્ક:  દર્શા કિકાણી :  ઈ –મેલ –  darsha.rajesh@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “લે ગઈ દિલ, સફર જાપાનકી : ૧ – સફરનો શુભારંભ

  1. Bharti
    September 24, 2018 at 12:09 am

    Chalo shubharambh to Sara’s thayo, pan haji thodu vadhare lakhayu hot to santosh that.

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.