સાયન્સ ફેર : શું તમારા ફોટોઝ સારા નથી આવતા? …તો તમે ‘બિમાર’ છો!

જ્વલંત નાયક

મિત્રોને મળવાથી માંડીને બિમાર સેલીબ્રીટીની ખબર કાઢવા સુધીના દરેક કાર્ય પાછળનું ચાલકબળ એક જ હોય છે – સેલ્ફી પાડીને સોશિયલ મિડીયા પર અપલોડ કરવી! ફેસબુક, સ્નેપચેટ કે ઇન્સ્ટાગ્રામ જેવી નેટવર્કિંગ સાઈટ્સ ખોલીને જુઓ તો એવું લાગે કે જાણે લોકો સેલ્ફી પોસ્ટ કરવા માટે જ જીવી રહ્યા છે! પણ અમુક લોકો એટલા માટે ડિપ્રેશન અનુભવે છે, કેમકે એમનો દેખાવ ફોટોજેનીક નથી, માટે ફોટોઝ સારા નથી આવતાં!

અને બળતામાં ઘી હોમવાનું કામ કરે છે સોશિયલ મીડિયા એપના જાતજાતના ફિલ્ટર્સ, જે તમારી સ્કીનનો કલર સુધ્ધાં ચેન્જ કરી આપે છે… આંખોને વધુ આકર્ષક બનાવી આપે છે.. અને તમે હોવ એના કરતા વધારે સુંદર છબિ બનાવી આપે છે! ખરી વિટંબણા અહીં જ શરુ થાય છે. સોશિયલ મીડિયા સર્ફ કરનાર સામાન્ય વ્યક્તિ (ખાસ કરીને કાચી ઉંમરના યુવક-યુવતીઓ) એવું જ માને છે કે દુનિયાના મોટા ભાગના લોકો અતિશય સુંદર છે! અજાણપણે જ એ પેલી ફિલ્ટર થયેલી છબિઓની પોતાની જાત સાથે સરખામણી કરવા માંડે છે… અને ક્યારેક ડિપ્રેશનનો શિકાર બની બેસે છે! પોતાની જાત – પોતાના દેખાવ વિષે એમને ભયંકર લઘુતા ગ્રંથિ બંધાઈ જાય છે. પોતાના નાક, આંખ, કાન, સ્તન, નિતંબ કે ભ્રમરો યોગ્ય કદ-આકારના નથી.. એવી ભ્રામક માન્યતાનો શિકાર થઈને દર વર્ષે હજારો યુવાનો (દેવું કરીને પણ) પ્લાસ્ટિક સર્જરી કરાવવા દોટ મૂકે છે. આવી સર્જરી બાદ અમુક વાર તો યોગ્ય ટ્રીટમેન્ટના અભાવે શરીર ખરેખર બેહુદુ બની ગયાના અનેક દાખલા મોજૂદ છે. છતાં આ ઘેલછા અટકવાનું નામ નથી લેતી. અને આવી ઘેલછાને વિજ્ઞાનીઓ માનસિક રીતે ‘બિમાર’ હોવાની નિશાની ગણાવે છે. આ બીમારીનું નામ છે ‘બોડી ડીસમોર્ફિક ડીસ-ઓર્ડર – બીડીડી’.[1]

નાર્સિસસ ઇતિહાસનું જાણીતું અને માનસશાસ્ત્રીઓનું પ્રિય પાત્ર છે. નાર્સિસસ પૌરાણિક ગ્રીક કથાઓમાં આવતો બેહદ ખૂબસુરત પુરુષ હતો, જે નદીના પાણીમાં દેખાતા પોતાના જ પ્રતિબિંબના પ્રેમમાં પડીને જીવ ગુમાવી બેઠેલો. આથી માનસશાસ્ત્રીઓ પોતાની જ છબિના પ્રેમમાં પડી ગયેલા લોકોની મનોરુગ્ણતા માટે ‘નાર્સિસસ કોમ્પ્લેક્સ’ જેવો શબ્દ વાપરે છે. અને આનાથી સાવ બીજા છેડાની વૃત્તિ ‘બીડીડી’ તરીકે ઓળખવામાં આવે છે.

બોડી ડીસમોર્ફિક ડીસ-ઓર્ડર – બીડીડીને ‘ડીસમોર્ફોબીયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીડીડીનો ફેલાવો અને એની અસરો ધારવા કરતાં ઘણી વ્યાપક છે. બીડીડીના નોર્મલ કેસીસ પોતાના દેખાવ કે ચોક્કસ અંગ-ઉપાંગ વિષે નબળી ધારણા બાંધી લઈને જીવન ખેંચી નાખે છે, જેનાથી એમના ઓવરઓલ વ્યક્તિત્વ પર બહુ ફરક પડતો નથી. પણ કેટલાક ગંભીર રીતે પીડાતા લોકો ગજા બહારનો ખર્ચો કરીને કોસ્મેટિક સર્જરી કરાવે છે અને વળી કેટલાક તો આપઘાત સુધી જાય છે. સાઇકોલોજીસ્ટસ્ કહે છે કે બીડીડી મોટે ભાગે એકલો નથી આવતો, પણ સાથે ઓસીડી (ઓબ્સેસીવ કમ્પલ્ઝન ડીઝઓર્ડર), ઈટિંગ ડીસઓર્ડર અને ક્લિનીકલ ડિપ્રેશનને પણ પોતાની સાથે તેડી લાવે છે! અહીં ખુબીની વાત એ છે કે બીડીડીને લગતા મોટા ભાગના કેસીસમાં તો શરીરના અંગ-ઉપાંગોમાં કે દેખાવમાં ‘ખરાબી’ કહી શકાય એવું કશું હોતું જ નથી. દાખલા તરીકે મોટા ભાગની સ્ત્રીઓ પોતાના સ્તન નાના હોવા વિષે અને મોટા ભાગના પુરુષો પોતાની જનનેન્દ્રીય નાની હોવા વિષે આખા જીવન દરમિયાન ક્યારેકને ક્યારેક ચિંતા સેવે છે. આવી જ ચિંતા શરીરના કદ વિષે પણ હોય છે. આને ‘મસલ ડીસમોર્ફોબીયા’ તરીકે ઓળખવામાં આવે છે. અમુક કિસ્સામાં તો માત્ર દેખાદેખીને કારણે કે મનમાં ઘર કરી ગયેલી લઘુતાગ્રંથીને કારણે – તમામ અંગ, ઉપાંગ, દેખાવ વ્યવસ્થિત હોવા છતાં – વ્યક્તિ બીડીડીથી પીડાય છે. આવા કેસ ‘ડિલ્યુઝનલ બીડીડી’ તરીકે ઓળખાય છે.

જો કે સાવ એવું ય નથી કે આ બધા પાછળ માત્ર સોશિયલ મિડીયા અને સેલ્ફીનો ક્રેઝ જ જવાબદાર છે ! સોશિયલ મિડીયાના આગમન પછી બીડીડીનો વ્યાપ વધ્યો જરૂર છે, પણ એમાં બીજા કેટલાક બાયોલોજીકલ કારણો પણ જવાબદાર છે જ. દાખલા તરીકે મગજમાં ખોરવાતું સેરેટોનીનનું બેલેન્સ. સેરેટોનીન મસ્તિષ્કના સંદેશાઓનું વહન કરનારું ચેતાપ્રેષક દ્રવ્ય છે. મગજનો જે હિસ્સો ઊંઘ, લાગણીઓ અને સંવેદનાત્મક દ્રષ્ટિ (સેન્સરી પર્સેપ્શન) સાથે સંકળાયેલો છે, ત્યાં સેરેટોનીન સૌથી વધુ એક્ટિવ હોય છે! જો કે બીડીડી માટે સેરેટોનીનને ‘સંપૂર્ણપણે જવાબદાર’ માનવા માટે સંશોધકો હજી તૈયાર નથી. તેઓ કલ્ચરલ અને સાયકોલોજીકલ ફેક્ટર્સને વધુ જવાબદાર માને છે. એમની આ માન્યતાને પુષ્ટિ મળે એવી હકીકત એ છે કે ગમે એટલી ટ્રીટમેન્ટ પછી પણ બીડીડીથી પીડાતા પેશન્ટ્સને કદી પોતાના દેખાવથી સંતોષ થતો જ નથી. પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ પણ તેઓ ઓબ્સેસ્ડ, ડિપ્રેસ્ડ અને સ્યુસાઇડલ ટેન્ડન્સી ધરાવતા હોય છે! પોતાની સર્જરી નિષ્ફળ ગઈ હોવાની માન્યતા એમના મનમાં ઘર કરી ગઈ હોય છે. આ માટે જ બીડીડીને ‘સોમેટોફોર્મ ડીસઓર્ડર’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. સોમેટોફોર્મ ડીસઓર્ડર એટલે એવી બિમારી કે જેમાં ખરેખર કોઈ બિમારી હોતી જ નથી, માત્ર એવો વહેમ જ હોય છે! આવા પેશન્ટ્સના ઈલાજ માટે કોગ્નીટીવ બીહેવીઅરલ થેરાપી – સીબીટીનો આશરો લેવો પડે છે. સીબીટી વિષે સમજવું થોડું અઘરું છે, પણ સહુથી સહેલાઈથી અમલમાં મૂકી શકાય એવી વાત એ છે કે તમારા ‘પરફેક્ટ દેખાવ’નું એક હદથી વધુ કોઈ મહત્વ નથી. હા, કામમાં ‘પરફેક્ટ’ હોવું અતિશય મહત્વનું ખરું!

અને મૂળ વાત એ કે માત્ર સુંદર દેખાવાથી સુખી થઇ જવાતું નથી. જે સુંદર છે એ બધા સુખી નથી જ. નાર્સિસસનો જ દાખલો લેવા જેવો છે. એના મૃત્યુ પછી તળાવના કિનારે જે અતિશય સુંદર ફૂલ ઉગ્યું એ પણ ‘નાર્સિસસ’ તરીકે ઓળખાયું, જેને હિન્દી-ઉર્દુમાં ‘નરગીસ’ તરીકે ઓળખવામાં આવે છે. અતિ-સુંદર નરગીસની વ્યથા કેવી ભયાનક છે એ જાણવા ઇકબાલનો પ્રખ્યાત શેર યાદ કરવો રહ્યો :

હઝારોં સાલ નરગીસ અપની બેનુરી પે રોતી હૈ,
બડી મુશ્કિલ સે હોતા હૈ ચમનમેં દીદાવાર પૈદા

હવે નક્કી કરો કે ખૂબસુરત હોવું વરદાન છે કે અભિશાપ?!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


[1]

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

1 comment for “સાયન્સ ફેર : શું તમારા ફોટોઝ સારા નથી આવતા? …તો તમે ‘બિમાર’ છો!

  1. Samir
    September 7, 2018 at 1:48 pm

    ખુબ સુંદર અને અભ્યાસપૂર્ણ લેખ.
    ખુબ આભાર,જ્વલંતભાઈ !

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.