ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૧: ગુલામી પ્રકરણ ૨૬: કંપની રાજની બંગાળ પર અસર

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

બક્સરની લડાઈ પછી ૧૭૬૫માં મોગલ બાદશાહે કંપનીને બંગાળની દીવાન બનાવી દીધી. મોગલ સલ્તનતમાં બંગાળ, સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ હતો. બ્રિટન માટે આ દીવાની આશીર્વાદ સમાન નીવડી. કંપની અને એના નોકરોને એનાથી બહુ મોટો લાભ થયો. નદીઓથી સમૃદ્ધ આ પ્રદેશ ૩૦ લાખ રૂપિયાની મહેસૂલી આવક આપતો હતો. વેપારમાં તો નુકસાન થતું હતું પણ મહેસૂલની આ ગંજાવર રકમમાંથી કંપની લંડનમાં ડાયરેક્ટરોનું મોઢું બંધ રાખી શકતી હતી. અહીંનો માલ, રેશમ, ખાંડ અને ગળી લંડનના બજાર માટે જ હતાં. બંગાળનો ચોખાનો મબલખ પાક કંપનીની લશ્કરી છાવણીઓને કામ આવતો. પરંતુ મુખ્ય ફાયદો તો મોગલ સલ્તનતે વેપાર માટે એના આખરી દિવસોમાં બનાવેલા નિયમોને કારણે થયો. કોઈ પણ વેપારી કોઈ એક વસ્તુના વેપારનો ઇજારો લઈ શકતો. કંપનીએ મીઠું, બંદૂકનો દારુ, ગળી, સોપારી વગેરેના ઇજારા લઈ લીધા હતા. કંપનીએ લંડનથી સોનું લેવું પડતું તે લગભગ બંધ થઈ ગયું.

જૂનું માળખું, નવા વિચારો

બંગાળ પર વર્ચસ્વ સ્થાપ્યા પછી પણ કંપનીનો ઉદ્દેશ મુખ્યત્વે તો કમાણી અને વેપારનો જ રહ્યો હતો એટલે દીવાન તરીકે પણ કંપનીએ જાતે બહુ મોટા ફેરફાર ન કર્યા. બધાં કામો નવાબને નામે થતાં હતાં પણ ખરો અંકુશ ‘ઓટુનવાબ’ એટલે કે એના નાયબનો હતો અને કંપની નવાબની ‘નાયબ’ હતી. ન્યાયની બાબતમાં પણ કંપનીએ દીવાન તરીકે ‘દીવાની’ કેસો પોતાના હાથમાં લીધા, પણ ફોજદારી ગુનાઓનો નિકાલ કરવાની જવાબદારી હજી નવાબના હાથમાં જ હતી. પરંતુ ૧૭૭૨થી કંપનીએ પોતાને ‘અપીલ કોર્ટ’ તરીકે સ્થાપિત કરી દીધી. ૧૭૮૧ પછી તો નીચલી કોર્ટોમાં પણ અંગ્રેજ જજો દીવાની અને ફોજદારી કેસો સાંભળવા લાગ્યા.

આ આખા સમયગાળા દરમિયાન કંપની પર હજી લંડનના મુખ્ય ડાયરેક્ટરોનો કાબુ હતો. પોલીસ કે લશ્કરી દળના ઉપયોગ માટે બંગાળના અંગ્રેજ શાસકોએ ડાયરેક્ટરોને જવાબ આપવો પડતો હતો. ૧૭૬૫ પછી ઘણી વાર તો સ્વયં બ્રિટિશ સરકારનું જ દબાણ આવતું. ૧૭૭૩માં અને પછી ૧૭૮૪માં બ્રિટન સરકારે કાયદા બનાવીને હિંદ માટેની નીતિ નક્કી કરી આપી. ઈસ્ટ ઇંડિયા કંપનીના ડાયરેક્ટરોએ પણ એના પ્રમાણે વર્તવું પડતું. ૧૮૩૩માં તો બ્રિટન સરકારે વેપારનો છેદ જ ઉડાડી દીધો. કંપનીનું મુખ્ય કામ તો આમ બંધ જ થઈ ગયું.

નવા સમાજનું નિર્માણ?

હિંદુસ્તાન, અને ખાસ કરીને બંગાળના, સમાજ પર બ્રિટિશ હકુમત લદાઈ તે પછી મોટા ફેરફાર થયા એમ ન કહી શકાય કારણ કે ૧૭૬૫ પહેલાં જ સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક પરિવર્તનો આવવા માંડ્યાં હતાં મોગલ સલ્તનત તૂટું તૂટું થતી હતી, બીજાં શક્તિશાળી રાજ્યો પણ થાકવા લાગ્યાં હતાં. ખેતીનું વેપારીકરણ પણ થવા લાગ્યું હતું. મહેસૂલ એકઠું કરવાના અધિકાર નવાબી જમાનામાં જ બહુ ઘણા લોકોને મળી ગયા હતા એટલે ખેતી કરનારા સમાજમાં પણ અમીર-ગરીબના ભેદભાવ શરૂ થઈ ગયા હતા. આમ છતાં, બ્રિટિશ સત્તાએ આ પ્રક્રિયાને નવો વેગ આપ્યો એમ તો જરૂર કહેવું પડશે.

વળી, દેખ બીચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન જેવી સ્થિતિ પણ નહોતી સ્થપાઈ. નવાબના વખતમાં જેટલી લૂંટમાર થતી તેમાં ઘટાડો થયો એમ ન કહી શકાય. ખરેખર તો ૧૯મી સદીના પહેલા દાયકામાં લૂંટમારની જે હાલત હતી તે કંપની માટે શરમજનક જ હતી. નવાબના સમયમાં એના લશ્કરના માણસો નવાબ ઉપરાંત એના મુખ્ય આશ્રયદાતાને વફાદાર રહેતા. આમાં જે જોખમો હતાં તે પ્લાસીની લડાઈમાં છતાં થયાં પરંતુ કંપનીએ નવાબનું સૈન્ય વીખેરી નાખ્યું તેથી બેરોજગારી વધી. ૬૫,૦૦૦ નાના સિપાઈઓને તો નોકરીએ લઈને કંપનીએ રોજગાર આપ્યો પણ ઘોડેસવારોની એને જરૂર જ નહોતી. બેકારીને કારણે બહારવટિયાઓનો ત્રાસ પણ વધ્યો.

જમીનદારો પહેલાં પોતપોતાના પ્રદેશમાં બધી સત્તા ભોગવતા અને નવાબ પણ એમાં દખલ ન દેતો. કંપનીએ કાયદા બનાવીને એમના પર નિયંત્રણો મૂકવાની કોશિશો કરી પરંતુ જમીનદારો તો રાજકાજ જાણતા હતા એટલે ‘વચલો રસ્તો’ કેમ કાઢવો તે જાણતા હતા. આમ વ્યવહારમાં જમીનદારોને જ રક્ષણ મળ્યું. ૧૭૯૦માં ૧૨ કુટુંબો મહેસૂલ એકત્ર કરતાં, તેની જગ્યાએ કંપનીએ ઘણાને કોંટ્રૅક્ટ અને કાયમી અધિકારો આપતાં શોષણખોરોની મોટી જમાત ઊભી થઈ ગઈ. અઢારમી સદીના અંતભાગમાં તો જમીન અને મજૂરી વચ્ચેની સમતુલા જમીનવાળાઓ તરફ ઢળતી થઈ ગઈ હતી.

બંગાળનું અર્થતંત્ર પૂરેપૂરું બ્રિટનના અર્થતંત્ર સાથે સંકળાઈ ગયું હતું એટલે ત્યાંના વાળાઢાળાની અસર બંગાળમાં પણ દેખાતી. આમ તો જમીન મહેસૂલ અને કાચા માલના વેપાર પર ભાર મુકાતાં શહેરો કરતાં ગામડાંઓમાં કમાણીની તકો વધી હતી.

નવા વ્યવસાય, નવી સભ્યતા

આમ છતાં, કલકત્તા જેવા શહેરનો પણ વિકાસ થયો અને ઢાકા પડી ભાંગ્યું કે જે ‘મલમલ’ માટે જાણીતું હતું. કેમ કે જમીનદાર ન હોય પરંતુ વહીવટ અને હિસાબનીસ તરીકે પાવરધા લોકોનો નવો વર્ગ શહેરમાં જ રહ્યો.

કલકત્તામાં હિંદીઓ માટે ‘બ્લૅક ટાઉન’ અને યુરોપિયનો માટે ‘વ્હાઇટ ટાઉન’ વિકસી ચૂક્યાં હતાં. પરંતુ બ્લૅક ટાઉનમાં ગરીબો જ હતા એવું નથી. ‘ભદ્રલોક’ આધુનિક અને સાધન સંપન્ન હતા અને બ્લૅક ટાઉનમાં નવાં મોટાં મકાનો બાંધવા લાગ્યા હતા. આ બધા હિંદુ હતા, કોઈ બ્રાહ્મણ, તો કોઈ કાયસ્થ. લોકો મોટા ભાગે તો પગારદારો જ હતા પણ મૂડી રોકાણ દ્વારા પણ કમાઈ લેતા. મોટી ઠાકુરબાડીઓ(હવેલીઓ) બાંધવાનો એમને શોખ હતો, ધાર્મિક વિધિવિધાનોમાં, ખાસ કરીને દુર્ગાપૂજામાં વેપારધંધા બંધ કરીને એ મોટો ખર્ચ કરતા.

અંગ્રેજી શાસકોને પણ પ્રાચીન પરંપરાઓમાં રસ વધ્યો. હેસ્ટિંગ્સે ૧૭૮૪માં એશિયાટિક સોસાઇટીની સ્થાપના કરી અને હિંદુ ધર્મના પ્રાચીન ગ્રંથોનો અનુવાદ કરાવ્યો. આ યુરોપીય વિદ્વાનો પંડિતોને નોકરીમાં લઈને જાતે જ સંસ્કૃત શીખ્યા. બીજી બાજુ બાઇબલના બંગાળી અનુવાદો પણ થયા.

૧૮૧૭માં એમના જ પ્રયાસોથી હિંદુ કૉલેજ શરૂ થઈ. એમને યુરોપીય રહેણીકરણીએ આકર્ષ્યા હતા. શિક્ષણ વધવાથી નવા ઉદાર વિચારો પણ જન્મ્યા. આમાંથી બ્રહ્મોસમાજની સ્થાપના થઈ. રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વગેરે આ જ યુગનાં સંતાન હતાં.

૦-૦-૦

સંદર્ભઃ New Cambridge History of India II • 2; Bengal: The British Bridgehead: Eastern India 1740-1828(Chapter 2, 4, 5), P.J.Marshall, King’s College, London, Cambridge University Press, Cambridge. (ઇંટરનેટ પર ઉપલબ્ધ)


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

1 comment for “ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૧: ગુલામી પ્રકરણ ૨૬: કંપની રાજની બંગાળ પર અસર

 1. August 24, 2018 at 8:55 am

  १७८४मां एशीयाटीक सोसायटीनी स्थापना, ग्रंथोनो अनुवाद, युरीपीयनोए जाते ज सण्स्कृत शीख्या, …  अने छेवटे १८१७मां हीन्दु कोलेज शरु थई.  

  आपणे तो एना पछी आज दीवस सुधी वेद, उपनीषद, रामायण, महाभारत, ब्राह्मण अने क्षत्रीय मांथी उचा नथी आव्या. आने खरी गुलामी कहेवाय.

  भलु थाजो आ अंग्रेजोनुं के राजाशाही अने नवाबो, शहेनशाही नी नागचुडमांथी आपणे मांड मांड छुट्या…

  कल्पना करो आझादी वखतना खेत मजुरनी एक दीवसनी मजुरी अने राजाओना सालीयाणानो हीसाब.

  आ बधा राजा, शहेनशाहोए करेल कुकर्म हजी भोगववा पडशे. 

  हींन्दु राजाओने जीती ईश्लामना अनुयायीओ आव्या अने छेवटे युरोपमांथी अंग्रेजो आव्या.

  ईतीहासमां आपणे तो हजी रामायण अने महाभारतनी काल्पनीक कथाओमांथी उचे आवेल नथी….

  http://www.vkvora.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *