ફિર દેખો યારોં : આપણે સ્વતંત્ર બન્યા કે સ્વચ્છંદ?

-બીરેન કોઠારી

આપણા દેશના સ્વાતંત્ર્યસંગ્રામ વખતે અંગ્રેજોની સરકાર હતી. તેમના શાસન અને શાસનકારી નીતિઓના વિરોધનો એક માર્ગ હતો તેમના દ્વારા લદાયેલા કાનૂનના ભંગનો. ગાંધીજીએ સવિનય કાનૂનભંગ જેવું અદ્‍ભુત શસ્ત્ર આપ્યું. ક્રાંતિ માટે હિંસાનો માર્ગ અપનાવનારાઓનો માર્ગ અલગ હતો, પણ આશય કાનૂનભંગનો જ હતો. દેશને 1947 માં સ્વતંત્રતા મળી, પણ કાનૂનભંગની આદત આપણા નાગરિકોને પડી ગયેલી એ એમ સરળતાથી ઓછી જાય? પોતે અંગ્રેજોના કાનૂનને સુધ્ધાં માનતા નહોતા, જ્યારે હવે તો આપણી જ સરકાર છે, આપણું જ રાજ છે. તેના કાનૂન હોય ખરા? અને હોય તો તેને કંઈ માનવાના હોય?

આ મહિનામાં મુખ્યત્વે અમદાવાદ અને વડોદરા જેવાં શહેરો વિશેષ કારણસર સમાચારમાં છે. આ શહેરોના મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલિસ કમિશનરે ટ્રાફિકનિયમન અને દબાણ હટાવવા માટે જે ઊગ્રતાથી ઝુંબેશ આરંભી છે, તે ભારે પ્રશંસાનું કારણ બની રહી છે.

પણ આ ઝુંબેશ આખરે કોની વિરુદ્ધમાં છે? તે કોઈ ચોક્કસ રાજકીય પક્ષ વિરુદ્ધ છે? કોઈ ચોક્કસ વ્યવસાયસમૂહની સામે છે? આનો જવાબ મેળવવા જઈએ તો સમજાશે કે આવું કશું નથી. આ ઝુંબેશ હકીકતમાં કાનૂનભંગની વિરુદ્ધમાં છે. અને આ ઝુંબેશ પૂરતાં જોઈશું તો ખ્યાલ આવશે કે કાનૂનભંગ કરનારા મોટે ભાગે કોઈ મોટાં રાજકીય માથાં નથી.

ટ્રાફિકઝુંબેશમાં હેલ્મેટ ન પહેરનાર સામે, રોંગ સાઈડમાં વાહન ચલાવનાર સામે દંડનીય કાર્યવાહી સખ્તાઈથી થઈ રહી છે. હજી આપણે એ સમજવા નથી માગતા કે હેલ્મેટ પહેરવી એ કાનૂનપાલન અવશ્ય છે, પણ એથી પહેલાં તે ખુદની સલામતિ માટે હોય છે. બીજાં રાજ્યોમાં સ્થિતિ જે હોય એ, ગુજરાતમાં હેલ્મેટનો કાયદો અમલી બનાવવાની શરૂઆત થાય એ સાથે જ તેનો પ્રચંડ વિરોધ થતો રહ્યો છે. ‘અમારી સલામતિની ફિકર અમને વધુ હોય કે તમને?’, ‘ફલાણાએ હેલ્મેટ પહેરેલી હતી છતાં એને ગંભીર ઈજા થઈ’ જેવી એની એ દલિલો શરૂ થઈ જાય છે. બહુમતિ નાગરિકો કાનૂનપાલન ન ઈચ્છતા હોય એટલે તેમને નાખુશ કરવા મુશ્કેલ બની જાય છે. આવા ટાણે વિરોધ પક્ષ રોડની ગુણવત્તા, તેના બાંધકામમાં થતી ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવે છે અને આખા મુદ્દાને રાજકીય રંગ મળી જાય છે. વચ્ચે થોડો સમય ઈ-મેમોની પ્રથા શરૂ થઈ અને લોકોને સીધા ઘેરબેઠે મેમો મળવા માંડ્યા. તેને કારણે કોઈ આદેશ વિના લોકો હેલ્મેટ પહેરવા લાગ્યા. પણ અકળ કારણોસર એ પ્રથા મુલતવી રખાઈ. હેલ્મેટનો નિયમ એક ઉદાહરણમાત્ર છે. રોજબરોજના જીવનનાં આવાં અનેક ઊદાહરણો આપી શકાય એમ છે. નિયમભંગ સામાન્ય બાબત છે, જ્યારે નિયમપાલન અપવાદરૂપ. આપણી સામાજિક સંરચના પણ એવી વિચિત્ર છે કે નિયમપાલનનો આગ્રહ રાખનાર નાગરિક હાંસીને પાત્ર બને, તે બોચિયો અને ‘આઉટડેટેડ’ પણ ગણાઈ શકે. આ સમગ્ર બાબત વિચાર માગી લે એવી છે. નિયમભંગ કેમ આપણને આટલો કોઠે પડી ગયો છે? શું આપણે એમ માનીએ છીએ કે આપણા રાજકારણીઓ ભલભલા કાનૂનને ઘોળીને પી જાય છે, અસામાજિક તત્ત્વો કાનૂનને ગણકારતા નથી, ત્યાં આપણા જેવા નાગરિકો,પોતાની નિર્દોષ સુવિધા ખાતર બે-ચાર નિયમનો ભંગ કરે એમાં ખોટું શું? કે પછી રાજકારણી યા અસામાજિક તત્ત્વો એમ માની લે છે કે કાયદો અને કાયદાના રખેવાળો આપણા માટે જ છે. નાગરિકો આપણને ક્યાં પૂછવા આવવાના?

ભૂતકાળમાં એક સરસરી નજર કરીશું તો ખ્યાલ આવશે કે કોઈની પણ શેહ રાખ્યા વિના કાનૂનપાલન કરાવનાર સરકારી અધિકારીઓ લોકનજરમાં નાયક બની રહે છે અને પ્રજા તેને જાણે કે પોતાના તારણહાર માની લે છે. પણ આવા અધિકારીઓ કેટલા? અને એ તારણહારની બદલી થઈ જાય પછી શું? મુંબઈ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જી.આર.ખૈરનાર, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર એસ.જગદીશન, સુરતના મ્યુનિસિપલ કમિશનર એસ.આર.રાવ, વડોદરાના પોલિસ કમિશનર જશપાલસિંઘ જેવા સનદી અધિકારીઓ પોતાના કાર્યકાળ દરમિયાન માત્ર પોતાની ફરજનિષ્ઠા દાખવવા બદલ લોકનાયક સમા બની રહેલા. એક અધિકારી માત્ર હોદ્દાની રૂએ પોતાની ફરજ બજાવે અને તેને આ સ્થાન મળી જાય એ બાબત એ હકીકત પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે કે ફરજનિષ્ઠા આપણા દેશમાં કેટલી દોહ્યલી છે. બદલી થવી આવા સનદી અધિકારીઓની કારકિર્દીનો અનિવાર્ય અંશ છે. આથી મોટે ભાગે એવું જોવા મળે છે કે તેમની બદલી થયા પછી થોડા સમયમાં બધું પહેલાંનાં જેવું જ બની રહે છે. એટલે કે એક નાગરિક તરીકે આપણે તેમાંથી કોઈ ધડો લેતા નથી કે નથી કોઈ જવાબદારી લેતા. આપણે હંમેશાં કોઈક તારણહારની જ પ્રતીક્ષામાં હોઈએ છીએ, જે વાર્તાના નાયકની જેમ ધડાકાભેર આવે અને દુષ્ટોને પરાસ્ત કરે. આપણે તેની પ્રશસ્તિઓ રચીશું, દંતકથાઓમાં તેને સ્થાન આપીશું કે તેનું મંદીર બનાવીશું. બસ! આપણી જવાબદારી પૂરી.

નાગરિક તરીકેનું આપણું ઘડતર આપણા જ હાથમાં છે. ધારીએ છીએ એટલું તે અઘરું નથી. આઝાદી પછી જે રીતે દરેક પગલું મતબૅ‍ન્‍કોને ધ્યાનમાં રાખીને ભરવામાં આવે છે એ જોતાં કોઈ નેતા કે શાસક પક્ષ દ્વારા એ થઈ શકે એ શક્યતા સાવ પાંખી છે. નાગરિક ઘડતર કરવા જતાં નાગરિકોને અમુક હદે નારાજ કરવા પડે. આવું સાહસ કોણ કરે? શા માટે કરે? અને બીજું કોઈ એ કામ ન કરે તો નાગરિકોને પોતાને એ કરવાનું મન શું કામ થાય?

દેશની આઝાદીને સાત દાયકા વીત્યા. આઠમા દાયકાનો આરંભ થઈ ગયો છે. પ્રવર્તમાન પરિસ્થિતિ જે હોય એ, સમય વીતે એમ નાગરિકોની સમજણ આપમેળે પુખ્ત થવાનો આશાવાદ સેવતા રહેવો એ જ ઊત્તમ સ્થિતિ છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩-૦૮-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.