વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : ૮ : વિશ્વ ઓઝોન દિવસ: ગંભીર મુદ્દો હળવી નજરે

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા

આપણી પૃથ્વીની ફરતે વાયુઓનું મંડળ આવેલું છે જેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટીથી અંદાજે ૨૦ થી ૩૦ કિલોમીટર ઉંચે ઓઝોન નામના ગેસનું આવરણ આવેલું છે. આ ઓઝોન ગેસ પૃથ્વીવાસીઓ માટે અત્યંત લાભપ્રદ છે. સૂર્ય પ્રકાશમાં જે કિરણો આવેલાં છે તેમાં અલ્ટ્રા વાયોલેટ એ (UVA) અને અલ્ટ્રા વાયોલેટ બી (UVB) નામનાં હાનીકારક કિરણોનો પણ સમાવેશ થાય છે. ઓઝોન ગેસનું પડળ, આ હાનિકર્તા કિરણોને શોષી લે છે અને પૃથ્વી તરફ આવતાં રોકે છે. આ કિરણો જો માનવીની ચામડી પર પડે તો કાળક્રમે ચામડીનું કેન્સર થાય છે તેવું પુરવાર થયું છે. આ એક પર્યાવરણીય સમસ્યા છે અને પુરતી કાળજી રાખવાથી તેને નિવારી શકાય છે. સન ૧૯૭૦ ના અરસામાં પૃથ્વીના વાતાવરણમાં ૪ % ઓઝોનની ઘટ પડેલી જાણવા મળી અને સાથોસાથ ધ્રુવીય વિસ્તારોમાં તેનાથી પણ વધારે ઓઝોન વાયુની ઘટ જોવા મળી. આ ધ્રુવીય પ્રદેશોમાં આગળ જે મોટી ઘટ જોવા મળી તેને ‘ઓઝોન હોલ’ (Ozone hole) અથવા તો ઓઝોનમાં ગાબડું પડ્યું તેમ ઓળખવામાં આવે છે. ઓઝોન વાયુ ક્રમશ: ઘટવાના કારણોમાં કેટલાક પદાર્થોનો માનવી દ્વારા બેફામ ઉપયોગ જોવા મળે છે જેવાં કે, હેલોકાર્બન રેફ્રીજરન્ટ્સ (રેફ્રીજરેટરમાં વપરાતો પદાર્થ), પ્રોપેલન્ટ્સ (રાસાયણિક પદાર્થ જે સ્પ્રે કરવા માટે જરૂરી પ્રેશર ઉભું કરવા વપરાય છે), ક્લોરોફ્લુરોકાર્બન (CFC) જે ગેસના સ્વરૂપમાં હોય છે અને હાયડ્રોક્લોરોફ્લુરોકાર્બન (HCFC). આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઈડ અને મીથેન જેવા વાયુઓ પણ વાતાવરણમાં ભળે ત્યારે ઓઝોન વાયુમાં ઘટ પેદા કરે છે. યુવીબી કિરણો વનસ્પતિની વૃદ્ધિ અટકાવી શકે છે તેમ જ સમુદ્રમાં પાંગરતી જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે છે.

દર વરસે તમામ રાષ્ટ્રોમાં ૧૬ મી સપ્ટેમ્બરના રોજ ઓઝોનદિવસની ઉજવણી કરવામાં આવે છે જેનો ઉદ્દેશ ઓઝોન વાયુમાં ઘટ ના પડે તેવી પર્યાવરણને માફક જવાબદારીવાળી જીવનશૈલી અપનાવવા માટેની ઝુંબેશ ચલાવવા માટેનો રહ્યો છે.

ઓઝોન વાયુના સ્તરમાં ઘટાડો અને તેની જેવી અન્ય પર્યાવરણ સંબંધિત હાનીકારક પ્રક્રિયાઓ જળવાયુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) તરફ પરીણમે છે. પૃથ્વીના સરેરાશ ઉષ્ણતામાનમાં વધારો થવાથી બરફ પીગળતો જોવા મળે છે અને આ પ્રદેશના પ્રાણી પેન્ગ્વીનનું અસ્તિત્વ જોખમમાં આવી ચઢ્યું છે. બરફની બચેલી એક નાની શીલા પર બિરાજમાન પેન્ગ્વીન સૂર્યના તાપથી બચવા માટે છત્રી લઈને બેઠું છે અને મદદ માગી રહ્યું છે, “ઓઝોન સ્તર બચાવો” ..

આ કાર્ટૂન અમેરિકન કાર્ટૂનિસ્ટ એડ ગેમ્બલ/Ed Gamble દ્વારા બનાવાયેલું છે.

****

ઓઝોન વાયુના સ્તરમાં કાણું પડ્યું છે જેની પારાવાર ચિંતા પૃથ્વીને થઇ રહી છે. એક બાજુ, ધ્રુવીય પ્રદેશ પૃથ્વીના માથા સમાન છે તેવું બતાવીને પૃથ્વીએ પોતાના હાથ વડે તે કાણું બંધ કરવાની કોશિશ કરી છે અને બીજી તરફ, પૃથ્વીના વાતાવરણ સંબંધિત, વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન (World Meteorological Organization: WMO), સંયુક્ત રાષ્ટ્રસંઘનું પર્યાવરણ કાર્યક્રમ એકમ (United Nations Environment Program: UNEP)અને અન્ય સરકારી (Governments) હોદ્દેદારો ઓઝોન સ્તરમાં પડેલા ગાબડાને થીગડું મારવાની કોશિશ કરી રહ્યાં છે. આ કાર્ટુનના સર્જકનું નામ જાણવા નથી મળ્યું.

*****

સન ૧૯૮૮માં UNEP અને WMO દ્વારા સંયુક્તપણે એક અહેવાલ બનાવવામાં આવ્યો, જેમાં ક્લોરોફ્લુરોકાર્બન (CFC) ના વપરાશને, ઓઝોન સ્તરમાં પડેલ ઉણપ સાથે લેવાદેવા છે તેવું પ્રતિપાદિત થતું હોય તેમ દર્શાવવામાં આવ્યું હતું. આ વ્યંગ્યચિત્રકારે એક કોર્ટનું દૃશ્ય ઉભું કર્યું છે, જેમાં ‘જ્યુરી’ના સભ્યોની સામે વકીલ અત્યંત ગુસ્સામાં દલીલ કરે છે અને સાક્ષીના પીંજરામાં કથિત આરોપી તરીકે ક્લોરોફ્લુરોકાર્બનનો જેમાં વપરાશ થાય છે તેવું ‘ડીઓડરન્ટ સ્પ્રે’ ઉભું છે. વકીલસાહેબ ઘાંટો પાડીને આરોપીને પૂછે છે “બોલ, તેં ઓઝોન સ્તરમાં ઘટાડો કર્યો છે કે નથી કર્યો?” ચિત્ર પરથી સમજી શકાય છે કે આરોપીને કશી જ પરવા નથી અને નિરુત્તર છે, જયારે ટ્રીબ્યુનલમાં જ્યુરીના સભ્યો, જેમાં પ્રાણી અને વનસ્પતિનો પણ સમાવેશ કર્યો છે, ફક્ત મોઢું વકાસીને જોયા કરે છે. આ કાર્ટૂનના સર્જકનો ખ્યાલ આવતો નથી, પણ રસ ધરાવનારા મિત્રોને આ લિંક જોવા આગ્રહ છે કારણ કે ત્યાં એક રસપ્રદ વાતની પણ વાચકને જાણ થશે.
https://unep.ch/ozone/slideshow/pages/ozone-cartoons_19_0001_jpg.htm
https://www.inkcinct.com.au/ પર જોઈ શકાશે.

*****

આ કાર્ટૂનમાં ઓઝોન સ્તરને નુકસાન કરતાં કેટલાક પરિબળોને દર્શાવવામાં આવ્યા છે. વાચકને સહેલાઈથી સમજાય તેવું આ ચિત્ર છે. જંગલોનું કપાણ, આગ ઓલવવા માટેનું ફાયર એક્સટિંગ્વીશર, ડીઓડરન્ટ જેવાં સૌન્દર્ય પ્રસાધનોનો ઉપયોગ, રેફ્રીજરેટર અને ઔદ્યોગિક તેમ જ પરિવહન દ્વારા પ્રસરતું પ્રદુષણ મહદ અંશે જવાબદાર ગણી શકાય. જો કે, આને કાર્ટૂન કરતાં પોસ્ટર વધુ કહી શકાય. તેના ચિત્રકારનો ખ્યાલ આવતો નથી.

****

અંતે ઓઝોન સ્તરમાં પડેલું ગાબડું પુરાઈ ગયું આ સમાચાર ચિત્રમાં દર્શાવેલી વ્યક્તિ દૈનિકમાં વાંચી રહી છે. પરંતુ સમાચાર વાંચતા સુધીમાં ગાબડું પડવાના પરિણામસ્વરૂપ પુરની તબાહી મચી છે. પુરના પાણી કેડસમા આવી ગયા છે અને મકાન પણ અડધું પાણીની અંદર જતું રહ્યું છે. ચિત્રકારે લખ્યું છે કે સમાચાર તો પર્યાવરણ સુધરી રહ્યું છે તેવા ઉત્સાહજનક છે પરંતુ શું આવું ભવિષ્યમાં થશે? (એ સમય આવતાં આવતાં જીવન અને માલમિલકત નષ્ટ થઇ ચુક્યા હશે).

પ્રસ્તુત કાર્ટૂન ઓસ્ટ્રેલિયાન કાર્ટૂનિસ્ટ જહોન ડીચબર્ન/John Ditchburn દ્વારા બનાવાયેલું છે. તેમનાં અન્ય કાર્ટૂન તેમની વેબસાઈટ
****

વાચકોની સામાન્ય સમજ પુરતું આ ચિત્ર મૂકેલું છે. આપણે જેને ‘એટમોસ્ફીયર’ (Atmosphere)/ વાતાવરણ તરીકે ઓળખીએ છીએ તે ટ્રોપોસ્ફીયર (પૃથ્વીની સપાટીથી લગભગ ૧૦ કી.મી. ઉંચે સુધી) અને સ્ટ્રેટોસ્ફીયર (૧૦ કી.મી. થી ૫૦ કી.મી. ઉંચાઈ સુધી) નું બનેલું છે. ઓઝોન વાયુનું સ્તર બંને વિભાગોની લગભગ મધ્યમાં છે જે સ્ટ્રેટોસ્ફીયરનો એક ભાગ છે.

****

વ્યંગ્યચિત્રકારે અહીં સાંપ્રત પર્યાવરણીય સમસ્યા પર ગજબનો કટાક્ષ કર્યો છે. સૂર્યના તાપથી બચવા માટે લોકો દ્વારા વિવિધ પ્રકારના લોશન/ક્રીમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવા પ્રસાધનો વ્યવસાયિક ઉત્પાદન કરતા એકમોને લખલૂંટ ફાયદો કરાવી આપે છે. ચિત્રમાં આવું જ એક ઉત્પાદન ઓઝોન વાયુના સ્તરને જાણે પ્રશ્ન કરે છે કે, “શ્રીમાન ઓઝોન! શું હું કોઇપણ જાતના વિઘ્ન વગર આમ જ જીવનની મજા લેતો રહી શકીશ?” આડકતરી રીતે માણસની પર્યાવરણ જાળવણી પ્રત્યેની બેદરકારી તરફ દિશાસૂચન કરવામાં આવ્યું છે. ઓઝોનમાં ગાબડાં કદી ઓછાં ન થાય અને સન-સ્ક્રીન લોશનનું ઉત્પાદન ક્યારેય બંધ ન પડે! આ કાર્ટૂનિસ્ટનું નામ જાણી શકાયું નથી.

****

ટીવી જોઈ રહેલું યુગલ, ગ્રીન હાઉસ વાયુઓના કારણે ઉદ્‍ભવેલા ક્લાઈમેટ ચેન્જના પરિણામે બરફ પીગળવાથી બચેલા બરફના એક અંતિમ ભાગ પર આશરો લઇ રહેલાં ધ્રુવપ્રદેશના રીંછને નિહાળી રહ્યું છે. પતી મહાશયને દયા આવે છે અને શ્રીમતીજીને પૂછે છે કે, ગ્રીન હાઉસ વાયુઓ આ ઓઝોન વાયુમાં પડેલા ગાબડામાંથી બહાર કેમ ન નીકળી જાય?” પતિના અને શ્રીમતીજીના મોઢા પરના ભાવ જોતાં ખ્યાલ આવે કે પતી મહાશય બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે અને શ્રીમતીજી તેમનો પ્રતિભાવ આપી રહયાં છે. અમેરિકન કાર્ટૂનિસ્ટ આર્થર ‘ચીપ’ બૉકર/Arthur ‘Chip’ Boker દ્વારા આ કાર્ટૂન બનાવાયું છે.

****

પ્રસ્તુત કાર્ટૂનમાં ચિત્રકારે પુસ્તકમેળાનું દૃશ્ય ખડું કર્યું છે. ઓઝોન સ્તરમાં કાણું પડવાને કારણે વસ્તીનો મોટો ભાગ ચામડીના કેન્સરથી પીડાતો હશે અને આ રોગથી કેવી રીતે છુટકારો મેળવવો તેને સંબંધિત સાહિત્યની શોધમાં લોકો હશે. પ્રદર્શનમાં ત્રણ પ્રકારનાં પુસ્તકો જોવામાં આવે છે. ત્રણેય પુસ્તકો અલ્ટ્રાવાયોલેટ કિરણોની માઠી અસરને સંબંધિત છે જે ટાઈટલ પરથી સ્પષ્ટ થાય છે. અંગ્રેજી કાર્ટૂનિસ્ટ રિચર્ડ ગ્રેહામ જૉલી/Richard Graham Jolley દ્વારા આ કાર્ટૂન બનાવાયું છે. આ કાર્ટૂનિસ્ટનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ http://rgjcartoonist.co.uk/ પર માણી શકાશે.

*****

અગાઉ જણાવ્યું તે મુજબ પ્રતિ વર્ષ ૧૬ સપ્ટેમ્બરના રોજ, સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ઘોષિત ઓઝોન સ્તરની જાળવણી દિવસ મનાવવામાં આવે છે. આ તારીખે સન ૧૯૮૭ની સાલમાં ઓઝોન વાયુમાં ઘટાડા માટેના જવાબદાર પદાર્થો સંબંધિત ‘મોન્ટ્રીયલ પ્રોટોકોલ’ પર સંમતી સાધવામાં આવી હતી.


(નોંધ: પ્રસ્તુત લેખમાં માહિતી અને ચિત્રો ઈન્ટરનેટ પરથી ફક્ત અભ્યાસ અને જાણકારી પૂરતા લેવામાં આવ્યા છે. કોઇપણ જાતનો વ્યાવસાયિક ઉદ્દેશ રાખવામાં આવ્યો નથી.)

શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.

– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com

1 comment for “વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : ૮ : વિશ્વ ઓઝોન દિવસ: ગંભીર મુદ્દો હળવી નજરે

  1. September 11, 2018 at 3:04 pm

    उपरनी पोस्टमां लेखके आम तो सरळ रीते समजावेल छे के पृथ्वीना वातवरणमां उपर क्यांक गाबळुं पड्युं छे अने ए गाबळामांथी सुर्यना कीरणो मानव चामडी उपर पडवाथी चोक्कस केन्सर थाय छे. वळे ए गाबळुं केम अने केवी रीते पडेल छे अने हजी एमां वधारो थाय छे.

    आपणा देशमां वीज्ञान के एवा लेख माटे कोई वीगतोनी जरुर नथी. मोढा उपर पफ पावडर, स्प्रे, ए बधुं तो हजी शरुआत समजवी. अमेरीका, युरोपमां धामधुम थी बधुं रोकटोक वगर थई हवे देशना लोको आगळ वधी न जाय एटले के मोढा उपर पफ पावडर न वापरे ए माटे गतकडां समजवा.

    छेल्ला चार छ दीवसमां मोब लीचींग के टोळा वीधी बाबत रोजे रोज समाचार आवे छे एमां सरकार पण जवाबदार समजवी. हालनी सरकार भले कहे दसकामां जातपात हटी जशे अने आरक्षण नी जरुर नहीं पडे… पण आ देशमां राजकरणनी चर्चा कोना हाथमां छे ए ज खबर नथी पडती. आ परीस्थीतीमां युवीए, युवीबी, ओझोन ए वळी कोई बीलाडीना बच्चा जेवुं छे. 

    सीधी सादी वात केमीकल लोचाना कारणे जळमांथी चेतन थयुं ए समजवुं जोईए. आपणे तो पत्थरना राम बनावी पुजा करवामां मानीए छीए अने ए वेद, उपनीषद, रामायण, महाभारतमां लखेल छे…. http://www.vkvora.in

Leave a Reply to vkvora2001 Atheist Rationalist Cancel reply

Your email address will not be published. Required fields are marked *