બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૧૧

લેખિકા : નિર્મલા દેશપાંડે

અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે

બીજા દિવસે તડકો ઓસરતાં શીલા ચંદ્રાવતીના બંગલે આવી. ચ્હા – પાણી પતાવી બન્ને બહેનપણીઓ પાછલા આંગણામાં આવેલા તુલસીક્યારા ફરતી પત્થરની પાળ પર બેસીને વાતો કરતી હતી ત્યાં જાનકીબાઈ રસોડાના દરવાજામાંથી બહાર આવ્યાં. નજીકમાં ઉગાડેલા વટાણાંની વેલ પરથી શિંગો ઉતારવા લાગ્યાં.  તેમને આવેલા જોઈ શીલા અને ચંદ્રાવતીએ વાત બદલી અને શાળાની મજેદાર વાતોમાં મશગુલ થયાનો ઢોંગ કર્યો.

“શીલા, સાંજ થઈ છે. હવે જમીને જજે,” જાનકીબાઈએ કહ્યું.

“એ કંઈ કહેવાની વાત થઈ, કાકી? કેટલા’ય દિવસથી તમારા હાથની રસોઈ જમી નથી. હું તો મારી બાને કહીને જ નીકળી હતી કે હું બંગલે જમીને આવીશ!”

“બોલ, શું ખાવાની ઈચ્છા છે?”

“કહું? વટાણાંનો મસ્ત પુલાવ બનાવો, કાકી. સૂકા જીંગા નાખીને!”

“તો વેલ પરથી વટાણાની શિંગો ઉતારો અને બન્ને બહેનપણીઓ મળીને તેમાંથી વટાણા કાઢી આપો. ત્યાં સુધીમાં હું મસાલો તૈયાર કરી રાખું,” કહી ચંદ્રાવતીને પિત્તળની તપેલી સોંપી જાનકીબાઈ રસોડામાં ગયાં.

“વિશ્વાસ મળ્યો’તો તને? બાબાએ તેને શું કહ્યું?” વટાણાની શિંગો ફોલતાં આજુબાજુ નજર કરી ચંદ્રાવતીએ પૂછ્યું.

“મળ્યો’તો એટલે તો તને કહેવા આવી છું. તારા બાબા આ રિશ્તા સાથે સંમત નથી.”

“કેમ?”

“તારી બા જીવ આપશે, એવું તેમણે કહ્યું.”

“એમ તે કોઈ જીવ આપતું હશે? દરેક માણસને જાન પ્યારી હોય છે. કરશે ત્રાગાં થોડા દિવસ. ત્યાર પછી એની મેળે જ ઠેકાણે આવી જશે. મુંબઈમાં મારી દૂરની માસીની દીકરીએ એક પંજાબી છોકરા સાથે લગ્ન કર્યા, ત્યારે માસાજી ભરેલી બંદૂક લઈને ગૅલેરીમાં બેસી પહેરો કરતાં બેસી રહ્યા હતા. નીચે દીકરી અને તેનો પંજાબી વર દેખાતાં વેંત ગોળીએ દેવા! બીજી તરફ અમારાં સરુમાસી બ્લડ પ્રેશરની બિમારીથી પથારીવશ થઈને પડ્યાં હતાં. હવે જો, પેલા પંજાબી જમાઈનાં છોકરાંઓને નાના-નાની રમાડતાં બેઠાં છે!”

“સાચ્ચે?”

“નહી તો શું! વિશ્વાસ અને બાબા વચ્ચે આગળ શી વાત થઈ?”

“ડૉક્ટરકાકા કહેતા હતા કે તારાં વિશ્વાસ સાથે લગ્ન થાય તો મહારાજસાહેબ તેમને નોકરીએથી કાઢી મૂકશે. સાથે સાથે વિશ્વાસના બાપુજીની પણ જાગિરદારી અને ગરાસ ખાલસા કરી નાખશે. ચંદા, આવું થાય તો આ ઉમરે ડૉક્ટરકાકા ક્યાં જાય? અને તેમની વાત પણ સાચી છે. તેઓ કહેતા હતા, ‘હું રાજયોગી માણસ છું, આરામપ્રિય. મને મુંબઈ ન ફાવે. મારાં બાળકો અને પત્ની – એમને સૌને બંગલામાં રહેવાની ટેવ છે…”

“બાપ રે! પછી શું થયું? વિશ્વાસે શું કહ્યુ?”

“એણે કહ્યું કે હવે તો તારે જ તારા બાબા સાથે સ્પષ્ટ વાત કરવી પડશે.”

“હેં? હું વળી બાબાને કેવી રીતે કહું? મને તો શરમ આવે.”

“અલી, તારે વિશ્વાસ સાથે લગન કરવા છે કે નહી? આ નખરાં છોડ. તારે ચોખ્ખા શબ્દોમાં કાકા સાથે વાત કરવી પડશે. પણ… દવાખાનામાંથી ઘેર આવ્યા પછી તેમણે તારો ઉધડો લીધો હશે એવું વિશ્વાસને લાગ્યું હતું.”

“ના રે ના! બાબાએ તો મને મળેલા ફર્સ્ટ ડિવિઝનની સરાહના કરી હતી. શેખર પહેલા નંબરે પાસ થઈ છઠ્ઠીમાંથી સાતમીમાં ગયો તેનું ગૌરવ કર્યું અને અમને બન્નેને ઈનામમાં ઘણા બધા રુપિયા આપ્યા. જામુની – મિથ્લા કેમ છે, શાકભાજી અને કાચાં ટમેટાં ખાવ, વિગેરે વિગેરે જેવી પરચૂરણ વાતો કરી. એમણે તો બાનાં બે -ચાર વાળ સફેદ થયા છે તેથી તેને બુઢ્ઢી કહી તેની મજાક ઉડાવી હતી.”

“વિશ્વાસે ખાસ ભાર દઈને કહ્યું છે કે ડૉક્ટરકાકા સાથે તારે વાત કરવી જ પડશે. આ છેલ્લો ઊપાય છે.”

“બાબા એકલા પડે તો વાત કરું ને? તેઓ ઘરમાં હોય તો બા આખો વખત તેમની આગળ પાછળ ફરતી રહે છે.” 

“જે કરવાનું હોય તે જલદી કર. કાલે વિશ્વાસ મને મળવાનો છે, તારો જવાબ જાણવા. એણે તો કહેવડાવ્યું હતું કે તું ડૉક્ટરસાહેબ સાથે વાત કરીને તેમને સમજાવજે અને રોકડું પરખાવી દેજે. નહી તો…”

“નહી તો શું?”

“એણે એટલું જ કહ્યું કે સમજાવટથી કામ ન પતે તો તમે જે યોજના કરી છે તે તારે અમલમાં લાવવી પડશે. તમારી યોજના વિશે તેણે મને કશું કહ્યું નહી.”

“સાચે તેણે અમારી ‘યોજના’ વિશે કહ્યું નહી?”

“મને શા સારુ કહે? વિશ્વાસ સાથે લગન તારાં થવાના છે, મારાં નહી.”

“સાંભળ, શીલા. આવતા શુક્રવારે પરોઢિયે અમે અહીંથી નાસી જવાનું નક્કી કર્યું છે. ઠેઠ કોલ્હાપુર. હવે જો, અહીં માથા પર તહેવાર આવી પડ્યા છે ને હું ભર્યાભાદર્યા ઘરમાંથી કેવી રીતે નાસી જઉં? એક તરફ વિશ્વાસ સાથે લગ્ન થવાની ખુશી છે અને બીજી તરફ મન ખિન્ન થયું છે. વિશ્વાસની ઉતાવળનું કારણ સમજી શકાય તેવું છે. તેના બાપુજીને પેલી અંજિરા પસંદ પડી ગઈ છે. આ હાલતમાં હું મોડું કરીશ તો અંજિરા વિશ્વાસના ગળામાં આવી પડશે અને તેનું જીવન ધૂળધાણી થઈ જશે. મારે બાબા સાથે વાત કરવી જ પડશે. ગુરુપૂર્ણિમા બે દિવસ પર આવી પડી છે. દર વર્ષે ગુરુપૂર્ણિમાના દિવસે મહેલમાં થતા કીર્તનમાં હાજરી આપવા બાને નિમંત્રણ આવતું હોય છે. તે દિવસે બાબા એકલા હશે ત્યારે તેમની સાથે વાત કરી લઈશ. ”

આ વાત થતી હતી ત્યાં રસોડામાંથી જાનકીબાઈએ સાદ પાડ્યો ; “અરે બાયું, શીંગો ફોલાઈ ગઈ કે નહી? ગપાટાં મારવા બેસી ગયા પછી આજકાલની છોકરીઓને સમયનું ભાન ક્યાં રહે છે?”

“પતી ગયું, બા. જો, આખી તપેલી ભરાઈ ગઈ છે.”

****

ગુરુપૂર્ણિમાના દિવસે રાણીસાહેબે મહેલમાં કીર્તન ગોઠવ્યું હતું તેમાં ભાગ લેવા હંમેશની જેમ જાનકીબાઈને નિમંત્રણ આવ્યું હતું તેથી તે સવારના જ મહેલમાં ગયાં હતાં. બપોરે ડૉક્ટરસાહેબ જમવા ઘેર આવવાના હતા તેથી ચંદ્રાવતી ભોજનકક્ષમાં તેમની રાહ જોઈને બેઠી હતી. તેના મનમાં એક જ ઝંખના હતી : બા મહેલમાંથી પાછી આવે તે પહેલાં બાબા સાથે વાત કરવાની તક હાથમાંથી જવી ન જોઈએ.

બાબા સાથે કેવી રીતે વાત કરવી તે વિચારથી ચંદ્રાવતીનું મન કાંપવા લાગ્યું. તેને થયું, એક યુવાન સાથે થયેલા પ્રેમ જેવા નાજુક અને મૃદુલ વિષયની વાત તો મા – દીકરી વચ્ચે થવી જોઈએ, તેથી બાબા સાથે તેની ચર્ચા કરવી યોગ્ય છે?

‘હા, બોલવાનું જ! ભારપૂર્વક બોલવાનું. આપણે કંઈ ચોરી કરી છે?’ તેનું મન પોકારી ઊઠ્યું.

લજ્જા, બેચેની, અનિશ્ચિતતા, કંપન, ઊભાં ઊભાં જ ઢગલો થઈ જવું અને પાછા ઊભાં થઈ જવું – આવી અનેક પરસ્પર-વિરોધી ભાવનાઓનાં આવર્તનમાં ચંદ્રાવતીનું મન આગલી સાંજથી જ ચકરાવે ચઢી ગયું હતું.

ડૉક્ટરસાહેબ હૉસ્પિટલથી આવ્યા અને હાથ – પગ ધોઈ ડાઈનિંગ-ટેબલની ખુરશીમાં આવીને બેઠા.

“આજે શાની પ્રસાદી છે?” ડૉક્ટરસાહેબે પૂછ્યું.

“આજે ગુરુપૂર્ણિમા છે. બાએ ગુરુચરિત્રનો સપ્તાહ રાખ્યો હતો. જુઓ, દત્તાત્રેયની છબિ પર અમે કેટલા હાર ચઢાવ્યા છે!”

“ચાલ, હું પણ ભગવાનને ફૂલ ચઢાવી લઉં.”

ડૉક્ટરસાહેબે પૂજાઘરમાં રાખેલ દત્તાત્રેયની મૂર્તિ પર ચંદનનો લેપ કર્યો, ફૂલ ચઢાવ્યા અને સાષ્ટાંગ દંડવત્ કરી પાછા આવ્યા.

“તારી બા ક્યાં છે?”

“મહેલમાં ગઈ છે. રાણીસાહેબ તરફથી બગ્ગી આવી આવી હતી. એણે તમને સવારે કહ્યું હતું ને?”

“અરે! એ તો સાવ ભૂલી ગયો!”

ડૉક્ટરસાહેબ જમવાનું શરુ કર્યું. તેમની નજીકની ખુરશી બન્ને હાથેથી પકડી ચંદ્રાવતી જમીનમાંથી ફૂટી નીકળેલા રોપાની જેમ ઊભી હતી. પિતાના તેજ:પૂંજ ચહેરા સામે જોતાં જ ચંદ્રાવતીના ધૈર્યનો ભાંગીને ભુક્કો થઈ ગયો.

“તમારી મુલાકાતો ક્યાં સુધી પહોંચી છે?” ડૉક્ટરસાહેબે ચંદ્રાવતીને સીધો પ્રશ્ન પૂછ્યો.

“શું…? ના…એવું કંઈ નથી, બાબા…”

“બંધ કરો આ બધું. બહુ થયા આ ચાળા.”

“બાબા, હું તમને વાત કરવાની જ હતી,” અચકાતા અવાજે ચંદ્રાવતી બોલી.

“તેં તો અમને ન કહ્યું, પણ વિશ્વાસે મને બધી વાત કરી છે. તારા કહેવાથી હવે શો ફરક પડવાનો છે?”

“સાચ્ચે, બાબા, મેં તમને છેતર્યા નથી.”

“તેં મને છેતરી છે કે નહી એ વાત મહત્ત્વની નથી. તમારા લગ્નને હું મંજુરી આપી શકતો નથી તે મહત્ત્વનું છે. હવે તેનું કારણ સાંભળ. પહેલું અને સૌથી મોટું કારણ મારી નોકરી છે. તે જાય તો આપણે તબાહ થઈ જઈશું. બીજું, અને એટલા જ મહત્ત્વનું કારણ તારી બા છે. આ વાત સાંભળી તેને એવો ધ્રાસકો લાગશે કે તે માંદી પડી જશે. આ બધી બાબતોનો હું ઊંડો વિચાર કરી રહ્યો છું. આ વાતોના સરવાળા – બાદબાકી છેલ્લા એક મહિનાથી મારા મનમાં સતત ચાલુ છે. તે પણ તારી બાને ખબર ન પડવા દેતાં, સમજી? હવે મળવા – ફરવાનું બંધ કરો.”

“હું…હું કેમ.. એને ક્યાં મળું છું…” થોથરાતા અવાજમાં ચંદ્રાવતી કહેવાનો પ્રયત્ન કરવા ગઈ.

“મળો છો! રોજ પરોઢિયે મળો છો. અને ક્યાં, તે કહું?” દીકરી તરફ સ્થિર નજરે જોતાં ડૉક્ટરસાહેબે તેને તતડાવી કાઢી.

ચંદ્રાવતીના પગ તળેથી જમીન કાંપવા લાગી. તેનું ગળું સુકાઈ ગયું.

“બોલ તો?”

“એક જ વાર ફરીથી મળી હતી. ગણેશબાવડી પર. સાંજે…મને તો કલ્પના પણ નહોતી…”

“એ..મ! જો ચંદા, આ બધું એકદમ બંધ થવું જ જોઈએ. સમજી?”

“પણ સરુમાસીની ઈંદુએ -” જમીન પર નજર ટીકાવી, અચકાતાં અચકાતાં ચંદ્રાવતી કહેવા ગઈ.

“એ બધું મુંબઈમાં. અહીં નહી.”

“લોકો શું કહેશે તેની ચિંતા થાય છે?” ચંદ્રાવતીએ હિંમત એકઠી કરીને પૂછ્યું.

“મને ચિંતા છે મારી નોકરીની, મારા પરિવારની. લોકો, તારા કાકા, મામા – એ સૌની ફિકર બાદમાં.

ચંદ્રાવતીની આંખો ભરાઈ આવી.

“વિશ્વાસના બાપુજીની કીર્તિ ચારે કોર ગાજી રહી છે, તેની ખબર છે તને?” ડૉક્ટરસાહેબે સીધો સવાલ કર્યો.

“હેં!!”

“ગામડામાં ખુલ્લંખુલ્લા બે બાઈઓ ઘરમાં ઘાલી છે. વિશ્વાસનાં માસાહેબ – ગજરાબાઈ બિચારાં ગરીબડી ગાય જેવાં છે. તેમની આસપાસ ખાસે સાહેબે પોતાનાં સગાંવહાલાંઓની મજબૂત દીવાલ ખડી કરી નાખી છે. તેઓ કંઈ કહી કે કરી શકતા નથી અને ઉધામો મચાવવા વિશ્વાસના પિતાજી છુટ્ટા! એમને તો જોઈએ બાઈ અને બાટલી. આવા માહોલમાં મારી દીકરી હું કેવી રીતે આપું?” જમવાનું બંધ કરી ડૉક્ટરસાહેબ બોલ્યા.

“પણ વિશ્વાસ એવો નથી,” મન મજબૂત કરી ચંદ્રાવતી બોલી.

“આજે તે એવો નથી, પણ રક્ત પોતાનાં ગુણધર્મ છોડતું નથી, ચંદા. મારી નોકરીનું રહેવા દે, પણ તારી બાનો જરા વિચાર કર. તારા ભવિષ્યનો પણ વિચાર કર. તારા જેવી છોકરી વિશ્વાસની પત્ની થાય તો રાવરાજાની નજર તારા પર પડ્યા વગર રહેશે ખરી? કમ્પૅનિયન એટલે હર કામનો નોકર. રાજાની સામે થૂંકદાની – પિકદાની ધરવાનું કામ કરનારો ચાકર. બહાર ભલે તેનો રુવાબ – રુતબો દેખાતો હોય.”

ખુરશીની પીઠ પકડીને પૂતળાની જેમ ઊભેલી ચંદ્રાવતીને ડૉક્ટરસાહેબ ઉદાસ નજરે જોઈ રહ્યા હતા. ચંદ્રાવતી ગરદન ઝુકાવીને થરથર કાંપતી હતી. તેની આંખોમાંથી ચોધાર અશ્રુ વહી રહ્યા હતા. ભોજન અર્ધું મૂકી ડૉક્ટરસાહેબ ઊઠીને શયનગૃહ તરફ ગયા. તેમણે દવાની બે ટિકડીઓ પાણીના ઘૂંટડા સાથે ગળી અને પલંગ પર આડા પડ્યા.

ડાઈનિંગ-ટેબલ જેમ તેમ સાફ કરી ચંદ્રાવતી તેની રુમમાં ગઈ અને મોકળા મને આંસુ સારતી રહી. ‘બાબાએ આજ દિવસ સુધી મને ફૂલની જેમ સાચવી અને આજે તેમણે પોતે જ મને પગ તળે છુંદી નાખી? પ્રેમનું પરિણામ આવું જ આવતું હોય તો તેમાં આગળ શી રીતે વધી શકાય? પ્રેમ જાત-પાતમાં માનતો નથી, આ સાદી વાત બાબાની સમજમાં કેમ આવતી નથી? ઘરમાં રખાત બેસાડવાનું ચલાવી લેવાય છે. બીજા લોકોની સ્ત્રીઓ અને દીકરીઓને ભગાડીને લઈ જવાનું ગંદુ કામ ચલાવી લેવાય છે, પણ કોઈ સાચા હૃદયથી પ્રેમ કરે તે માત્ર ચલાવી લેવામાં આવતું નથી. તેને ‘ચાળા’ કહેવાય છે! મને લાગતું હતું કે બાબા મને સમજી શકશે. કહેતા’તા, આ બધું બંધ થવું જ જોઈએ!

‘શા માટે બંધ થવું જોઈએ? આ બંધ નહી જ થાય. હૃદયમાંથી નીકળતા પ્રેમના ઝરણા પર બંધ બાંધવાથી તે કંઈ રોકાતું હશે? તમારા બંગલામાંથી હું ખુલ્લંખુલ્લા નીકળી જઈશ અને પવાર ખાનદાનની હવેલીમાં તેમની પુત્રવધૂ તરીકે ગૌરવથી પ્રવેશ કરીશ. ફરી કદી તમારા બંગલામાં પગ પણ નહી મૂકું. મનાવવા આવશો, પગે પડશો તો પણ તમારી તરફ નહી જોઉં. તમારો બંગલો તમને મુબારક!

‘પણ આ બધું મેં બાબાને ચોખ્ખું કેમ ન સંભળાવ્યું? હું કેમ અચકાઈ ગઈ? શા માટે હું ગભરાઈ ગઈ અને મૂંગીમંતર થઈને ઊભી રહી ગઈ?’

આ વિચારવમળમાં ચંદ્રાવતી બારી પાસે ઉભી રહીને મુક્ત મને આંસું સારતી રહી.

‘હમણાં ને હમણાં પહેરેલી સાડીએ વિશ્વાસ સાથે બંગલામાંથી નીકળી જાત, પણ તે અહીં નથી.’

વિચારોનાં વા-વંટોળમાં ચંદ્રાવતી ઊંડી ઊતરતી ગઈ. થોડી વારે બહાર નજર કરી તો

દૂર મહેલની અગાસી પરના હવામહેલની જાળીમાંથી વીજળીના દીવાઓનાં ઝુમ્મર ઝગઝગવા લાગ્યા હતા.

***

મહેલમાંથી આવતી બગ્ગીનો અવાજ સાંભળી ચંદ્રાવતી ઝડપથી રસોડામાં ગઈ. ચોકડીમાં જઈ ચહેરા પર પાણીની છાલક મારી અને મોઢું સ્વચ્છ લૂછી ડાઈનિંગ-રુમમાં ગઈ.

“રાણી સરકાર પૂછતાં હતાં કે દીકરીને કેમ ન લાવ્યા?” ઘરમાં પ્રવેશ કરતાં જાનકીબાઈ બોલ્યાં.

“પછી? તેં શું કહ્યું?”

“મેં ક્હયું, આજકાલની છોકરીઓને ભજન-કીર્તન થોડાં ગમતા હશે? આપણને બોલતાં પણ સંકોચ થાય એવાં એવાં ગીતો ગાવાનું તેમને કહો તો દિલ ખોલીને ગાશે!” દીકરી તરફ જોઈને મજાકભર્યા સ્મિતથી કહ્યું. “અલી, તારી આંખો કેમ લાલ થઈ છે?”

“મારું માથું દુ:ખી રહ્યું હતું. જમ્યા પછી પથારીમાં આડી પડી અને આંખ લાગી ગઈ. બગ્ગીનો અવાજ સાંભળીને જાગી ગઈ તેથી આંખ લાલ થઈ હશે.


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.