લ્યો, આ ચીંધી આંગળી : કરમાઇ કરમાઇને ખર્યા નાનાભાઇ જેબલિયા (૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

(ગુણવત્તાને લક્ષમાં લો તો ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ટ કોટીના સાહિત્યકારોમાં જેમની ગણના કરવી પડે એવા સત્વશીલ સર્જનો આપનારા નાનાભાઇ જેબલીયા સંખ્યાબંધ ઉત્તમ કૃતિઓ આપવા છતાં 75 ની વયે અવસાન પામ્યા. પણ ત્યાં લગી ઉન્નતભ્રુ સાહિત્યકારોવિવેચકો માટે તો માત્ર લોકપ્રિય લેખકોના વર્ગમાં આવતા એક એવરેજ લેખક જ રહ્યા. જીવનભર પ્રાથમિક શાળાના શિક્ષક જ રહ્યા. એના અન્ય અનેક કારણોમાં એ સૌરાષ્ટ્રના એક ખૂણામાં જીવ્યા કર્યા એ પણ એક કારણ છે. અને એમાં કોઇનો દોષ નથી, સિવાય કે કિસ્મતની શતરંજની એવી બિછાત. બીજાં અનેક માનવીય કારણોની ભરમાર છે, પણ એની ચર્ચા કરવાની આ જગ્યા નથી.

(નાનાભાઈ જેબલિયા)

આ લખનાર ઉપરાંત સાહિત્યકારો રતિલાલ બોરિસાગર, રમેશ પારેખ કે કિરીટ દૂધાત જેવા એમના મિત્રો એમને આજીવન ચાહતા રહ્યા એનાથી એમનો આત્મા બહુ તૃપ્ત રહેતો હતો એના કરતાં અમને એમની નિર્ભેળ, નિરપેક્ષ મૈત્રીથી બહુ સભરતાનો અનુભવ થતો હતો. પૂ મોરારીબાપુ જેવાએ એમની બહુ જ સંભાળ રાખી હતી અને એમને કાર સુધ્ધાં લઇ આપી હતી. વળી સંતાનો પણ બહુ ગરવા નિવડ્યા. અને પુત્રવધુઓ તો પુત્રોથી પણ સવાઇ ચડિયાતી સાબિત થઇ. પોતાના પછીની બીજી પેઢીનું સુખ પણ એમને પારાવાર મળ્યું.

એ બધાનું સરવૈયું માંડતા સ્વ.નાનાભાઇ જેબલીયા, છેલ્લા થોડાં વર્ષોની પથારીવશતાને બાદ કરતાં સુખેથી જીવ્યા, સુખ પામીને ગયા એમ કહેવું વધારે ઠીક રહેશે.

સાવ ઉગતી યુવાનીથી અમારી મૈત્રી જામી હતી એટલે અધિકૃતતાપૂર્વક એમની થોડી વાત અહિં માંડું છું.)

નાનાભાઇ છેલ્લાં ચાર વરસથી લકવાગ્રસ્ત હતા. ચોવીસ કલાકની ચાકરી ખપતી હતી. પત્ની કાનુબેન તો 2005 ની 3 જી ડિસેમ્બરે ગત થઇ ગયાં, દિકરીઓ ન મળે, પણ બન્ને દિકરાઓની વહુવારુઓ ઉમાબા અને પ્રકાશબા સગ્ગી દિકરીઓથી સવા વેંત ચડે એવી હતી. એમાંય મોટા રાજુની વહુ પ્રકાશબા તો પાછી સગ્ગી ભાણી પણ થાય. બધાએ રાત જાગવાના ચાર ચાર કલાકના વારા રાખ્યા હતા. નાનાભાઇ નસકોરાં બોલાવતાં હોય. પછી ધીરે ધીરે એ ઓછાં થાય. ને પછી હળવે હળવે પોપચાં ખોલે. મોંએથી ધીમો અસ્ફૂટ સ્વર નીકળે. જાગનારું સચેત થાય. સમજે કે બાપુ તમાકુ માગે છે..એટલે એ દેવાની. મસળીને જ દેવાની. એમની પક્ષીની ચાંચ જેમ ખૂલેલી મોંફાડમાં એ થોડી ઠાંસી પણ દેવાની. આ એમના આજારી,અસ્થિપંજરવત દેહમાં હજુ પ્રાણ ટક્યો હોવાનું ઇંગિત, સ્મૃતિભ્રંશ તો સામાન્ય વાત પણ, દેહ જુઓ તો જોયો ના જાય.

2013 ના નવેમ્બરની 25 મીએ મધરાતે પછી એક વાગ્યાના સુમારે નસકોરાં તો ધીરે ધીરે શમ્યાં, પણ ઝીણા બલ્બના પીળા ઉજાસમાં પ્રકાશબાએ જોયું કે ના તો પોપચાં ઉઘડ્યાં કે ના તો કોઇ અસ્ફૂટ સ્વર હોઠમાંથી સર્યો. શ્વાસની ધમણ બેસી ગઇ તે પણ ફરી ના ઉંચી થઇ. પ્રકાશબાને ફાળ પડી અને…………!

1938ના નવેમ્બરની અગીયારમીએ પિતા હરસુરભાઇને અને રાણબાઇબાબેનને ઘેર જન્મેલા નાનાભાઇ જેબલીયા ગુજરાતી સાહિત્યમાં પોતાનું આગવું અને સમૃધ્ધ પ્રદાન કરીને 25 મી નવેમ્બર 2013ની મધરાતે હંમેશાને માટે જંપી ગયા.પાછળ રહ્યો તેમના 43 ઉપરાંત પુસ્તકોનો અક્ષર-વારસો. મૂળ હાડ અદ્દલ વાર્તાકારનું-અને નવલકથાકારનું. પણ બીજું સર્જન પણ બળકટ –ગૌરવકથાઓ, ઇતિહાસકથાઓ, સંતકથાઓ. હાસ્યકટાક્ષ, રેખાચિત્રો,કટારલેખોના સંચયો, બાળસાહિત્ય અને દસ્તાવેજી કથા.

ભણતર ? પી, ટી.સી.–પ્રાથમિક શાળાના શિક્ષક થવા જોગું, પણ સર્જન ડોક્ટરેટ કરવા જેટલું ભારઝલ્લું. કોઇને એ સૂઝ્યું નહિં એ જુદી વાત છે.

**** **** ****

ભૂતકાળમાં ડૂબી જવાય છે. એમના પત્રોમાં પ્રસન્નતા તો વૈશાખમાં કાળી વાદળી જેમ ક્યારેક જ દેખા દેતી. બાકી વારંવાર એમના પત્રો વાંચીને મન ખિન્ન થઈ જતું. 1978માં પણ એક વાર એ રીતે થઈ ગયું હતું.. અમરેલી-સાવરકુંડલા પંથકમાં વરસાદી પૂરે ભારે ખાનાખરાબી કરી નાખી હતી. પણ એનો ઉલ્લેખ એ પત્રમાં નહોતો. એમાં તો એમણે લખ્યું હતું.

હમણાં અમદાવાદ ગયો ત્યારે રતિલાલ બોરીસાગરને મેં સાવ હતાશ થઈને કહેલું કે આટલાં વરસો ગામડાંનું લખવાની મજૂરી કરી. છતાં આપણી તરફ કોઈએ આંગળી પણ નથી ચીંધી. હવે તો લખવાનું છોડી દેવા ધારું છું. કશોક ધંધો, બીજો ધંધો લઈ લઉં. છોકરાં તો બે પાંદડે થાય ! બાકી આ તો બાવાના બેય બગડ્યાં. જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફૂઈ.’ એવી દશાને પામ્યા.’

સમજી શકાતી હતી એમની-નાનાભાઈ જેબલીયાની વેદના. જો કે, એ વાત તો ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાની છે.(હવે ચાલીસ વર્ષ પહેલાંની ગણાય) સાંપ્રતકાળમાં એ બહુ પ્રસ્તુત રહી નહોતી કારણ કે નિર્વેદના એ શબ્દો જ્યારે લખાયા ત્યારે સાચા હતા. પછીના ગાળે એ ભલે બહુ મોટા વિવેચકીય ચોપડે ચડ્યા નહોતા, પણ નાની મોટી કદર તો પામ્યા જ હતા. સાહિત્ય અકાદમી અને પરિષદના ઇનામો, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન તરફથી “દર્શક” સાહિત્યસન્માન,બીજાં ઇનામો, ઉપરાંત બીજી અંગત ધોરણે થતી નવાજીશો તો પામ્યા જ હતા. એમના વિસ્તારના બહુ મોટા ઉદ્યોગપતિ અને દિલદાર દોસ્ત ગફૂરભાઇ બિલખિયાની સતત આર્થિક હૂંફની હૈયાધારી તેમની સાથે રહી હતી, પૂ મોરારીબાપુએ એમને નેનો કાર ભેટ આપી હતી, પુસ્તકો બહાર પડ્યા હતા, મોટા અખબારોમાં કોલમો ચાલી હતી, પણ તેમ છતાંય જેને પામીને એમની કક્ષાના સર્જકને માણ વળે એવું ખાસ કશું થયું હોય તેવું વરતાતું નહોતું. એમ તો સાવરકુંડલાના તેમના કેસર મકવાણા અને બીજા કેટલાક અભિભાવકોના પ્રયત્ને ખુદ ઉત્તમ વાર્તાકાર કિરીટ દૂધાત જેવા ગુજરાત સાહિત્ય અકાદમીના પરખંદા મહામાત્રના સહકારથી તેમના સાહિત્યના પુનર્મુલ્યાંકનનો સેમિનાર પણ 2011માં તેમના ઘરઆંગણે યોજાયો પણ તેમાંય મારે થોડું કડવું બોલવાનું થયું કે અરે, મિત્રો! આ સર્જકનું એક વારેય મૂલ્યાંકન ક્યાં થયું છે કે પુનર્મુલ્યાંકન કરવાની વેળા લાવ્યા?

ખેર! પણ ચોપન વર્ષની મારી એમની સાથેની ભાઈબંધીમાં હું એટલું સ્પષ્ટપણે જોઈ શક્યો હતો કે બહારની એમની દુનિયા અને એમના આંતરજગતમાં સાવ સમાંતરે સમાંતરે હોનારતો સર્જાયા કરતી હતી. એટલે આવું થયું હતું. 1978 માં ભારે વરસાદે નોતરેલા નદેના પૂરે એમના બટકું રોટલા, જમીન-ખોરડાંની જે ખુવારી કરી એની ચીસ સાથે જ સતત ઉવેખાયા કરાતા એમનામાં રહેલા લેખકની ચીસ પણ ભળી ગઈ. બધું એકાકાર થઈ ગયું. આ બન્યું એ પહેલાના થોડા દિવસ ઉપર એમનો ગામડાશાઈ વહેમથી ભર્યોભર્યો એક પત્ર હતો કે ‘થોડા વખતમાં પૃથ્વીનો પ્રલય થવાનો છે. એ સમજી લેજો. બસ, તો આ મારો છેલ્લો પત્ર હશે.’ મેં તડામાર કામ વચ્ચે એમને તરત જ પોસ્ટકાર્ડ લખી નાખ્યું કે : ‘તમારા આ વહેમ પાછળ તમારી આવા જગતમાંથી નાસી છૂટવાની ઝંખના મને દેખાય છે. માટે ગાંડા ના થાઓ. જુઓ, આ ગોરબાપાનું વચન છે કે જે દિવસે ફઈબાને મૂછો ઉગશે તે દિવસે દુનિયાનો પ્રલય થશે, હે કાઠીરાજ !’

‘કાઠીરાજ’ અને એવા અમુક માનવાચક વિશેષણોના નહોર બહુ તીણા હોય છે. એમને એ આળા હોય ત્યારે બહુ લોહી કાઢતા. પણ વચ્ચે એ આળાપણું જરા ઓછું થાય એવા બનાવો બનતા. ‘સવિતા’ વાર્તા હરિફાઇમાં એમની વાર્તા ‘પીરના પાળીયા’ને પહેલું ઇનામ-સુવર્ણ ચંદ્રક-મળ્યો (1964), તે પછી 1965 માં મને, તો 1966માં ફરી નાનાભાઇને, તો 1967 માં ફરી મને!:

(‘સવિતા વાર્તા હરિફાઈ’નાં પરિણામ)

‘સવિતા’નો નિયમ તો એવો કે વિજેતા લેખકના ગામમાં જલસો ગોઠવીને ઇનામ પ્રદાન કરવું, પણ અમારી બન્નેની આ વારાફેરીથી કંટાળીને એકને એક લેખકને માટેના બબ્બે સમારંભોનું ‘ડુપ્લિકેશન’ ટાળવા તંત્રીએ મારા શહેર રાજકોટમાં જ એક સમારંભ ગોઠવીને અમને બન્નેને એક જ માંડવે પોંખી લીધા ! આ રીતે અમારી દોસ્તી પાકો રંગ પકડતી જતી હતી.

(‘સવિતા’ સુવર્ણચંદ્રક સમારંભમાં રજનીકુમાર પંડ્યા અને નાનાભાઈ જેબલિયા)

અમારી નવી નવી શરુ થયેલી દોસ્તીના થોડા વર્ષ દરમિયાન એક વાર હું, રતિલાલ બોરીસાગર અને નાનાભાઈ જેબલીયા પગપાળા નાનાભાઈના ખાલપર ગામથી નજીક લેખક ભોજરાજગીરી ગોસ્વામીના વારાહી દરબારમાં આવેલા ટેકરે પગપાળા જતા હતા. સાલ કદાચ 1968ની. રતિભાઈના ખંધોલે એમનો બાબો ભીલુ હતો ( જે અત્યારે ખુદ અધ્યાપક છે ) અને એ પરસેવે રેબઝેબ થતા હતા. બે-ત્રણ ગાઉના પંથમાં એમને સામા મળનારા એમના કેટલાયે વિદ્યાર્થીઓ એમને ‘સાહેબ, સાહેબ’ કહીને બોલાવતા હતા તે રતિભાઈ રેબઝેબ રેબઝેબ ઝીલતા હતા. આગળ આગળ તેલ પાયેલાં પાંચ પાંચ શેરના પગરખામાં મેલખાઉ લેંઘે-બાંડીયે નાનાભાઈ એક હાથમાં જગેલી બીડી અને બીજા હાથમાં દસ કિલો બાજરાનું બાચકું ઉપાડીને હાંફતાં હાંફતાં ચાલ્યા જતા હતા ત્યારે રસ્તે મળનારા કેટલાયે જણ એમને ‘કાં બાપુ, કાં દરબાર, કાં આપા !’ કહીને સલામ મારતા હતા. અને નાના ‘બાપુ’ જગતી બીડી ઠરી ના જાય એટલા વાસ્તે વારંવાર હોઠ વચ્ચે ભરાવીને ‘સટ’ માર્યા કરતા હતા, સરકસના ખેલ જેવું હતું. હળવી બીડી કે વજનદાર બાચકું એમાંથી એકે ય હેઠે ના પડી જવું જોઇએ (બીડી બે ફદિયાની પણ બાજરો તો કેવા મોંઘા પાડનો,બાપ!) બાજરો જમીન પર વેરાઇ ના જવો જોવે અને અને બીડી બી ઠરી ના જવી જોઇએ. ને વાજોવાજ સલામો પણ ઝીલાતી જવી જોઇએ. વળી આ બધું કરતાં ગતિભંગ પણ ના થવો જોવે. અમારી હારોહાર રહેવું જોવે. આ દૃશ્ય જોઈને અમને અમારી નહીં પણ વિશેષણોની દયા આવી ગઈ હતી. જાણે કે કોઈ નેકટાઈ – સુટ-બુટવાળો ફુલફૂલિયો દૂધમલ જુવાન મેડિકલ રેપ્રીઝન્ટેટીવ અમદાવાદની સિટી બસની લાઈનમાં ઊભો ઊભો મીલમજૂરોને ઠેબે ચડતો હોય ને આપણને એની નેકટાઈની દયા આવી જાય.

‘કાં બાપુ’ મેં પૂછ્યું હતું: ‘લાવો લઈ લઉં ?’ મારું ઈગિત બાજરાના વજનદાર બાચકા તરફ.

‘ક્યાં લગી લેશો ?’ એ હસ્યા : ‘ક્યાં લગી ?’

એ પછી એમણે મારો અને એમનો ક્ષોભ ટાળવા એમની નવી લખાયેલી નવલકથા ‘તરણાનો ડુંગર’ જે રાજકોટના એક છાપામાં હપ્તાવાર પ્રગટ થતી તેની વાતે વાળી લીધો. પૂછ્યું : ‘આપણને એમાં ગુલાબદાસ બ્રોકરની પ્રસ્તાવના મળે કે ?’

‘લખી જોઈએ’ મેં કહ્યું : ‘લાવો તમારું પોટલું, થોડીવાર મને આપો.’

‘તમે શું કામ ફિકર કરો છો ?’ એ બોલ્યા : ‘અમે તો ટેવાયેલા છીએ.’

‘તમે તો દરબાર, તમે કેવી રીતે ટેવાયેલા હો બાપુ ! ડોળ કરો મા.’

‘ડોળ નથી, સાચું કહું છું’ એમ બોલતા બોલતા એ હાંફી ગયા. કહે : ‘ટેકરે જઈને કહીશ.’

ટેકરે ગયા. ભોજરાજગીરી ગોસ્વામી સાથે થોડી હા-હો કર્યા પછી એમણે લાંબે સુધી પથરાયેલી સીમ તરફ બહુ ઓળખાણભરી નજર દોડાવી. પછી બોલ્યા: ‘તમને કોણે કહ્યું કે અમે બાપુ છીએ ?’

‘આપણી ઓળખાણ બહાદૂરભાઈ વાંકે કરાવેલી’ મેં કહ્યું. ‘તમારી ‘પીરના પાળીયા’ વાર્તાને ‘સવિતા’ સુવર્ણચંદ્રક મળ્યો. તે પછી બીજા વરસે મને મળ્યો. ત્યારે આપણે થોડો ટપાલવ્યવહાર થયો હતો. તમે જ લખ્યું નહોતું કે અમે કાઠી છીએ ?’

(સવિતા ચંદ્રક સાથે નાનાભાઈ જેબલિયા (ડાબે) અને રજનીકુમાર પંડ્યા (જમણે)

કાઠી એટલે ? નરબંકા દરબાર, ઘોડેસવાર ગામધણી, રૈયતના રખેવાળ, ટેકીલા, શુરવીર, અડગ, પ્રતાપી, સૂર્યવંશી. બંકડા, હથીયારધારી, માથું ઉતારી દે અથવા ઉતારી લે એવા. ગૌબ્રાહ્મણપ્રતિપાળ, ઉંચે બેસણે બેસનારા, સલામો ઝીલનાર, માણકી ઘોડીના અસવાર,, મરદમૂછાળા, તેજસ્વી, પડછંદ, બુલંદ સ્વરવાળા, હોકો ગગડાવવાવાળા, લીંબુની ફાડ જેવી આંખોવાળા, રીઝે ત્યારે મુઠ્ઠી ભરીને સોનામહોરો લૂંટાવી દેવાવાળા…… આ બધું મારા મનમાં ઉખળતું હતું ત્યાં નાનાભાઈ કહે : ‘તમને હું એવો લાગું છું ?’

આંખો પાણીદાર, પણ તેજના અર્થમાં નહીં, પાણીના અર્થમાં. ભીની, આર્દ્ર. અંદર ફૂટેલા બેચાર લાલદોરા દેખાય – ચહેરો અત્યંત સૌમ્ય, આખેઆખો સંવેદનશીલ લેખકનો જ ઢાળો, છાતી ફૂલે ત્યારે તડોતડ કસ તૂટે એવા અંગરખાં નહીં, આ તો પાણકોરાના જીર્ણ લેંઘા-બાંડીયાં. હોકો કહેતાં દેશી બીડી, સ્વર ધીમો, સામાની લાગણીને તરીને જગા દે, પછી જ આગળ ચાલે એવો. મારે શો જવાબ દેવો ?

“મારા બાપુ બહુ ભણેલા હતા”. બોલ્યા: ‘બહુ એટલે ? પાંચ ચોપડી, પણ અંગ્રેજીની. એક ટુકડો જમીન અમારા વારસામાં મળેલી પણ ગૌચરમાં આપી દીધી કારણ કે ઘાસીયા થઈ ગયેલી. અમે મારા ભાઈના ગામ પિયાવામાં રહેતા. અમારે પાન-બીડીની દુકાન. પણ વેપારીના ચોપડેથી કદી હેઠે ના ઉતરનારા કાયમના દેવાદાર. પણ પછી મારી આઠ વરસની ઉંમરે અમે સાવરકુંડલા પાસેના અમારા વતન ખાલપર આવતા રહ્યા. ત્યાં મારા બાપુ બીડી વાળવાનો ધંધો કરતા અને ત્યાં જ કોઈ હિતશત્રુએ અફીણનું વ્યસન ઈરાદાપૂર્વક વળગાડી દીધું. અફીણ ચામાં પાય, ગળાના સમ દઈ દઈને પાય, ને એમ થોડો થોડો ‘શુગલો’(મઝા) બંધાણમાં ફેરવાઇ ગયો. એટલે પછી ખર્ચો વધતો ગયો. ઘરેણાં વેચાઈ ગયાં, ઠામડાં વેચાઈ ગયા. અરે, ગોદડાં સિખ્ખે…એમાં સાવ પાયમાલ થઈ ગયા.”

‘તમારાં બાએ વાર્યા નહીં ?’

“મારાં બા બહુ નાની વયે ગુજરી ગયાં. એ બિમાર હતાં તે વખતે હું ઓટલા પર બેઠો બેઠો પગ હલાવું. કોઈએ કહ્યું કે લટકતા પગ હલાવે એની મા મરી જાય. હું હબકી ગયો ને સાચે જ ત્રણ જ દિવસમાં મારી મા મરી ગઈ. મારા મનમાં પેસી ગયું કે માતૃહત્યાનું પાતક મારા માથે ! હું બહુ રડ્યો હતો. એટલું બધું કે એ રેલો બનીને જીભ લગી પહોંચેલા આંસુનો સ્વાદ આજે પણ યાદ છે. માનો ચહેરો મુદ્દલેય યાદ નથી. અણસાર પણ નહીં. અરે, એનું ઓહાણ જ નથી ! એના ગયા પછી થયેલી ઘરની બેહાલી યાદ આવે છે. પણ મા, મારી માનું ચોગઠું યાદ નથી આવતું. ફોટો તો હોય જ ક્યાંથી ?’

કોઈ પણ માણસ પોતાની માની વાતો કરતો હોય ત્યારે એ સાંભળનારને પોતાની માતા યાદ આવી જાય છે. જીવતી હોય તો ઠીક છે, નહિંતર એનું અંતિમ દર્શન, ઉઘાડા મોંની ડાબલી.બંધ પોપચાંની આંખો, સફેદ વાળ વચ્ચે પાડેલો ઉજ્જડ સેંથો એ બધું જ એક સામટું યાદ આવી જાય છે અને બોલનારાની વાતો સાથે સેળભેળ થઈ જાય છે. આગળ વાત થઈ શકતી નથી. ના, બિલકુલ નહીં.

એટલે અમારામાંથી કોઈને-રતિભાઇને કે મને કંઈ બોલવાનું જ ન થયું. પણ પાછા વાતો એમના બાળગોઠીયા ભોજરાજગીરીએ કરી અને નાનાભાઇ જેબલીયા નામના સાહિત્યકારના ઉગીને ઊભા થવાનો આલેખ નજરમાં આવ્યો.


(કેવો હતો આ આલેખ? તેની વાત આવતા સપ્તાહે)


લેખક સંપર્ક- ર

રજનીકુમાર પંડ્યા.,

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

12 comments for “લ્યો, આ ચીંધી આંગળી : કરમાઇ કરમાઇને ખર્યા નાનાભાઇ જેબલિયા (૧)

 1. Prabodh k.kapadiya
  September 10, 2018 at 10:52 am

  ધારદાર રજુઆત,,आनेवाले हप्तेका ििइंतज़ार

 2. ધૈવત ત્રિવેદી
  September 11, 2018 at 2:02 am

  અદભૂત… વાત માંડવામાં તો તમે ગજબ છો. સલામ સાહેબ

 3. September 11, 2018 at 2:24 am

  ર જ નીભાઇ મને એક વાત સમ જાતી નથ કે આવુ ઉત્ત્મ વરન્ન કયાથી ઉપ્ સાવી શકો? ભ ગ વા ન લા મ્બિ ઉમ ર ક રે .

 4. उमाकान्त वि. महेता. (न्यु जर्सी )
  September 11, 2018 at 4:17 am

  जानेवाले कभी वापस नहि आते,
  जानेवाले की याद हमें रुलाती है ।
  ….उमाकान्त वि. महेता. (न्यु जर्सी)

 5. September 11, 2018 at 11:57 am

  Rajnikumarbhai, apologies for writing in English since it is easier for me to write. What a great tribute to Nanabhai Jebaliya, thanks so much writing about him. You have the magic of the word, magic of heart and mind both and the ability of transference with emotional intensity! A rationalist but yet retaining humanitarian warmth and the respect for the believer… Thank you so much for writing such human stories, please keep writing and sharing…

  • Rajnikumar Pandya.Ahmedabad
   September 11, 2018 at 2:30 pm

   Thanks Amritabhai
   Your precious words keeps a lot of weight for me.
   Basically I am a simple human being having and emotional (but not sentimental) approach to every happening of life,
   Now I am not a staunch and labelled RATIONALIST. I am only a totally Rational person.
   Regards

 6. મનસુખલાલ ગાંધી
  September 13, 2018 at 12:06 pm

  અદભૂત… વાત માંડવામાં તો તમે ગજબ છો. સલામ સાહેબ…

 7. Piyush Pandya
  September 14, 2018 at 9:27 am

  ‘વિશેષણોની દયા આવી ગઈ’ જેવા પ્રયોગને શી રીતે બિરદાવવો એ મૂંઝવણમાં મને મારા શબ્દભંડોળની દયા આવી ગઈ. આવું ને આવું વહેંચ્યા જ કરશો.

 8. Ghanshyam bambhaniya
  September 17, 2018 at 12:08 pm

  વાહ સાહેબ,,, “અંતરમન માં ડોકીયું”,,ખુબ ગમ્યું,, અમો તો તેનાથી આશાવાઁદીત છીએ.,તેના પુત્ર રાજુભાઇ જે મારા ગુરુ પણ,, પિતાના પગરખામાં પગ મૂકવા સક્ષમ છે,,, જરુર હોય છે…,એક લહેરખી ની.

 9. યોગેશ ન. જોશી
  September 24, 2018 at 1:14 pm

  ખૂબ સરસ , સાહેબ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *