બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૧૨

Facebooktwitterredditpinterestlinkedinmail

લેખિકા : નિર્મલા દેશપાંડે

અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે

ચંદ્રાવતીને મળી આવ્યાને શીલાને બે દિવસ થયા હશે ત્યાં વિશ્વાસ દિઘે માસ્તરને ઘેર પહોંચી ગયો. રાણીસાહેબના કૃષ્ણમંદિરની ડિઝાઈન લેવાને બહાને તે સીધો મેડી પર ચઢી ગયો. દિઘે માસ્તર હજી ઘેર પહોંચ્યા નહોતા. તેને આવેલો જોઈ શીલા પોતાની રુમમાંથી નીકળી મેડીની પરસાળમાં ગઈ. વિશ્વાસ ગુસ્સામાં હતો.

“તમે મોકલાવેલ તમારી બેનપનીનો કાગળ અમને મળી ગયો.”

“મેં તે વાંચ્યો નથી. શું કહે છે તમારી ચંદા?”

“કાગળ વાંચીને તાંડવ નૃત્ય કરવાનું મન થયું,” વિશ્વાસના અવાજમાં નારાજી ટપકતી હતી. “ડૉક્ટરસાહેબની મંજુરી નથી.”

“હવે?”

“અહીંથી નાસી જઈને લગ્ન કર્યા વગર બીજો કોઈ માર્ગ બાકી રહ્યો છે? રાજપરિવારની સવારી ગુરુવારે ઓરછા જશે અને સોમવારે પાછી આવશે. તેથી આ વચ્ચેના સમયમાં અહીંથી છટકવું પડશે,” વિશ્વાસે તાપેલા અવાજમાં કહ્યું.

શીલા ભયગ્રસ્ત નજરે વિશ્વાસ તરફ જોતી જ રહી ગઈ. તેણે મંદ સ્વરે વિશ્વાસને પૂછ્યું, “આવું કરશો તો આ વયે ડૉક્ટરકાકા ક્યાં જશે?”

“ડૉક્ટરસાહેબ પોતાને શું સમજે છે? બહુ ઘમંડી આદમી છે. તે અમને જાનતા નથી. અમારી ઈચ્છા થાય તો અમે તેમને ક્યાં ના ક્યાં ઉડાવી દઈશું. એમની ખુરશીમાં ગોરો ડૉક્ટર લાવીને બેસાડી દે’શું.”

“જુઓ વિશ્વાસ, આવી બેતૂકી વાત મારી સામે ના કરશો. હું તે સાંખી નહી લઉં, સમજ્યા? ડૉક્ટરકાકા મારા વડીલ છે.”

“તમારી બેનપનીને કહેજો શુક્રવારે પરોઢિયે સાડા ત્રન વાગે અહીંથી નીકળવાનું છે. દસ વાગ્યા સુધીમાં હોશંગાબાદ પહોંચીશું. અગિયાર વાગે ત્યાંના રામમંદિરમાં લગ્ન થશે. ગોર મહારાજનો ઈન્તજામ થઈ ગયો છે. ત્યાં જ ભોજન પતાવીને પાછી સફર શરુ થશે અને રવિવારે પરોઢિયે સીધા કોલ્હાપુર પહોંચીશું. શુક્રવારે વહેલી સવારે તેમને બગીચામાં ઊભા રહેવાનું કહેજો, સાથે કશું લેવાનું નથી.”

“હું પરમ દિવસે જ બંગલે જઈ આવી છું. આમ લગાતાર જવા લાગીશ તો જાનકીકાકીને કેવું લાગશે? મારી બા પણ બક બક કરશે.”

“તો પછી બેસો છાનામાનાં,” શીલા તરફ ક્રોધભર્યો કટાક્ષ કરી વિશ્વાસ બોલ્યો.

“મારાથી આ કામ નહી થાય,” શીલાએ નિશ્ચયપૂર્વક કહ્યું.

“તો રહ્યું. અમારું શું જાય છે?”

“કોનું ક્યાં જાય છે? મારું? તમે આપેલું લુચ્ચાઈભર્યું કામ મેં મારી બહેનપણી માટે કર્યું, તમારા માટે નહી, સમજ્યા? આ વાત ધ્યાનમાં રાખજો,” શીલાએ ફટાક દઈને જવાબ આપ્યો.

થોડી વાર કોઈ કશું બોલ્યું નહી. અંતે શીલાએ તેને કહ્યું, “તમારે ચંદાને જે કહેવું હોય તે ચિઠ્ઠીમાં લખો. હું કેમે કરી તેની પાસે મોકલી આપીશ,” કહી તેણે પોતાના કમરામાં જઈ કાગળ-પેન્સિલ આણ્યાં અને વિશ્વાસને આપ્યા.

વિશ્વાસે ઉતાવળે લખેલી ત્રણ લીટીની ચિઠ્ઠી શીલાએ પોતાની રુમમાં ગાદલા નીચે સંતાડી અને પાછી ગૅલેરીમાં આવી.

“હવે આખરી વાત,” હવે વિશ્વાસ આજીજીભર્યા સ્વરે બોલ્યો.

“હે ભગવાન! હવે શું બાકી રહ્યું છે?”

“શુક્રવારે સવારે જ તમે બંગલે પહોંચી જજો અને તમારી બેનપનીનાં માબાપને સાંત્વન આપજો. તેમને કહેજો, ચારેકોર તાર-ટપાલ મોકલવાની જરુર નથી.”

“વાહ! તમે તો મારા ગળામાં પણ ફાંસીનો ફંદો નાખવા માગો છો, એમ ને?”

“આવું કેમ કહો છો?”

“આવું કરીશ તો તેઓ મને એવું જ કહેશે, શીલા, ચંદા નાસી જવાની છે તેની તને ખબર હતી તો અમને કેમ ન જણાવ્યું? આનો હું શો જવાબ આપીશ?”

“તમે ફિકર કરશો મા. તમારા પર કોઈ તહોમત નહી આવે. તમે સવારના નવ – દસના સુમારે તમારી બેનપનીને અમથાં જ મળવા જાવ છો તેમ પહોંચી જજો અને એવો સ્વાંગ કરજો કે તમને આ બાબતમાં કશી ખબર નથી. વાત ખતમ! આગળની વાત આગે. અમે હોશંગાબાદથી ડૉક્ટરસાહેબને તાર કરી દઈશું.”

શીલાએ કપાળ કૂટ્યું. વિશ્વાસ ધડધડાટ કરતો દાદરો ઉતરી ગયો.

“તું જાય છે,  વિશ્વાસ? માસ્તરસાહેબ આવતા જ હશે. ઘડી’ક ખમી જા,” શીલાની બાએ રસોડામાંથી કહ્યું.

“અબ્બી હાલ પાછો આવું છું…નહી તો માસ્તરસાહેબ સાથે નિશાળમાં જ વાત કરી લઈશ. એક અગત્યનું કામ યાદ આવી ગયું તેથી નીકળવું પડ્યું.,” કહી વિશ્વાસ ત્યાંથી રવાના થઈ ગયો.

***

ડૉક્ટરસાહેબ દવાખાને ગયા હતા. શેખર હજી નિશાળમાં હતો અને ચંદ્રાવતી બાથરુમમાં નહાવા ગઈ હતી. જાનકીબાઈ ઘરકામ પતાવીને પૂજાપાઠની તૈયારી કરી રહ્યાં હતાં, એટલામાં શીલાનાે નોકર પુસ્તકોની થપ્પી લઈ બંગલામાં પેઠો.

“બાઈજી…” વરંડો ઓળંગી, ભોજનકક્ષના દરવાજા પાસે ઉભા રહી તેણે સાદ પાડ્યો.

જાનકીબાઈનાં પૂજાપાઠ ચાલુ થયા હતા. “ક્યા હૈ?” તેમણે પૂજાઘરમાંથી પૂછ્યું.

“સીલાબાઈને કિતાબેં ભેજી હૈં,” નોકરે જવાબ આપ્યો.

“દીવાનખાનામાં ટેબલ પર મૂકી જા.”

નોકર પુસ્તકોની થપ્પી કાચના ટેબલ પર મૂકીને જતો રહ્યો.

ચંદ્રાવતી સ્નાન પતાવીને રોજની જેમ પૂજાઘરમાં દર્ભની જૂડીઓ બનાવવા ગઈ.

“અરે ચંદા, શીલાએ તારા માટે પુસ્તકો મોકલ્યા છે.”

“પુસ્તકો?” ચંદ્રાવતીના હૃદયમાં વીજળીનો ઝટકો લાગ્યો. ‘બાએ પુસ્તકો ખોલ્યાં તો નહી હોય ને?’ તેણે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી પૂછ્યું, “ક્યાં મૂક્યા છે?”

“પહેલાં આટલા દર્ભ ગણીને તેની જૂડીઓ બનાવી આપ, પછી જા ચોપડીઓ જોવા. આ શીલાના મગજમાં પણ કોણ જાણે ક્યાંથી પુસ્તકોની ઘેલછા જાગી ગઈ,” કહી જાનકીબાઈ પોથી વાંચવાનું અધવચ્ચે બંધ કરી બબડવા લાગ્યાં.

ચંદ્રાવતી લગભગ દોડતી જ હૉલ તરફ જવા લાગી.

“અરે, ચંદા, પહેલાં આ દર્ભ ગણવાનું કામ તો પૂરું કર! પછી જા ચોપડીઓ જોવા. એક વાર તારા હાથમાં ચોપડી આવ્યા પછી તને સમયનું ભાન નથી રહેતું.”

“આવું કેમ કરે છે, બા? આ જો, આવી જ સમજ,” કહી ચંદ્રાવતી ત્યાંથી છટકી ગઈ. તેણે હૉલમાંથી પુસ્તકો ઉપાડ્યાં અને તેની રુમમાં ગઈ. તેણે પુસ્તકો ઊંધા – ચત્તા કર્યા. એક પુસ્તકમાંથી વિશ્વાસની ચિઠ્ઠી ટપ દઈને જમીન પર પડી. તેને ઉપાડી, તેમાંનો સંદેશ ઝડપથી વાંચી તે એક પુસ્તકમાં મૂકી પુસ્તક કબાટમાં મૂક્યું. તેને સાડીઓની નીચે ઢાંકી તે પૂજાઘરમાં પાછી ગઈ.

‘જોયું? તરત પાછી આવી ને? પાંચ જૂડીઓ બનાવવામાં કેટલો ટાઈમ લાગે?” કહી તેણે દર્ભનો થાળ લીધો અને બનાવટી ઉત્સાહથી દર્ભ ગણવાની શરુઆત કરી. એકવીસ – એકવીસ દર્ભની પાંચ જૂડીઓ બનાવવાની હતી. દર્ભ ગણતાં ગણતાં તે ફરી પાછી વિચારમાં પડી ગઈ.

‘હરિયાલી તીજ બે – ત્રણ દિવસ પર આવી છે અને તેની જવાબદારી છોડી કેવી રીતે નાસી જઉં? હજી સુધી રાધા અને ગોપીઓનાં ચણિયા-ચોળીનું કાપડ વેતરાયું નથી. આજ કાલ કોઈ કામમાં ચિત્ત નથી લાગતું અને રસોઈ પરથી બાની ટીકા – ટિપ્પણી સતત સાંભળવી પડે છે. બધું જ સ્વાદહીન – નીરસ લાગે છે….કૃષ્ણ ભગવાનનું અંગરખું કોણ જાણે ક્યારે સીવાશે અને તેના પર ચાંદલિયા ક્યારે જડાશે?…સત્તર…અઢાર…વીસ…બાવીસ.. અરે, મારે તો એકવીસ દર્ભ ગણવાના હતા અને પાછી ભૂલ થઈ ગઈ. ફરી ગણવું પડશે…”

“અલી, હવે પૂરું કર તારું કામ. ક્યાં ધ્યાન છે તારું? એક વાર પાંચ જૂડીઓ ભગવાનને ચઢાવી દઉં એટલે હું છૂટી,” જાનકીબાઈ બોલ્યાં.

“બા, દર્ભ સરખી રીતે ગણવા જોઈએ કે નહી?” કહેતાં કહેતાં તે પાછી વિચારના વમળમાં સપડાઈ ગઈ. ‘શુક્રવારની વહેલી પરોઢમાં ઘર છોડવાનું…સવારે દસ વાગે લગ્ન…જાણે નદીના તટ પર બેસીને ઉતાવળે કોઈનું શ્રાદ્ધ પતાવવાનું હોય તેમ…પછી કોઇ એક ગોરના હાથે માથા પર ચોખાનાં ચારે’ક દાણા નંખાવી લેવાના, જલદીથી મંગળસૂત્ર બંધાવી લેવાનું અને બે કોળિયા પેટમાં ધકેલીને તરત આગળનો પ્રવાસ શરુ…જાણે કોઈ દુશ્મન પાછળ પડ્યો હોય તેમ…

‘પંદર દિવસ પહેલાં મંજુલાના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. હાથી પર ચાંદીની અંબાડીમાં બેસીને તે સાસરિયે ગઈ હતી. સરકારી બૅન્ડ અને એસીટિલિનની રોશનીમાં તેનો વરઘોડો આખા ગામમાં ફેરવવામાં આવ્યો હતો. વરરાજાના ઉતારા પાસે હાથી ઉભો રહ્યો અને ટેકીને નાનકડી સીડી રાખવામાં આવી હતી; ઝળહળતો લીલા રંગનો સાળુ પહેરેલી, હિરા-મોતીના ઘરેણાંમાં સજાયેલી મંજુલા આ સીડી પરથી ગભરાતાં ઉતરી ત્યારે મરાઠા સેનાપતિના પરંપરાગત પોશાકમાં સજ્જ તેના સસરાજીએ તેનો હાથ ઝાલી હળવાશથી નીચે ઉતારી. અંબાડીમાંથી ઉતર્યા બાદ પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓએ તેની આરતી ઉતારી હતી!

‘મંજુલાના લગ્નમાં વિશ્વાસની સાથે મારો દૂરથી દૃષ્ટિ મેળાપ થતો હતો. તે મને એકાંતમાં મળવાનો પ્રયત્ન કરતો હતો અને હું બહેનપણીઓનાં ટોળામાં સંતાવાનો!

‘હાથમાં ગુલાબનાં ફૂલોનો થાળ લઈ અમે બે-ત્રણ બહેનપણીઓ મંજુલાની રુમ ભણી જઈ રહી હતી ત્યારે વિશ્વાસ ધડધડાટ કરીને દાદરો ઉતરી આવ્યો અને મારા કાનમાં ગણગણી ગયો, ‘આપણાં લગ્નમાં આવો ઠાઠ નહી હોય એ ધ્યાનમાં રાખજો…’ અને મેં તેને અભિમાનપૂર્વક જવાબમાં ક્હયું હતું, ‘ચાલશે…’

એકવીસ, બાવીસ, ત્રેવીસ…’ ચંદ્રાવતી યંત્રવત્ દર્ભ ગણી રહી હતી…મંગળસૂત્રના પવિત્ર બંધનમાં અમે બંધાવાના છીએ! લગ્નમાં મહત્ત્વ શાનું હોય છે? મંગળસૂત્રનું? હાથી પરની ચાંદીની અંબાડીનું? કે પછી પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા થનારી આરતીનું?’

“અલી ચંદા, તારું દર્ભ ગણવાનું કામ પૂરું થયું કે નહી? આ થાળ મને આપ જોઉં! રામ જાણે થાળમાં શું જોઈ રહી છે! અને શાનો વિચાર કરી રહી છો?”

“હું વળી શાનો વિચાર કરવાની હતી?” ચંદ્રાવતી બબડી અને થરથરતા હાથે દર્ભનો થાળ બા પાસે સરકાવ્યો.


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *