નીરવ સંવાદિતાનાં સાધિકા : મા શારદાદેવી

Facebooktwitterredditpinterestlinkedinmail

ડૉ.દર્શના ધોળકિયા

“એક આદર્શ તરીકે કરવું જોઈએ તે કરતાં ઘણું વધારે મેં કર્યું છે.” પોતાને વિશે આ પ્રકારનું નિવેદન કરવાનો હક્ક ગમે તે વ્યક્તિને મળી શકતો નથી. જીવનને પૂર્ણ રૂપમાં પામી લીધા પછીનો, જગતનું અખંડ દર્શન કર્યા પછીનો આ ઉદગાર, આ યુગની મહાન સંત નારી, એમના જેવા જ મહાન સંન્યાસી પતિપરમહંસ શ્રી રામકૃષ્ણદેવની આંતર સહધર્મચારિણી, દૈહિક પત્નીત્વ ને માતૃત્વથી અસ્પૃશ્ય રહીને પત્ની ને જગન્માતા બનીલી મા શારદાનો છે. પોતાને વિશે આ પ્રકારનું નિવેદન કરવાની હિંમત કાં તો ગૌતમ બુદ્ધે ને એનાથીય આગળ જઈને જોઈએ તો યુધિષ્ઠિરે કરી છે. આ બંને માનવગુરુઓને મતે, પોતાને સત્ય લાધ્યું છે તે સત્ય જ હોઈ શકે, અન્ય કશું જ નહિ એવી પ્રતીતિ છે. આ વ્યક્તિઓએ પણ જીવનને પામ્યા પછી પોતે મેળવેલી સ્થિતિને સ્પષ્ટ કરવા માટે આ પ્રકારનું નિવેદન કર્યું હોઈ, તેને ઘમંડ કહેવાની ભૂલ કરવામાં ઔચિત્ય સચવાતું નથી. શારદામણિદેવીને પણ બુદ્ધ અને યુધિષ્ઠિરની પંગતમાં બેસવાનો પૂરો અધિકાર છે એમનાં જીવનદર્શન તેમ જ જીવનનિષ્ઠાને લઈને.


શારદાદેવીના ભાગે ભારતના – કહો કે જગતના – મહાન અધ્યાત્મ પુરુષ રામકૃષ્ણ પરમહંસના સહયાત્રી બનવાનું આવ્યું છે. શારદા રામકૃષ્ણનાં પ્રથમ શિષ્યા છે. રામકૃષ્ણે સમાજ પ્રતિ ઇચ્છેલા ને આચરેલા લોકકલ્યાણના વિચારનાં એ પ્રથમ વાહક બન્યાં છે. પતિની જેમ જ એમની પાસે કોઈ બાહ્ય ભભક નથી. આછું-પાતળું અક્ષરજ્ઞાન – તે પણ પાછળથી મેળવેલું, ગ્રામ્યસમાજમાં થયેલો ઉછેર, તત્કાલીન બંગાળની રૂઢિચુસ્ત નીતિ-રીતિમાં વીતેલું બાળપણ ને અમુકાંશે યુવાની પણ – જેવી બાહ્ય ઓછપ, રામકૃષ્ણ સાથે સંવાદ સાધવામાં શારદાદેવીને જરાય નડી નથી એના મૂળમાં શારદાના આંતરપ્રવાહમાં વહેતી જીવન પ્રત્યેની નીરવ સંવાદિતા છે. સંસારનું સઘળું કંઈ તેઓ જોડવા આવ્યાં હોય તેવું જણાય છે. તેમનામાં પડેલી નિર્મળ જીવનદ્રષ્ટિએ તેમને ભવિષ્યની સાધના માટે સક્ષમ બનાવવામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. તેમના વ્યક્તિત્વમાં પડેલી આ અનંત શક્યતાઓને લઈને જ કદાચ તેઓ રામકૃષ્ણના જીવનમાં પ્રવેશ પામી શક્યાં છે. શારદાદેવીને પોતાના એક આવશ્યક અંગ તરીકે રામકૃષ્ણે દબદબાભેર પોતાના જીવનનાં સહયાત્રી તરીકે પ્રવેશ આપ્યો છે. સમાજ ને કુટુંબ જેમને ગાંડા ગદાધર તરીકે ઓળખતું હતું તેવા આ લોકોત્તર પુરુષે પોતાથી ૧૯ વર્ષ નાની બાલિકા શારદા સાથે પસંદગીનાં લગ્ન કર્યાં છે. આ વસ્તુ દર્શાવે છે કે પત્નીનાં સંવિતને રામકૃષ્ણે એક ઝવેરીની નજરથી પારખ્યું છે. આ સંવિતને લઈને જ આ વિરલ દંપતીની પરસ્પર વિકસેલી સૂક્ષ્મ રતિ, આસક્તિને અતિક્રમી ગયેલી વિરક્તિ બનીને દામ્પત્યનું નવીન સ્વરૂપ પ્રગટાવી શકી છે. આ અર્થમાં, આ બંનેના, દામ્પત્યને મૌલિક કહી શકાય.

રામકૃષ્ણ જેવી વ્યક્તિએ જે રીતે પ્રેમાદરથી શારદાદેવીનું સન્માન જાળવ્યું છે એ જોતાં શારદાનું ભાગ્ય કોઈને પણ ઈર્ષ્યા પ્રેરે એવું ભવ્ય છે. તો બીજી બાજુ સંન્યાસી પતિ પાસે રહીને શારદાદેવીએ ધગધગતા વૈરાગ્યને પોતાના ચેતનાગર્ભમાં ઉછેર્યો છે, વિકસાવ્યો છે, પરાકાષ્ઠાએ પહોંચાડ્યો છે ને અંતે પતિના વૈરાગ્યની જ્યોત સાથે મેળવીને તેનું સંવરણ કર્યું છે એ તેમને મળેલા સદભાગ્યની શારદાએ ચૂકવેલી કિંમત છે. આ દંપતીએ પોતપોતાના વૈરાગ્યને ચકાસવા માટે દામ્પત્યનો એક માધ્યમ તરીકે ઉપયોગ કર્યો હોય તેવું જણાય છે.

બંગાળના બંગાળના બાંકુડા જિલ્લામાં, અગ્નિકોણમાં આવેલા, નાનકડા ગામ જયરામવાટીમાં ઈ.સ.૧૮૫૩ની ૨૨ ડિસેમ્બરની રાત્રે, પિતા રામચન્દ્ર મુખરજી ને માતા શ્યામાસુંદરીદેવીને ઘેર પ્રથમ પુત્રી તરીકે જન્મેલાં શારદાદેવીનું બાળપણ ઝાઝું ટક્યું નથી. પાંચ વર્ષ પછી જ4 ઈ.સ.૧૮૫૯ના મે માસમાં કામારપુકુર ગામમાં રહેલા ખુદીરામ બોઝના પુત્ર ગદાધર સાથે શારદા લગ્નગ્રંથિથી જોડાય છે. શારદાનું માગું ખુદ ગદાઈના કહેવાથી જ નંખાયું છે. પાંચ વર્ષની બાલિકા સાથે લગ્નથી જોડાયેલા ચોવીસ વર્ષીય ગદાધર ખુશખુશાલ છે. ૧૮૬૦ના ડિસેમ્બર માસની આસપાસ શ્વસુરગૃહની મુલાકાત લેતા ગદાઈ પત્ની શારદાને મળે પણ છે !

જીવનના પ્રારંભથી જ શારદાદેવીએ પોતામાં રહેલું હીર કાળજીથી છુપાવ્યું છે. તેમને જાણે કે પતિએ જ તૈયાર કર્યાં હોવાનો વહેમ જાય એટલી હદે શારદાએ નિર્દોષતા, સરળતા ને નમ્રતા દાખવ્યાં છે. નાનપણથી જ વિદ્યાપ્રાપ્તિની શારદાને હોંશ ને ધગશ છે. સાસરે જતી શારદા ચોરીછોપીથી ભત્રીજી લક્ષ્મીની ચોપડી વાંચે છે. પાછળથી તેઓ દક્ષિણેશ્વરના નિવાસ દરમિયાન સરખી રીતે વાંચતાં લખતાં શીખેલાં. આ અભ્યાસને પરિણામે તેઓ રામાયણ જેવાં પુસ્તકો વાંચી શકતાં પણ લખી શકતાં નહિ. કામારપુકુરમાં રહ્યાં ત્યારે તરવાનું, ગાવાનું ને સીવવાનું શીખ્યાં. યુવાન રામકૃષ્ણે તેમને ગૃહજીવનને લગતી તાલીમ આપી, જેમાં હોડીમાં કે ગાડીમાં જતી વખતે વસ્તુઓ કેમ સાચવવી, દીવાની વાટ કેમ સંકોરવી, દાળ-શાકનો મસાલો કે કરવો, પાન કેમ બનાવવું – વગેરે બાબતોનો સમાવેશ થતો હતો. પતિએ આ સમયે માતા બનીને શારદાદેવીને ગૃહિણીધર્મની કેળવણી આપી જેથી કરીને માતાજી પોતાના શ્વસુરગૃહમાં પણ સન્માનપૂર્વક રહી શકે. શારદાદેવી એક વૈરાગીને પરણ્યાં હતાં એ વાતનો રામકૃષ્ણે આછો અંદેશો પણ બાલ્યાવયની પત્નીને આવવા દીધો નથી કે નથી તો તેમનામાં અધ્યાત્મની ભાવના જગવવાનો લેશમાત્ર પ્રયત્ન કર્યો. એક બાલિકાની આંતરિક જરૂરિયાતને જ લક્ષમાં લઈને રામકૃષ્ણે પત્નીની ભારે કોમળતાથી માવજત કરી છે. પતિનો પોતાના પ્રત્યે આ પ્રકારનો પ્રેમ જોઈને જ માતાજીએ પણ બહુમાનપૂર્વક પોતાના હૃદયદેવ તરીકે આ દિવસોમાં, અનાયાસે જ તેમને સ્થાપી દીધા છે. લગ્નના આ પ્રારંભકાલીન દેવસોને પાછળથી યાદ કરતાં માતાજીએ નોંધ્યું છે : “ત્યારથી મને એવો અનુભવ થતો કે મારા હૃદયમાં જાણે આંનદનો એક પૂર્ણ કળશ સ્થાપિત થઈ રહેલ છે. તે ધીર, સ્થિર અને દિવ્ય ઉલ્લાસથી મારું અંતર કેટલે સુધી, કેવી રીતે ભરેલું રહેતું તે શબ્દોથી ન સમજાવી શકાય.” માતાજીના પ્રસન્ન દામ્પત્યન મૂળમાં આવી કેટલીક, બહારથી નાની લાગતી પણ અસરકારક ગણી શકાય એવી ઘટનાઓ પડેલી છે.

બાલ્યાવસ્થામાં પતિને પ્રેમમૂર્તિ તરીકે જોયા પછી ફરીથી થોડો સમય શારદાદેવીને તેમનો વિરહ ભોગવવાંપ આવ્યો છે. રામકૃષ્ણ દક્ષિણેશ્વર રહેવા ચાલ્યા જવાથી માતાજી પણ રહેવા ગયાં. ઈ.સ.૧૮૬૭-૬૮ના ગાળામાં માતાજીને કાને પતિની ઉન્માદ અવસ્થાનું વર્ણન સાંભળવામાં આવ્યું. ગામલોકો માતાજીને એક ગાંડા માણસની પત્ની ગણીને દયનીય માનવા લાગ્યાં. આ પરિસ્થિતિથી વ્યથિત થયેલાં શારદાદેવીએ જાતે જ દક્ષિણેશ્વર જઈને પતિની તપાસ કરવાનું યોગ્ય ધાર્યું ને પિતા સાથે કલકત્તા જવા નીકળ્યાં.

ઉન્માદી ને સાથોસાથ વિદેહી તરીકે ઓળખાતા રામકૃષ્ણદેવ પોતાની યુવતી બનેલી અઢારવર્ષીય પત્નીનું વિસ્મય પ્રેરે એ રીતનું પરોક્ષ સ્વાગત કર્યું છે. જયરામવાટીથી આવેલા યાત્રીઓને દક્ષિણેશ્વરના ગંગાઘાટે ઊતરતા જોઈને પોતાના ભાણેજ હૃદયને રામકૃષ્ણ પૂછે છે, ‘ઓ હૃદુ, આ અશુભ ઘડી તો નથી ને ? એ પહેલીવાર આવે છે.’ આનસક્ત રામકૃષ્ણદેવની પત્ની પ્રત્યેની સૂક્ષ્મ રતિનો આ પ્રથમ પરિચય છે. શારદામણિદેવી રામકૃષ્ણના જીવનમાં શુભ ઘડી બનીને હંમેશને માટે પ્રવેશ્યાં તે ક્ષણથી જ તેમના ગુણોએ કરીને આ મહામાનવનો આદર તેમણે પ્રાપ્ત કર્યો છે.

આ દિવસોમાં રામકૃષ્ણે શારદામણિને સહશનય કરવાની અનુમતિ આપી છે. ત્યારથી તેમનું મૌલિક દામ્પત્ય શરૂ થયું છે. સંસારમાં, પત્નીનો ભાગ ભજવવા આવેલી આ યુવતીને તેમનાથી તેમનાથી ઓગણીસ વર્ષ મોટા પતિનો પહેલો પ્રશ્ન આ છે : ‘તમે મને શું સંસારના માર્ગે ખેંચી જવા આવ્યા છો ?’ ત્યારે શારદાદેવીનો તેમને અસામાન્ય યુવતી તરીકે પ્રગટ કરતો ઉત્તર સાંપડે છે : ‘ના રે, ભાઈ, હું શા માટે તમને સંસારના માર્ગે ખેંચી લઈ જાઉં ? હું તો તમને સંસારને માર્ગે સહાય કરવા માટે જ આવી છું.’ આ ઉત્તર કંઈ મનને કેળવીને, સમજાવીને, બહેલાવીને અપાય એવો ઉત્તર તો નથી જ એ સહેજે સમજાય તેવું છે. આ પ્રકારના ઉત્તરનું જિંદગીભર વહન કરવું એ પણ કેટલું મુશ્કેલ હશે એ વાત પણ સમજાય તેવી છે. આ પરથી અનુમાન કરવું મુશ્કેલ નથી કે શારદાદેવી પણ પ્રચ્છન્ન રીતે વિરક્ત સ્ત્રી જ હશે. સહશયનની ક્ષણોમાં સામાન્ય સ્ત્રી પતિનો આવો પ્રશ્ન સાંભળીને કાં તો મૂંઝવણમાં મૂકાય, કાં તો પતિથી નારાજ થઈ જાય અથવા વિવશ થઈને જીવનને ધિક્કારવા લાગે. એને બદલે સ્વસ્થ રીતે પતિની વિચારધારાને સમજીને પહેલે જ ધડાકે શારદાદેવીએ પોતાની જાતને પ્રમાણિક કરી દીધી છે. આ ક્ષણે સમજાય છે રામકૃષ્ણે તેમના ઉપર પ્રશન્નતાની મારેલી પત્ની તરીકેની પસંદગીની મહોર. પત્નીને રામકૃષ્ણ પહેલેથી જ પારખે છે. આથી જ એક વાર તેમની ઓળખાણ આપતાં તેમણે કહેલું ‘ એ છે શારદા, જ્ઞાનદાહિની. આ વખતે રાખ ઢાંકી આવી છે. રાખ ઢાંકીને આવેલી બિલાડીની જેમ એનું રૂપ ઓળખાય નહીં.,’ શારદાદેવીએ ભલે રાખ ઢાંકીને રહેવાનું પસંદ કર્યું પણ એમનું રૂપ છુપાય તેમ જ નહોતું. ખુદ રામકૃષ્ણે એમનું રૂપ પ્રગટ થાય એમ ઈચ્છેલું. ક્યારેક રમૂજમાં તો ક્યારેક ગંભીર રીતે રામકૃષ્ણે પત્નીનાં હીર વિશે ઈશારો કર્યો જ છે. વાતવાતમાં એક વાર હસીને રામકૃષ્ણે સંતાનો વિશેનો પોતાનો અભિપ્રાય જણાવતાં કહેલું, ‘જે સંતાનના જન્મ સમયે માતા શણગારે, એ જ માતા તેના મૃત્યુ વખતે કલ્પાંત કરે. એના કરતાં બાળકો ન હોય તે જ સારું.’ આ સાંભળીને શારદાદેવીએ તરત જ દલીલ કરતાં કહ્યું,’બધાં બાળકો કંઈ મરી ન જાય.’ પત્નીની વાત સાંભળીને પ્રસન્ન થયેલા પરમહંસદેવે મજાક કરી : ‘અરે, આ તો જીવતા નાગ પર પગ પડ્યો ! મને તો એમ કે ભોળાં છે. પણ આ તો બધું સમજે છે.’ બધું જ સમજવા છતાં પોતાના વ્યક્તિત્વને શૂન્યવત્ કરવાની શારદાની કળાએ કરીને રામકૃષ્ણ જિતાઈ ગયા છે.

રામકૃષ્ણના ભાણેજ હૃદય અવારનવાર શારદાદેવી સાથે અપમાનપૂર્વક વાતચીત કરતા ત્યારે એક વાર રામકૃષ્ણે તેમને ચેતવતાં કહેલું, ‘આનામાં (પોતામાં) જે છે તે કોઈ વાર ફૂંફાડો મારશે તો વાંધો નથી, પણ આમનામાં (શારદામણિમાં) જે છે તે જો ફૂંફાડો મારશે તો પછી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ પણ બચાવી નહીં શકે.’ શારદાદેવીને રામકૃષ્ણની આ પહેલી ને અંતિમ અંજલિ છે. તેઓ જ આ પત્નીને, આ પ્રકારે સમજી શકે.

રાખ ઢાંકીને ફરતાં શારદાદેવીનું સ્થૈર્ય કેવી કેવી ક્ષણોમાંથી પસાર થયું છે એ જોઈને નવાઈ લાગે. પતિની સેવા કરતાં શારદાદેવીએ એક સમયે રામકૃષ્ણને પૂછ્યું : ‘તમે મને તમારી શું કહીને જાણો છો ?’ જવાબ મળ્યો : ‘જે માતા સામે મંદિરમાં બિરાજે છે, તે જ માતાએ આ દેહને જન્મ આપ્યો છે, અત્યારે નોબતખાનાની ઓરડીમાં વસે છે ને એ જ માતા અત્યારે મારા પગ દાબી રહી છે.’ આવો છે આ બંનેનો સંબંધ, જેને કોઈ જ નામ આપવું ઉચિત જણાય તેમ નથી. કોઈ જ નામ આપવું ઉચિત જણાય તેમ નથી. કોઈ પણ પ્રકારની સંજ્ઞા આ મૌલિક દામ્પત્યને આપવામાં અણસમજ વ્યક્ત થઈ જાય તેવું છે. શારદાદેવીનો વૈરાગ્ય પતિના પગલે ચાલવાની હોંશ કે ધૂનમાંતેહે જનમ્યો હોત તો આટલો પતિપક્વ ન હોત. ક્યાંક ને ક્યાંક એમાં વિષાદની ગાંઠ રહી જવા પામી હોત. આથી, સ્વાભાવિક રીતે જ રામકૃષ્ણ પાસે સ્થાન મેળવવું તેમને માટે મુશ્કેલ બની જાત. તેને બદલે, ઊલટાનું રામકૃષ્ણને આમ કહેવાનું આવ્યું, : ‘એ જો આટલાં સંયમી ન હોત ને એમણે જો મનનો સંયમ ગુમાવીને મને આકર્ષ્યો હોત તો કોણ જાણે છે કે હું પણ મારો સંયમ ગુમાવી ન બેસત ? લગ્ન થયા પછી જગદમ્બાને મેં પ્રાર્થના કરેલી કે “ મારી પત્નીના મનમાંથી સ્થૂળ ભોગોને વાસના તદ્દન નિર્મૂળ કરી દેજે. હું એમની સાથે રહ્યો ત્યારે મને ખબર પડી કે મારી એ પ્રાર્થના માએ ખરેખર સાંભળી છે.’ રામકૃષ્ણનું આ નિરીક્ષણ સ્પષ્ટ કરે છે કે શારદાદેવીના વ્યક્તિત્વમાં આશ્વાસન મેળવ્યાની ક્ષણો આવી નથી. તેમને વ્યાસ જેને સમાધાન કહે છે તેવું સમાધાન સાંપડ્યું છે. વૈરાગ્ય તેમનો સ્થાયી ભાવ છે. રામકૃષ્ણ પાસે આવ્યા પહેલાંનાં શારદાદેવી ભોળાં છે, ગ્રામબાળા હોઈને અણસમજુ છે પણ પછીથી ઘડાયાં છે એમ માનવું યોગ્ય નથી. ભૌતિક વિલાસ શું છે તેની તેમને જાણ છે; પણ એમાં એમને રસ નથી. એમની ચેતના જીવનના ઊર્ધ્વીકરણમાં રાચતી હોઈ, ભૌતિક વિલાસ તેમના માટે ગૌણ બન્યો છે. નીર-થોરનો ભેદ પારખવાનો તેમનામાં રહેલો વિવેક તેઅને પરમહંસનાં સાથીદાર, પત્ની ઠેરવે છે.

પતિ સાથેનું શારદાદેવીનું વિરલ સાયુજ્ય રચતો પ્રસંગ તે ષોડશી પૂજાનો છે. આઠ માસના શારદાદેવી સાથેના વસવાટ પછી રામકૃષ્ણે ઈ.સ.૧૮૭૨ના જૂન માસમાં અમાસની રાત્રિએ માતૃપૂજા કરવાનું નક્કી કરીને દેવીની મૂર્તિને સ્થાને શારદાદેવીનું સ્થાપન કરીને તેમનું વિધિવત્ પૂજન કર્યું. આ ક્ષણે બે ઘટના સાથે ઘટી. એક તો, રામકૃષ્ણે પત્નીનો માતૃભાવ મહિમા કર્યો ને બીજી રીતે જોતાં, તેમને દીક્ષિત કર્યાં એમ પણ કહી શકાય. પૂજા દરમ્યાન શારદાદેવીએ ભાવસમાધિ ભોગવેલી ને બાહ્ય ભાન ગુમાવી દીધેલું. એક જુદા જ પ્રકારનું સંવનન હતું જેનું નિર્વહણ શારદાદેવીએ જીવનપર્યંત કર્યું. શારદાદેવીમાં રહેલા માતૃત્વને આ ક્ષણે રામકૃષ્ણે સૌ માટે ખુલ્લું કરીને સૌને તેમાં પરિપ્લાવિત થવાનું નિમંત્રણ આપ્યું. આ નિમંત્રણને વૈરાગી શારદામણિએ જે રીતે નિભાવ્યું એમાં પતિ સાથે અસ્પૃશ્ય રહીને કરેલા સહશયનનો પ્રતિઘોષ જોવા મળે છે. પતિએ માતૃપૂજા દ્વારા આપેલું માન કૃતજ્ઞતાપૂર્વક શારદાદેવીએ માથે ચઢાવ્યું.

શારદાદેવીના જીવનમાં આઠ જ માસનો ગાળો એવો આવ્યો જેમાં તેઓ પતિની સાથે એકાંતમાં રહી શક્યાં. એ ગાળો રંગ-રાગ કે વિલાસનો તો નહોતો જ, બલકે કેટલો નાજુક હતો તેની વાત કરતાં શારદાદેવીએ પાછળથી કહેલું, ‘તેઓ કેવા અપૂર્વ દિવ્ય ભાવમાં રહેતા એ સમજાવી શકાય તેમ નથી. કોઈ વાર હસતા, કોઈ વાર રડતા અને કોઈ વાર સમાધિમાં તદ્દન સ્થિર થઈ જતા. આવું તો રાતભર ચાલ્યા કરતું. એમનામાં કોઈ એવો અસાધારણ દિવ્ય ભાવ થઈ આવતો કે હું બીકથી ધ્રૂજ્યા કરતી અને રાત ક્યારે પૂરી થશે એના વિચારો કરતી. એ વખતે સમાધિ કોને કહેવાય તેની મને મુદ્દલે ખબર નહોતી.’ પછીથી શારદામણિ સમાધિ ઉતારવાની રીત ભક્તો પાસેથી શીખ્યાં. એ માટે તેમને પતિની પુષ્કળ કાળજી કરવી પડતી ને રાતના ઉજાગરા પણ થતા. આથી રામકૃષ્ણે તેમને નોબતખાનામાં સૂવા જણાવેલું.

રામકૃષ્ણ-શારદાદેવીનો સંબંધ જોડાયેલો રહ્યો છતાં બંને જણ એકબીજા પ્રત્યેનો અભિપ્રાય ભાગ્યે જ વ્યક્ત કરતાં. પણ જ્યારે આ અભિપ્રાય વ્યક્ત થઈ જતો ત્યારે એની પાછળ રહેલો એકબીજા પ્રત્યેનો તીવ્ર અનુરાગ દેખાઈ આવતો. અનેક લોકોને પોતાના હૃદયમાં જગા આપતા કલ્યાણકામ રામકૃષ્ણના હૃદયમાં પત્ની માટે એક જુદો જ ખૂણો હતો જ્યાં માત્ર શારદાદેવીનું જ આસન હતું. પત્નીના આરોગ્યની, લોકોએ તેમના પ્રત્યે કરવા જોઈતા આચાર- વ્યવહારની રામકૃષ્ણે ભારે કાળજી કરી છે. પોતા સાથે પત્નીના નાતે જોડાયેલી શારદા સામાન્ય સંસારસુખથી માંડીને મુક્તિ સુદ્ધાં મેળવે તેવી રામકૃષ્ણની ખ્વાહિશ છે. આથી જ તો એક વાર મંદિરમાં સીતાજીનાં ઘરેણાં જોઈને રામકૃષ્ણે પત્ની માટે બાજુબંધ ઘડાવાની વ્યવસ્થા કરી આપીને મજાકમાં કહેલું, ‘મારે ને એમને આવા સંબંધ છે !’ સ્વયં સંન્યાસી હોવા છતાં પત્નીના શૃંગારમાં રામકૃષ્ણે ભારે રસ લીધો છે ને બાળકના કુતૂહલથી માતાજીને ઘરણાં પહેરાવ્યાં છે. ‘એ શારદા હોવાથી એને ઘરેણાં ગમે છે’ એવું માનતા રામકૃષ્ણે પોતાના નિર્ણય પછી પત્નીને સૂક્ષ્મ રૂપે દર્શન આપીને ઘરેણાં ન કાઢવા ભારપૂર્વક જણાવ્યું છે. પોતાનાથી આપી શકાય એ પ્રકારનાં સંસાર-સુખનું પ્રદાન કરીને જ રામકૃષ્ણ અટક્યા નથી, પણ પોતા જેવી વિરલ વ્યક્તિમત્તા સાથે શારદામણિ જોડાયાં છે ને જે તપસ્યામાં સાથીદારી નિભાવી જાણી છે તે બદલ તેમને બહુ મોટો લાભ મળે એવું રામકૃષ્ણે ઈચ્છ્યું છે. આથી જ, માતાજીને એક વાર મરડો થઈ ગયેલો ત્યારે તેઓ મનુષ્યજન્મ સાર્થક કર્યા વિના મૃત્યુ ન પામે તો સારું એ પ્રકારની ચિંતા રામકૃષ્ણે વ્યક્ત કરી છે.

બીજી બાજુ, માતાજીએ પણ પતિને સમર્પિત ભાવે ચાહ્યા છે. ભાવજગતમાં જ જીવતા પરમહંસનું અનિયમિત જીવન શારદાદેવી જ વશમાં રાખી શકતાં. પતિ જમવા બેસે ત્યારે તેમને ભાવસમાધિમાં આવી ન જાય તે માટે વાતમાં રોકી રાખીને જમાડી લેતાં. રાત્રે મોડા આવતા પતિની જાગીને પણ કાળજી લેતાં. તેમની એકે એક વાત, ચેષ્ટામાત્રથી માતાજી સમજી શકતાં. ત્યાં સુધી કે પતિ તેમને ક્યારે ઇચ્છે છે ને ક્યારે દૂર રાખવા માગે છે તેની પણ તેમને ખબર પડી જતી. પોતે સંન્યાસી પતિ સાથે સંકળાયાં હોવાથી રામકૃષ્ણ સાથેના બાહ્ય વ્યવહારમાં તેમણે સંન્યાસીની પત્નીને છાજતો વ્યવહાર કર્યો છે. રામકૃષ્ણે પણ પત્નીની આ સૂઝ વિશે અનેકવાર પ્રશંસાના ઉદગાર કહેલા છે. એક પ્રસંગ આ બાબત પર પ્રકાશ ફેંકે છે. કલકત્તાની નજિક પાણીહાટીમાં દર વર્ષે મે-જૂન માસમાં વૈષ્ણવોનો દંડ મહોત્સવ યોજાતો. જેમાં જવાની રામકૃષ્ણને ઇચ્છા થઈ. માતાજીને પણ પતિની સાથે જવાની ઇચ્છા થતાં એ અંગે તેમણે રામકૃષ્ણને પૂછાવ્યું. ઉત્તરમાં પતિએ ‘એમની ઇચ્છા હોય તો ભલે આવતાં’ એમ કહેવડાવ્યું તેથી માતાજી ન ગયાં. માતાજીને મતે રામકૃષ્ણે ‘જરૂરથી આવો’ એમ કહેવડાવ્યું હોત તો જ એમનાથી જઈ શકાત. પાછળથી રામકૃષ્ણે માતાજીની બુદ્ધિની પ્રસંશા કરી. કેમકે ત્યાંના લોકોએ ઠાકુરની ભાવસમાધિ ને ભક્તિ જોઈને તેમની મશ્કરી કરેલી. માતાજી જો સાથે હોત તો તેઓ પણ મજાકનો ભોગ બનત ને પતિની મજાક સહન ન કરી શકત. આમ, એકબીજા પાસે વ્યક્ત થયા વિના પણ બંનેની વિચારણામાં આ પ્રકારનો સંવાદ પડેલો હતો.

માતાજીએ પહેલેથી જ ઠાકુરને પતિ તરીકે નહિ પણ એક મહામાનવ તરીકે પારખ્યા હોવા છતાં માતાજીની અવારનવાર પરીક્ષા લેતા રહેતા રામકૃષ્ણે એક વાર લથડતી હાલતમાં આવીને માતાજીને પૂછેલું, ‘શું મેં દારૂ પીધો છે ?’ જવાબ મળેલો: ‘ના રે, તમે તો કાલીનું ભાવામૃત પીધું છે.’

માતાજીની આ પારખશક્તિને લઈને જ રામકૃષ્ણ તેમને વશ થઈને વર્ત્યા છે. માતાજીનાં ગુજરાનની ચિંતા પણ કરી છે. હંમેશા માતાજીના હાથનું જ ને હાથથી જ ભોજન લેતા રામકૃષ્ણને પોતાની થાળી બીજું કોઈ લાવે તે બિલકુલ પસંદ ન પડતું. એક વાર એક ભક્ત સ્ત્રીએ ઠાકુરની થાળી માતાજીના હાથમાંથી લઈને ઠાકુરને જમાડેલા ત્યારે ઠાકુરે માતાજીને આમ કરવા માટે ઠપકો આપેલો. આ સમયે શારદાદેવીનો ઉત્તર હતો : ‘હું કોઈને ના નહિ પાડું. તમે કંઈ મારા એકલીના થોડા છો ? તમે તો બધાંના છો.’ માતાજી ઠાકુરને આવો તટસ્થ પ્રેમ કર્યો છે. સ્ત્રીમાં સામાન્ય રીતે ઘર કરી જતો માલિકીભાવ શારદાદેવીમાં બિલકુલ નથી. તેમનાં આ ગુણલક્ષણે કરીને જ તેમનો માતૃભાવ ખીલ્યો છે, ફૂલ્યોફાલ્યો છે. રામકૃષ્ણે પણ આ જ કારણે તેમને પોતાનાં ઉત્તરાધિકારી તરીકે, પોતાની હયાતી દરમ્યાન જ શિષ્યો સમક્ષ મૂકી આપ્યાં છે. શારદાદેવી પાછળથી રામકૃષ્ણ મિશનનાં સંઘમાતા બન્યાં તેના મૂળમાં सहनौभुक़तु ની તેમની ભાવના પડેલી હતી.

સાસરે આવી છેક જીવનના અંત સુધી શારદાદેવી અનેક પ્રકારના અભાવોમાં રહ્યાં. દક્ષિણેશ્વરમાં નોબતખાનાનું રહેઠાણ એક માણસ માંડ સમાઈ શકે તેટલું; આર્થિક તકલીફો; જાતભાતના લોકોને સાચવવાના; કેટલીક વાર દિવસો સુધી રામકૃષ્ણનાં દર્શન પણ નહિ પામવાના; રામકૃષ્ણની ભાવદશાની માવજત કરવાની; પતિની ગંભીર માંદગીમાં પાર વિનાની ચાકરી; પિયરીયાંઓની કનડગત; ગાંડા ભાભી ને ધૂની ભત્રીજીને જીવનભર સાચવવાનાં….. આ યાદી ઘણી લાંબી છે. પણ માતાજીએ થાક્યા વિના આ સર્વ કંઈ કર્યું. તેમને થાક તો માત્ર ચડ્યો છે પતિનાં નિર્વાણનો. રામકૃષ્ણની અનુપસ્થિતિએ તેમને મનથી ભાંગી નાખ્યાં. આ સમયે પોતાના ને રામકૃષ્ણના મહાન શિષ્યોનો સંપૂર્ણ સાથ ને આધાર હોવા છતાં પતિના પ્રેમ વિનાનું જીવન તેમને વેરાન ભાસ્યું છે. પરંતુ રામકૃષ્ણના આદેશને લઈને એમણે પતિના શિષ્યોને ઊભા કરવા માટે પોતાનું બાહ્ય જીવન પૂરી પ્રસન્નતાથી ટકાવીને રામકૃષ્ણનું સ્થાન ગૌરવભેર સાચવ્યું. તેમની પાછલી અવસ્થાને જોતાં સમજાય છે કે તેઓ તેમની વૈરાગ્ય વૃત્તિને લઈને જ મહાન નારી સાબિત થયાં. છે. રામકૃષ્ણ સાથેનું તેમજ દુનિયા સાથેનું તેમનું વર્તન જલકમલવત્ બની રહ્યું. છે. તેમનું આનસક્ત મન ક્યાંય બંધાયું નથી. રામકૃષ્ણની પણ માત્ર ઉપસ્થિતિને, પોતાના જીવનમાં તેમના સ્થાનને જ માત્ર તેમણે ચાહ્યું છે. તેમના વિના જીવવું માતાજીને કઠણ જરૂર લાગ્યું છે પણ એ દુ:ખ એક વૈરાગી સ્ત્રીનું છે, રાગી સ્ત્રીનું નથી. આધ્યાત્મિક સાથીદાર તરીકે જેઓ તેમને સમજતા હતા એ હવે નથી તેની સભાનતાએ જ તેમને માત્ર પીડ્યાં છે. તેમના સંન્યાસ વિશેના ખ્યાલોને જોતાં આ વાત સ્પષ્ટ થાય છે.

સંન્યાસ વિશે શારદાદેવીનું વલણ એક રીતે લવચીક રહ્યું છે. સંન્યાસને તેઓ કાંઈ જડ મત સાથે સાંકળતાં નથી. આમ છતાં, સંન્યાસને તેઓ એક ચુસ્ત આચાર તો જરૂર માને છે. તેમને મતે સંન્યાસી કદી બાંધછોડ ન કરી શકે. રસ્તામાં ઊલટી પડેલી વસ્તુને સીધી કરવાની પણ જેને ઇચ્છા ન જાગે એ જ માણસ શારદાદેવીને મતે, સાચો સંન્યાસી છે. આથી જ કોઈ સંન્યાસી તેમને ખૂબ ચાહતો ત્યારે તેને ચેતવ્તા, તેઓ તરત જ નારાજ થઈને આ પ્રકારની આસક્તિ ન રાખવાનું તેને સૂચવતાં. ઈશ્વરપ્રાપ્તિની અપેક્ષા રાખતા સાધુઓને તેમનું કહેવું હતું, ‘સંન્યાસીનું કામ ઈશ્વરનું સ્મરણ કરવાનું; એ જ એનો ધર્મ. ઈશ્વરને ક્યારે તેની પાસે આવવું તે ઈશ્વર પોતે નક્કી કરશે.’ આ પ્રકારના કઠોર વૈરાગ્યએ જ તેમને વિષમ જીવનપ્રવાહમાં તરવાની શક્તિ પ્રદાન કરી હશે.

બાલ્યાવસ્થાથી જ શારદાદેવીનો સ્વભાવ લજ્જાળુ ને સરળ હતો. દક્ષિણેશ્વરમાં નવવધૂ તરીકે પ્રવેશેલાં ત્યારે રામકૃષ્ણને ચિંતા હતી કે આ ગામડાંની છોકરી કોને ખબર, કેવી રીતે રહેશે ! તેને બદલે તો તેઓ નિત્યકર્મ ક્યારે કરતાં તેની પણ કોઈને ખબર ન પડતી ! દક્ષિણેશ્વરના ખજાનચીને પૂછતાં જાણવા મળતું કે માતાજી અહીં છે ખરાં, પણ, તેમને કોઈએ જોયાં નથી. આ સરળતા ને સૌમ્યતા છેક સુધી એવાં જ રહ્યાં. કોઈ વાતનો વિરોધ કરવો, પોતાના અંગે પ્રમાણભૂતતા સાબિત કરવી એ તેમના સ્વભાવમાં જ નહોતું. સ્વામી વિવેકાનંદ પાસે એક ફકીરનો ચેલો આવતો તેથી તેના ગુરુએ નારાજ થઈને સ્વામીજીને શાપ આપેલો, પરિણામે સ્વામીજીને પેટની વ્યાધિ થઈ ગયેલી. આ વાતનો ઉલ્લેખ કરીને વિવેકાનંદે માતાજીને એક સમયે કહેલું, ‘ઠાકુરે આ સમયે મારા માટે શું કર્યું ?’ ત્યારે રિસાયેલા વિવેકાનંદને સાંત્વન આપીને માતાજીએ રમૂજમાં ઉમેરેલું, ‘દીકરા, એમને ન માનીને ક્યાં જશો ? તમારી ચોટલી તો એના હાથમાં જ બાંધી છે.’ આ સરળતાએ કરીને વિવેકાનંદ જેવા તર્કશુદ્ધ સંન્યાસી ગદગદ્ થઈને કહી ઊઠ્યા તે મુજબ, ‘રામકૃષ્ણ વિશે તમે ગમે તેમ માનો, પણ માને જે મહાન ન માને તેમને ધિક્કાર છે.’

અધ્યાત્મ જગતમાં પ્રવેશેલી કોઈપણ વ્યક્તિ વૈચારિક દ્રષ્ટિએ સામાન્યતઃ આધુનિક હોવાની જ. માતાજીમાં પણ દ્રષ્ટિકોણની આધિનિકતા ધ્યાન ખેંચે એ રીતે વ્યક્ત થઈ છે. ગૃહસ્થી ને ત્યાગીને એકસરખું માન આપતાં માતાજી બહારના વેશ કરતાં અંદરના વૈરાગ્યને વધારે મૂલ્યવાન ગણતાં. સ્ત્રીઓને પણ સંન્યાસની અધિકારિણી ગણતાં શારદાદેવીને મતે સ્ત્રી માટે કુંવારી રહેવામાં ઘણો ભય હોવા છતાં જેને લગ્ન ન કરવાં હોય તેને પરણાવીને સંસારમાં નાખવી એ અન્યાય જ ગણાય.

માતાજીના સમયમાં બંગાળમાં વર્ણાશ્રમધર્મ ભારે ચુસ્તીથી પળાતો ત્યારે પણ માતાજીએ, પોતે સનાતની હોવા છતાં અંગ્રેજ લોહી ધરાવતાં વિવેકાનંદના શિષ્યા ભગિની નિવેદિતાને પોતાની સાથે રાખીને તેમજ ભોજન પણ સાથે લઈને ખુદ વિવેકાનંદને દંગ કરી દીધેલા ! ગાંધીજીથી પણ પહેલાં ચરખાનો પ્રચાર બંગાળમાં કરવાનો વિચાર માતાજી પ્રગટ કરેલો.

ગુરુ શિષ્ય સંબંધ અંગે માતાજીનું માનવું હતું તેમ શિક્ષા ગુરુ બદલી શકાય, પણ દીક્ષા ગુરુ કદી બદલવા ન જોઈએ. શિષ્ય સારો હોય તો ગુરુને પણ લાભ થાય એવું તેમનું માનવું હતું. જપની કાર્યસાધકતા તેમને મન એ હતી કે જેથી કરીને ઇન્દ્રિયોનો પ્રભાવ ઘટી જાય. પણ અવિકારીને માટે તો મહત્વનું છે જ્ઞાન. એને માટે જ્પ બબડાટથી વધુ કંઈ નથી. જ્ઞાનીની તો માતાજીને મન વાત જ જુદી હતી.

કોઈ તેમને પૂછતું કે, તમે બધાંને મંત્ર કેમ આપતાં નથી ? તેમનો જવાબ હતો : ‘બધાં કંઈ સમજી શકે ? કૃષ્ણ ગોવાળો જોડે રમ્યા, જમ્યા પણ બધાં કંઈ તેમને સમજ્યા ?’ અછડતી રીતે માતાજીએ પોતાની રાખ આ રીતે ખંખેરીને તેમનું રૂપ જોતાં આવડે એમને બતાવ્યું છે. એક વાર પોતા વિશે તેમણે કહેલું, ‘ભગવાન ન હોય તે શું આટલું સહન કરી શકે ? તેમની વાત સંપૂર્ણ સાચી જણાય છે. ગીતાકાર જેને ‘લોકસંગ્રહ’ કહે છે તેવો લોકસંગ્રહ માતાજીએ પ્રચુર માત્રામાં કર્યો. એક આદર્શ તરીકે કરવું જોઈએ તે કરતાં ઘણું વધારે કરીને મનુષ્યમાત્ર માટે વ્યક્તિત્વના એક શ્રેષ્ઠતમ ઉદાહરણ તરીકે પોતાના જાતને તેમણે ખીલવી બતાવી. રામકૃષ્ણ સાધના કરીને જીવનની પાર ગયા; માતાજી તો શાક સુધારતાં, વાસીદું વાળતા યોગીને પણ ટક્કર મારે તેવું જીવન જીવીને પોતાની સડસઠ વર્ષની જીવનયાત્રા ૨૦મી જુલાઈ,૧૯૨૦ના રોજ સંકેલી.

મા શારદાદેવી વિશે એક અજાણી, નારી ભગિની નિવેદિતાએ તેમના થોડાક પરિચય માત્રથી તેમના એક મિત્રને જે લખેલું તે તેમને અપાયેલી ભવ્ય અંજલિ બની રહે છે : ‘એક તીવ્ર મધુર પ્રેમ, જે કદી ઇન્કાર ન કરે. એવા આશીર્વાદ કે જે આપણા સમગ્ર જીવનમાં વણાઈ જાય. એવી સંનિધિ કે જેનાથી આપણે દૂર ન જઈ શકીએ. એવું હૃદય કે જેમાં હંમેશા આપણે સલામતી અનુભવીએ. અતલ માધુર્ય. અતૂટ બંધન, નિર્ભેળ પવિત્રતા, આ બધું જ અને તેથીય વધારે તે મા.’ આનાથીયે આગળ વધીને નિવેદિતાએ એક વાર કહેલું, ‘ઈસુની મા મેરીનો વિચાર કરતાં મારી સમક્ષ માતાજીનો ચહેરો તરી આવે છે.’

નીરવ સંવાદના આ સાધ્કાએ પોતાની સૌમ્ય તપસ્યાથી રામકૃષ્ણને મેળવ્યા, હસ્તગત કર્યા ને તેમના સાથે રહીને ફેલાઈ ગયાં. જગતના કાનમાં પ્રેમનો મંત્ર ફૂંકીને એક સંન્યાસિનીનું કર્તવ્ય બજાવી જગતનું સદગુરુપણું મેળવ્યું.

******

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧

• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *