વલદાની વાસરિકા : (૫૯) ઘણા સમય પહેલાં ….

Facebooktwitterredditpinterestlinkedinmail

વલીભાઈ મુસા

“ઘણા સમય પહેલાં, એક રાજા હતો…રાજકુમારી હતી…પરી હતી!”. સૈકાઓથી ડોશીમાઓ નાનાં છોકરાંઓને કહેતી આવતી વાર્તાઓમાં આવી રીતે શરૂઆત થતી રહી છે. પણ, અહીં અમારા ગામ – કાણોદરની દશકાઓ પહેલાંની અને સૈકાઓ જૂની હાથવણાટ કાપડના સંદર્ભમાં વાત છે. હાલમાં પણ, જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં અમારા ગામનો પરિચય આપવામાં આવે છે, ત્યારે શરૂમાં જ આ વાક્ય હોય છે કે “ઘણા સમય પહેલાં, કાણોદરને બનાસકાંઠા (ગુજરાત-ભારત) જિલ્લાના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું હતું.”

મારા ઇન્ટરનેટના સર્ફિંગ દરમિયાન, એક અંગ્રેજી કાવ્ય “ઈન્ડીઅન વિવર્સ” ઓચિંતુ નજરે ચઢ્યું. આ કાવ્ય પોતાના સમયની વિખ્યાત કવયિત્રી સરોજિની નાયડુ, કે જેમને “ભારતીય બુલબુલ”નું બિરુદ આપવામાં આવ્યું હતું, દ્વારા રચાયેલું હતું. આ કાવ્ય વાંચ્યા પછી તરત જ મારા બાલ્યકાળથી પરિચિત એવા અમારા કાણોદર ગામની ભૂતકાળની યાદો તાજી થઈ. સરોજિની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખપદે રહી ચુકેલાં હતાં અને મને લાગ્યું કે કોંગ્રેસના મુખ્ય કેન્દ્ર ગુજરાતની મુલાકાત ટાણે તેમણે અમારા ગામની મુલાકાત લીધી હોય અથવા ગામ વિષે તેમણે સાંભળ્યું હોય; જે હોય તે, પણ મારી ધારણા મુજબ કાવ્યના વર્ણનમાં અને અમારા ગામના ધંધાકીય વાતાવરણમાં મને વિશેષ સામ્ય દેખાયું. વળી, મારી આ ધારણા કદાચ ખોટી પણ હોય કેમ કે કવિઓ માનવીઓના જીવાતા જીવન ઉપરથી જ પોતાની કૃતિઓ રચતા હોય છે અને અહીં જોગાનુજોગ પણ હોય!

પ્રારંભે, હું મારા આજના વિષયમાં પ્રવેશતાં પહેલાં ઉપરોક્ત કાવ્યનો સંક્ષિપ્ત સાર આપીશ. કાવ્યની શરૂઆતમાં, કવયિત્રી હાથસાળના કારીગરોને વહેલી સવારે આનંદપૂર્વક વણતા જોઈને પૂછે છે કે તેઓ શું વણી રહ્યા છે, જેનો જવાબ મળે છે કે નવીન જન્મેલ બાળકના પોષાક માટેનું કાપડ વણી રહ્યા છે. પછી, તેઓ રાત્રી શરૂ થવા વખતે શું વણી રહ્યા છે તેમ પૂછવામાં આવતાં તેમનો જવાબ મળે છે કે તેઓ રાણીના લગ્ન માટેનાં વસ્ત્રો માટેનું કાપડ વણી રહ્યા છે. કાવ્યને અંતે, જ્યારે આ કારીગરો અજવાળી રાત્રે ચૂપચાપ અને શાંતિપૂર્વક પીછા અને વાદળ જેવું કંઈક શું વણી રહ્યા છે તેવું પૂછતાં આપણા દિલને સ્પર્શી જાય તેવો જવાબ આપણને સાંભળવા મળે છે કે તેઓ મૃત્યુ પામનારની દફનવિધિ માટેનું કફન વણી રહ્યા છે!

ઉપરોક્ત કાવ્યે મને આ લેખ લખવા માટેની પ્રેરણા આપી છે. આ લેખ પાછળનો મારો મુખ્ય હેતુ એ છે કે કાણોદરના વતનીઓની વર્તમાન પેઢી જાણી શકે કે કેવી રીતે અમારા બાપદાદાઓ ચાર ચાર સૈકાઓ સુધી આ ઉદ્યોગના સહારે પોતાના અસ્તિત્વને ટકાવી શક્યા હતા.

હાથસાળ કાપડ વણાટ એ ગૃહઉદ્યોગ હોવાના કારણે અહીં કામના નિશ્ચિત કલાકોનો કોઈ સવાલ જ ન હતો. ઉપરોક્ત કાવ્ય મુજબ આ બિચારા માણસોને પોતાની હાથસાળ ઉપર વહેલી સવારથી મોડી રાત સુધી કામ કરવું પડતું હતું. મારા વાચકો અને ખાસ કરીને વિદેશમાં સ્થાયી થએલાઓ સમજી શકશે કે તેમના સખત પરિશ્રમના વૈતરા પાછળ વધારે કમાણી કરવાનો કોઈ લોભ ન હતો, પણ તેમ કરવા માટેની તેમના ઉપર ફરજ પડતી હતી કે જેથી ખૂબ જ પાતળા નફા અને અપૂરતી મજૂરી સામે પોતાની જાતને ટકાવી રાખી શકે.

મારી યાદદાસ્તમાં ૧૯૬૦ના સમયગાળાના કેટલાક આંકડાઓ તાજા છે કે ત્યારે ગામમાં લગભગ ૧૨૦૦ હાથસાળો અને ૧૦૦ જેટલી પાવરલુમ્સ હતી. ગામની કોઈ એક માત્ર જ્ઞાતિ પૂરતો જ સીમિત નહિ, પણ તમામ લોકોએ આજીવિકાના સાધન તરીકે આ ઉદ્યોગને અપનાવ્યો હતો. કેટલાક કારખાનેદાર વણકરો હતા, પણ મોટા ભાગના સ્વયંમ્ રોજગારીનો ગૃહઉદ્યોગ ધરાવતા હતા કે જેમાં ઘરની જ બધી આબાલવૃધ્ધ વ્યક્તિઓ સંકળાયેલી રહેતી. તેઓ ખાસ કરીને મલમલ (સફેદ ગ્રે કાપડ) અને સાડીઓનું ઉત્પાદન કરતા. સાડીઓ એટલી બધી સસ્તી રહેતી કે કે સાવ ગરીબ સ્ત્રી પણ તેને ખરીદી શકે. મારા વાચકો કદાચ માને પણ નહિ, પણ હકીકત છે કે તે વખતે એક સાડી (૫ વાર લંબાઈ અને ૪૮ ઈંચ પનાવાળી) માત્ર રૂપિયા ૨.૫૦ માં વેચાતી. સાડીનું રંગીન સૂતર ડાયરેક્ટ રંગોથી જાતે જ રંગી લેવામાં આવતું અને માત્ર બે કિનાર, પાલવ અને ચોકડા ડીઝાઈન પૂરતું વપરાવાના કારણે તેની પડતર કિંમત નીચી લાવી શકાતી.

મલમલ ગ્રે સ્વરૂપમાં જ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં જથ્થાબંધ ધોરણે ફેંટા (પાઘડી) અને પ્રીન્ટ સાડી છપાવા માટે વેચાતું. ૧૯૪૭ પહેલાં હાલનું પાકિસ્તાન કે જે ભારતનો જ ભાગ હતું, ત્યાં સિંધ અને અન્ય પ્રાંતોમાં કાપડની મિલો નહિવત્ હોવાના કારણે કાણોદરના મલમલની ખૂબ ખરીદી રહેતી અને સ્થાનિક વેપારીઓ ઘણી વાર જલ્દીથી માલ પહોંચાડવા નાના કાર્ગો ચાર્ટર્ડ પ્લેનને પણ બુક કરાવતા.

હવે આપણે પેઢી દર પેઢી ચાલી આવતી હાથવણાટની આ કારીગરી વિષે થોડીક પ્રાથમિક જાણકારી મેળવીએ. સરળ શબ્દોમાં કહીએ તો આ પ્રક્રિયા તાણા અને વાણામાં ગોઠવાતા દોરાને વણી લેવામાં સમાયેલી છે. તાણો એટલે ઊભા સ્થિર તાર અને વાણો એટલે આડા તાર જે વણાટ પ્રક્રિયામાં કાપડના પના સુધી મર્યાદિત રહેતા હોય છે. છેલ્લી ચાર સદીઓ પૈકીની પ્રથમ ત્રણેક સદીઓ સુધી અવિકસિત કારીગરી હોવાના કારણે નળા (shuttle)ને એક હાથથી બીજા હાથ તરફ ફેંકવામાં આવતો અને પરિણામે મહેનત વધારે અને ઉત્પાદન સાવ ઓછું આવતું. પછી તો ફ્લાઈંગ શટલની પદ્ધતિના આગમનથી ઝડપ વધી અને ઉત્પાદન પણ વધુ આવવા માંડ્યું. સાળના બન્ને છેડે નળાની આવનજાવન માટે પેટીઓ લાગી અને કારીગર દોરીઓ વડે એક જ હાથથી નળાને ફેંકી શકવા માંડ્યો અને બીજા હાથથી વાણાના તારને ઠોકી શકાતો. આ નવીન રીતે કારીગર સાવ આસાનીથી રોજના સાતથી આઠ કલાક કામ કરીને લગભગ વીસેક વાર મલમલ વણી શકતો. મારા ઈન્ટરનેટના સર્ફીંગથી હું જાણી શક્યો છું કે આ ફ્લાઈંગ શટલ પદ્ધતિ છેક ૧૭૩૩માં જ્હોન કે નામના માણસે ઉત્તર પશ્ચિમ ઈંગ્લેન્ડના લેન્કેશાયરમાં શોધી કાઢી હતી, જે અહીં ખૂબ મોડેથી આવી.

આ લેખની સમાપ્તિ પૂર્વે, હું મારા વાચકોને હજારો વર્ષો પહેલાં લઈ જઈશ એ જાણવા માટે કે મનુષ્ય કાપડવણાટની પ્રક્રિયા કેવી રીતે શીખ્યો હશે. મારા સ્નાતક અભ્યાસ પછી લગભગ તરત જ આકાશવાણી રાજકોટમાં ગુજરાતી ન્યૂઝ રીડરનો ઈન્ટરવ્યુ આપવા ગયો હતો, ત્યારે ઇન્ટરવ્યૂ લેનાર અધિકારીએ મને હાથવણાટ ઉદ્યોગ વિષે પાંચ મિનિટનો શીઘ્ર રેડિયો વાર્તાલાપ આપવાનું કહ્યું હતું. મેં સહજ રીત અપનાવીને ‘હું ક્યાંથી આવું છું’ના પ્રત્યુત્તરમાં જણાવેલ કે ‘બનાસકાંઠા જિલ્લાના માન્ચેસ્ટર એવા કાણોદર ગામેથી આવું છું.’. સ્વાભાવિક છે કે ઇન્ટરવ્યૂ લેનાર મને ટેક્ષટાઈલ ઉદ્યોગ વિષે જ પૂછે અને તેમ જ બન્યું.

હવે, આ કાપડવણાટની કારીગરી પાછળના કેટલાક મુદ્દાઓને મેં મારા વાર્તાલાપમાં જે આવરી લીધા હતા તે સાવ જ ટૂંકાણમાં આમ હતા. મને આજે પણ બરાબર યાદ છે કે જેમાં મેં કહ્યું હતું કે (૧) આપણો પુરાતન માનવી પશુપક્ષીઓની જેમ નગ્નાવસ્થામાં ફરતો હતો. (૨) અન્ય શોધોની જેમ તે વણાટકલા કુદરત પાસેથી જ શીખ્યો. (૩) તેણે સૂકા ઘાસનાં તણખલાંમાંથી બનાવી કાઢેલા સૂગરીના માળાની ગૂંથણી અથવા ઝાડ ઉપર અરસપરસ ગૂંથાઈને ચઢતા જતા વેલાઓને જોયા હશે; વગેરે, વગેરે.

છેલ્લે એમ કહેવાનો મને ગર્વ છે કે હું એક હાથસાળ કાપડ વણનાર કારીગરનું સંતાન છું. મારા પિતાજીએ ૪૦ વર્ષ સુધી એક ખાસ પ્રકારની પાકા રંગની સાડીઓનું ઉત્પાદન કરીને અમદાવાદના વેપારીઓ સાથે વેપાર કરેલો, જે અમે આગળ નવાં ૨૦ વર્ષ સુધી ચાલુ રાખ્યો હતો. અન્ય અમારા વણાટકામ કરનારા કારીગરોની સાથે સાથે સૌ કોઈ સ્થાનિક ગ્રામજનો માટે આ ઉદ્યોગ એક આશીર્વાદરૂપ હતો. આજે તો ચાર સદીઓ પુરાણો આ વ્યવસાય સ્વપ્ન સમાન બની ગયો છે. જે હોય તે, પણ હું આશા રાખું છું કે મારા વતનનાં સૌ ભાઈબહેન પણ મારી જેમ ગર્વભેર કહેશે કે “અમે એવા હાથસાળ કાપડ વણનારા કારીગરોના પુત્રો કે પુત્રીઓ છીએ જેમણે સદીઓ સુધી ગરીબ સ્થિતિમાં રહીને પણ ગરીબ લોકોને સસ્તાં વસ્ત્રો પૂરાં પાડ્યાં છે. આજે આપણે જે કંઈ છીએ તે તેમની પ્રમાણિક, પરિશ્રમી અને ગરીબ જિંદગીઓના પરિપાક રૂપે છીએ.”

* * *

સંપર્કસૂત્રો :-

ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 94261 84977

નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો

4 comments for “વલદાની વાસરિકા : (૫૯) ઘણા સમય પહેલાં ….

 1. Vishnu Acharya
  August 28, 2018 at 3:27 am

  This is कर्मयोग, लोकसंग्रह indeed. Pls. trace out the descendants and revive the lost tradition.

 2. August 29, 2018 at 1:58 pm

  … ઘણા સમય પહેલાં, કાણોદરને બનાસકાંઠા (ગુજરાત-ભારત) જિલ્લાના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું હતું.”

  પછી ફલાઈંગ શટલ અને શું ને શું આવ્યું.

  અજંતાની બે હજાર વરસની જુની ગુફામાં એક મહીલાએ જે ચોલી પહેરલ છે એનો ફોટો જોવા જેવો છે. એ જ રીતે મંડપમાં ઉપર છત ઉપર જે પડદો છે એ વચમાં થોડોક નીચે ઢળેલ છે એટલે આ વણાંટ અને વીગતો લોકોને ખબર હતી પણ પછી મુર્તીપુજા ના તુતે મગજને બહેર મારી નાખેલ. 

  તે ઠેઠ અંગ્રેજો વ્યાપાર કરવા આવ્યા અને ફેરફાર થયો. મેં મુંબઈના લાલબાગ, પરેલ વીસ્તારમાં મીલોના મોટા મોટા તોતીંગ ભુંગળા અને ચાર, દસ, પંદર કે  વીસ હજાર માણસો ત્રણ પાળીમાં મીલોના ગેટમાંથી બહાર નીકળતા જોયા છે. મારો મીત્ર સદાનંદ આચરેકર આજે પણ કોઈ મળે એટલે બાંય પાસે ખમીસને હાથ લગાડે અને એના તાણાં વાણાં, ઉપર વાળો જાંણે એમ એ કાપડનો હીસાબ કહે.

 3. August 29, 2018 at 1:59 pm

  વેબ સાઈટ કહે છે કોમેન્ટ મોટી છે એટલે એના બે ભાગ કરેલ છે…

  ભાગ ૨….

  ત્રીસ ચાલીસ વરસ પહેલાં કાપડ મીલોમાં હળતાલો નો જમાનો શરુ થયો. આજે બધી મીલો સો ટકા બધી બંધ થઈ ગયી. સરકારે એ ઉદ્યોગને પોતાના હાથમાં લીધેલ અને કંતાન, બારદાન, પટ્ટી જેવા નાના વ્યાપારીઓને રુપીયા ન આપ્યા તે ન જ આપ્યા. શા માટે ઉધારીમાં માલ આપેલ?

  વલીભાઈ આપની પાસે તો હાથસાળ એ વારસામાં મળેલ છે. એના વીશે જેટલું લખો એ બધું રસદાયક થઈ જાય….

 4. Niranjan Mehta
  August 29, 2018 at 2:17 pm

  બહુ જ રસપ્રદ માહિતી. અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *