હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો : ૧૯૫૫-૧૯૫૭

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ

જ્યાં સુધી શંકર જયકિશન અને હસરત-શૈલેન્દ્રનું સર્જક ચતુર્વૃંદ નદવાયું નહીં ત્યાં સુધી શંકર જયકિશને અન્ય કોઇ ગીતકારનાં ગીતોને (મોટા ભાગે) બે અપવાદ સિવાય સંગીતબધ્ધ નથી કર્યાં.પહેલો અપવાદ હતો શંકર જયકિશનની પહેલી જ ફિલ્મ ‘બરસાત (૧૯૪૯)નું જલાલ મલીહાબાદીનું ગીત ઓ ઓ મુઝે કિસીસે પ્યાર હો ગયા અને બીજી ફિલ્મ હતી ૧૯૬૬ની ‘આરઝૂ’. જો કે હસરત જયપુરી અને શૈલેન્દ્રએ સમય અન્ય સંગીતકારો માટે ગીતો જરૂર લખ્યાં છે. આપણી ચર્ચાનો વિષય જોકે આ બાબત નથી.

સપ્ટેમ્બર મહિનો જયકિશન (૪ નવેમ્બર ૧૯૨૯ – ૧૨ સપ્ટેમ્બર, ૧૯૭૧) અને હસરત જયપુરી (૧૫ એપ્રિલ, ૧૯૨૨ – ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯)ની અવસાન તિથિઓનો મહિનો છે. ગયા વર્ષે આપણે આ જોડીએ રચેલાં ૧૯૪૯ થી ૧૯૫૪નાં વર્ષોનાં કેટલાંક ગીતો સાંભળ્યાં હતાં. આજે હવે આપણે આગળ વધતાં ૧૯૫૫થી ૧૯૫૭નાં વર્ષનાં કેટલાંક યાદગાર અને કેટલાંક વીસરાયેલાં ગીતોની યાદ ફરી એક વાર તાજી કરીશું.

આજના આ લેખ માટે પહેલાં ત્રણ ગીત મળ્યાં તે લતા મગેશકરે જ ગાયેલા હતાં એટલે તે પછી જે જે ફિલ્મોમાંથી ગીતો પસંદ કરવાનાં હતાં તે લતા મંગેશકરે જ ગાયેલં હોય એ બાબત પર ધ્યાન આપ્યું છે. આમ, બીજા શબ્દોમાં, આજનો લેખ (શંકર) જયકિશન અને હસરત જયપુરીનાં લતા મંગેશકરે ગાયેલાં ૧૯૫૫થી ૧૯૫૭નાં ગીતોનો લેખ બની ગયો છે. અહીં પણ અપવાદ માત્ર આપણા દરેક લેખના અંતમાં મોહમ્મદ રફીનાં ગીતો મૂકવાની આપણી પરંપરા છે.

બાત બાતમેં રૂઠો ના, અપને આપકો લૂટો ના – સીમા (૧૯૫૫)

ગીત પૂરેપૂરી જયકિશનની ધૂન છે. એકદમ રમતિયાળ રચના, ગીતના પ્રારંભમાં પિયાનો એકોર્ડીયનનો ટુકડો જે પહેલી અને ત્રીજી કડીનાં વાદ્યસંગીતમાં એક અનોખો સુર બની રહે છે. જો કે હસરત જયપુરીએ સીચ્યુએશનને હળવી રાખવા બોલ ભારે નથી લખ્યા, પણ એક કવિને છાજે તેમ જીવવની ફિલસુફી એ સરળતામાં પણ આબાદ રીતે વણી લીધી છે.

ઓ જાનેવલે જરા મુડકે દેખતે જાના – શ્રી ૪૨૦ (૧૯૫૫)

‘શ્રી ૪૨૦’માં કોઈ એકાદ ગીત પણ ઓછું લોકપ્રિય થયું હશે એવું કલ્પવું મુશ્કેલ છે. પ્રસ્તુત ગીત પર હસરત જયપુરીની છાપ ગીતના આરંભની સાખીથી લઈને સમગ્ર ગીતના બોલમાં છવાયેલી જોઈ શકાય છે. ફિલ્મમાં બીજી કડી કાઢી નાખવામાં આવી છે !

ઉસ પાર સાજન ઈસ પાર ધારે લે ચલ ઓ માજી કિનારે કિનારે – ચોરી ચોરી (૧૯૫૬)

નરગીસને પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાં હોય છે. આ બાબતે પિતા સાથે ઝઘડો થતાં તે જહાજ પરથી કૂદી પડે છે. કૂદી પડ્યા પછી શરૂઆતની પળો તો જહાજથી તે દૂર થવા માગતી હોય છે. અહીં રજૂ કરેલ વિડીયો ક્લિપના પ્રાંરભમાં આ ભાગી છૂટવાના ધમધમાટની પળો ઝડપી લેવાઈ છે. જયકિશન એ દૃશ્યને વાયોલિન સમુહનાં પાર્શ્વસંગીત વડે વાચા આપે છે. થોડાંક સલામત અંતરે પહોંચ્યા પછીની હાશનો અનુભવ ત્યાંથી પસાર થઈ રહેલાં માછીમારોના કાફલાની છ્ડી પોકારતાં સંગીતથી થાય છે. હસરત જયપુરીના બોલ ગીતના ભાવને એકદમ સરળતાથી વ્યક્ત કરે છે.

આ જોડીએ ‘ચોરી ચૉરી’માં મન્ના ડે – લતા મંગેશકરનાં સદાબહાર યુગલ ગીત આજા સનમ મધુર ચાંદનીમેં હમ, લતા મંગેશકરનું મસ્તીભર્યું પંછી બનું ઊડતી ફિરૂં મસ્ત ગગનમેં અને રફી-લતાનું હળવા મૂડનું તુમ અરબોંકા હેરફેર કરનેવલે રામજી જેવાં અન્ય વૈવિધ્યપૂર્ણ ગીતો પણ આપ્યાં છે.

ઉસે મિલ ગયી નયી ઝિંદગી….જિસે દર્દ-એ-દિલને મિલા દિયા – હલાકુ (૧૯૫૬)

આ ફિલ્મમં હસરત જયપુરીએ ત્રણ જ ગીતો લખ્યાં હતાં બીજાં બે ગીતો – ઓ સુનતા જા અને બોલ મેરે માલિક – પણ લતા મંગેશકરના સ્વરમાં છે અને એ સમયે ખાસ્સાં લોકપ્રિય પણ થયાં હતાં.

કોઈ મેરે સપનોંમેં આયા, ધીરે ધીરે મનમેં સમાયા – ન્યુ દીલ્હી (૧૫૬)

(શંકર) જયકિશન ઘણી અઘરી ધુન રજૂ કરે છે. વાદ્યસંગીત પણ સરળ નથી જણાતું.

સાત સમુંદર પાર – પટરાની (૧૯૫૬)

(શંકર) જયકિશનની એક વધુ અઘરી ધુન.

રાજ હઠ (૧૯૫૬) નાં હસરત જયપુરીનાં ગીતોમાંથી મેં આજના લેખ માટે નદીયા કિનારે ફિરૂં પ્યાસી, હાય પી બીન જિયરા તરસ તરસ રહ જાયે‘ પસંદ કર્યું હતું. પણ એ ગીતની ઑડીયો કે વિડીયો ડિજિટલ લિંક મને મળી નહીં. એટલે પછીથી હવે આ ગીત પસંદ કર્યું છે.

અંતર મંતર જંતર સે મૈદાન લિયા હૈ માર – રાજ હઠ (૧૯૫૬) – ઉષા મંગેશકર સાથે

મોટા ભાગે એવું મનાતું કે ફિલ્મમાં નૃત્યની સીચ્યુએશન પરનાં ગીતની બાંધણી શંકર કરતા. આ ગીત સાંભળતાં ગીત કોણે રચ્યું અને કોણે સ્વરબધ્ધ કર્યું હશે તે કળવું મુશ્કેલ છે.

ગોરી-ગોરી-ગોરી મૈં પરીયોંકી છોરી.. છમ છમ છમ… કરતી આયી હૂં મૈં સાત આસમાન સે – બેગુનાહ (૧૯૫૭)

(શંકર) જયકિશનની એક વધારે મુશ્કેલ ધુન. આ ગીતમાં તો તેમણે એક સાથે એકથી વધારે પ્રકારનાં તાલ વાદ્યોનો પણ પ્રયોગ કરેલ હોય તેમ જણાય છે.

(શંકર) જયકિશન – હસરત જયપુરીનાં સંયોજનનું ફિલ્મનું એક અન્ય ગીત – મન્ના ડે – લતા મંગેશકરનું યુગલ ગીત, દિન અલબેલે પ્યારકા મૌસમ ચંચલ યે સમા – શંકર જયકિશનની ટ્રેડ માર્ક ધુન છે.

સો જા મેરે રાજ દુલારે સો જા તારે ભી સો ગયે ધરતીકે તારે ભી સો જા – કઠપુતલી ((૧૯૫૭)

ફિલ્મોમાં હાલરડાંઓની સાંભળવા મળતી રચનાઓની સરખામણીમં ગીતની બાંધણી કંઈક અંશે જટીલ લાગે છે. ફિલ્મમાં ગીતની સીચ્યુએશનની ગંભીરતા તેને સ્પર્શી ગઈ હશે? (!)…

આપણે આપણા દરેક અંકનો અંત વિષયને અનુરૂપ મોહમ્મદ રફીનાં ગીતથી કરીએ છીએ. આજના હસરત જયપુરી -(શંકર)જયકિશનનાં ૧૯૫૫-૧૫૭નાં ગીતોન અંક માટે માટે ‘સીમા'(૧૫૫૫)નાં મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલાં બે માંથી એક ગીત અને ‘રાજહઠ” (૧૯૫૬)માટે તેમના સ્વરમાં રેકોર્ડ થયેલું એક ગીત પસંદ કરેલ છે.

હમેં ભી દે દો સહારા કે બેસહારા હૈ – સીમા (૧૯૫૫) – સાથીઓ સાથે

દેખીતી રીતે અનાથાશ્રમ માટે ફાળો એકઠો કરવા નીકળેલ એક ટુકડીએ ગાયેલ ગીત છે, પણ હસરત જયપુરીએ તેમાં પોતાનાં કવિમય અંતરાત્માની અનુભૂતિને પૂરેપૂરી ખીલવી છે. (શંકર) જયકિશને પણ ગીતને બહુ જ અનેર ઢંગથી સ્વરબધ્ધ કરેલ છે – ગીતમાં હાર્મોનિયમના ટુકડાઓનૉ જે ખુબીથી ઉપયોગ કર્યો છે તે ગીતને ભિક્ષા માગવાનાં સામાન્ય ગીતમાંથી એક કલાત્મક કૃતિની કક્ષાએ મૂકી દે છે.

આયે બહાર બનકે લુભાકે ચલે ગયે – રાજ હઠ (૧૯૫૬)

જ્યારે જ્યારે હસરત જયપુરીને હિંદી ફિલ્મમાં ગઝલ લખવાનો મોકો મળ્યો છે ત્યારે તેમાં તેમણે શાયરના અંદાઝની તેમની એક ખાસ પ્રતિભાને પ્રતિબિંબિત કરવાની તક છોડી નથી. (શંકર) જયકિશને પણ આવી ગઝલને એક આગવી જ શૈલીમાં સ્વરબધ્ધ કરી છે. આવી જ એક બીજી રચના – તેરી ઝુલ્ફોં સે જુદાઈ નહીં તો માંગીથી – તેની સાદગીપૂર્ણ, સુગેય, સરળ બાંધણી માટે યાદ આવી જાય છે.

Facebooktwitterredditpinterestlinkedinmail

4 comments for “હસરત જયપુરી રચિત (શંકર)જયકિશનનાં વિસારે પડેલાં ગીતો : ૧૯૫૫-૧૯૫૭

 1. Chandrashekhar Pandya
  September 8, 2018 at 12:45 am

  અશોક જી.. જ્યારે એવી એક છાપ પ્રવર્તે છે કે SJ દ્વારા બનાવેલ ધુનોમાં કોણે કઇ બનાવી તે કોઈ કહી જ ન શકે. માત્ર અનુમાન છે કે કોઈ નક્કર પુરાવો કે આ લેખના બધાં ગીતો જયકીશન જીના જ સ્વરાંકન છે?

  • September 8, 2018 at 6:18 am

   હસરત જય્પુરી એ એક ઇન્ટરવ્યુમાં કહું હતું કે ‘બરસાત’ પછી જ્યારે શંકર જયકિશનને બહુ ઘણું કામ મળવાનું શરૂ થઈ ગયું ત્યારે શંકરે જ પ્રસ્તાવ કર્યો હતો કે તે શૈલેન્દ્રએ લખેલાં ગીતોની ધુન બનાવશે અને જયકિશન હસરત જયપુરીએ લખેલં ગીતોની. એ ઇન્ટરવ્યુના આ કથનના આધારે આ લેખમાળા વિક્સાવી છે.
   તેમ છતાં હું જાતે અધિકૃતપણે આ માટે કઈ કહેવા માટે સક્ષમ નથી એટલે મેં દરેક વખતે સંગીતકારના ઉલ્લેખમં (શંકત) જયકિશન એવો જ શબ્દપ્રયોગ કરવાનું રાખ્યું છે.

 2. Rajnikant Vyas
  September 8, 2018 at 11:33 am

  હું આપની દરેક પોસ્ટ રસથી માણું છું.

  આ પોસ્ટ નું ગીત – “તુમ્હારે હૈં તુમસે દયા માંગતે હૈં” ફિલ્મ બૂટ પોલિસનું છે.

  • September 8, 2018 at 7:36 pm

   ઓહ, ઘણી ગંભીર ભૂલ થઈ ગઈ.
   ભૂલ સુચવવા બદલ ખૂબ ખૂબ આભાર.
   હવે સુધારી લીધેલ છે.

   આપને આ પ્રકારના લેખો પસમ્દ પડે છે મારે માટે બહુ આનંદ અને પ્રેરણાની વાત છે. હાર્દિક આભાર.

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.