પરિસરનો પડકાર : ૧૪ – ભારતમાં મળી આવતાં હરણ

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા

દોસ્તો, ગયા લેખમાં, કચ્છમાં મળી આવતી જૈવિક અને અજૈવિક વિવિધતાથી આપણે પરિચિત થયાં. આ લેખમાં આપણા ભારત દેશના જંગલોમાં મળતી વિવિધ પ્રકારના હરણની જાતોથી માહિતગાર થશું. સામાન્ય પણે હરણની વાત આવે ત્યારે સૌના માનસપટ પર રામાયણના સુવર્ણ મૃગની છબી તાદ્દશ થતી હોય છે. વળી એવા કેટલાક પ્રાણીઓ છે કે દેખાવમાં તો હરણ લાગે પરંતુ પ્રાણીશાસ્ત્રની દ્રષ્ટીએ તે પ્રાણીઓ હરણ હોતા નથી. હરણનું અને અન્ય તૃણભક્ષી પ્રાણીઓનું જંગલમાં અસ્તિત્વ હોવું તે પરિસ્થિતિ વિજ્ઞાનની દ્રષ્ટીએ આગવું મહત્વ ધરાવે છે. બિલાડી કુળના માંસભક્ષી પ્રાણીઓ જેવાં કે સિંહ, વાઘ, દીપડા વિગેરે માટે હરણ જેવાં પ્રાણી ખોરાકની ગરજ સારે છે. તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યામાં જો નજીવો પણ ફેરફાર થાય તો તેની દુરોગામી અસર માંસભક્ષી પ્રાણીઓની સંખ્યામાં થાય છે જે સમજી શકાય તેવી વાત છે. જ્યારેપણ માંસભક્ષી પ્રાણીઓને કોઈ નવા વિસ્તારમાં લઇ જઈને છોડવાની વાત આવે તે પહેલા ત્યાં ‘પ્રે બેઇઝ’ એટલે કે ખોરાક માટે પુરતી સંખ્યામાં અન્ય પ્રાણીઓ છે કે કેમ તેની ખાતરી કરવામાં આવતી હોય છે. કુદરતમાં શિકાર કરીને જીવતાં પ્રાણીઓ અને શિકાર થઇ જતાં પ્રાણીઓની વચ્ચે એક અનોખું સંતુલન અસ્તિત્વ ધરાવતું જોવા મળે છે. આ સંતુલન સતત જળવાતું રહે અને ખોરવાય નહિ તે જોવાની જવાબદારી વન્યપ્રાણી પ્રબંધકની રહેતી હોય છે. કુદરતી પરિબળો જેવાં કે જંગલની આગ, અતિવૃષ્ટિ, દુકાળ કે પછી રોગચાળો ફાટી નીકળે તેવા સંજોગોમાં ખોરવાયેલા સંતુલનમાં ઉચિત કાર્યવાહી કરીને તેનું પુન:સ્થાપન કરવા માટે શક્ય એવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે.

આ લેખમાં, ભારતના જંગલોમાં જોવા મળતી હરણની વિવિધ પ્રજાતિઓ વિષે ચર્ચા કરશું.

૧. ચિતલ અથવા સ્પોટેડ ડીયર: (Axis axis)

રામાયણનું સુવર્ણ મૃગ: નામ પ્રમાણે શરીર પર ચાઠાં આવેલાં છે. જંગલોમાં જોવા મળતી અતિ મહત્વપૂર્ણ અને દેખાવે સૌથી સુંદર પ્રજાતિ. તેનો વ્યાપ અતિ વિશાળ છે. હિમાલયથી લઈને દક્ષિણ ભારતના જંગલોમાં જોવા મળે છે સિવાય કે ઉત્તરપુર્વી રાજ્યો. ઘાસિયા મેદાનોમાં ચરવાનું પસંદ કરે છે. સામાન્યત: ૨૦ કે ૩૦ ના ટોળામાં અને કોઈ વખત સેંકડોના ઝુંડમાં જોવા મળે.

જંગલોની ફરતે આવેલાં ખેતીના પાકને મોટું નુકસાન પહોંચાડે છે. હિમાલયની તળેટીમાં આવેલાં તેરાઈ જંગલો અને મધ્ય પ્રદેશના જંગલોમાં ચિતલની ઉત્તમ પ્રજાતિ જોવા મળે છે. આપણા ગીરના જંગલમાં પણ વસે છે. મોટા ભાગના માંસભક્ષીઓ ચિતલનો શિકાર કરતા હોય છે અને તેથી જ કુદરતે આ હરણને પ્રજોત્પતીની અપાર શકતી આપી છે. પ્રતિ છ મહીને બચ્ચાં પેદા કરે છે.

૨. સાબર/સાંભર: (Cervus unicolor)

ભારતીય ઉપમહાદ્વીપના જંગલોમાં મળી આવતી હરણની તમામ પ્રજાતિઓમાં સૌથી મોટું કદ ધરાવે છે. ઉપરાંત તેના શીંગડા અત્યંત મનમોહક અને ૧૦૦ સેન્ટીમીટર સુધીની લંબાઈ ધરાવે છે. એક પુખ્ત નર સાબરનું વજન ૩૦૦ કી.ગ્રા. હોય છે. આ પ્રજાતિ ગાઢ જંગલ અને પર્વતીય વિસ્તાર પસંદ કરે છે અને ભારતમાં હિમાલયની તળેટીથી દક્ષિણ ભારત તથા રાજસ્થાનથી ઉત્તરપુર્વી પ્રદેશોના જંગલોમાં જોવા મળે છે. કદાવર હોવા છતાં સાંભર ગાઢ જંગલમાં નિર્વિઘ્ને અવાજ કર્યા વગર દોડી શકે છે. નર સાંભરના મોં પર એક ખાસ પ્રકારની ગ્રંથી હોય છે જેમાંથી પેદા થતા પ્રવાહીની ગંધથી માદા સાંભર આકર્ષાય છે.

૩. બારાસિન્ઘા અથવા સ્વાંપ ડીયર: (Cervus duvauceli)

મુખ્યત્વે યુ.પી. અને આસામના ના તેરાઈ/ખાબોચીયા ધરાવતા વિસ્તારો/ટાપુઓ અને મધ્ય પ્રદેશના જંગલોમાં જોવા મળે છે. ગોલ્ડન યેલો ચામડી ધરાવતા આ હરણના નર અલ્પ માત્રામાં કેશવાળી ધરાવે છે. એક સમયે વિલોપનને આરે પહોંચી ચુકેલી આ પ્રજાતિ માનવીના સકારાત્મક હસ્તક્ષેપના કારણે ટકી ગઈ છે.

૪. થામીન અથવા બ્રો – એન્ટલડઁ ડીયર: (Cervus eldi) :


આ હરણની પ્રજાતિ માત્ર મણીપુર રાજ્યમાં જોવા મળે છે. સ્થાનિક ભાષામાં ‘સાંગાઈ’ તરીકે ઓળખવામાં આવે છે. તેની ચાલવાની ખાસ પ્રકારની સ્ટાઈલને કારણે તેને ‘ડાન્સિંગ ડીયર’ પણ કહેવામાં આવે છે. નર ચાર ફૂટ સુધીની ઉંચાઈના હોય છે જયારે માદા તેનાથી નીચી હોય છે. તેની ચામડીના રંગને કારણે સાંભરને મળતું આવે છે પરંતુ કદાવર નથી. આ હરણની ખાસિયત તેના શીંગડામાં છે જેમાં અણીદાર ‘ફોર્ક’ (જમવા માટેનો કાંટો) જેવાં બે થી દસની સંખ્યામાં પાંખીયા જોવા મળે છે. અત્યંત ખુબસુરત શીંગડા આ હરણની ખાસિયત બની રહે છે. હરણના ભંવામાંથી શિંગડાં નીકળતા હોવાથી ‘બ્રો-એન્ટલડઁ ડીયર’ કહેવામાં આવે છે.

૫.ઇન્ડીયન હોગ ડીયર: પાર્હા/પાડા (Axis porcinus) :


પાકિસ્તાન, ભારત, બર્મા સુધીની ઇન્ડો ગેન્જેટિક પટ્ટીમાં આ હરણ જોવા મળે છે. ચિતલની નજીકનું છતાં ચિતલની સરખામણીમાં મજબુત બાંધો ધરાવે છે. અન્ય હરણ કરતા તેની દોડવાની રીત ખાસ પ્રકારની છે, માથું નમાવીને દોટ મુકે છે તેથી હોગ ડીયર તરીકે ઓળખાય છે. પગ પ્રમાણમાં ટૂંકા, ઘાટ્ટી ભૂખરી ચામડી, કાનની અંદર અને પૂંછડીની નીચે સફેદ ભાગ જોવા મળે છે. ચિતલ કરતા શીંગડા ઘણાં નાના હોય છે.

આજે આપણે પાંચ અતિ મહત્વપૂર્ણ હરણની પ્રજાતિઓ વિષે વાત કરી. મિત્રો, આવતા લેખમાં અન્ય ચાર પ્રજાતિઓ વિષે ચર્ચા કરશું.

ખોરાક લેવા/પચાવવા માટે જે પ્રાણીઓ વાગોળતાં હોય છે તેને ‘રૂમીનંટ’ પ્રકારના પ્રાણી કહેવામાં આવે છે. હરણ આદિકાળથી અસ્તિત્વમાં આવેલું વાગોળનાર પ્રાણી છે જે મુખ્યત્વે ખુલ્લાં જંગલો અને ઘાસિયા મેદાનોમાં નિવાસ કરે છે. પગમાં ખરી ધરાવતાં પ્રાણીઓમાં હરણ આવતાં હોવા છતાં અન્ય ખરીવાળા પ્રાણીઓ જેવાં કે ગાય, ભેંસ, બળદ વિગેરેથી કેટલીક બાબતોમાં અલગ પડે છે. હરણની તમામ પ્રજાતિમાં, બંને આંખની નીચે ફાંટ આવેલી હોય છે અને તેને ‘પિત્તાશય’ (Gall bladder) હોતું નથી. અન્ય વાગોળતાં પ્રાણીઓ માફક હરણના શિંગડાં પોલાં નથી હોતાં પરંતુ નક્કર હાડકાના હોય છે જે સમયાંતરે ખરી પડતા હોય છે. શિંગડાં ખર્યા બાદ ફરી નવા ઉગી નીકળે છે.

———————————————————–

નોંધ: પ્રસ્તુત લેખમાં આપેલી માહિતી અને ચિત્રો ફક્ત અભ્યાસ અને જનજાગૃતિ પુરતી ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે. કોઈ વ્યવસાયિક ઉદ્દેશ રાખવામાં આવ્યો નથી.


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

5 comments for “પરિસરનો પડકાર : ૧૪ – ભારતમાં મળી આવતાં હરણ

 1. girish dave
  August 24, 2018 at 1:53 pm

  what is english name and biological name “Kaliar” dears for which bhavnagar district is famous

  • Dipak Dholakia
   August 25, 2018 at 11:36 pm

   Is it not ‘Black Buck? I suppose it is.

   • Chandrashekhar Pandya
    September 3, 2018 at 8:09 am

    Yes. It is Black Buck only, scientifically known as Antilope cervicapra.

 2. Chandrashekhar Pandya
  September 3, 2018 at 8:05 am

  It is not a deer species. It belongs to a special class known as Antelopes. The English name is Black buck and Biologically known as Antipope cervicapra.
  I will be dealing with this class of animals separately.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *