તહેવારોને લગતાં ફિલ્મીગીતો (૪) : રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશોત્સવ

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

ઈદ પછી યાદ આવે ભાઇબહેનના પ્રેમના પ્રતીકરૂપ રક્ષાબંધનનો તહેવાર. હિંદી ફિલ્મોમાં પણ આ પ્રેમને નવાજતા કેટલાય ગીતોનો સમાવેશ થયો છે.

આમાંનું પ્રખ્યાત ગીત છે ૧૯૫૯ની ફિલ્મ ‘છોટી બહેન’નું જે આજે પણ રક્ષાબંધનનાં દિવસે યાદ કરાય છે.

भैया मेरे राखी के बंधन को निभाना
भैया मेरे छोटी बहेन को ना भूलाना

પોતાના ભાઈઓને રાખડી બાંધતા નંદા આ ગીત ગાય છે – ભાઈઓ છે બલરાજ સહાની અને રહેમાન. આ ગીત તહેવારની ખુશીના સ્વરમાં ગવાય છે

આ જ ગીત ફરી એકવાર આવે છે જ્યારે નંદા પોતાના અંધત્વને કારણે દુ:ખી હોય છે; એક ભાઇ હવે અલગ રહેવા જતો રહ્યો છે, એટલે બલરાજ સહાનીને રાખડી બાંધતા બાંધતા દુ:ખભર્યા સ્વરે આ જ ગીત ગાય છે જેના શબ્દોમાં ફેરફાર નથી.

બંને ગીતને સ્વર આપ્યો છે લતાજીએ. સુમધુર ગીતના રચયિતા છે શૈલેન્દ્ર અને સંગીત છે શંકર જયકિસનનું.

૧૯૬૨ની ફિલ્મ ‘અનપઢ’માં પણ રક્ષાબંધનને અનુલક્ષીને ગીત છે:

रंग बिरंगी राखी लेके आयी बेहना
ओ राखी बंधवा दो मेरे वीर

આ ગીતમાં પણ ભાઈ તરીકે બલરાજ સહાની છે. સમૂહનૃત્યમાં મુખ્ય છે માલા સિંહા. ગીતના શબ્દો રાજા મહેંદી અલી ખાનના અને સંગીત મદન મોહનનું. મુખ્ય સ્વર છે લતાજીનો.

૧૯૬૨ની બીજી એક ફિલ્મ છે ‘રાખી’. ભાઈ બહેનના પ્રેમને અનુલક્ષીને આ ફિલ્મ હોવાથી રક્ષાબંધનને લગતું ગીત તો હોવાનું.

बंधा हुआ एक एक धागे में भाई बहन का प्यार
राखी धागों का त्यौहार राखी धागों का त्यौहार

ભાઈ તરીકે અશોકકુમાર અને બહેન છે વહીદા રહેમાન. જુદા જુદા પ્રસંગોને સાંકળી લેતું પાર્શ્વભૂમિમાં ગવાતું આ ગીત ગાયું છે રફીસાહેબે જેના શબ્દો છે રાજીન્દર ક્રિષ્ણના અને સંગીત રવિનું.

ત્યાર પછી ૧૯૬૮મા આવેલી ફિલ્મ ‘એક ફૂલ એક ભૂલ’માં ગીત છે:

राखी कहती है तुमसे भैया
हो राखी कहती है तुमसे भैया
मेरे भैया रखना लाज बहन की

ગીતનો વીડિઓ પ્રાપ્ત નથી એટલે કોણ કલાકારો છે તે જણાતું નથી. ગીતના શબ્દો ઇન્દીવરના છે અને સંગીત ઉષા ખન્નાનું. સ્વર છે સુમન કલ્યાણપુરનો.

૧૯૭૨ની ફિલ્મ ‘બેઈમાન’નું રક્ષાબંધનને લગતું ગીત છે:

ये राखी बंधन है ऐसा
ये राखी बंधन है ऐसा

जैसे चाँद और किरण का

નાઝીમા અને મનોજકુમાર માટે આ ગીત ગાયું છે મુકેશ અને લતાજીએ. શબ્દો છે વર્મા મલિકના અને સંગીત શંકર જયકિસનનું.

૧૯૮૪મા આવેલી ફિલ્મ ‘હમ બચ્ચે હિન્દુસ્તાન કે’નું ગીત છે

ये रक्षाबंधन सब से बड़ा त्यौहार है

આ ગીત બાળકો પર ફિલ્માવાયું લાગે છે પણ ગીતમાં કોણ કલાકારો છે તે જણાતું નથી. ગાનાર કલાકાર પ્રીતિ સાગર. ગીતકાર સનમ ગોરખપુરી અને સંગીત ઝમીર બીકાનેરીનું.

આ ગીતની વિડીયો ક્લિપ ઉપલબ્ધ નથી જણાતી.

રક્ષાબંધનનું પર્વ સમાપ્ત થતાં થતાં જન્માષ્ટમી તહેવાર આવી ચઢે છે.

કૃષ્ણ જન્મની ઉજવણી ધામધૂમથી થાય છે અને ગોવિંદાઓ गोविंदा आला रे आलाના નાદથી ધમાલ મચાવે છે અને મટકી ફોડીને ઉત્સવ મનાવે છે. ફિલ્મી ગીતો તેમાંથી બાકાત નથી.

૫૦ વર્ષથી પણ પહેલા ૧૯૬૩માં આવેલી ફિલ્મ ‘બ્લફમાસ્ટર’નું આ ગીત તો આજે પણ જન્માષ્ટમીના દિવસે નાના મોટા સૌને હોઠે રમવા લાગે છે.

गोविंदा आला रे आला ज़रा मटकी संभाल ब्रिजबाला

ગોવિંદાઓની ટોળકીને લઈને શમ્મીકપૂર આ સદાબહાર મસ્તીભર્યું ગીત ગાય છે જેને કંઠ મળ્યો છે રફીસાહેબનો. ગીતના શબ્દો છે રાજીન્દર ક્રિષ્ણના અને સંગીત છે કલ્યાણજી આણંદજી.

तीन बत्तीवाला गोविंदा आला
रस्सी से लटकी मीट्टी की मटकी

આ છે ૧૯૭૯ની ફિલ્મ ‘મુકાબલા’નું જન્માષ્ટમીને લગતું ગીત. ગીતમાં બે કલાકાર છે – સુનીલ દત્ત અને શત્રુઘ્ન સિંહા. જેને સ્વર આપ્યો છે કિશોરકુમાર અને રફીસાહેબે. શબ્દો છે વર્મા મલિકના અને સંગીત શંકર જયકિસનનું.

૧૯૯૨ની ફિલ્મ ‘નાચ ગોવિંદા નાચ’નું આ ગીત જોઈએ:

आला गोविंदा आला गोविंदा आला
सारा जग नाचे सारा जग नाचे

અનજાનનાં શબ્દોને સંગીતથી સજાવ્યા છે અમર ઉત્પલે. કલાકારો ગોવિંદા અને મંદાકિનીને સ્વર મળ્યો છે ઉદિત નારાયણ અને જયશ્રી શિવરામનો.

૧૯૯૯ની ફિલ્મ ‘વાસ્તવ’માં પણ ગોવિંદાને લાગતું ગીત છે.

तुज़ा घरात नाही पानी गागर उठानी रे गोपाला
अरे गोविंदा रे गोपाला गोविंदा रे गोपाला

સંજય દત્ત પર આ ગીત ફિલ્માવાયું છે જે એક સમૂહગાન છે. ગાનાર કલાકારો વિનોદ રાઠોડ અને અતુલ કાલે. ગીતના શબ્દો સમીરના અને સંગીત જતિન લલિતનું.

૨૦૧૨ની ફિલ્મ ‘મૈ ક્રિષ્ના હું’નું આ ગીત મુખ્ય કલાકાર નહીં પણ મહેમાન કલાકાર રજનીશ દુગ્ગલ પર રચાયું છે:

मस्ती लुटाएँगे हम कल पे छायेंगे
नाचेंगे गायेंगे गोविंदा

ગીતકાર શબ્બીર અહમદ અને સંગીતકાર અમજદ નદીમ. સ્વર છે જાવેદ અલીનો.

મુંબઈ મિરર’ ૨૦૧૩માં આવેલી આ ફિલ્મનું ગીત છે:

अरे पोस्टर फटेगे तो हीरो ही निकलेगा माथे से फोड़ेगी मटकी
अरे जान हथेली पर लेकर हम आये आँखों ही आँखों में माखन चुराए

કલાકાર સચિન જોશી. ગીતકાર શબ્બીર અહમદ અને સંગીતકાર અમજદ નદીમ. સ્વર છે વાજીદ અલીનો.

જન્માષ્ટમીની પાછળ પાછળ થોડા જ દિવસોમાં આવે છે એટલો જ લોકપ્રિય તહેવાર ગણેશોત્સવ. આ તહેવાર આવતાં જ ભક્તિમય વાતાવરણ ઊભું થાય છે અને ઠેર ઠેર ગણેશજીની મહિમા ગવાય છે. સામાન્ય જનતાની સાથે સાથે ફિલ્મી હસ્તિઓ પણ પોતાના ઘરે ગણેશજીને પધરાવે છે તો આપણી ફિલ્મો કેમ તેના ગુણગાન ગાવામાંથી બાકાત રહે?

લગભગ પચાસ વર્ષ પહેલા આવેલી ૧૯૬૯ની ફિલ્મ ‘પુજારીન’માં આવું જ ગીત છે;

हे गणपति बाप्पा मोरिया
हे गज़बदान गणेशजी गणेशजी
मेरी विनती सुनो रे गज़बदान गणेशजी

કલાકાર છે વિજય દત્ત જેને કંઠ આપ્યો છે મહેન્દ્ર કપૂરે. શબ્દો મદનના અને સંગીત નારાયણ દત્તનું.

૧૯૮૧ની ફિલ્મ ‘હમ સે બઢકર કૌન’નું આ ગીત તો એટલું પ્રખ્યાત છે કે ગણેશ મંડપોમાં તે અચૂક સંભળાય છે:

देवा हो देवा गणपति देवा
तुमसे बढ़कर कौन
स्वामी तुमसे बढ़कर कौन

અનેક કલાકારોવાળા આ ગીતનાં રચયિતા છે રવિન્દ્ર રાવળ અને સંગીત આપ્યું છે રામ લક્ષ્મણે. કલાકારો છે મિથુન ચક્રવર્તિ, અમજદ ખાન, ડેની ડેન્ઝોગપા અને રંજીતા. સમૂહગાનના ગાયક કલાકારો છે આશા ભોસલે, ભુપિન્દર, શૈલેન્દ્ર સિંહ, સપન ચક્રવર્તિ અને રફીસાહેબ.

એક દર્દભર્યું ગણેશોત્સવનું ગીત છે ૧૯૮૩ની ફિલ્મ ‘દર્દ કા રિશ્તા’નું. મરણપથારીએ સૂતેલી પુત્રી ખુશ્બુના દર્દને અનુલક્ષીને આ ગીત સુનીલ દત્ત પર ફિલ્માવાયું છે પણ તે એક પશ્ચાદગીત તરીકે છે જેના ગાનાર કલાકાર છે હરિહરન. ગીતના શબ્દો આનંદ બક્ષીના અને સંગીત આર.ડી. બર્મનનું.

૧૯૮૭ની ફિલ્મ ‘મરતે દમ તક’માં ગણેશોત્સવના સમારંભમાં ગોવિંદા અને શક્તિ કપૂર વચ્ચે રસાકસી થાય છે અને એકબીજા ઉપર શાબ્દિક પ્રહારો કરે છે. ગીતના પાછળના ભાગમાં રાજકુમાર આવે છે. વચ્ચે ફારહાને પણ દર્શાવાઈ છે.

गणपति बाप्पा मोरिया मोरिया रे मोरिया
मंगल मूर्ती मोरिया मोरिया रे मोरिया
मुकाबिला मुकाबिला तेरे भक्तजनों का मुकाबिला

એક કરતાં વધુ ગાનાર કલાકારો છે શબ્બીર કુમાર, સુરેશ વાડકર, મહેન્દ્ર કપૂર અને હેમલતા. શબ્દો અને સંગીત છે રવિન્દ્ર જૈનના.

૧૯૮૭મા આવેલી ફિલ્મ ‘ઘર મેં રામ ગલી મેં શ્યામ’નું આ ગીત અનુપમ ખેર પર રચાયું છે.

गणपति बाप्पा मोरिया खूब तेरा संसार है
पाप है अत्याचार है दया धरम ना प्यार है

ગીતકાર અનજાન અને સંગીત છે અમર ઉત્પલનું. કંઠ છે સુરેશ વાડકરનો.

૧૯૯૦ની ફિલ્મ ‘અગ્નિપથ’નું આ ગીત પણ ભક્તિપૂર્ણ છે

गणपति बाप्पा मोरिया पुढच्या वर्षी लौकर या

અનેક કલાકારોવાળા આ ગીતનાં ગાનાર ફક્ત બે જ છે – કવિતા કૃષ્ણમૂર્તિ અને સુદેશ ભોસલે, જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. કલાકારો અમિતાભ બચ્ચન, મિથુન ચક્રવર્તી, ડેની ડેન્ઝોગપા, નીલમ, રોહિણી હતંગડી અને આલોકનાથ.

૧૯૯૬ની ફિલ્મ ‘ઝોરદાર’નાં ગીતનાં વીડિઓમાં કલાકારોને બદલે સ્વર જ સંભળાય છે પણ ફિલ્મના મુખ્ય પાત્રો છે ગોવિંદા અને મંદાકિની. ગીતના શબ્દો છે:

शंकर नंदन दुष्ट निकन्दनं
जय गजबंधन जय गजबंधन

ગીતકાર છે ઇન્દીવર અને સંગીતકાર છે અનુ મલિક. ગાયકો સાધના સરગમ અને અનુ મલિક.

૨૦૦૧ની ફિલ્મ ‘મુઝે પ્યાર હુઆ તુમસે’માં ગણપતિને લગતા ગીતના શબ્દો છે:

हे गणपति बाप्पा मोरिया
अगले बरस तू जल्दी आ

વીડિઓમાં મુખ્ય કલાકાર નાગાર્જુન નથી જણાતો પણ અન્ય લોકો છે. આ ગીતને સંગીત સાંપડ્યું છે સાવન કુમાર પાસેથી. તેના શબ્દો છે પી.કે.મિશ્રાના અને સ્વર આપ્યો છે વિનોદ રાઠોડે.

પરવાના’ ફિલ્મ – ૨૦૦૩. ફિલ્મના મુખ્ય કલાકારો છે અજય દેવગણ, અમિષા પટેલ વગેરે પણ બાપ્પા માટે જે ગીત મુકાયું છે તે ગજેન્દ્ર સિંહ અને અન્યો ઉપર રચાયું છે જ્યારે આ ગીતમાં ટુ વ્હીલર પર અજય દેવગણના સ્ટંટ દર્શાવાયા છે કારણ તેને બોમ્બનો નાશ કરવાનો હતો જે ગીતના અંતમાં દેખાય છે.

ગીતના શબ્દો સમીરના અને સંગીત સંજીવ દર્શનનું. ગાયકો વિનોદ રાઠોડ અને ફરીદ સાબરી.

૧૯૯૦ની ફિલ્મ ‘અગ્નિપથ’ની રિમેક ૨૦૧૨મા આવી હતી. સ્વાભાવિક છે કે તેમાં પણ મૂળ ફિલ્મની જેમ ગણપતિ બાપ્પા પર ગીત હોવાનું.:

देवा श्री गणेशा देवा श्री गणेशा
ज्वाला सी जलती है आँखों में
जिसके भी दिल में तेरा नाम है

રિતિક રોશન પર આ ગીત રચાયું છે જેને સ્વર આપ્યો છે અજય ગોગવાલેએ. ગીતના રચયિતા અમિતાભ ભટ્ટાચાર્ય અને સંગીત અતુલ અજયનું.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *