ફિર દેખો યારોં : એક આવકાર્ય પહેલ

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

અન્ય તમામ શાસનવ્યવસ્થાઓની સરખામણીએ લોકશાહી કંઈ પરિપૂર્ણ અને આદર્શ રાજ્યવ્યવસ્થા નથી, છતાં તેનો સંપૂર્ણ વિકલ્પ ન મળે ત્યાં સુધી તે બહેતર વ્યવસ્થા છે એ બાબતે ઈન્કાર થઈ શકે એમ નથી. આમાં વાત એવી પ્રણાલિ ઊભી કરવા તરફની છે કે જે વ્યવહારમાં શક્ય એટલી ચુસ્ત બની રહે. આમ છતાં, આ કોઈ યાંત્રિક કે વૈજ્ઞાનિક પ્રણાલિ નથી કે જેમાં નિર્ધારીત ધારાધોરણો મુજબ જ બધું થાય. તેમાં દરેક તબક્કે માનવો સંકળાયેલા છે, અને માનવોની સાથે જ માનવવિશેષ કહી શકાય એવા તમામ સદ્‍ગુણ-દુર્ગુણ પણ આપોઆપ તેનો હિસ્સો બની રહે છે. લોકોએ ચૂંટીને પસંદ કરવા છતાં લોકપ્રતિનિધિના હાથમાં સત્તા આવે કે તેને આપખુદ બની જતાં વાર લાગતી નથી. આપણા દેશમાં અગાઉની રાજાશાહીના મૂળિયાં એ હદે ઊંડા ઊતરેલાં છે કે હજી પણ ઘણા લોકો પોતાના પ્રતિનિધિમાં તારણહારનાં દર્શન કરે છે અને પ્રતિનિધિઓ પણ એમ જ ઈચ્છે છે. ચૂંટણી અને તેના નિમિત્તે અપાતો મત લોકશાહીમાં નાગરિકનું અતિ મહત્ત્વનું શસ્ત્ર છે. ખરેખર તો ચૂંટણીનો ઊપયોગ શાસકને બદલવા પૂરતો જ હોવો જોઈએ, પણ મોટા ભાગે લોકશાહી શાસનવ્યવસ્થા હોય ત્યાં આખું શાસન ચૂંટણીકેન્‍દ્રી બની રહે છે. નવી નવી મતબેન્‍કો પણ એ રીતે ઊભી થતી આવી છે. નગર હોય રાજ્ય હોય કે દેશ, સમગ્રપણે માહોલ એવો બની રહે છે કે જે કંઈ કામ થાય એ ચૂંટણીને લક્ષમાં રાખીને થઈ રહ્યું છે. અલબત્ત, સમયગાળાની રીતે જોઈએ તો રાજાશાહીની સરખામણીએ લોકશાહી શાસનવ્યવસ્થાને આપણા દેશમાં માંડ સાત દાયકા વીત્યા છે. આથી તે પુખ્ત અને પરિપક્વ થવાની પ્રક્રિયા હજી માંડ આરંભાઈ છે એમ કહી શકાય.

આવા માહોલમાં કેન્‍દ્ર સરકાર નિર્મિત કાનૂન આયોગ દ્વારા એક મહત્ત્વની વાત છેડાઈ છે. વર્તમાન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની દરખાસ્ત મૂકવામાં આવી હતી તેને પગલે કાનૂન આયોગ દ્વારા એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અન્ય દરેક જોગવાઈની જેમ બેધારી તલવાર બની રહે એમ છે. હાલ લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજાય છે. તેને પરિણામે નેતાઓએ સતત પ્રચારરત રહેવું પડે છે. આમ થવાને બદલે બન્ને સભાની ચૂંટણીઓ એક સાથે યોજાય તો પાંચ વર્ષ સુધી સતત કાર્યરત રહી શકાય અને અનેક કાર્યો પર ધ્યાન કેન્‍દ્રિત કરી શકાય એવી પ્રથમદર્શી અને વાજબી છાપ ઊપસે છે. આ જોગવાઈની વિપરીતતાનો વિચાર કરીએ તો એક વાર ચૂંટાઈ ગયા પછી પાંચ વર્ષ સુધી શાસકો માટે કોઈ ઉત્તરદાયિત્ત્વ ભાગ્યે જ રહે અને તેઓ આપખુદ બની જાય એ શક્યતા પૂરેપૂરી છે. આ સિવાય પણ બીજી અનેક ટેકનિકલ બાબતો હોઈ શકે છે. કાનૂન આયોગે ઊતાવળ કરીને આ બાબતની તરફેણમાં અહેવાલ સુપ્રત કરી દેવાને બદલે તેની સાથે સંકળાયેલા સહુ કોઈનાં તેમજ બંધારણનાં નિષ્ણાતોનાં સૂચનો માટે રાહ જોવાનું વધુ મુનાસિબ માન્યું છે.

આયોગના વડા નિવૃત્ત ન્યાયમૂર્તિ બી.એસ.ચૌહાણે જણાવ્યા મુજબ તેમની મુદત સમાપ્ત થતી હોવાથી આ મુસદ્દાને અંતિમ રૂપ આપવાનો સમય રહ્યો ન હતો. આ એક ગંભીર મુદ્દો હોઈ તેના પર જાહેર અને બંધારણીય નિષ્ણાતોનાં મંતવ્યો આવકાર્ય હોવાનું તેમણે કહ્યું. પોતે કરેલું કામ અને સંશોધન વ્યર્થ ન જાય એટલા સારું ભાવિ વિચારણા માટે આ મૂકતા જવાની વાત તેમણે કરી. આયોગ દ્વારા પાયાના સાત સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને તેની જાહેર ચર્ચા કરવા જણાવાયું છે. કોઈની તરફેણ કરીને અધકચરું કામ કરી મૂકવાને બદલે પ્રણાલિમાં લોકોનો વિશ્વાસ દૃઢીભૂત બને એ હેતુએ તેની ચર્ચા આવકાર્ય ગણાવાઈ છે.

આ અહેવાલના મુખ્ય મુદ્દાઓની ઝલક લઈએ. સમાંતર ચૂંટણીઓથી લોકોના નાણાંની બચત થશે, વહીવટી તંત્ર અને સલામતી દળો પરનો બોજો ઘટશે, સરકારી નીતિઓનો અમલ બહેતર રીતે થઈ શકશે, તેમજ વહીવટી તંત્ર ચૂંટણીલક્ષીને બદલે વિકાસલક્ષી કાર્યોમાં કામ લાગી શકશે. આ પ્રાથમિક બાબતો છે. 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં આનો અમલ અંશત: થઈ શકે એમ છે. 2021ની વિધાનસભાની ચૂંટણીને સમાંતરે યોજવી અવ્યવહારુ હોવાનું આયોગે જણાવ્યું છે. એક વિકલ્પ તરીકે તેણે પાંચ વર્ષના ગાળામાં બે વખત ચૂંટણીઓનું સૂચન પણ કર્યું છે. બીજી પણ મહત્ત્વની બાબતો છે, જે રાજ્યવાર ચૂંટણીઓ આવવાની છે તેને અનુલક્ષીને છે. આ આખી બાબતમાં આનંદ થાય એવી બાબત કાનૂન આયોગની પુખ્ત ભૂમિકાની છે. લોકશાહીના સિધ્ધાંતોને વરેલી એક સંસ્થાએ કેવી પરિપક્વ રીતે નિર્ણય લેવો જોઈએ તેનો આ નમૂનો છે. આપણી લોકશાહીમાં હવે શાસકોનું જે રીતનું વલણ જોવા મળી રહ્યું છે તેમાં તેમના દ્વારા કરાતા લોકશાહી અભિગમની વાતને પણ શંકાની નજરે જોવી પડે એવી સ્થિતિ છે. ‘સિઝરની પત્ની સુધ્ધાં શંકાથી પર હોવી જોઈએ’ જેવો રૂઢિપ્રયોગ અંગ્રેજીમાં છે, જે સામ્રાજ્યશાહી રાજ્યવ્યવસ્થાના ગાળામાં પ્રચલિત બનેલો. એ સૂચવે છે કે કોઈ પણ જાહેર વ્યક્તિ શંકાથી પર હોવી જોઈએ. લોકશાહી રાજ્યવ્યવસ્થામાં તો એ વધુ અસરકારક રીતે લાગુ પડે છે. આવા સંજોગોમાં કાનૂન આયોગની આ પ્રકારની ભૂમિકા અગત્યની બની રહે છે, કેમ કે, કોઈ શાસક ભલે પોતાના લાંબા યા ટૂંકા ગાળાના લાભ માટે આનું સૂચન કરતો હોય, છેવટે આ પ્રથા અસ્તિત્વમાં રહેવાની છે. શાસક તો પાંચ કે દસ વરસે બદલાતા રહેવાના.

ચૂંટણી પંચે પણ આ પહેલને આવકારી છે, અને પોતાના પક્ષે અમલની તકલીફોની વાત કરી છે. લોકશાહી માટેનાં આ આવશ્યક પગલાંની સાથેસાથે એક નાગરિક તરીકે આપણું ઘડતર પણ આપણે કરતા રહેવાનું છે. એ વાત ભૂલાવી ન જોઈએ કે આપણે આપણા તારણહારને નથી ચૂંટતા, બલ્કે પ્રતિનિધિને ચૂંટીને મોકલીએ છીએ. એવો પ્રતિનિધિ, જેની પાસેથી આપણે જવાબ માગી શકીએ.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૬-૯-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : એક આવકાર્ય પહેલ

  1. Samir
    September 13, 2018 at 1:26 pm

    સુંદર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *