





ગોપટ સુરભી
શાળા- સિલ્વર ગ્રીન અંગેજી માધ્યમ શાળા, વિદ્યાનગરી હિમંતનગર
જગા પંડિતે બૂમ પાડી: ગોરાણી, હવે ખજૂર અને ધાણી જરા લાવો. હોળીનો દિવસ છે. જરા પેટમાં થોડું ખાવાનું નાખીને પૂજામાં બેસીએ.
ગોરાણી: જરા વાર લાગશે !
પંડિત: કેમ ? તમારા હાથ બહારગામ ગયા છે ? તમે તો કામ કરવામાં ભારે ઢીલાં.
ગોરાણી: તમે ખજૂર કેવી લઈ આવ્યા છો એ કહેતા નથી અને ઉપરથી અમને વઢવા માંડો છો !!
પંડિત: કેમ ? ખજૂરમાં શો વાંધો છે ?
ગોરાણી: ખજૂર સાવ કાળી મેંશ છે એક પેશી સારી નથી અને સૂકાઈ પણ કેવી ગઈ છે !
પંડિતજી: જુઓ, કાળો રંગ તો મારા કૃષ્ણનો પણ છે અને તમારો રંગ પણ જરા કાળો તો ખરો જ ને…!
પંડિત હસી પડ્યા….. હી…..હી…..હી
ગોરાણી: હસો નહીં જલદી પૂજા કરી લ્યો. પછી બજારમાં જઈને થોડો શિખંડ લઈ આવો. હોળીનો દિવસ છે. જમવામાં કશુંક ગળ્યું હોય તો સારું રહે.
પંડિતજી: આજે અમારાથી નહીં જવાય.
ગોરાણી: કેમ?
પંડિતજી: કેમ શું ? હોળીનો દિવસ છે. ઘેરૈયા રંગથી રંગી જ નાખે. ગઈ હોળીમાં અમને કેવા રંગી નાખ્યા હતા યાદ છે ને ?
ગોરાણી: હોળી છે, છોકરાઓ રંગે પણ ખરા ! પણ તેથી બજારમાં જવાનું કઈ માંડી વળાય ?
પંડિતજી: તમે ગમે તેમ કહો, અમે આજે બજારમાં જવાના નથી. અમારે રંગાવુ નથી. હા, શિખંડ નહીં ખાઈએ તો આપણું શું લૂંટાઈ જવાનું છે ? શિખંડને બદલે લાડુ બનાવો !
પછી થોડી ખજૂર ખાઈને પંડિતજી પૂજામાં બેઠા. કપાળમાં મોટું તિલક કર્યું. કપાળમાં ભસ્મ લગાવી. ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી.
અડધી પૂજા થઈ ત્યાં તો દરવાજો ઉઘાડીને દસ-બાર ઘેરૈયાઓનું ટોળું અંદર ઘૂસી આવ્યું. અને સીધું રસોડામાં પેસી ગયું ને ગોરાણીને પૂછવા માંડ્યું પંડિતજી કયા છે ?
ગોરાણી: પંડિતજી પૂજાના ઓરડામાં પૂજા કરે છે. એમનું શું કામ છે ? કંઈ ટીપણાં વંચાવવા છે ?
ઘેરૈયાઓ: ના રે ના ! એ તો આજે હોળી છે એટલે એમની સાથે હોળી રમવી છે. હા, આજે એમને બરાબર રંગવા છે. પૂજાના ઓરડામાં બેઠેલા પંડિતજીના કાને આ શબ્દો પડ્યા કે જાણે એમને ટાઢિયો તાવ ચઢી આવ્યો.
આ ઘેરૈયાઓ પોતાને હવે રંગ્યા વગર છોડશે નહીં એવો વિચાર આવતા તેમના મોતિયા જ મરી ગયા. પણ તરત જ એમને એક યુક્તિ સૂઝી આવી. જો હું ખાટલામાં સૂઈ જાઉં અને માંદગીનો ઢોંગ કરું તો આ લોકોની લપમાંથી છૂટાય.
પૂજાના ઓરડામાં એક પાટ હતી. પંડિતજી તો પૂજાના કપડે જ પાટ પર સૂઈ ગયા.
ઘેરૈયાઓ પૂજાખંડમાં આવ્યા. પંડિતજી આંખો મીંચીને પાટ પર પડ્યા હતા.
ઘેરૈયાઓ: પંડિતજી ઊઠો, અમારે તમને હોળી રમાડવી છે. ઊભા થાવ !
પંડિતજી: હોળી તો અમે રમી ચૂક્યા. અમારી તબિયતની હોળી થઈ છે. અમને ચક્કર આવે છે. પેટમાં ભારે ચૂંક ઉપડી છે. આંખોમાં બળતરા થાય છે. અમારાથી હોળી નહીં રમી શકાય.
બે-ચાર ઘેરૈયાઓ બોલ્યા, “એમ વાત છે પણ અમે કાંઈ કાચા પોચા નથી.”
પછી બીજા ઘેરૈયાઓને તેમણે કહ્યું,“જોઈ શું રહ્યા છો ? ઉપાડો પાટ, આજે પંડિતજીને આખા ગામમાં ફેરવીએ. હા, આજે તેમને છટકવા નથી દેવાના.”
અને જોતજોતામાં તો સાત-આઠ ઘેરૈયાઓએ ખભા પર પાટ ઊંચકી લીધી અને પંડિતજીના ઘર બહાર નીકળી ગયા.
પંડિતજી બૂમો પાડવા માંડ્યા,“અલ્યા, તોફાની બારકસો આ શું માંડ્યું છે તમે ? અમે તો તમારા પૂજ્ય છીએ. વડીલોની કંઈક તો શરમ રાખો.
તેઓ બોલવાનું પૂરું કરે તેપહેલા તો એક-બે છોકરાએ પંડિતજીના મોંએ લાલ રંગનો થપેડો કરી દીધો. બીજા એકે પંડિતજીના માથે કેસરી રંગ છાંટી દીધો. અરે ! એક-બે ઘેરૈયાઓએ તો પંડિતજીના ગળામાં એક કરમાયેલા ફૂલોનો હાર જ પહેરાવી દીધો !
અને પછી ગામની શેરીઓમાં તેમણે પાટ સાથે ફરવા માંડ્યું. તેમણે મોટેથી બોલવા પણ માંડ્યું.
‘આજે છે હોળી, કાલે ધૂળેટી,
પંડિતજીને નાખશું, રંગે ઝબોળી.’
પંડિતજી તો ભારે ખસિયાણા પડી ગયા
આ વાનરસેનાએ ભારે વાનરવેડા કરવા માંડ્યા. પંડિતજી ગુસ્સે ભરાયા. તે બોલ્યા, “અરે ! હનુમાનના વંશજો, અમારા જેવા મહાપંડિતની આવી મજાક ના કરાય. અમારી તો પૂજા થાય.”
એક ઘેરૈયો બોલ્યો,“આ તમારી પૂજા જ અમે કરીએ છીએ. તમે તો અમારા પૂજ્ય છો, તેથી તો તમને અમારા ખભા પર બેસાડીને અમે ફેરવીએ છીએ.”
પંડિતજી બિચારા શું કરે ? ભારે આફતમાં આવી પડ્યા. પણ એવામાં સરઘસ પોલીસચોકી પાસે પહોચ્યું. પોલીસ ચોકી પાસે પણ ઘરૈયાઓ મોટેથી બોલવા માંડ્યા.
‘આજે છે હોળી, કાલે ધૂળેટી
પંડિતજીને નાખશું, રંગે ઝબોળી.’
પોલીસચોકી પર એક જમાદાર બેઠો હતો. તેણે આ બધું જોયું. તરત જ તે હાથમાં દંડો લઈને ઘેરૈયા પાછળ દોડ્યો. ઘેરૈયાઓ તરત જ પાટ મૂકીને નાસી ગયા.
પંડિતજીને નિરાંત થઈ. પણ થોડીવારમાં તો ત્યાં થોડા માણસો ભેગા થઈ ગયા અને પંડિતજીને પૂછવા લાગ્યા શું થયું ? પંડિતજી તમારા મોઢે અને કપાળે આ રંગના થપેડા કયાંથી ?
પંડિતજી પાટ પર બેઠા થયા, બધા તરફ નજર કરી. પછી આંખો બંધ કરી પણ કશું બોલ્યા નહીં. લોકોએ પૂછયું, “પંડિતજી, કેમ કશું બોલતા નથી ?”
પંડિતજી: અમને હમણાં બોલાવો નહીં, અમને સાક્ષાત દર્શન થઈ રહ્યા છે !
લોકો: કોના દર્શન ??
પંડિતજી: રામભક્ત હનુમાનના ! બજરંગબલીના દર્શન થઈ રહ્યાં છે, હનુમાનના.
લોકો: ધન્ય છે તમને પંડિતજી, કે હનુમાનના તમને દર્શન થઈ રહ્યા છે ! હનુમાન તમને શું કહી રહ્યા છે ?
પંડિતજી: હનુમાનજી કહી રહ્યા છે કે, હે પંડિતજી બે મિનિટ માટે તમારામાં હું એવી શક્તિ મૂકું છું કે જે તમારો સ્પર્શ કરશે તેના બધા રોગ ચાલ્યા જશે. ગરીબ હશે તે ધનવાન બનશે, દુઃખી હશે તે સુખી બનશે…….!!!
લોકો તો આ સાંભળીને આનંદથી નાચી ઊઠ્યા. પંડિતજીના પણ હાથપગ ધ્રૂજવા લાગ્યા અને મોટેથી બોલવા લાગ્યા. જય હનુમાન જય બજરંગ, જય બજરંગ……. જય હનુમાન
લોકોએ માન્યુ કે સાચેસાચ પંડિતજીના શરીરમાં હનુમાનજી આવ્યા છે. બસ, પછી તો પૂછવું જ શું ? પંડિતજીના ચરણસ્પર્શ કરવા લોકોની પડાપડી થઈ અને બધાંએ પોતાની શક્તિ મુજબ પંડિતજીના પગમાં પૈસા મૂકવા માંડ્યા અને હાથ જોડીને કહેવા લાગ્યાઃ હે હનુમાનદાદા, અમારા પર સદા પ્રસન્ન રહેજો !
પાંચેક મિનિટ બાદ પંડિતજીએ ધ્રૂજવાનું બંધ કર્યું. અને લોકોને સંકેત આપ્યો કે હવે હનુમાનજી અમારા પંડમાં રહ્યા નથી.
વાજતે ગાજતે પંડિતજીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા. ઘેર જ્યારે તેમની પધરામણી થઈ ત્યારે ગોરાણીએ જોયું તો પંડિતજીના પગ આગળ રૂપિયાનો મોટો ઢગલો પડ્યો હતો.
બધાં ગયાં એટલે ગોરાણીએ પૂછ્યુઃ આટલા બધા પૈસા ક્યાંથી ??
હોળી આપણને ફળી તેના પૈસા ! સમજ્યાં ગોરાણી !!!
૨૦૧૮ની સ્પર્ધાની વાર્તા
‘વાર્તા મેળો’ સ્પર્ધાનું આયોજન દર્શા કિકાણી આત્મન ફાઉન્ડેશન, અને વિચારવલોણું પરિવાર, અમદાવાદ તેમ જ પ્યોરિટી ફ્લેક્ષ લિ., વડોદરા,ના સહયોગથી કરે છે.
સંપર્ક: દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
ચમત્કાર આગળ નમસ્કાર ? ?