વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી – કિંગકોંગ સાથે લડાઇઃ સફળતા માટે સતત ૧૦૨૨ દિવસ સુધી કામદારોએ ધરણા કર્યા !

Facebooktwitterredditpinterestlinkedinmail

જગદીશ પટેલ

૨૫ જુલાઇએ ધરણા સમાપ્ત થયા. કામદારોએ પોતાને મળેલી આ જીતની ખુશી રેલી કાઢીને પ્રગટ કરી. ૨૪ જુલાઇએ “શાર્પ” (Supporters for the Health and Rights of People in the Semiconductor- SHARPS) અને સેમસંગ વચ્ચે કરાર થયા. શાર્પમાં કોરિયાના સ્વતંત્ર મજુર સંગઠનો, કામદારોના કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ, માનવ અધિકાર અને વ્યાવસાયિક આરોગ્ય પર કામ કરતી સંસ્થાઓ અને પ્રગતિશીલ રાજકીય પક્ષો જોડાયા છે. ૨૦૦૭માં શરૂ થયેલી આ સંસ્થા ઇલેકટ્રોનીકસ ઉદ્યોગમાં કામદારોના આરોગ્ય અને મજુર અધિકારો અંગે પ્રવર્તી રહેલ સ્થિતિ અંગે સત્ય ઉઘાડું પાડવા, પીડિત કામદારોને વાજબી વળતર મળે તે માટે, સેમસંગના કામદારોને પાયાના મજુર અધિકારો મળે તે માટે અને નવઉદારીકરણના વૈશ્વીકરણનો વિરોધ કરવાનું કામ કરે છે.

તમારા ઘરમાં સેમસંગનો મોબાઇલ, ટીવી, ફ્રીજ, કેમેરા— કશુંક તો હશે જ. વિશ્વના ૮૦ દેશમાં તેના ૨,૮૬,૦૦૦ કામદારો કામ કરે છે અને તેનું વાર્ષિક ટર્નઓવર ખર્વો રૂપિયાનું —૨૭૬ અબજ ડોલર છે. ભારતમાં ઉત્તરપ્રદેશના નોઇડામાં ૮ જુલાઇ, ૨૦૧૮ને દિવસે વડાપ્રધાને દ.કોરિયાના પ્રમુખ શ્રી મુન-જી-ઇનની હાજરીમાં સેમસંગના રૂં. ૫,૦૦૦ કરોડના રોકાણથી ઉભા થયેલા, ૩૫ એકર જમીનમાં પથરાયેલા, મોબાઇલ ફોનનું ઉત્પાદન કરતા પ્લાન્ટનું ઉદ્‌ઘાટન કર્યું જે તેનો દુનિયાનો સૌથી મોટો પ્લાન્ટ હોવાનો દાવો કરાયો. દક્ષિણ કોરિયામાં તો તેના માલિકનું સ્થાન એક રાજા કરતાં વિશેષ છે. એવામાં તેની સામે શિંગડાં ભેરવવા ગજબની નૈતિક હિંમત જોઇએ.

૬ માર્ચ, ૨૦૦૭ને દિવસે સેમસંગમાં કામ કરતી ૨૨ વર્ષની હુઆંગ-યુ-મીનું મૃત્યુ થયું. એને લોહીનું કેન્સર થયેલું. યુ-મીના મૃત્યુ પછી એના કુટુંબીજનો, મિત્રો, સહકાર્યકરો અને અન્ય જાગૃત નાગરીકોએ ભેગા થઇ “સપોર્ટર્સ ફોર ધ હેલ્થ એન્ડ રાઇટસ ઓફ પીપલ ઇન ધ સેમીકન્ડકટર ઇન્ડસ્ટ્રી”—શાર્પ નામની સંસ્થા પીડિતોને ન્યાય મળે તે માટે શરૂ કરી.

દક્ષિણ કોરિયામાં “શાર્પ” દ્વારા ઇલેકટ્રોનીક એકમોમાં કામ કરતા ૩૦૦ જેટલા કામદારો કેન્સર અથવા બીજા ગંભીર રોગોથી પીડાતા હોવાનું શોધી કાઢયું. તેમાં મોટાભાગના તો સેમસંગના કામદાર હતા. ૨૦૦૭ સપ્ટેમ્બર, ૧૬ સુધીમાં શાર્પને સેમસંગના ૨૨૩ કામદારો કેન્સર, મગજમાં ગાંઠ, મલ્ટીપલ સ્કલરોસીસ જેવી વ્યાવસાયિક બીમારીઓથી પીડાતા જોવા મળ્યા જે પૈકી ૭૬ના મોત થયા. જુન ૨૦૧૮ સુધીમાં આ આંકડો અનુક્રમે ૩૨૦ (પીડિતો) અને ૧૧૮ (મૃતક)નો થયો. દરમિયાન શાર્પ દ્વારા ૨૮ પીડિતોને કામદાર કોર્ટ દ્વારા વળતર મેળવવામાં મદદ કરી.

દ. કોરિયામાં વ્યાવસાયીક રોગોના વળતર માટે દાવો કરનારાઓએ કોર્ટને એવી માહિતી આપવી પડે છે કે કામને સ્થળે તેમને કયા રસાયણોના સંપર્કમાં આવવાનું થતું હતું. આ વિગતો ન આપી શકે તેને વળતર મળવું મુશ્કેલ બની જાય છે. દ. કોરિયાના સરકારી અધિકારીઓએ કંપનીને રસાયણોના સંપર્કની માહિતી ગુપ્ત રાખવાની અનુમતી આપી. ૪૩ વર્ષની પાર્ક-મીન-સુકે જણાવ્યું કે “કંપની પોતાના એકમોમાં કામ કરવા ગામડેથી અભણ કામદારોને લઇ આવી અને પૈસા જ સર્વસ્વ છે તેમ તેમને ઠસાવી દીધું અને ઉપયોગ થયા પછી એમને ફેંકી દીધા.” પાર્ક આ કારખાનામાં કામ કરતી હતી અને સ્તન કેન્સરનો ભોગ બની. હુઆંગ-યુ-મીના પિતાએ જણાવ્યું કે મને ચુપ રહેવા માટે કંપનીએ ૯ લાખ ડોલર આપવાની દરખાસ્ત કરી હતી. એને કામને કારણે બીમારી થઇ ન હતી એમ સ્વીકારી લઉં એમ કંપની ઇચ્છતી હતી. તેમણે એ દરખાસ્તને ફગાવી દીધી અને આ કારખાનાઓનું નિષ્પક્ષ નિરિક્ષણ (ઇન્સ્પેકશન) થાય તે માટે ચળવળ શરૂ કરી. ૨૦૦૮ પછી ૫૬ પીડિતોએ વળતરના દાવા કર્યા છે. તેમાંથી માત્ર ૧૦ કામદારો વળતર મેળવી શકયા છે અને એ પણ વર્ષો સુધી કોર્ટમાં લડયા પછી. બાકીના ૪૬માંથી અડધાના દાવા નામંજુર થયા છે અને બાકીના દાવા ફેરવિચારણા હેઠળ છે.

સેમસંગના કામદારોએ યુનિયન બનાવ્યું નથી કે સેમસંગે બનવા દીધું નથી. સેમસંગના વળતર દાવા કરવાના ૬ કેસમાં સંડોવાયેલા ૧૦ કામદાર એવા છે જેમાં રસાયણોના સંપર્કોની માહિતી રજુ ન કરવા પાછળ કંપનીએ આપેલું કારણ હતું-વ્યાવસાયિક ગુપ્તતા (ટ્રેડ સીક્રેટ). કંપનીએ અનેકવાર સરકારને વિનંતી કરી છે કે આ કેસ સંદર્ભે કામદારોને થતા રસાયણોના સંપર્કોની વિગત જાહેર કરવી નહી. કારણ તેમ થશે તો તેમના ધંધાની ગુપ્તતા જોખમાશે. ૧૫ કામદારો વતી આ દાવામાં હાજર થતા વકીલે જણાવ્યું કે અમારે આ ગુપ્તતા બાબત બહુ લડવું પડે છે. જો સેમસંગને એમ લાગે કે અમુક માહિતી રજુ કરવાથી દાવામાં તેને નુકસાન થશે તો તરત એ ગુપ્તતાનું બહાનું આગળ ધરી માહિતી રજુ કરવા દેશે નહી. સરકારી નિરિક્ષકોની તપાસના અહેવાલો જયારે માગવામાં આવે છે ત્યારે આ ગુપ્તતાના બહાને કંપની વાંધો ઉઠાવે છે. કોરિયાના કાયદા મુજબ આ દસ્તાવેજો કંપનીની માલિકીના ગણાય છે. સરકારી અધિકારીઓ પોતાનો બચાવ કરતાં જણાવે છે કે કોર્પોરેટના હિતોનું અમારે પહેલું ધ્યાન રાખવું પડે. ધંધાની ગુપ્તતાના દાવાનું મુલ્યાંકન કરવું અઘરું હોય છે અને કંપનીની ઇચ્છા વિરૂધ્ધ જો અમે માહિતી આપીએ તો કંપની અમારી વિરૂધ્ધ કાનુની પગલાં લે તેવો અમને ડર હોય છે. જો કે કામદારોના વકીલનું કહેવું છે કે વ્યાવસાયિક રોગો અંગેના કાયદાની જોગવાઇ અનુસાર તો કંપનીએ કામદારોના સંપર્ક સંબંધી માહિતી પૂરી પાડવી પડે. દ. કોરિયાની સરકારી સંસ્થા “કોશા” (આપણા ફેકટરી ઇન્સપેકટર જેવી સંસ્થા)ના અધિકારીઓ કહે છે કે, “અમારા ગ્રાહકોની ગુપ્તતાનું અમારે રક્ષણ કરવું પડે. કારણ આખરે સવાલ તો ભરોસાનો છે.” પોતાની પ્રતિક્રિયા આપતાં સેમસંગે જણાવ્યું કે એણે કયારેય ઇરાદાપુર્વક કામદારોને માહિતી મેળવતાં રોકયા નથી. તેણે જે જાહેર કરવી પડે તેવી રસાયણોની માહિતી બાબત કંપની સંપૂર્ણપણે પારદર્શક છે. માહિતી ગેરકાયદે અટકાવી હોય તેવો એક પણ બનાવ નથી, તેમણે ઉમેર્યું. પરંતુ હજુ ગયા વર્ષે કોર્ટમાંથી મેળવેલા દસ્તાવેજોમાં એવું જોવા મળ્યું છે કે સેમસંગે સરકારને પત્ર લખીને કામદારોને રસાયણોનો સંપર્ક કેટલા પ્રમાણમાં હતો તેની વિગતો જાહેર ન કરવા જણાવ્યું હતું. જો કોર્ટમાં કામદારોના વળતર દાવા સંદર્ભે ન્યાયાધીશ વિનંતી કરે તો પણ ન આપવા જણાવવામાં આવ્યું હતું. કંપનીએ પોતાના પત્રમાં જણાવ્યું કે પદાર્થના નામ અને તેનું પ્રમાણ જાહેર કરવામાં આવશે તો તેના ઘરઆંગણાના અને પરદેશના ધંધાકીય હરીફોને ટેકનોલોજીની જાણ થશે અને કંપનીની સ્પર્ધાત્મકતા ઘટશે. તેથી માહિતીને તદ્દન ગુપ્ત રાખવા વિનંતી છે. કંપની પોતાની વેબસાઇટ પર મોટા દાવા કરે છે અને જણાવે છે કે કામદારોને થતા રસાયણના સંપર્ક પર સતત ૨૪ કલાક દેખરેખ રાખવામાં આવે છે, રસાયણોનું તેમનું મેનેજમેન્ટ અત્યંત ઘનિષ્ઠ અને અત્યાધુનીક છે. એ રસાયણોની યાદી તો આપે છે પણ સંપર્કની માત્રા અને શી રીતે એ રસાયણોનું મેનેજમેન્ટ કરે છે તેની માહિતી દબાવી રાખે છે. ચીપનું ઉત્પાદન કરતા તેના એકમોમાં ૨૦૧૨માં સરકારી નિરિક્ષણ દરમિયાન બેન્ઝીન અને ફોર્મલ્ડીહાઇડ મળ્યા પછી જ તેણે ઝેરી રસાયણોની આડપેદાશોની હવામાં હાજરીનું માપન અને દેખરેખ રાખવાનું શરુ કર્યું.

કીમ સીઓનઃ

લાખે ૩.૫ વ્યક્તિને જે રોગ થાય છે તે મલ્ટીપલ સ્કલરોસીસ છે. એટલે કે બહુ જ અસામાન્ય ગણાતા, કયારેક જ, કોઇકને જ થતા આ રોગથી સેમસંગમાં ચાર કામદારો પીડાતા જોવા મળ્યા તે વાતને ધ્યાનમાં રાખી કોર્ટે કામદારોની તરફેણમાં ચુકાદો આપ્યો. આ કંપનીના એલસીડી મોનીટરનું ઉત્પાદન કરતા ગીહેઉન્ગ શહેરમાં આવેલ એકમમાં કામ કરવા ૧૭ વર્ષની ઉંમરે ૧૯૯૭માં કીમ સીઓન જોડાઇ. ત્રણ વર્ષ સુધી તેણે પ્રોડકશન લાઇન પર કામ કર્યું. પછી માર્ચ ૨૦૦૦માં તે બીમાર થઇ અને ત્રણ મહીના પછી તેણે નોકરી છોડી દીધી. કોરિયાની કોરિયા વર્કર્સ કોમ્પેનસેશન એન્ડ વેલ્ફેર સર્વિસ સમક્ષ ૨૦૧૩માં એણે પોતાની બીમારી કામને કારણે થઇ હોવાનું જણાવી વળતર માટે દાવો કર્યો. પણ એમણે દાવો સ્વીકાર્યો નહી. તેણે આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો. ૧૦ ફેબ્રુઆરીએ આપેલા ચુકાદામાં કોર્ટે આ બિમારી વ્યવસાયજન્ય હોવાનું જાહેર કર્યું. સેમસંગની એલસીડી લાઇન પર કામ કરતા કામદારોમાં વ્યાવસાયિક રોગનો આ પ્રથમ કિસ્સો છે. વળી અત્યંત વિરલ ગણાતો આ રોગ કામને કારણે થયો હોવાનું પણ આ પહેલીવાર સ્વીકારાયું છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે,“કીમ એસીટોન જેવા કાર્બનીક દ્રાવકના સંપર્કમાં આવતી હતી; તે રાતપાળી સહિત પાળીમાં કામ કરતી હતી; એ પણ ૨૦ વર્ષની ઉંમર પહેલાં; રાતપાળીમાં એ એવી જગ્યાએ કામ કરતી હતી જયાં હવાની અવરજવર નબળી હતી; તેને પુરતા પ્રમાણમાં અલ્ટ્રાવયોલેટ કીરણો (જે સુર્યના તડકામાં હોય છે.) મળતા ન હતા; આ તમામ કારણોસર તે આ રોગનો ભોગ બની હોય અથવા રોગ વકર્યો તેમ જણાય છે.” આ ઉપરાંત કોર્ટે નોંધ્યું કે સેમસંગ ઇલેકટ્રોનીકસના કામદારો પૈકી ચાર જવલ્લેજ જોવા મળતા આ રોગનો ભોગ બન્યા છે. આ રોગનો થવાનો જે (પ્રીવેલન્સ) સ્ટાન્ડર્ડ દર છે તે કરતાં આ પ્રમાણ ઘણું વધારે છે. કામના વાતાવરણ સિવાય અન્ય કોઇ જોખમ કીમના જીવનમાં જણાયા નથી જે કારણે આ રોગ થઇ શકે. જે કંપનીઓ સેમસંગને રસાયણો પૂરા પાડતી હતી તેમણે જણાવ્યું નથી કે કયા રસાયણો હતા. કોર્ટે વારંવાર માગણી કર્યા છતાં તેઓ આ માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયા. વળી મજુર મંત્રાલયે વ્યાવસાયિક ગુપ્તતાને બહાને સેમસંગની એલસીડી ફેકટરીના કામદારોના નિદાનની માહિતી પૂરી પાડી નહી. બાનોલીમ નામની આ વિષય પર કામદારો સાથે કામ કરતી સંસ્થાના વકીલ લીમ જા વુને માહિતી આપતાં કહ્યું કે, “કોર્ટે એમ પણ કહ્યું કે ફરિયાદીના કામના વાતાવરણ અંગે કંપનીએ સંબંધિત દસ્તાવેજો પૂરા પાડયા ન હોવાને કારણે કોર્ટને કામના વાતાવરણ વિષે પૂરતી માહિતી ન મળી તે માટે કંપની જવાબદાર છે. કંપનીએ આ બાબત પૂરતી તપાસ કરી નહી હોય તેમ જણાય છે.” ફરિયાદી વતી લીમ આ દાવામાં હાજર રહ્યા હતા. સંસ્થા સાથેની વાટાઘાટો ભાંગી પડયા બાદ સેમસંગે પોતાની જાતે જ વળતર માટેના ધોરણો નકકી કર્યા હતા. આ ધોરણો મુજબ મલ્ટીપલ સ્કલરોસીસ રોગને એણે ત્રીજી કેટેગરીમાં મુકયો હતો જે માટે બહુ ઓછા વળતરની એણે જોગવાઇ કરી હતી. કીમને આંખે ઓછું દેખાય છે અને તેના પગના સાંધાને નુકસાન થયું છે અને તેના ઘૂંટણના હાડકામાં પણ નુકસાન થયું છે. તેણે સેમસંગ દ્વારા નકકી થયેલા ધોરણ અનુસાર વળતર સ્વીકારવાનો અને કંપની સાથે આ બાબતે સમાધાન કરવાનો ઇન્કાર કર્યો અને કોર્ટે ચડવાનું નકકી કર્યું.

જી—યેઓન—મૃત્યુ ૨૦૧૦

સારવારનો ખર્ચ જોઇતો હોય તો વળતર દાવો પાછો ખેંચો. કંપનીની દાદાગીરી સામે લાચાર કુટુંબે દાવો પાછો ખેંચી સારવાર માટે ખર્ચ તો મેળવ્યો પણ છોકરી બચી નહી.

૩૧ માર્ચ ૨૦૧૦ના રોજ જી—યેઓનનું અવસાન થયું. હજુ ૨૩ વર્ષની હતી એ. મરવાની ઉંમર તો ન જ કહેવાય. પણ, લ્યુકેમીઆ એટલે કે લોહીનું કેન્સર ન જુએ નાતજાત, ન જુએ માણસ-બાઇ કે ન જુએ જુવાન-વૃધ્ધ. બીજી માર્ચને દિવસે એની અંતિમક્રિયા હતી એ દિવસે કેટલાક કાર્યકરો સેમસંગના મુખ્ય કાર્યાલય સામે શાંત દેખાવો કરવા ગયા પણ પોલીસે તેમને અટકાવ્યા. પોલીસે પ્રેસ કોન્ફરન્સ પણ થવા દીધી નહી. સાત કાર્યકરોની ધરપકડ કરવામાં આવી.

૧૭ વર્ષની ઉંમરે ડિસેમ્બર ૨૦૦૪માં એ સેમસંગ સેમીકન્ડકટર ઓન—યાન્ગ ફેકટરીમાં કામ કરવા જોડાઇ. એ ઇન્સપેકશન વિભાગમાં હતી જયાં એણે એકસ—રે અને કેટલાક રસાયણોનો ઉપયોગ કરવાનો હતો. ૨૦૦૭ના ઓગસ્ટમાં એને શ્વાસની તકલીફ શરૂ થઇ, ઉલટી થાય, પેઢાં સુજી ગયાં. એનું નિદાન થયું—લોહીનું કેંસર. સારવાર શરૂ થઇ. કીમોથેરાપી અપાઇ અને એપ્રિલ ૨૦૦૮માં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

૨૦૦૮ના એપ્રિલમાં એણે પોતાની બીમારી વ્યવસાયને કારણે થઇ હોવાની ફરિયાદ દાખલ કરી અને મે ૨૦૦૯માં બીમાર હોવા છતાં કોરિયાના કામદાર વળતર અને કલ્યાણ માટેના કાર્યાલયમાં એડવાઇઝરી મેડિકલ કાઉન્સીલ સમક્ષ જુબાની આપવા ઉપસ્થિત થઇ. ૨૬ માર્ચ ૨૦૧૦માં એની તબિયત કથળતાં એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જયાં એનું ૩૧ માર્ચે અવસાન થયું.

જાન્યુઆરી ૨૦૧૦માં કેન્સરનો ભોગ બનેલા કેટલાક કામદારોએ વળતર દાવા દાખલ કર્યા. ભારતમાં ઇ.એસ.આઇ.એસ. છે તેવું કોરિયામાં “કોમવેલ” છે. કોમવેલમાં દાવા દાખલ થતાં જ એમણે સેમસંગને પણ દાવામાં ઢસડયા જેથી બચાવ પક્ષે એમની મદદ એમને મળી શકે. સેમસંગમાં કામ કરવાને કારણે અનેક કામદારો વ્યાવસાયિક રોગોનો ભોગ બન્યા છે. ૨૨ કામદારોને લ્યૂકીમિઅ હોવાનું નકકી થયું છે. પણ કંપની કોઇ જવાબદારી લેવા માગતી નથી. પોતાના બચાવ માટે એણે તો વકીલાત કરતી સૌથી પ્રતિષ્ઠિત ગણાતી કંપનીને કેસ સોંપ્યો છે. એ કારણે કાનૂની પ્રક્રિયા લંબાવવામાં એમને સફળતા મળી. દરમીયાન જી—યેઓનના કુટુંબને કંપનીના અધિકારીઓ મળવા ગયા અને વળતર દાવો પાછો ખેંચે તો હોસ્પિટલનો ખર્ચ આપવાની તૈયારી બતાવી. આફતમાં આવેલા કુટુંબે શરત સ્વીકારીને દાવો પાછો ખેંચ્યો.

એપ્રિલ ૨૦૧૪માં આ પીડિતો વિષે એક દસ્તાવેજી ફિલ્મ “અનધર પ્રોમિસ” બની હતી જેમાં લ્યૂકીમિઅનો ભોગ બનેલા ૫૬ કામદારોની વાત હતી. તે પછી મે માસમાં જ કંપનીનું માફી માગતું નિવેદન આવી પડયું. પોતાના નિવેદનમાં કંપનીએ જણાવ્યું કે, “અમારા ઘણા કામદારો લ્યૂકીમિઅ અને બીજા અસાધ્ય રોગોનો ભોગ બન્યા અને તેમાંના કેટલાક મોતને પણ ભેટયા. આ સૌને કંપની યોગ્ય વળતર ચુકવશે. અમારે ઘણા સમય અગાઉ આનો ઉકેલ લાવવાની જરુર હતી પણ અમે તેમ કરવામાં નિષ્ફળ ગયા તે બદલ અમે ઊંડી દીલસોજી વ્યકત કરીએ છીએ.” જો કે શાર્પ દ્વારા આ નિવેદનની સખત ટીકા કરવામાં આવી. આ નિવેદનને ચાલાકીભર્યું નિવેદન ગણાવી, શાર્પે જણાવ્યું કે નિવેદનમાં કંપનીએ પોતાની સીધી જવાબદારી હોવાનો કોઇ ઉલ્લેખ કર્યો નથી. કંપનીએ જણાવ્યું કે પીડિતો અને તેમના કુટુંબીજનોને વિશ્વાસમાં લઇ એક સ્વતંત્ર પંચ નિમાશે જે દરેક કેસની નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય નિર્ણય લેશે. પણ કેટલાને વળતર ચૂકવાશે તેનો કોઇ ઉલ્લેખ નિવેદનમાં ન હતો. છેલ્લા છ મહિનામાં ૪૦ જેટલા પીડિતોએ વળતર દાવા કર્યા છે. મે માસની શરૂઆતમાં સ્થાનિક રાજકારણી સુશ્રી સીમ સેંગ જંગે સેમસંગ સમક્ષ માગણી કરી હતી કે તેણે જવાબદારી સ્વીકારી વળતર ચૂકવવું જોઇએ. કંપનીએ પોતાના નિવેદનમાં આ રાજકારણીને વાટાઘાટોમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું. શાર્પ સંસ્થાના અગ્રણી ડો.કોંગે જણાવ્યું કે કંપનીના આ નિવેદનને અમે બહુ સાવચેતીપૂર્વક જોઇએ છીએ એમાં આપણે લીટીની વચ્ચે વાંચવું પડશે અને ન બોલાયેલી વાતો શી છે તે સમજવું પડશે. માધ્યમોમાં જે લખવામાં આવે છે તે તો કંપની જે કહેવા માગે છે તે છે. કંપનીએ છેલ્લા સાત વર્ષમાં સરકારી વીમા સંસ્થાની તરફેણમાં પોતાના મોંઘા વકીલોની આખી ફોજ ઉતારી દીધી હતી અને પીડિતો આર્થિક અને માનસિક રીતે ભાંગી ન ગયા ત્યાં સુધી એમણે એમ કર્યા કર્યું. વળી કંપનીએ પોતાના નિવેદનમાં કયાંય એમ કહ્યું નથી કે કંપનીએ જે સંખ્યાબંધ દીવાની અને ફોજદારી ફરિયાદો પીડિતોના કુટુંબીઓ અને શાર્પના કાર્યકરો વિરૂધ્ધ કરી છે— કંપનીના વિરોધમાં રેલી, ધરણા, પ્રદર્શન કરવા માટે— તે પાછી ખેંચશે. કંપનીએ જે રાજકારણી સુશ્રી સીમની વાત કરી છે તેમનો પ્રસ્તાવ શાર્પનો પ્રસ્તાવ નથી તે સમજવું જોઇએ. કંપનીએ જે નિષ્પક્ષ પંચ બનાવવાની વાત કરી છે તેની સાથે શાર્પ સંમત નથી. સંસ્થાએ વારંવાર એ વાત દોહરાવી છે. સંસ્થા હવે ઇચ્છે છે કે કંપની ફરી વાટાઘાટો શરૂ કરે અને સંસ્થાને વાટાઘાટ કરતા પક્ષ તરીકે સ્વીકારે.

અમેરિકામાં કેલીફોર્નીઆમાં આવેલી સીલીકોન વેલી નામે જાણીતો વિસ્તાર ઇલેકટ્રોનીક ઉદ્યોગનું પિયર ગણાય. મોટી ઇલેકટ્રોનીક કંપનીઓએ અહીંથી પોતાના કામની શરૂઆત કરેલી. ૧૯૭૦ના દસકામાં ત્યાંના કામદારોને સ્પષ્ટ થઇ ગયું કે આ ઉદ્યોગમાં બહુ જોખમી રસાયણો વપરાય છે અને તે કારણે કામદારોના આરોગ્ય પર ગંભીર અસર થાય છે. ધીમેધીમે અમેરીકાની ઇલેકટ્રોનીક કંપનીઓએ તાઇવાન, દક્ષીણ કોરીઆ જેવા દેશોમાં પોતાના થાણા જમાવવાની શરુઆત કરી. અમેરિકાના કર્મશીલોએ આ દેશોમાં પણ જોખમો અંગે જાગૃતિનું કામ કર્યું.

દક્ષિણ કોરિયાની રાજધાની સીઓલના દક્ષિણ ભાગમાં સેમસંગે સેમસંગ ડીલાઇટ નામની ગ્લોબલ એકઝીબીશન સાઇટ વીકસાવી છે. આ સ્થળે શાર્પના કાર્યકરોએ ૭ ઓકટોબર ૨૦૧૫થી ધરણા શરુ કર્યા. શાર્પની માગણી હતીઃ

૧. કામદારોને વ્યાવસાયિક બીમારીઓને કારણે થયેલા નુકસાન માટે કંપની માફી માગે.

૨. તેના એલસીડી અને ચીપના ઉત્પાદનમાં રોકાયેલા અને વ્યાવસાયિક રોગોનો ભોગ બનેલા કામદારોને પૂરતું વળતર ચુકવે અને તેની પ્રક્રિયા પારદર્શી હોય.

મજુર સંગઠન વિરોધી આ કંપનીના ચેરમેન લી કુન હી છે જે ૨૦૧૪થી બીમાર છે. વાઇસ ચેરમેન તેમના દીકરા ૪૮ વર્ષના લી જી યોંગ છે. લીને ૧૨ હજાર કરોડ જેટલું બજાર મુલ્ય ધરાવતી કંપની વારસામાં મળી છે. ૨૦૧૨માં એ સેમસંગ ઇલેકટ્રોનીકસના વાઇસ ચેરમેન બન્યા અને હવે બધો કારભાર તેના હાથમાં છે. યુનિયન થતું રોકવા તે શારીરીક—માનસિક ત્રાસ આપવો, લાંચ આપવી, ધમકી આપવી, કાઢી મુકવા જેવા તમામ હથકંડા અજમાવવામાં જરાય શરમાતા નથી. વિશ્વભરમાં તેના ૧૫ લાખ કામદારો છે. સલામતીના નબળા ધોરણો, બાળમજૂર જેવી અસંખ્ય ફરિયાદો તેની સામે થતી રહે છે.

પીડિત કામદારોને વળતર ચૂકવવા બાબતે કંપનીએ સંસ્થા સાથે વાટાઘાટો શરૂ કરી હતી પણ ઓકટોબર ૨૦૧૫માં અચાનક તેમણે સંસ્થા સાથે વાટાઘાટો કરવાનું બંધ કરી એક તરફી વળતર યોજના જાહેર કરી. સંસ્થાએ જાહેર હિત માટે ફાઉન્ડેશન બનાવવાની કરેલી માગણી મુદ્દે ૨૦૧૫માં વાટાઘાટો પડી ભાંગી હતી.

દ.કોરિયાના નાના શહેરોમાંથી શાળાનું ભણતર પત્યા બાદ કુટુંબને મદદ કરવા કોલેજનું ભણતર છોડીને સેમસંગમાં મજૂરી કરવા જોડાયેલી હજારો યુવતીઓનાં સપના કંપનીએ રોળી નાખ્યા. ૨૦૧૩માં કંપનીએ પોતાના વિયેટનામના પ્લાન્ટ માટે સ્થાનિક શાળાઓની ૫૦,૦૦૦ યુવતીઓની ભરતી કરી. આ યુવતીઓ કંપનીના એલસીડી અને સ્માર્ટફોનના ઉત્પાદન માટે અઠવાડિયામાં ૬ દિવસ ૧૨ કલાકની પાળીમાં મજૂરી કરે છે. ત્યાં પણ આવું થશે એવી દહેશત કર્મશીલોને છે.

દ. કોરિયાના પૂર્વ પ્રમુખ પાર્ક ગુન હાઇને લાંચ આપવાના કેસમાં આ લી જી યોંગને કોર્ટે ૫ વર્ષની જેલની સજા એક વર્ષ પહેલાં— ઓગષ્ટ ૧૭માં—જાહેર કરી. ૨૦૧૮ની શરૂમાં કોર્ટે આ સજા મોકુફ (સસ્પેન્ડેડ) રાખી તેને જેલમુકત કર્યો. પાર્કને નેશનલ એસેમ્બ્લીએ ડિસેમ્બરમાં ઈમ્પીચ કર્યા અને કોર્ટે માર્ચ ૨૦૧૭માં હોદ્દા પરથી બરખાસ્ત કર્યા. તે પછી મે ૨૦૧૭માં ચૂંટણીઓ યોજાઇ જેમાં મીન્જુ (ડેમોક્રેટીક) પક્ષના મુન જી ઇન પ્રમુખપદના મુખ્ય દાવેદાર હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન ૭ મે ૨૦૧૭ને દિવસે મીન્જુ પક્ષ અને શાર્પ વચ્ચે ૪ મુદ્દા પર સમજુતી થઇ. આ સમજુતી મુજબ પક્ષ સેમસંગ અને શાર્પ વચ્ચે વળતર અંગે ફરી વાટાઘાટો શરૂ થાય તે માટે પોતાની વગ વાપરવા, કોર્પોરેટ એકમોને વારંવાર થતા અકસ્માતો અને વ્યાવસાયિક આરોગ્યની ફરિયાદોમાં ભારે દંડ-સજા થાય તે માટે દીવાની અને ફોજદારી કાયદામાં સુધારા કરવા, જોખમોનું આઉટસોર્સિંગ અટકાવવા જરૂરી પગલાં લેવા અને કામને સ્થળે રસાયણોના સંપર્ક અંગેની માહિતી જાહેર કરવામાં પારદર્શકતા લાવવા અને જોખમો અંગે માહિતી મેળવવાના કામદારોના અધિકારો મજબુત કરવા સંમત થયો. પક્ષવતી સાંસદ વુ વાન-શીકે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. વુએ આ પ્રસંગે જણાવ્યું કે હું હુઆંગ સાંગ કીને પહેલી વાર મળ્યો તેને દસ વર્ષ થઇ ગયા. (હુઆંગ યુ—મી નામની ૧૯ વર્ષની વયે સેમસંગમાં કામ કરવા જોડાયેલી યુવતી ૨૩ વર્ષની વયે ૨૦૦૭માં કેન્સરને કારણે અવસાન પામી તે પછી તેના ટેક્ષી ડ્રાઇવર પિતા હુઆંગ સાંગ કીએ ચળવળ ઉપાડી). આ સમજૂતી જો કે પક્ષ માટે બંધનકર્તા નથી તે શાર્પના કર્મશીલો પણ સમજતા હતા. ચૂંટણીમાં મીન્જુ પક્ષ જીત્યો અને મુન પ્રમુખ બન્યા. તે પછી સવા વર્ષે સેમસંગે વાટાઘાટો ફરી શરૂ કરવાની જાહેરાત કરી જેને પગલે શાર્પ દ્વારા ચાલતા ધરણાનો અંત આવ્યો.

સેમસંગના લીને નીચલી અદાલતે સજા જાહેર કરી તેને તેમણે સૂપ્રીમ કોર્ટમાં પડકારી. હવે સૂપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થવાની છે ત્યારે પોતાની છબીને સુધારવા આ જાહેરાત કરાઇ હોવાનું મનાઇ રહ્યું છે. જો કે કંપનીના અધિકારીઓ જણાવે છે કે આ નિર્ણયને લીના કોર્ટ કેસ સાથે કોઇ લેવાદેવા નથી. અમને લાગે છે કે અમે આ મુદ્દાનો હવે ઉકેલ લાવી શકીએ તેમ છીએ એટલે આ નિર્ણય લીધો છે. જો કે દસ વર્ષ દરમિયાન કંપનીએ બધા રસ્તા અજમાવી જોયા. પીડિતો સાથે સીધી વાત કરવી, એજન્ટોને વચ્ચે રાખીને વાત કરવી વગેરે પણ ઉકેલ આવ્યો નહી.

૨૧ જુલાઇએ કરેલી જાહેરાત મુજબ કંપનીએ જણાવ્યું કે સમિતિની દરખાસ્ત કંપની બીનશરતે સ્વીકારે છે. ૧૮ જુલાઇએ સમિતિએ પોતાની આખરી દરખાસ્ત રજુ કરેલી અને પીડિતોના પ્રતિનિધિઓ અને કંપની— બેમાંથી એક પણ દરખાસ્તને સ્વીકારશે નહીં તો સમિતિને બરખાસ્ત કરી દેવાની ધમકી ઉચ્ચારેલી. આ દરખાસ્તમાં નીચે મુજબની જોગવાઇઓ હતીઃ

૧. લવાદ સમિતિએ જણાવ્યા મુજબના સલામતી માટેના પગલાં લેવાની શરૂઆત સેમસંગ ઓકટોબર ૨૦૧૮થી કરશે.

૨. ઓકટોબર ૨૦૧૮ સુધીમાં કંપની સમિતિએ સૂચવ્યા મુજબ માફી માગશે.

૩. ઓકટોબર ૨૦૧૮માં કંપની સમિતિએ સૂચવ્યા મુજબ શાર્પ દ્વારા રજૂ કરાયેલ યાદીમાં સમાવેલા પીડિતોને નવી યોજના હેઠળ વળતર ચૂકવશે.

૪. નવી યોજના હેઠળ પહેલાં વળતર ચૂકવી દીધા બાદ હવે પછીના દસ વર્ષ દરમિયાન નવા પીડિતો મળશે તેમના માટે નવી યોજના બનાવાશે.

૫. લવાદ માટેની દરખાસ્ત સ્વીકારવા માટેના કરાર પર સહીસિકકા થતાં જ શાર્પ ધરણાનો અંત લાવશે.

ત્રણે પક્ષો ૨૪ જુલાઈએ કરાર પર સહીસિકકા કરશે. ૨૫ જુલાઇએ શાર્પ દ્બારા રેલી કાઢીને ધરણાનો અંત થયાની જાહેરાત કરી.

લવાદ સમિતિએ જાહેર કર્યું કે આ મુદ્દાને અમે માત્ર બે પક્ષો વચ્ચેના ઝગડા સ્વરૂપે જોતા નથી પણ તમામ કામદારોના કામને સ્થળે સલામતી અને આરોગ્યની સમસ્યાના ભાગરૂપે જોઇએ છીએ. તેથી સમિતિ એવા તાર્કિક માપદંડો સ્વીકારે છે જેથી ભવિષ્યમાં પણ આવા સવાલો ઉકેલવાનું સહેલું પડે. લવાદ સમિતિ એક તટસ્થ કે નિષ્પક્ષ સમિતિ છે જેના અધ્યક્ષ સૂપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કીમ જી હાયુંગ છે. સમિતિ ડિસેમ્બર ૨૦૧૪માં રચાઇ હતી. પણ ૨૦૧૫માં સમિતિએ વળતર માટેની સ્વતંત્ર યોજનાની વાત કરી ત્યારે કંપનીએ તેનો વિરોધ કરી વાટાઘાટોમાંથી પોતાની જાતને પાછી ખેંચી. તે પછી કંપનીએ પોતાની વળતર યોજના જાહેર કરી અને તેના વિરોધ માં શાર્પ દ્વારા જાહેર ધરણા શરૂ કરવામાં આવ્યા. ૧૮ જુલાઇની લવાદની જાહેરાત બંને પક્ષોને બંધનકર્તા છે અને તે સ્વીકારાય તે શરતે જ સમિતિએ પોતાનું અસ્તિત્વ ચાલુ રાખ્યું. શાર્પ અને કંપનીએ સહમતી આપી દીધા પછી હવે ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન લવાદની દરખાસ્ત પર ચર્ચા થશે અને ઓકટોબરની શરૂમાં તેના પર સહીસિકકા કરાશે.

ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કનફેડરેશનના જનરલ સેક્રેટરી શરન બરોએ આ વિજયને આવકારતાં કહ્યું કે પોતે જે રસાયણો વાપરે છે તેના નામ જાહેર કરવા માટે હવે આપણે સેમસંગને ફરજ પાડી શકીશું. ધરણાના ૬૦૦મા દિવસ પ્રસંગે મે ૨૦૧૭માં તેણીએ ધરણાની મુલાકાત લીધી હતી.

ચળવળના મુખ્ય સુત્રધાર હુઆંગ સાંગ કીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે મારી દીકરી યુ-મીના મોતને ૧૩ વર્ષ વીતી ગયા. તેની સારવાર ચાલતી હતી તે દરમિયાન તેણે રાજીનામું આપવુ પડયું. સારવાર ખર્ચ પેટે રૂ..૨૬.૪૦ લાખ (૫ કરોડ કોરિયન વોન અથવા ૪૪ હાજર અમેરિકન ડોલર) ચુકવાશે તેવા કંપનીના વચન સામે એણે રાજીનામું આપ્યું. પણ પછી કંપનીએ છેતરપીંડી કરી મને માત્ર ૫૦ લાખ વોન (૪૪૦૦ ડોલર અથવા રૂ..૨.૫૦ લાખ) જ ચૂકવ્યા. કંપનીએ પોતાના કામદારોને આપેલ વચન તોડવું ન જોઇએ. ૧૦ વર્ષ સુધી આનો ઉકેલ ન આવ્યો તે ટીકાપાત્ર છે. કારણ માત્ર એટલું જ કે કામદારો ગરીબ અને સત્તા વગરના હતા તેથી સરકાર કે કંપનીને કશું કહી શકતા ન હતા. પણ હવે આ નિર્ણયને કારણે મને બહુ હાશકારો થયો છે. મારા દેશમાં ફરી આવું થવું જોઇએ નહી એવી જ હું અપેક્ષા અને આશા રાખું છું. હું લવાદ સમિતિના અધ્યક્ષ અને બીજા લોકોનો આભારી છું જેમણે આ બાબતે રસ લીધો છે.

શાર્પે પોતાના નિવેદનમાં કહ્યું કે કશી વિગત વગરની લવાદની દરખાસ્ત સ્વીકારી લેવાનું અમારા માટે અઘરૂં હતું પણ અમે લવાદ પર વિશ્વાસ રાખવાનું નકકી કર્યું. એવું જ સેમસંગ માટે હતું. પોતાના દરજજા અનુસાર કંપની પોતાના કામદારોના જીવનની સુરક્ષા કરશે તેવી આશા અમે રાખીએ છીએ. અમારા ટેકેદારોએ બે શિયાળા અને ત્રણ ઉનાળા એક તંબુ નીચે ગાળ્યા જયાં ન સરખી ભોંય હતી, ન સરખું છાપરૂં. એ સૌના અમે આભારી છીએ. પીડિતો અને તેમના કુટુંબીજનોની ધીરજની અમે કદર કરીએ છીએ. એકબીજાના હાથમાં હાથ પરોવી તેમણે ગુસ્સો, નિરાશા અને યાતના સહન કરી છે. ધરણાને કારણે ઘસાયેલા અમારા તનમનને અમે હવે પુનઃ ઉર્જીત કરીશું.

આ કામદારો, કાર્યકરો, કર્મશીલોએ પોતાના આંદોલનન લાંબા સમયગાળા દરમિયાન કોઇ તોડફોડ કરી નથી, વાહનો રોકીને આગ ચાંપી નથી, કોઇ મોબ લીંચીંગ કર્યું નથી, કોઇને ગાળાગાળી કરી નથી. એમની ઠંડી તાકાત, આત્મવિશ્વાસ, જુસ્સો, મજબુત મનોબળ, હિંમત અને તાકાત માત્ર બેસી રહીને કે સુત્રોચ્ચાર કરીને બતાવી. એમના આ આંદોલનની વધુ વિગત અમે એકઠી કરી રહ્યા છીએ તે દરમિયાન તેમની આ શાનદાર સફળતાને વધાવીએ, એમને અભિનંદન પાઠવીએ અને એમાંથી પ્રેરણા લઇએ.

++++++

ચાલો કોરિયાથી ઉતરીને ભારતવર્ષમાં પધારીએ.

આ દેશમાં ઇલેકટ્રોનીક ઉદ્યોગની શી સ્થિતિ છે? ભારતમાં હજુ એમ જ માનવામાં આવે છે કે આ એક સ્વચ્છ એટલે કે પ્રદુષણ વગરનો અને જોખમ વગરનો ઉદ્યોગ છે. ભારત સરકાર અને બધા રાજયો આ ઉદ્યોગને વિકસાવવા પ્રયાસો કરી રહ્યા છે. ૧૯૬૬માં ભારત સરકારે ઇલેકટ્રોનીકસ ઉદ્યોગના વિકાસની સંભાવના તપાસવા હોમી ભાભાના વડપણ હેઠળ સમિતિ બનાવેલી. ૧૯૭૦માં એ માટે ભારત સરકારે જુદો વિભાગ ઉભો કર્યો અને ૧૯૭૧માં ઇકેલટ્રોનીકસ કમિશન બનાવ્યું. હાલની સરકાર આ ઉદ્યોગના વિકાસ માટે ઘણું પ્રોત્સાહન આપે છે. ૨૦૨૦ સુધીમાં ભારત ઇલેકટ્રોનીકસ ઉદ્યોગનું મોટું કેન્દ્ર હશે. ભારત સરકારે ૨૦૧૭—૧૮ના નાણાંકીય વર્ષ દરમિયાન આ ઉદ્યોગને ઉત્તેજન આપવા ૧૧૪ મિલ્યન ડોલરની જોગવાઇ કરી છે તે મુજબ મોડીફાઇડ ઇન્સેન્ટીવ સ્પેશિયલ પેકેજ સ્કીમ (એમ—સીપ્સ) અને ઇલેકટ્રોનીકસ ડેવલપમેન્ટ ફ્ન્ડ (ઇડીએફ)બનાવવામાં આવ્યા છે. તે કારણે ઇલેકટ્રોનીકસ ચીજોની આયાત ઘટશે તેવી ધારણા છે. સ્માર્ટ કાર્ડ, ક્ન્ઝયુમર એપ્લાયન્સ, ઇન્ટરનેટ પ્રોડકટ્‌સ જેવી ૧૫ ચીજો એમ—સીપ્સ સ્કીમ હેઠળ આવે છે. ઇડીએફ આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે આપવામાં આવે છે. ભારત સરકારે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે તે કારણે પણ ઇલેક્ટ્રોનીક ઉત્પાદન વધી રહ્યું છે. ૨૦૨૦ સુધીમાં આયાતો ઘટાડવાની ભારત સરકારની નીતિ હોવાથી ભારત ઝડપથી ઇલેક્ટ્રોનીક ઉત્પાદનનું કેન્દ્ર બની રહ્યું છે.

હાલ ૧૦.૭%ને દરે આ ઉદ્યોગ વીકસી રહ્યો છે. હાલ ૪૩ લાખ લોકો આ ઉદ્યોગમાં રોજગારી મેળવે છે પણ ૨૦૨૨ સુધીમાં ૮૯ લાખ લોકોની આ ઉદ્યોગને જરુર પડશે તેવી ધારણા છે. ૨૦૧૫માં આ ઉદ્યોગ ૭૫ અબજ અમેરિકન ડોલરનું મુલ્ય ધરાવે છે. ૨૦૨૦ સુધીમાં ભારતમાં વર્ષે ૨૦૦ મિલ્યન સ્માર્ટફોનનું વેચાણ થાય તેવી ધારણા છે. નીતિ આયોગના અહેવાલ મુજબ મે ૨૦૧૬માં ભારતમાં ઇલેક્ટ્રોનીક ઉદ્યોગનો જીડીપીમાં ૧.૮ ટકા ફાળો હતો, તાઇવાનમાં ૧૫.૫% અને દક્ષિણ કોરિયામાં ૧૫.૫૦% ફાળો આ ઉદ્યોગનો રહ્યો છે. એટલે કે આપણે હજુ ઘણા પછાત છીએ. ઓગસ્ટ ૨૦૧૬ સુધીમાં ભારતમાં ૩૭ જેટલી મોબાઈલ ઉત્પાદન કરતી કંપનીઓ એ એક જ વર્ષના ગળામાં રોકાણ કર્યું જેને કારણે ૪૦,૦૦૦ સીધી રોજગારી અને ૧,૨૫,૦૦૦ કુલ રોજગારી ઉપલબ્ધ થઈ છે.

ભારત સરકારના ડીજીટલ ઇન્ડિયા કાર્યક્રમને કારણે ઇલેક્ટ્રોનીક ઉત્પાદન વધી રહ્યું છે. અગાઉ ૬ કરોડ મોબાઇલ ભારતમાં બનતા કે એસેમ્બલ છતાં તેની જગ્યાએ હવે ૧૧ કરોડ ભારતમાં બને છે અથવા એસેમ્બલ થાય છે. મોબાઈલ ફોનનું ઉત્પાદન ૨૦૧૫—૧૬માં હતું તે કરતાં ૧૮૫ ટકા વધ્યું છે. આવતા પાંચ વર્ષમાં ફોકસકોન જે દુનીયાની સૌથી મોટી ઈલેક્ટ્રોનીક કંપની છે તે ભારતમાં ૫ બીલીયન ડોલરનું રોકાણ સંશોધન અને વીકાસમાં કરશે. ઉત્તર પ્રદેશમાં સ્પાઇસ ગ્રુપે મોબાઇલ ફોનના ઉત્પાદન માટે ૫ બિલ્યનના રોકાણના એમ.ઓ.યુ કરેલા છે. સેમસંગ એમ.એસ.એમ.ઈ.ટુલ ભારતમાં ચાલુ કરશે. સેમસંગના ભારતમાં નોઇડામાં અને શ્રીપેરુમ્બદુરમાં રેફ્રિજરેટર, ટેલિવિઝન, વોશિંગમશીન અને મોબાઇલ ફોન બનાવવાના કારખાના છે. વીવો, લીનોવો, બ્લેકબેરી, એચટીસી, મોટોરોલા માટે મોબાઇલ બનાવતી વીસ્ટ્રોન કંપનીએ પણ ઉત્તરપ્રદેશમાં રોકાણ કર્યું છે. ભારતમાં ઇલેક્ટ્રોનીક સીસ્ટમ ડીઝાઇન મેન્યુફેક્ચરના ૧૨૦ જેટલા એકમ ભારતમાં છે. આઈ સી ડીઝાઇન માટે ભારતમાં બે લાખ એન્જીનીયર કામ કરી રહ્યા છે. ગુજરાતના પ્રાંતિજમાં ભારતનો સેમીકંડકટર વેફર ફેબ્રિકેશન સૌથી મોટો પ્લાન્ટ નાખ્યો છે જેમાં ૪,૦૦૦ને સીધો રોજગાર મળશે અને કુલ ૨૫ હજારને રોજગાર મળશે. અદાણી જુથ મુંદ્રામાં સોલાર ફોટોવોલ્ટીક ફેબ્રીકેશન નાખશે જેમાં ૪૫૦૦ને સીધી રોજગારી મળશે.

કામદારોને જે અનુભવ અમેરિક, તાઇવાન અને હવે દક્ષિણ કોરિયામાં થયા તેનું પુનરાવર્તન હવે ભારતમાં થશે તેવા સ્પષ્ટ એંધાણ છે. કેમ કરીને બચશું—બચાવશું ?


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

4 comments for “વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી – કિંગકોંગ સાથે લડાઇઃ સફળતા માટે સતત ૧૦૨૨ દિવસ સુધી કામદારોએ ધરણા કર્યા !

 1. August 29, 2018 at 8:40 am

  आरोग्य अने सलामतीनी आ पोस्ट मोटी छे पण एना उपर महेनत करी शरुआत थी अंत सुधी जे लखांण छे एने बे वखत वांचवानी हुं भलामण करुं छुं. 

  मारे उंमर सीतेर उपरनी थई गयी छे अने सेमसंगनुं मोंघु मोबाइल वापरुं छुं. वहेली सवार थी मोडी रात सुधी ए मोबाइल मारी साथे ने साथे रहे छे. मने जडपथी टाईपनो अनुभव पचास वरसनो समजवो पण मोबाईल उपर टाईप माटे ठोठ नीशाळीयो.. 

  बोले एना बोर वेंचाय ए मुजब हालनी अने खास करीने नरेन्द्र मोदीनी सरकार बोर वेंची रही छे. लोकशाहीमां भृष्टाचार अने कामचोरीना कारणे देशना लोकोने नुकशान थाय छे अने आपणने आ बधुं रामायण अने महाभारतथी वारसमां मळेल छे.

  आ नवी नवी टेकनोलोजीने कारणे हजार घणीं जागृती आवेल छे अने नुकशान भोगव्या वगर छुटको नथी….

 2. Dipak Dholakia
  August 29, 2018 at 10:47 am

  ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગના વિકાસ સાથે આરોગ્યની સંભાળનાં પગલાં પણ લેવાનું જરૂરી છે. લોકોના આરોગ્યની વાત હોય ત્યારે ઉદ્યોગને પોતાની માહિતી ગુપ્ત રાખવાની છૂટ આપવી તે ક્રિમિનલ કૃત્ય છે. આ લેખ દ્વારા જગદીશભાઈએ ભવિષ્ય પ્રત્યે સવેળા ધ્યાન ખેંચ્યું છે. લેખ લાંબો છે એટલે બે ભાગમાં આપવો જોઈતો હતો.

 3. પ્રબોધ કાપડિયા
  August 29, 2018 at 11:46 am

  સેમસંગ નો કામદારો સાથે નો વ્યવહાર અને
  એ કંપની વિશેની અન્ય વાતો પણ જાણી,
  એક માલેતુજાર કંપની તેના કામદારો પ્રત્યે
  કેવો વ્યવહાર કરે છે,તે સુપેરે આ લેખમાં જણાવાયું,,ધન્યવાદ,,

 4. September 1, 2018 at 2:28 pm

  I am shocked to know that many workers died, many workers are suffering from ODs…so I presume what will be the gate of our country going to be knowing as Make in India… Digital India….???? !!!!!
  It is also horrible that in the name of trade secret there is no value of human being. I hate such policy. Moreover it Should knock the door of the International Human Rights agency for proper consideration of Haman values.
  I salute long struggle of SHARP members.Your patience with hope of fruitful results is appreciated.
  Thanks JB for bringing such useful information.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *