સાયન્સ ફેર : સૂર્યને સમજવા માટે નાસા મોકલી રહ્યું છે ‘પાર્કર સોલાર પ્રોબ’

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

અમેરિકાના ઓકલાહામા રાજ્યમાં ટુલસા નામના સ્થળે એક જગ્યા છે, જે ‘સેન્ટર ઓફ ધી યુનિવર્સ’ (સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ) તરીકે ઓળખાય છે. આ સ્થળની વિશેષતા એ છે કે અહીં બનાવેલા એક ગોળાકાર ફ્લોર ઉપર ઉભા રહીને તમે કંઈ પણ બોલો, તો એના મહત્તમ પડઘા પડે છે. આવુ કેમ બને છે તે હજી વિજ્ઞાન દ્વારા પૂરેપૂરું સમજી શકાયું નથી. પણ આવી ખાસિયતને લીધે એવી વાયકા પ્રસિદ્ધ છે કે આ સ્થળ સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્રબિંદુ હોવાથી અહીં બોલાયેલો અવાજ વધુ પડઘાય છે. હવે જો અત્યાર સુધી સાબિત થયેલા વૈજ્ઞાનિક તથ્યો તપાસીએ તો આ વાયકા ખોટી ઠરે. બ્રહ્માંડની ઉત્પત્તિ આશરે ૧૪૦૦ કરોડ વર્ષ પહેલા એક વિશાળ ધડાકા (બિગ બેંગ)ને પગલે થઇ હોવાનું મનાય છે. અને એ ધડાકાની અસરો હજી ચાલુ જ છે, માટે બ્રહ્માંડ સતત વિસ્તરતું જાય છે. વળી, આજની તારીખે બ્રહ્માંડને ‘અનંત’ ગણવામાં આવે છે! (એક આડપ્રશ્ન, અત્યારે જ અનંત હોય, તો હજી કેટલુંક વિસ્તરણ થશે બ્રહ્માંડનું?) અને જો બ્રહ્માંડ અનંત હોય તો એનું કેન્દ્રબિંદુ તો હોઈ જ ન શકે. અવકાશ બધી બાજુએ અનંત વિસ્તાર પામેલું હોવાથી તમે જે બિંદુએ ઉભા હોવ, એને જ કેન્દ્રબિંદુ ગણી લો તો ચાલે! અર્થાત, પ્રેક્ટિકલી કોઈ એક ચોક્કસ બિંદુને બ્રહમાંડનું કેન્દ્રબિંદુ ન જ ગણી શકાય. આમ જોવા જાવ તો આ બધી થિયરીઝ વિરોધાભાસી હોવા છતાં પોતપોતાની રીતે સાચી લાગે એવી છે.

જો કે કમસે કમ માનવજાત માટે તો બ્રહ્માંડનું કેન્દ્ર સૂર્ય જ છે. સૂર્ય વિના પૃથ્વીના ગોળા ઉપર વસતા મોટા ભાગના સજીવોનું અસ્તિત્વ જ ન હોઈ શકે. આપણે સૂર્યનો પ્રકાશ અને ગરમી અનુભવીએ છીએ પરંતુ આગના ધગધગતા ગોળા જેવો હોવાને કારણે આપણે નરી આંખે સૂર્યને જોઈ શકતા નથી કે તેની નજીક જઈ શકતા નથી. આથી જેના આધારે આપણું જીવન ટકેલું છે, એવા સૂર્ય વિષે આપણી પાસે પ્રમાણમાં બહુ ઓછી માહિતી છે! આ પણ એક વિરોધાભાસ જ ગણાય.

ચંદ્ર વિષે આપણી પાસે પ્રમાણમાં ઘણી માહિતી છે કેમકે માનવજાતે અવકાશીય સંશોધનોને પ્રતાપે ચંદ્ર સર કર્યો છે. ચંદ્ર પર યાન મોકલી શકાય છે, પરંતુ સૂર્ય પર યાન મોકલવાનો વિચાર તો કોઈ મૂરખને જ આવે! પરંતુ તાજા સમાચાર મુજબ અહીં વળી એક ઓર વિરોધાભાસ સર્જાયો છે! અમેરિકાની વિખ્યાત સંશોધન સંસ્થા ‘નાસા’માં એક્કેય મૂરખની ભરતી ન થઇ હોવા છતાં નાસાના વિજ્ઞાનીઓને સૂર્યની નજીક અવકાશયાન મોકલવાની ઈચ્છા થઇ છે![1]

અલબત્ત, નાસા જેવી સંસ્થાના વિજ્ઞાનીઓ કોઈ વિચાર અમલમાં મૂકે, એની પાછળ વૈજ્ઞાનિક ઢબે થયેલું તર્કબદ્ધ આયોજન હોવાનું જ ! નાસાનો હેતુ સૂર્ય વિષે વધુ માહિતી મેળવવા માટેનો છે. આ માટે નાસા પોતાનું (અને વિશ્વનું પણ) પ્રથમ સોલાર મિશન લોન્ચ કરી રહી છે. આ માટે નાસા મોટરકારની સાઈઝનું એક વાહન સૂર્ય તરફ મોકલશે. આ વાહનને ‘પાર્કર સોલાર પ્રોબ’ તરીકે ઓળખવામાં આવે છે. મોટે ભાગે ઓગસ્ટના પહેલા પખવાડીયા દરમિયાન પાર્કર પૃથ્વીની સપાટી પરથી ઉડીને સૂર્યના ગોળા તરફ આશરે ચાર લાખ માઈલ જેટલું અંતર કાપવા માટેની મુસાફરી શરુ કરશે. આજ સુધી કોઈ અવકાશયાન સૂર્યની આટલે નજીક સુધી પહોંચી શક્યું નથી. જે રીતે ચંદ્રની ધરતી પર યાન ઉતરી શકે છે, એ રીતની કોઈ શક્યતા અહીં સ્વાભાવિકપણે નથી. પરંતુ સૂર્યની બને એટલા નજીક જઈને જાણકારી મેળવવાની કોશિષ થવાની છે.

સૌરમંડળ ઉપર સૂર્યની જે અસરો થાય છે, એનો અભ્યાસ કરવા માટે ભૌતિકશાસ્ત્રીઓએ એક ખાસ પ્રકારની વિદ્યાશાખાનો આવિષ્કાર કર્યો છે, જે ‘હેલિયોફિઝીક્સ’ તરીકે ઓળખાય છે. નાસા સંચાલિત ‘ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટર’માં હેલિયોફિઝીક્સ સાયન્સ ડિવિઝનની શાખા કાર્યરત છે, અને એના ડિરેક્ટર એલેક્સ યંગ નાસાના સોલાર મિશન સાથે સંકળાયેલા છે. એલેક્સ યંગ અને એમની ટીમ દાયકાઓથી સૂર્યના ગોળા પર થતી ગતિવિધિઓ અને સૌરમંડળ પર પડતી એની અસરોનો અભ્યાસ કરી રહી છે. સોલાર મિશનનો મૂળ હેતુ ‘સ્પેસ વેધર’ને સમજવાનો છે. પૃથ્વીના નિવાસીઓ માટે સ્પેસ વેધર એટલે સૂર્યની અસરોને લીધે સૌરમંડળ તેમજ પૃથ્વીના વાતાવરણમાં થતા ફેરફારો.

સૂર્ય ડાયનેમિક અને મેગ્નેટિકલી એક્ટિવ સ્ટાર ગણાય છે. કારણકે સૂર્યનો તારો સતત મેગ્નેટિક વેવ્સ છોડતો રહે છે. અને આ વેવ્સ સૌરમંડળની બહાર – અવકાશમાં ઘણે દૂર સુધી ફેલાય છે. આ વેવ્સ ઘણીવાર આપણા પૃથ્વીના વાતાવરણને અસર પહોંચાડે છે. આપણને એની સીધી અસર નથી દેખાતી, પણ કમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા રેડિયો સિગ્નલ્સ સૂર્યના મેગ્નેટિક વેવ્સને કારણે વિક્ષિપ્ત થાય છે. આ ઉપરાંત સોલાર વિન્ડ (સૂર્ય પરથી વાતા પવનો) પણ બહુ અગત્યની બાબત છે. સોલાર વિન્ડઝ નરી આંખે જોઈ નથી શકાતાં પરંતુ પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પાસે સોલાર વિન્ડ્ઝને કારણે આકાશમાં નયનરમ્ય રંગોળી પુરાતી હોવાનો આભાસ થાય છે. બન્ને ધ્રુવના આકાશમાં દેખાતી આવી રંગીન લાઈટ્સને ‘પોલર લાઈટ્સ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોના માનવા મુજબ સોલાર વિન્ડ્ઝને લીધે ઉત્પન્ન થતી પોલાર લાઈટ્સમાં એનર્જીનો જથ્થો વિપુલ માત્રામાં રહેલો છે. જો પાર્કર સોલાર પ્રોબ પોતાનું ધારેલું કામ પાર પાડશે તો સૂર્ય અંગેની અણધારેલી માહિતીઓનો ખજાનો હાથ લાગવાની શક્યતા છે. સૂર્યગ્રહણ વખતે ચંદ્ર દ્વારા સૂર્યનો જેટલો હિસ્સો ઢંકાઈ જાય છે, એ કોરોના તરીકે ઓળખાય છે. નાસાનું સોલાર મિશન આ કોરોનાનો પણ ભ્યાસ કરશે. દૂરના ભવિષ્યમાં કદાચ સોલાર વિન્ડઝ દ્વારા મળતો ઉર્જાનો અખૂટ ખજાનો હસ્તગત કરવાની તરકીબ પણ હાથ લાગી શકે! જો કે એ પહેલા વિજ્ઞાનીઓએ ટેકનિકલી વિરોધાભાસી ગણાય એવા ઘણા પ્રશ્નોના ઉત્તર મેળવવા પડશે!

…અને લગોલગ જીવતા વ્યક્તિના ‘મન’ સુધી પહોંચવામાં નિષ્ફળ નીવડતો માણસ ‘સન’ સુધી પહોંચવાના પ્રયત્નો કરે, એ પણ એક પ્રકારનો વિરોધાભાસ જ ગણાય ને?!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


[1]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *