ફિર દેખો યારોં : જીવતાની કદર નહીં, મૃત્યુ પછી શબ્દસ્નાન !

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

ઘણા શબ્દપ્રયોગો સચોટ અને સુયોગ્ય હોય છે, પણ પછી તેનો અતિરેક એ હદે થવા લાગે છે કે તેનો મૂળ અર્થ લપટો પડી જાય, અથવા તે અર્થ ગુમાવી બેસે. આ અતિરેક કરવામાં વ્યક્તિઓ, પ્રસાર માધ્યમો, જાહેર જીવનની વ્યક્તિઓ વગેરે હોઈ શકે. હરેક પ્રસંગ માટે આ પ્રકારના શબ્દપ્રયોગો મળી આવશે. દૂરદર્શનના સમાચારોમાં કોઈ પણ પર્વની ઉજવણી ‘પરંપરાગત હર્ષોલ્લાસ’ સાથે કરવામાં આવતી. રમખાણોના અહેવાલમાં ‘તોફાનોને બાદ કરતાં શાંતિ’ છવાયેલી રહેતી. કોઈના અવસાન સમયે ‘ફૂલ ગયું ને ફોરમ રહી’ શબ્દપ્રયોગ એ હદે વપરાતો ચાલ્યો કે મોટા ભાગનાને એ વાંચતાં મનમાં ‘ઝાડ પડ્યું ને જગ્યા થઈ’ વંચાતું. ‘મોતનો મલાજો’ પણ આવો જ ઘસાઈ ગયેલો શબ્દપ્રયોગ છે, જેને લોકો મન ફાવે એમ છુટો ફેંકતા ફરે છે. ‘મલાજો’ એટલે આમન્યા, મર્યાદા કે વિવેક. વિવિધ પ્રસંગોએ શી રીતે વર્તવું એનો એક સામાન્ય શિષ્ટાચાર હોય છે, જે મોટે ભાગે ક્યાંય લખાયેલો હોતો નથી, છતાં રૂઢ બની ગયો હોય છે. જેમ કે, લગ્ન યા અન્ય શુભ પ્રસંગની કંકોતરી મોટે ભાગે લાલ રંગના અક્ષરોમાં છપાય છે. કદાચ અન્ય રંગોમાં છપાતી હશે, પણ તે કાળા અક્ષરે કદી નહીં છપાય. એ જ રીતે મૃત્યુની જાણ કરતા પત્ર કાળા અક્ષરે છાપવામાં આવે છે. તે કદી લાલ અક્ષરે છપાયેલા હોતા નથી. પહેરવેશનું પણ એવું છે. અવસાનપ્રસંગે મોટે ભાગે સફેદ,કાળો કે ભૂરો રંગ વસ્ત્રપરિધાન માટે પ્રચલિત છે. આવી કોઈ આચારસંહિતા લખાયેલી નથી, કે તેનો ભંગ કરનારને કશી સજા થાય. આમ છતાં તે એક પ્રચલિત આચાર છે, જેને ‘મલાજો’ કહી શકાય. અલબત્ત, ઘણા લોકોને આ રુઢિ એકધારી પળાતી આવે એ ગમતું નથી. પરિણામે તેઓ તેમાં જરૂર મુજબ વધારોઘટાડો કરતા રહે છે, જે પણ અમુક સમયે એક રૂઢિ બની જાય છે. અહીં વાત આપણે ‘મોતના મલાજા’ની કરવી છે, જેની સાથે અનાયાસે દંભ જોડાઈ ગયો છે.

મૃત્યુ પામેલી વ્યક્તિ ગમે તેવી હોય, તેના મૃત્યુ પછી તેના વિશે સારું જ બોલવું કે લખવું એવો એક શિષ્ટાચાર છે. આનો સામાન્ય અર્થ એવો કાઢી શકાય કે તેમની ખરાબ બાબતો હોય તો પણ કમ સે કમ તેમને શ્રદ્ધાંજલિ આપતાં એનો ઊલ્લેખ ટાળવો અને તેમની સારી બાજુનો ઉલ્લેખ કરવો. અહીં સુધી હજી સમજ્યા, પણ પછી ‘સારું’ કહેવાની લ્હાયમાં જે અતિશયોક્તિ કરવામાં આવે છે, જે દૈવી ગુણોનું આરોપણ કરવામાં આવે છે એ ખરેખર તો ‘સારું લગાડવાની’ કવાયત બની રહે છે. એ જાણીને એમ જ લાગે કે આવી અવતારી વ્યક્તિથી આપણે અજાણ શી રીતે રહી ગયા! સરવાળે તે અત્યંત હાસ્યાસ્પદ નીવડે છે અને એમ કરવામાં ‘મોતનો મલાજો’ ચૂકી જવાય છે.

બીજો વર્ગ અતિવાસ્તવદર્શી હોય છે. તે માને છે કે શ્રદ્ધાંજલિમાં સારું જ બોલવું એવો નિયમ કોણે ઘડ્યો? વ્યક્તિના ખોટેખોટા વખાણ કરવાના? ‘સારું’ બોલવાની પ્રતિક્રિયા તેઓ એટલી ઊગ્ર આપે છે કે વીણીવીણીને મૃત્યુ પામેલી વ્યક્તિના દોષ ગણાવવા બેસી જાય છે. આમાં પણ પ્રમાણભાન જળવાતું નથી, કેમ કે, તે ‘પ્રતિ’ક્રિયારૂપે આવેલું છે. બલ્કે એક રીતે એમ કરવામાં પોતે કોઈ સામાજિક વિદ્રોહ કર્યો હોવાનું મિથ્યાગૌરવ અનુભવાય છે. સરવાળે ‘મોતનો મલાજો’ અહીં પણ ચૂકી જવાય છે. આવો વિરોધાભાસ પણ એ હદે સામાન્ય થઈ ગયો છે કે મોટા ભાગના પરિવારોમાં એ ઓછેવત્તે અંશે જોવા મળે છે.

ક્યારેક કોઈ અતિપ્રસિદ્ધ વ્યક્તિનું અવસાન થાય ત્યારે શ્રદ્ધાંજલિ બાજુએ રહી જાય છે અને સામસામી રીતસર બે છાવણીઓ પડી જાય છે. તાજેતરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈના અવસાન સમયે પણ વધુ એક વાર આમ જોવા મળ્યું. સરવાળે શિષ્ટાચાર ચૂકાયો.

આ બધી ગતિવિધિઓમાં જે તે વ્યક્તિનું યોગ્ય મૂલ્યાંકન કદી થઈ શકતું નથી. અલબત્ત, ‘મૂલ્યાંકન’નો અર્થ પણ સર્વસામાન્ય નથી. ઘણા લોકો જે તે વ્યક્તિની શ્રદ્ધાંજલિ ટાણે જ તેમની ‘કુંડળી’ ખોલે છે અને સદ્‍ગતની મર્યાદાઓને વીણી વીણીને બિલોરી કાચ તળે મૂકે છે. આ હરકતને તેઓ ‘મૂલ્યાંકન’માં ખપાવે છે. આ મામલો બહુ પેચીદો લાગે એવો છે, કેમ કે, એવી કોઈ નિર્ધારીત આચારસંહિતા નથી. સૌએ પોતપોતાની સમજણ મુજબ તેનું પાલન કરવાનું હોય છે. અને સૌની સમજણ આ મામલે પોતીકી હોય છે. આમ છતાં, ખાસ કરીને જાહેર માધ્યમો પાસે થોડા વિવેકની અપેક્ષા સ્વાભાવિક છે. કોઈ પ્રસિદ્ધ વ્યક્તિનું અવસાન થાય ત્યારે ઓછામાં ઓછા સમયમાં, મૃત વ્યક્તિ વિશે વૈવિધ્યસભર અને વધુમાં વધુ માહિતી પીરસવાની હોય એવા સંજોગોમાં પ્રસાર માધ્યમો પર ઊભું થતું દબાણ સમજી શકાય એવું હોય છે. આમ છતાં, અહીં મુદ્દો અતિશયોક્તિ અને તેના થકી ચૂકાતા પ્રમાણભાનનો છે. એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે વાત મૃત્યુ પામનારની છબિને ઈસ્ત્રી કરવાની નથી, બલ્કે તેમના મૃત્યુ ટાણે રાખવાના વિવેક અને શિષ્ટાચારની છે. સહુ કોઈના જવાથી ‘ન પૂરાય એવી ખોટ’ પડતી હોય છે અને ‘તેમણે ચીંધેલા માર્ગે’ ચાલવું કે ‘તેમના આદર્શોને જીવનમાં ઊતારવા એ જ તેમને આપેલી સાચી શ્રદ્ધાંજલિ છે’, એમ બોલ્યા પછી મનોમન ‘ઓજસ’ પાલનપુરીનો આ શેર ગણગણી લેવાનો હોય છે, જેમાં કહ્યું છે: ‘મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ; આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.’

મૃત્યુનો મલાજો આવડે એવો જાળવવો, અને એ શી રીતે જાળવવો એ ન સમજાય તો પણ આ શબ્દને ફાવે એમ ન ફેંકીએ તોય ઘણું. કેમ કે, આખી પ્રક્રિયા દંભ અને આત્મવંચનાથી ભરપૂર છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૦-૦૮-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *