સંસ્કાર એટલે…. સમ્યક

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

આપણી બધી જ પ્રવૃતિઓનું સંપ્રેરક એ આપણાં મનમાં વસનાર સંસ્કાર પર નિર્ભર હોય છે. પણ આપણે આ સંસ્કાર કોને કહીશું? આ શબ્દ મે નાનપણથી સાંભળ્યો છે મારી મમ્મી પાસેથી. મમ્મી એમ કહેતી કે કેવી રીતે બોલવું, કેમ વર્તન કરવું તે આપણે આપણાં પરિવાર પાસેથી શીખીએ છીએ તેનું નામ સંસ્કાર છે.

આ વાતનો અર્થ એ થયો કે આપણો પરિવાર કે આપણી નજીક રહેલો સમાજ એ આપણાં સંસ્કારનું પ્રથમ પગથિયું છે. મારી મમ્મીની આ વાતને હું મારા શબ્દમાં એમ કહી શકું કે જે શીખેલા વિચારો હૃદય અને મગજમાં દ્રઢ રીતે જડાઈ જાય છે તે વિચારો એ સંસ્કારનું બીજું રૂપ છે. પણ અર્થ પ્રમાણે જોઈએ. સંસ્કૃતમાં આ શબ્દના બે અર્થ કહ્યા છે. આ શબ્દોના અર્થ જાણીએ તે પહેલાં જોઈએ કે સંસ્કાર શબ્દમાં મ શબ્દ છુપાયેલો છે ( તેથી શબ્દ બને છે સમ્) પણ ઉચ્ચાર થાય છે ન શબ્દનો ( શબ્દ બને છે સન -ન અડધાનો ) આજે ન નો ઉચ્ચાર ન જોતાં આપણે મ શબ્દથી જ જોઈશું. સમ્ એટલે સમ્યક. સમ્યક એટલે સારું અને કારના ત્રણ અર્થ- કાર્ય, કામ અને કૃતિ.

બીજા અર્થમાં કહ્યું છે કે મનનું વાણી, બુધ્ધિ અને હૃદયથી થતું શુધ્ધિકરણ અને કાર એટલે કે પ્રવૃતિ. બંને અર્થને જોડી જોઈએ તો જે મન વાણી, બુધ્ધિ અને હૃદયથી શુધ્ધ થઈ સારું કાર્ય અને પ્રવૃતિ કરે છે તે સંસ્કાર છે અને આ સંસ્કારને યાદ રાખીને જે કાર્ય કરતાં રહે છે તે સંસ્કૃતિ એટલે કે સમાજ સાથે જોડાયેલ છે.

સંસ્કારને આપણે ત્રીજી નજરે જોઈએ તો આ શબ્દ સમાજ સિવાય, પરિશ્રમ (હાર્ડ કામ), પુરુષાર્થ (કદી યે ન થાકતાં સતત મગ્ન રહેવું), પ્રવૃતિ (કાર્ય કરવા માટે ઉત્સુક રહેવું, પ્રવૃત રહેવું), પ્રકૃતિ (જે રીતે સ્વભાવ હોય, જે કાર્ય પ્રિય હોય તે કાર્ય કરવું) વગેરે વિવિધ અર્થોને પ્રસ્તુત કરે છે. ઋગ્વેદમાં સંસ્કારોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પણ સંસ્કારોના અલગ ફાંટારૂપ રિવાજો જેવા કે વિવાહ, ગર્ભાધાન, અંત્યેષ્ટિ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

યજુર્વેદમાં શ્રૌતયજ્ઞોનો ઉલ્લેખ કરાયો છે, પણ તેમાં યે સંસ્કારોનો કોઈ ઉલ્લેખ નથી. તૈત્તરીય ઉપનિષદમાં વિદ્યા અને વિદ્યાથી બદલાતાં વ્યવહારનો ઉલ્લેખ થયો છે, પણ સંસ્કાર શું છે તેનો કોઈ ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હિન્દુત્ત્વને લગતાં વિવિધ શાસ્ત્રો ઉપર નજર ફેરવતાં જણાઈ આવે છે કે કેવળ એક શબ્દ સમ્યક્નો ઉપયોગ કરવાને બદલે વિવિધ ગુહ્યો, સૂત્રો, જ્ઞાન અને પરંપરાઓ દ્વારા સમ્યક્ -સંસ્કારનો ઉલ્લેખ થતો હશે.

સ્મૃતિગ્રંથોના આચારવિચાર અને અનુકરણ પ્રકરણમાં સંસ્કાર સંબંધિત નીતિનિયમોનો ઉલ્લેખ કરાયો છે, પણ આ નીતિનિયમોમાં ઉપનયન, બ્રહ્મચર્ય અને ચાર્યનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપનયન, બ્રહ્મચર્ય અને ચાર્ય એ વિદ્યાર્થી અને ગૃહસ્થ ધર્મ તરફ ઈશારો કરે છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે ઉત્તમ સંસ્કાર વ્યક્તિઓના ગુણોને પ્રગટ કરે છે.

ઇ.સ ૫૦૦ થી ૨૦૦ વર્ષ પૂર્વે રચાયેલ ગ્રંથ વૈખાનસ સ્મૃતિ સૂત્રમાં તન અને મનના પવિત્રીકરણ માટે સંસ્કાર શબ્દનો ઉલ્લેખ થયો છે. આ પ્રથમ એવો ગ્રંથ છે જેમાં શરીરના પવિત્રીકરણ વિષે જણાવવાંમાં આવ્યું હોય. આ ગ્રંથના ગુહ્યસૂત્રો જ્ઞાન પછી પરંપરા શબ્દને પ્રગટ કરે છે અને કહે છે કે, પરંપરાઓ એ સમાજ અને સભ્યતા સાથે જોડાયેલ છે. અહીં સભ્યતા શબ્દ એ કેવળ શિક્ષિત કે આજની સુધરેલ વ્યવસ્થા માટે ઉપયોગ કરવામાં આવ્યો નથી, પણ એ સમાજ અને એ લોકો માટે કરવામાં આવ્યો છે જેઓ કોઈ ને કોઈ જ્ઞાન ધરાવે છે.

ઇ.સ પૂર્વે રચાયેલ તંત્રવાર્તિક ગ્રંથમાં કહ્યું છે કે મનુષ્યોમાં બે પ્રકારે સંસ્કાર આવે છે. પ્રથમ તો પૂર્વ કર્મોના દોષોના દૂર કરવાથી અને નવા ગુણોને ઉત્પન્ન કરવાથી. આ નવા ગુણોને મનુષ્ય પોતે પોતાની સહજ પ્રવૃતિમાંથી શીખતો જાય, શીખવાડતો જાય તો તે સમાજ કલ્યાણનો ઉત્તમ હેતુ બને છે. જો કે આમાં બીજી બાબત એ પણ રહેલી છે કે સંસ્કાર શીખવાની અને શીખવાડવાની વૃતિ એ પ્રત્યેક પરિવાર અને વ્યક્તિની અલગ અલગ હોય છે.

(શ્રી અરવિંદનું પુસ્તક) “માનવચક્ર”માં શ્રી અરવિંદ કહે છે કે સંસ્કાર એ એવું કર્મબીજ છે જેનાથી પ્રકૃતિ ચાલે છે. આજ કર્મબીજને આધારે મોટાભાગના મનુષ્યો પોતાની પશુવૃતિ અને પ્રવૃતિને લઈને આ સંસારમાં આવે છે, પણ સંસારમાં આવ્યાં બાદ આ મનુષ્યો પોતાનાં નવા કર્મો દ્વારા પોતાની પશુવૃતિ અને પ્રવૃતિને બદલવા પ્રયત્ન કરે છે. આ ક્રમિક પ્રયત્નોમાં તે મનુષ્યની આસપાસ રહેલ વાતાવરણ અને સંગ એ મુખ્ય ભાવ ભજવે છે. જો આ વાતાવરણ અને સંગ મનુષ્યને સાચી દિશા બતાવે તો તે પોતાને માટે સંસ્કારની શ્રેષ્ઠ સ્થિતિ બનાવે છે જે અન્ય માટે ઉદાહરણ રૂપ બને છે, અન્યથા તે એવી સામાન્ય વ્યક્તિ બનીને રહી જાય છે જે પોતાનાં મૂળ પશુ સ્વભાવને વારંવાર વિવિધ રૂપે પ્રગટ કરે છે.

પ્રાચીન ઋષિમુનિઓનું માનવું હતું કે, જે જીવ શુભ કાર્ય કરે છે, સ્વાર્થી હોવાં છતાં સારું વિચારે અને સારું કરે તે જીવમાં જન્મજાત સંસ્કાર હોય છે (અહીં ઋષિમુનિઓએ સ્વ ઉપર ભાર મૂક્યો છે…. એટલે સ્વનું સારું કરતાં કરતાં અન્યો વિષે કુભાવ ન રાખતાં) જેથી કરીને આ વ્યક્તિ ધારે તો પણ અન્યોનું ખરાબ કરી જ શકતો નથી. કારણ કે આવા મનુષ્યોની અચેતન શક્તિ તેને તેમ કરતાં રોકે છે.

ઋષિમુનિઓની બીજી વ્યાખ્યા એ પણ સૂચિત કરે છે કે ઘણીવાર આ પૂર્વકર્મો રૂપી સંસ્કારો પણ જીવને શરીર ધારણ કરવામાં મદદ કરે છે.


©પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com

1 comment for “સંસ્કાર એટલે…. સમ્યક

  1. Bharti
    September 11, 2018 at 11:55 pm

    As lekh me be vaar vanchyo, banned vaar vanchva no Anand aavyo. Thodo gahan vishay che ,tethi shanti th vanchvo pace.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *