





સમીર ધોળકિયા
જયારે બપોરે હું કોમ્પ્યુટર પર બેસું છું ત્યારે બારી હમેશાં ખુલ્લી રહે છે. અત્યારે ઓચિંતાનું વર્ષાનું એક ઝાપટું આવ્યું એટલે બહાર અગાસીમાં બેસવા ગયો. વરસાદી ઋતુમાં ખુલ્લી અગાસીમાંથી વાતાવરણ બહુ સરસ લાગે છે અને સહેજ ઝાપટું ઓછું થતાં પક્ષીઓ નીકળી આવે તે જોવાની ખૂબ મજા આવે છે. બધાં વૃક્ષો પર જે લીલો રંગ છવાઈ જાય છે તેનો દેખાવ અનેરો છે .આપણે પોતે કુંડામાં છોડ પર પાણી છાંટીએ તેના કરતાં કુદરતનો છંટકાવ કેમ વધારે સુંદર લાગતો હશે? ધરતી પર લીલી ચાદર પથરાઈ ગઈ છે તે આહ્લાદક લાગે છે. અત્યારે શહેરોમાં તો આ પથરાયલી લીલી ચાદરો ફક્ત ચિત્રોમાં તથા ચલચિત્રોમાં જ જોવા મળે છે. મારા સારા નસીબે અમે એક એવી સોસાયટીમાં રહીએ છીએ જ્યાં આ લીલોતરી સરસ રીતે જોવા મળે છે.
ભારતીય સંગીતમાં શિયાળા કે ઉનાળા પર રાગ નથી પણ વર્ષા પર આધારિત કેટલાય રાગ છે. કોઈ ઊંચી જગ્યાથી જોઈએ તો વરસાદ પહેલાં શહેર સુંદર પણ થોડું ગંભીર જણાય છે પણ વરસાદ આવતાં જ એક નવી મુક્તિ અને આનંદમાં હોય તેવું લાગે છે. આવા જ કારણે આ ઋતુ અને વરસાદ પોતે કાવ્ય તથા સંગીતને જન્મ આપે છે, નહિ? અંગ્રેજો ભારતમાંથી ગયા પછી ત્યાં પોતાના દેશમાં સૌથી વધારે આપણી ધરતીની ભીની માટીની સુગંધને યાદ કરતા …
ઉપરથી પાણી પડે ત્યારે ચાર પગવાળાં પ્રાણીઓ જેવાં કે ગાયો, કૂતરાઓ વગેરે શાંત થઈ જાય છે અને બે પગવાળા માનવો પણ જ્યાં જગ્યા મળે ત્યાં ભીંજાવાથી બચવા ગોઠવાઈ જાય છે. હું પણ બહાર ગયેલો હોઉં તો કોઈ છાપરું શોધીને છુપાઈ જાઉં છું અને ત્યારે બાળપણના દિવસો યાદ આવે કે જયારે વરસાદમાં ભીંજાવા/નહાવા માટે કેટલા બધા આતુર રહેતા અને નીકળી પડતા. મારા વતનમાં વર્ષાનું પ્રમાણ ઘણું ઓછું તેથી તેનું મૂલ્ય પણ ખૂબ વધારે! વર્ષા એટલે ઉત્સવ ….હજીયે જો મોકો મળે અને તબિયત સાથ આપે તો નહાવા નીકળી પડું છું.
પહેલાં આ ઋતુમાં નહાવાનું જ મન થતું પણ હવે નહાવા સાથે કઈ ખાવાનું મન પણ એટલું જ થાય છે! પણ આ બે વસ્તુ સાથે નથી થઈ શકતી એટલે જે શરીરને અનુકુળ હોય તે કરું છું.પહેલાં મન અને શરીરની અનુકુળતા એક જ રહેતી હતી પણ હવે એકની જ પસંદગી કરવી પડે છે.
બપોરે જો મને વણવણો (ભૂખના આભાસ માટેનો એક કચ્છી શબ્દ) થાય તો હું થોડાક જ ચણા(ફોતરાંવાળા) ખાઉં છું. બાકી અમદાવાદમાં વર્ષાની સાથે લોકો દાળવડાની લારીઓ અને શેકેલી મકાઈ પર પૂરજોશથી હલ્લો કરી દે છે. આ બધી મજા સાથે પણ જો રાત્રે ધોધમાર વર્ષા આવે તો એવો પણ વિચાર આવે કે રસ્તા પર રહેતા લોકો અત્યારે શું કરતા હશે …..આ વિચાર વરસાદની મઝાને થોડી ઠંડી પાડી દે છે પણ મન એવું છે કે તે બીજા કોઈ મકામ પર કુદકો મારીને જતું રહે છે.
હવામાન શાસ્ત્રીઓ પોતાની આગાહીઓ કરતા રહે પણ આપણા ઘરમાં જો કીડીઓ ખૂબ સક્રિય થઈ જાય તો જાણજો કે વર્ષા જરૂર દેખા દેવાની. કહેવાય છે કુદરતી સંકેતો ઝીલવામાં કુદરતના આ નાના સાથીઓ ખૂબ પારંગત હોય છે. એવું સાંભળ્યું હતું કે ધરતીકંપ પહેલાં કચ્છમાં આ મૂંગા સાથીઓનું વર્તન સામાન્ય ન હતું . કાશ આપણે માનવોને કુદરતના આ સંદેશાઓ/સંકેતો ને વાંચતાં-સમજતાં આવડતું હોત!
પહેલાં તો ઓફીસમાંથી જ વરસાદ જોતા હતા. પાણીમાં ઘરે કઈ રીતે જઈશું તેની થોડી પણ ચિંતા હોય. અત્યારે તો વરસાદથી પડેલ ભૂવાઓની સંખ્યા ખૂબ વધારે છે તે ચિંતામાં વધારો કરે છે. અત્યારની વાતાનુકૂલિત ઓફિસોમાં વરસાદની ખબર પણ નથી પડતી. અત્યારે દેશમાં કોઈ જગ્યાએ ખૂબ વરસાદ છે તો કોઈ જગ્યાએ પાણીની અછત ચિંતાજનક સ્તરે છે. કેરાલામાં અત્યારે કોઈ વરસાદનું નામ લે તો પણ તેને માર પડી શકે અને ઘણા સ્થળે વરસાદની ચાતક જેમ રાહ જોવાય છે!
નિવૃત્તિની મજા જ એ છે કે બારીમાંથી કાળાં વાદળો જોવાનાં, પછી વરસાદને જોવાનો! અગાસીમાંથી નીચે કોઈ ચિંતા કે ભાર વગર રમતાં-નહાતાં બાળકોને જોવાનાં. બહુ ઠંડો પવન આવતો હોય તો પોતાના રૂમની સલામતીમાં જતા રહેવાના આ શરીર સાથે સંકળાયેલ ઉંમરના ભારને ખંખેરીને મેદાનમાં કે રસ્તા પર નહાવા જતા રહેવાનું મન થાય !!
નિવૃત્તિની બીજી મજા એ છે કે વરસાદી વાતાવરણનો આનંદ ઘરેથી લઈ શકાય છે, પછી ભલેને ભજિયાં/દાળવડાં/મકાઈની જગ્યાએ ફોતરાંવાળા ચણા ખાતા હોઈએ! એક નજર બારીની બહાર રાખીને વરસાદની રાહ જોવામાં પણ એક આનંદ તો છે ને ? શિયાળો કે ઉનાળો આટલા બધા પર્યાય નથી આપતા!
શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.
સંપાદકીય પાદ નોંધઃ અહીં મૂકેલ તસ્વીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી સાભાર લીધેલ છે. તેમના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના જ રહે છે.
બાળપણના તે મધુર દિવસો ! સ્કૂલથી આવતા વરસતા વરસાદે દફતર માથા પર મુકી “સર સલામત અને પલળતા શરીરે ” રમતા રમતા ઘેર આવતા. મમ્મી બધા જ કામ બાજુએ મુકી કપડા બદલાવી ગરમ ઉકાળો પીવડાવતી દફતરમાંથી ચોપડીઓ કાઢી ગરમ તવી પર સુકાવા મુકતી. જ્યારે આજે ફોન પર બેઠા બેઠા વર્ષા ગીતો સાંભળ્યું છીએ!
યાદો નું વન હમેશા આનંદદાયક હોય છે,ખાસ કરી ને બાળપણ ની યાદો નું !
પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર .
गुजरातमां नर्मदा नदी उपर डेम छे अने गुजरातनी प्रजाने पीवा माटे दस वरस चाले एटलुं पाणी मुख्य अने अन्य डेमोमां होय छे.
हुं कच्छना अबडासा लखपत तालुका बाजुनो छुं अने एक एक टीपा माटे माथाकुट करवी पडे छे.
गुजरातमां एकज पार्टीनी सरकार वरसोथी छे अने हालना वडा प्रधाने पाणी माटे दसेक वखत उदघाटन करेल हशे. मने नथी लांगतुं 2014, 2019, 2024, 2029 सुधी नर्मदा डेमनुं पाणी आवे.
आ तो मोको मळ्यो एटले अहीं लखी नाख्युं… http://www.vkvora.in
પાણી ની કિમત અછત વાળા પ્રદેશો માં જ હોય .અને જે વસ્તુ કે સગવડ વિના મુલ્યે મળે તેની કિમત ના હોય .
ખૂબ સરસ રીતે વરસાદને આવકાર્યો
આભાર,દેવાણીભાઈ !
આજ વરસાદ નથી એમ ન કહેવાય ‘ સમીર ‘
એમ કહેવાય – હશે, આપણે ભીના ન થયા …
( ર.પા. ની ક્ષમાપના સાથે ! )
આપને શોભે તેવો કાવ્યાત્મક અભિપ્રાય બદલ આભાર, ભગવાનભાઈ !
બીજી કોઇ પણ ઋતુ કરતાં વર્ષાઋતુમા સમીર વધારે ગમે છે.
પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર,ગૌતમભાઈ .
અમુક સમીર તો બારે માસ ગમવા જોઈએ !