





સાવ અનાયાસે મૂકાયેલી એક વાત શી રીતે સહૃદય મિત્રો દ્વારા આગળ વધતી જાય, તેમાં મૂલ્યવૃદ્ધિ થતી જાય અને એક વાનગીની જ નહીં, માનવમનની, સમાજજીવનની વાતો અનાયાસે ખૂલતી જાય એ દર્શાવવાનો અહીં ઉપક્રમ છે. સમાંતરે રમૂજનાં અનેક સ્તર પણ ભેદાતાં રહે છે.
આ વાતનો આરંભ થયો અમેરિકાસ્થિત મિત્ર નીતિન વ્યાસે મોકલેલા એક ઈ-મેલથી. પોતાના જ્ઞાતિજનોના લાડુપ્રેમ વિશે જણાવતાં તેમણે લખ્યું:
“અમારા પ્રશ્નોરા જ્ઞાતિજનો સહકારમાં બહુ માને. સહુ સાથે બેસીને ભોજન આરોગે. રમૂજ વૃત્તિ અને વૈદું બધાને લગભગ વારસાગત મળે.
પાંચેક દાયકા પહેલાંની વાત છે. લગ્ન પછી ચારુ અને હું નવા નવા રાજકોટમાં સ્થિર થવા પ્રયત્ન કરતા હતા. બે- ત્રણ પ્રેમાળ વડીલો અમને એમાં મદદ કરતા હતા. એક વાર જ્ઞાતિના અમુક આગેવાનોએ સહુને એક આવેદનપત્ર મોકલ્યું. અમારી જ્ઞાતિનું મંડળ સ્થાપવું અને એની
શુભ શરૂઆત બળેવના દિવસે જનોઈ બદલાવી સમૂહ ભોજનથી કરવી એવું તેમાં સૂચવવામાં આવ્યું હતું. કુટુંબદીઠ અમુક રકમ એકત્ર કરવી અને મંડળની શરૂઆત કરવી એમ જણાવાયું હતું. સહુએ આ પ્રસ્તાવ સહર્ષ વધાવી લીધો. ત્રણ આગેવાનોની કમિટી રચવામાં આવી. તે સમયે શહેરમાં રહેતાં લગભગ 40 કુટુંબોમાંથી 37 કુટુંબોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો.
બળેવને આગલે અઠવાડીએ મિટિંગ બોલાવવામાં આવી. કમિટીના ત્રણે સભ્યોએ જ્ઞાતિની વાડી ભાડે રાખી અને બ્રાહ્મણ રસોઈયાને રસોઈ બનાવવાનો ઠેકો આપવાનો પ્રસ્તાવ મુક્યો. ભોજનમાં લાડુ, દાળ, ભાત, રીંગણ-બટેટાનું શાક, ફૂલવડી બનાવવાનું સૂચન થયું. એક વડીલે તેને સ્થાને વાલની દાળ બનવાનો પ્રસ્તાવ મુક્યો, જે સર્વસંમતિથી મંજુર કરવામાં આવ્યો. જનોઈ બદલાતી વખતે પૂજાઅર્ચનાનું કાર્ય એક જ્ઞાતિજને સહર્ષ સ્વીકારી લીધું.
નિયત દિવસે પ્રસંગ સરસ રીતે ઉજવાયો. અમે સહુએ અનુકૂળતા મુજબ પીતામ્બર, ધોતિયાં, અબોટિયાં વગેરે ધારણ કરીને પ્રથમ પૂજા અને પછી ગાયત્રી મંત્રનું રટણ કર્યું. જનોઈ બદલાવી. આ વિધી પછી ‘હર હર મહાદેવ’નો જયઘોષ કરીને સહુ લાડુ પર તૂટી પડ્યા. પછી તો શ્લોક બોલવાની હરીફાઈ શરૂ થઈ ગઈ.
ઓડકાર ખાઈને અંતે “અચ્યુતમ કેશવમ”કરી બધા પોતપોતાને ઘરે સિધાવ્યા.
થોડા દિવસ પછી પોસ્ટકાર્ડનું એક પત્તું આવ્યું. તેમાં જણાવાયું હતું કે ત્રણ જણાની કમિટીને વારંવાર વિનંતી કરવા છતાં તે હિસાબ આપતી નથી. આમ, થોડી શંકા, કુશંકા અને આરોપો થયા. એ પછી કમિટીના સભ્યો હિસાબ આપવા તૈયાર થયા.
નિયત કરેલા દિવસે એક વડીલને ઘરે અમે ભેગા થયા. હિસાબ સાથે ત્રણે કમિટી મેમ્બરો પણ હાજર હતા. બધો ખરચ કાઢતાં આશરે છત્રીસ રૂપિયા નિર્ધારીત બજેટ કરતાં વધારે ખર્ચાઈ ગયા છે એવું હિસાબમાં જણાવવામાં આવ્યું. આ ખોટ સરભર કરવા માટે કુટુંબદીઠ એક એક રૂપિયો ઉઘરાવવો એમ રજૂઆત કરવામાં આવી. બે-ત્રણ જ્ઞાતિજનોએ આખો હિસાબ તપાસ્યો. કુટુંબ દીઠ રૂપિયાની ઉઘરાણી કરવા જવા માટે સ્વયંસેવકો તૈયાર થયા.
પણ તે સમયે હાજર એવા એક વડીલને આ વાત ગળે ન ઉતરી. તેમણે કમિટીના સભ્યોને પૂછ્યું, “પેલા વધેલા લાડવાનું તમે શું કર્યું એનો હિસાબ આપો.”
આ સવાલથી પેલા ત્રણે સભ્યો થોડા નારાજ થઈ ગયા. તેમણે અંદરો અંદર થોડી ગુસપુસ કરી. પછી એક જણે ઉત્તર આપ્યો, ‘જુઓ લાડુના હિસાબ માં તો એવું થયું છે કે લાડુ વધ્યા હતા છત્રીસ અને ભાગ લેનાર કુટુંબો હતા સાડત્રીસ. એટલે કયા એક કુટુંબને લાડુ ન આપવો? સહુને આપીએ અને કોઈ એકને જ ન આપીએ તો અન્યાય કહેવાય. એટલે અમે નક્કી કર્યું કે આ વધેલા છત્રીસ લાડવા આપણે ત્રણ જ વહેંચી લઈએ, જેથી કોઈ બીજાને બાપડાને અન્યાય ન થાય અને વધેલા લાડુ નું નિરાકરણ થાય.’
આ કેફિયત સાંભળીને હિસાબ માંગનાર વડીલે રસ્તો કાઢતાં કહ્યું, ‘તો જુઓ. એમ કરો કે પેલા ખર્ચના વધારાના છત્રીસ રૂપિયા પણ તમે ત્રણે સરખે ભાગે લાડુની જેમ જ વહેંચી લ્યો, જેથી ન્યાય બરોબર થાય.’ વડીલે સૂચવેલો ઊકેલ માન્ય રાખ્યા વિના છૂટકો ન હતો. આથી સહુ “અચ્યુતમ કેશવમ” કરી બધા છુટા પડ્યા.
(ભાવનગરમાં જ્ઞાતિની સભા લાંબી ચાલે તો કોઈ વડીલ કહેતા, ‘હવે અચ્યુતમ કેશવમનો શ્લોક બોલી ભગવાનના નામ સાથે એકબીજાને શુભેચછા પાઠવી છુટા પડીએ.)’”
નીતિન વ્યાસે લાડુની આ વાત મૂકી તેના સંદર્ભે દિલ્હીસ્થિત દીપક ધોળકીયાએ પૂર્તિ કરતાં જણાવ્યું:
‘નાગરો- પછી એ પ્રશ્નોરા હોય કે અમારા જેવા વડનગરા, લાડુ એમને જોડે છે! ‘કલમ, કડછી અને બરછી’માં કડછી કેમ ઘૂસી તે મને કદી સમજાયું નહોતું, પણ હવે આંતરનાગરીય લાડુપ્રેમની તથા ‘લાડુ એ જ સમસ્યા અને ‘લાડુ એ જ સમાધાન’ સૂત્રની કથા વાંચીને કડછીનું ઔચિત્ય સમજાઈ ગયું!’
દીપકભાઈએ આ વાતચીતમાં પોતાના બે નાગર મિત્રો સમીર ધોળકીયા અને પરેશ વૈદ્ય, તેમજ એક મિત્ર દિલીપ વ્યાસ, જેને તેમણે associate નાગર તરીકે સ્વીકાર્યા છે તેમને પણ સામેલ કર્યા અને વાત આગળ ચાલી. દિલીપભાઈએ નિખાલસતાપૂર્વક જણાવ્યું,
‘આ ‘એસોસિયેટ નાગર’ને લાડુ પસંદ છે, પણ એટલું કહેવું જોઈએ કે મને ‘નાગરી’ લાડુ નથી ગમતા- કમ સે કમ, અહીં તેઓ જે રીતે બનાવે છે એ તો નથી જ ગમતા.’ દિલીપભાઈએ અંતે જણાવ્યું: ‘મારા પિતા, જેમનું 89 વર્ષની વયે અવસાન થયું, તે છેક સુધી રોજનો એક લાડુ જમતા હતા.’
દિલીપભાઈની આ વાતને સાનુકૂળ પ્રતિભાવ ન મળે તો જ નવાઈ હતી! ડૉ. પરેશ વૈદ્યે આશ્ચર્ય પ્રગટ કરતાં લખ્યું,:
‘રોજનો એક લાડુ? અને એ પણ જીવનના અંતિમ દિવસ લગી? તેમના 89 વર્ષના
દીર્ઘાયુષ્યનું રહસ્ય આ જ હતું કે શું? વાહ!’
દિલીપભાઈએ પોતાના પિતાજીના લાડુપ્રેમની વાત વિસ્તારથી કરી, જેમાં એક આખા જમાનાની તાસીર ઊભરી આવી. તેમણે લખ્યું: ગરીબ અને બહોળા પરિવારમાં જન્મેલા પિતાજી માટે લાડુ ઘણા સમય સુધી દુર્લભ બની રહ્યા હશે. પણ પછી મારી માતા તેમજ પિતા બન્ને નોકરી કરતા થયા, સહેજ આર્થિક સરખાઈ આવી ત્યાર પછી પોતાને ભાવતી વાનગી તેમના માટે કંઈક સુલભ બની હશે. જો કે, તેઓ 65 ના થયા ત્યાં સુધીમાં અમે સૌ સંતાનો ભણીગણીને ઠેકાણે પડ્યાં. જવાબદારીનો ભાર રહ્યો નહીં એ પછી તેમણે નિયમીત રીતે લાડુભોજન અપનાવ્યું હશે. મારી અને મારા ભાઈ પ્રકાશની પત્ની સ્વાદિષ્ટ રસોઈ બનાવી જાણે છે, અને સસરાને રાજી રાખવા તત્પર રહે છે. આથી તેઓ સસરાને ભાવતી વાનગી લાડુ નિયમીતપણે બનાવતી. અન્ય પરિવારજનોને ગોળના લાડુ ભાવતા, જ્યારે પિતાજીને ખાંડના લાડુ ભાવતા. આથી તેમના ભાગના લાડુ અન્ય કોઈ ખાઈ શકતું નહીં. તેમના અંતિમ વરસે પણ તેમના જન્મદિન 30 ઓક્ટોબરે દેવીએ પુષ્કળ પ્રમાણમાં લાડુ બનાવ્યા હતા, જેને તેઓ 22 નવેમ્બર સુધી આરોગતા રહ્યા. 23 નવેમ્બરે તેમણે દેહ ત્યાગ્યો ત્યારે બહુ સંતોષ સાથે એમ કર્યું હશે એવું અમને લાગેલું.’
દીપકભાઈએ આ વાતના પ્રતિભાવમાં લખ્યું:
‘આ વાત કેવળ લાડુ પૂરતી મર્યાદિત નથી, બલ્કે એક પરિવારનાં મૂલ્યો તેમાં સહજતાથી વણાયેલાં જોવા મળે છે. પરિવારના એક એવા મોભી હોય, જેમનાથી ડરવાનું ન હોય, પણ તેમની હાજરી એક જાતની હૂંફનો અહેસાસ કરાવતી રહે.’ આમ કહીને દીપકભાઈએ પોતાના પિતાને યાદ કર્યા: ‘મારા પિતાજી 1977 થી ડાયાબિટીસના દરદી હતા. થોડા સમય સુધી તેમણે ચુસ્ત રીતે પરેજી પાળી, પણ પછી તે બધું જ ખાતા હતા. 1996 સુધી તેઓ જીવ્યા અને 79 વર્ષનું આયુષ્ય પામ્યા.’ જો કે, તેમણે એક આનુષંગિક ટીપ્પણી કરતાં કહ્યું, ’79 પાર કરવાં અને 80 એ ન પહોંચવું એ કદાચ આનુવંશિક લક્ષણ હોય છે, એમાં ડાયાબિટીસનો કોઈ દોષ નથી.’ સમીર ધોળકીયાએ લાડુની વાતમાં હોંકારો ભણતાં કહ્યું, ‘લાડુ સર્વશ્રેષ્ઠ મિઠાઈ છે. પાચનમાં સરળ અને બનાવવામાં પણ સરસ. ખાસ કરીને ગોળના લાડુ.’
દિલીપભાઈના પિતાજીની વાત સાથે બીરેન કોઠારીએ પોતાના સંપર્કમાં આવેલા એક પાત્રની વાત કરી.
એ હતાં મધુરીબેન દેસાઈ, જેઓ દિગ્દર્શક વીરેન્દ્ર દેસાઈનાં પત્ની હતાં. (વીરેન્દ્ર દેસાઈનાં બીજી વારનાં લગ્ન નલિની જયવંત સાથે થયેલાં). ‘સાગર મુવીટોન’ના કામ માટે મધુરીબેનને તેઓ મળ્યા ત્યારે મધુરીબેન નેવુની આસપાસનાં હશે. ડાયાબિટીસ, હાર્ટ સહિત અનેક બિમારીઓ. પણ એમનો ખોરાક? રોજ ભાણામાં બે વેઢમી (પૂરણપોળી) અચૂક લેવાની. અને જમ્યા પછી આઈસ્ક્રીમ, એ પણ રોજ અલગ અલગ ફ્લેવરનો.
આ બહેને આખી જિંદગી ભયાનક આર્થિક-સામાજિક-માનસિક સંઘર્ષ કરેલો. છેલ્લે તો તેમને આંખે કાચું, કાન બરાબર કામ ન કરે, છતાં આ ક્રમ જાળવી રાખેલો.
છેલ્લી અવસ્થામાં તેઓ દીકરી સાથે રહેતાં અને સહેજ આર્થિક સરખાઈ આવેલી. છેલ્લા વરસોમાં તેઓ જીવ્યાં ત્યાં સુધી રોજ વેઢમી ખાતાં. બીરેન કોઠારીએ લખ્યું: ‘તેમની દીકરી નંદિનીબેન સાથે જેટલી વાર ફોન પર વાત થાય ત્યારે હું પૂછતો, ‘બા હજી ભાણામાં રોજ વેઢમી લે છે?’ તેઓ હસીને કહેતાં, ‘એ તો જીવશે ત્યાં સુધી ખાશે.’
એક સમય સુધી વાનગીઓનું આર્થિક અને માનસિક સ્થિતિ સાથે અજબ અનુસંધાન જોવા મળતું હતું. હવે એ રહેશે કે કેમ એ ખ્યાલ નથી.
જો કે, આ આખી સ્વાદિષ્ટ ચર્ચાને સ્વાસ્થ્ય સાથે જોડી આપી સમીર ધોળકીયાએ. તેમણે ‘લાડવા: એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ’ નામે ડૉ.એન.ડી.શીલુ દ્વારા લખાયેલો લાડવા વિશેનો લેખ ટાંક્યો.
આમ, અનાયાસે એક આખો જમાનો તાજો થઈ આવ્યો.
(સંકલિત)
**** **** ****
વૈજ્ઞાનિક રીતે લાડુ સ્વાસ્થ્ય માટે કેવા લાભદાયી છે એ દર્શાવતો સમીરભાઈએ ટાંકેલો ડૉ. શીલુનો લેખ અહીં વાંચી શકાશે.
**** **** ****
લાડુમાહાત્મ્યની આટઆટલી વાતો થતી હોય ત્યારે પન્નાલાલ પટેલની વિખ્યાત નવલિકા ‘લાડુનું જમણ’ યાદ ન આવે તો જ નવાઈ!
http://www.ekatrafoundation.org/download/magazine/pdf/Sanchayan-6.pdf
**** **** ****
પન્નાલાલની આ નવલિકાનું ટી.વી.ના પડદે રૂપાંતર રાજૂ બારોટ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું છે. અહીં આશરે દસ મિનીટના કુલ ચાર હપ્તા છે.
આ પુરાણમાં જે મિત્રોએ સુર પૂરાવીને લાડૂની મિઠાશમાં જે સુગંધ ભેળવી છે તે સહુનો, અને સમગ્ર ચર્ચાને સંકલન કરીને આપણી સમક્ષ આવાં રૂડાં ભાણે પરીસવા માટે બીરેનભાઈ કોઠારીનો, ગળ્યો ગળ્યો, તંદુરસ્ત, આભાર માનીએ.
તે દરેકનાં સંપર્કસૂત્ર આ મુજબ છે :
- નીતિન વ્યાસ ndvyas2@gmail.com
- દીપક ધોળકિયા dipak.dholakia@gmail.com
- સમીર ધોળકિયા spd1950@gmail.com
- ડૉ. પરેશ વૈદ્ય prvaidya@gmail.com
- દિલીપ વ્યાસ dlpvyas@hotmail.com
- બીરેન કોઠારી bakothari@gmail.com
આપણું તો બાપુ, પેટ સરસ ભરાઈ ગયું. આટલા બધા નાગર-નરો પીરસે તો કોઈ નાગર-નાર, જમનાર તો જોઈએ ને ?!!!
નાગરી જ્ઞાતિનું આબેહૂબ ચરિત્ર ચિત્રણ. લાડુના જમણ જેટલું જ સ્વાદિષ્ટ? ?
ખુબ મજા આવી ગઈ આ લાડુપુરાણ વાંચીને ! મને ય લાડુ બહુ ભાવે. મારા હાસ્યલેખક મિત્ર ચીમન પટેલ ( ચમન ) પણ ગોળના લાડુના શોખીન છે.
નવીન બેન્કર (હ્યુસ્ટન)
लाडू पुराण मजेदार रहयूं
હવે આગામી કાવ્યોત્સવ નુ શ્રીખંડ પુરાણ ચાલુ કરો તો મઝા આવશે. મને પણ લાડુ બહુ ભાવે પરંતુ ચટાકેદાર મસાલાથી સ્વાદિશ્ટ દાલ અને સાથે ટીંડોરા બટાકા કે રીંગણ બતાકાનુ શાક હોય તો આ ઉમ્મરે પણ ત્રણ-ચાર લાડુ ખાઈ જવાય.