હાસ્યલેખક શ્રી હરનિશભાઈ જાનીનું દુ:ખદ અવસાન

Facebooktwitterredditpinterestlinkedinmail

વલીભાઈ મુસા

સાહિત્યપ્રેમી મિત્રો,

એક દુ:ખદ સમાચર શેર કરવાના કે અમેરિકાસ્થિત હાસ્યલેખક અને મારા પરમ મિત્ર એવા હરનિશભાઈ જાની હવે આપણી વચ્ચે રહ્યા નથી. અમે બંને રૂબરૂ તો કદીય મળ્યા ન હતા, પણ હજારો માઈલ દૂર હોવા છતાં અમે સાવ નિકટતા અનુભવતા રહ્યા હતા. મારી ૨૦૧૧ની અમેરિકાની મુલાકાત ટાણે તેમનો ફોન આવ્યો હતો કે તમે ક્યાં છો તે જણાવો અને મારાં પત્ની હંસા અને હું તમને મળવા આવીએ. મેં ખૂબ દૂર હોવાના કારણે એમને તકલીફ ન લેવાની વિનંતી કરી અને તેઓ માની ગયા હતા. તેઓ હૃદયરોગના દર્દી હતા અને બાયપાસ વખતના તેમના અનુભવોનો સરસ મજાનો હાસ્ય નિબંધ મને મારી પોતાની ૨૦૧૦ની બાયપાસ સર્જરીને હળવાશથી લેવા માટે મોકલી આપ્યો હતો.

તેમનું સાહિત્યસર્જન વોલ્યુમમાં ઓછું પણ દમદાર વધારે રહ્યું છે. ગુજરાતી સાહિત્યમાં નવતર લાગે તેવાં તેમનાં બે હાસ્યપુસ્તકો ‘સુશીલા’ અને ‘સુધન’ અનુક્રમે તેમનાં માતા અને પિતાના નામે જ નામકરણ ધરાવે છે. આ બે પુસ્તકો થકી રતિલાલ બોરીસાગરના શબ્દોમાં કહીએ તો ‘તેમણે ગુજરાતી હાસ્યલેખકોની પ્રથમ હરોળમાં હકપૂર્વક પોતાનું સ્થાન અંકે કરી લીધું છે.’ અનેક ગુજરાતી સાહિત્યસંસ્થાઓનાં પારિતોષિકો ઉપરાંત તેમને ખ્યાતનામ ‘જ્યોતીન્દ્ર હ. દવે પારિતોષિક’ પણ એનાયત થયું છે.

તેમના “જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યા પછી….” શીર્ષકના હાસ્યનિબંધને મેં આપણી ‘વેબગુર્જરી’ના રવિવારી સર્જનાત્મક સાહિત્ય હેઠળ પ્રકાશિત કરેલ ત્યારે મેં એમને એક અંગત મેઈલ મોકલીને મારો એક સુઝાવ દર્શાવ્યો હતો કે જેમ રણજિતરામ પારિતોષિક હાસ્યલેખકશ્રી જ્યોતીન્દ્ર દવેને મળ્યું હતું અને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક તમને મળ્યું છે, તો એ સિલસિલો ચાલુ રાખવા ‘હરનિશ જાની પારિતોષિક’ હાલ જ જાહેર કરી દો તો કેમનું રહે અને તેઓ ખુશ થઈ ગયા હતા અને વળતા જવાબમાં હાસ્યલેખકની અદામાં લખ્યું હતું કે ‘વલીભાઈ, એ માટે તો મારે પહેલાં મરવું પડે ને!’.

આવા હાજર જવાબી શ્રી હરનિશભાઈ આજે સાચે જ મરી ગયા છે એવા સમાચાર ફેસબુક ઉપર વાંચતાં દિલ ભરાઈ આવ્યું અને બેગમ અખ્તરની ગાયેલી દર્દમય ગ઼ઝલ ‘દિલ તો રોતા હી રહે ઔર આંખસે આંસું ન બહે’ની યાદ આવી ગઈ. હમણાં થોડા સમય પહેલાં જ તેમનું છેલ્લું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’ મને મળ્યું હતું, જે હાલ મારા વર્કીંગ ટેબલ ઉપર સામે જ પડ્યું છે.

મારા બ્લોગ ઉપર તેમના પ્રત્યેક હાસ્યલેખમાંથી એકેક વક્રોક્તિ દર્શાવતા લેખના પુરોકથનના શબ્દો આ પ્રમાણે રહ્યા છે:

“આટલા સુધી મારા સુજ્ઞ વાચકોને એમ લાગ્યા કર્યું હશે કે આ લેખકડો હરનિશભાઈની ઉપરોક્ત પુસ્તકમાંની વક્રોક્તિઓની લૉલીપૉપ જ બતાવ્યે જાય છે, મોંઢામાં ચગળવા ક્યારે આપશે! તો ભાઈ-બાઈ, હું Carrot and stick જેવું તો હરગિજ નહિ કરું; અને લ્યો ત્યારે હવે હું એક પછી એક લૉલીપૉપ આપવા માંડું છું જેને આપ મમળાવી મમળાવીને તેનું રસપાન કરવા માંડો. લેખલાઘવ્યને મદ્દેનજર રાખતાં હરનિશભાઈના પ્રત્યેક હાસ્યલેખમાંની નોંધપાત્ર એકેક વક્રોક્તિને જ અત્રે સ્થાન આપી શકીશ. રસના ચટકા હોય, કંઈ કૂંડાં ન હોય; હોં કે!”

ઉપરોક્ત લેખનો લિંક આ પ્રમાણે છે :

https://musawilliam.wordpress.com/2015/02/11/463-a_harnish-jani_diaspora/

આપણે સૌ સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળી રહે અને તેમનાં આપ્તજનોને આઘાત સહન કરવાની શક્તિ મળી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ.

9 comments for “હાસ્યલેખક શ્રી હરનિશભાઈ જાનીનું દુ:ખદ અવસાન

 1. Vishnu Acharya
  August 22, 2018 at 2:23 am

  We also have Madhusudan Kapadia in USA. Last I heard, he was bedridden. Any news about him?

  Thanks

  Vishnu Acharya

 2. August 22, 2018 at 2:50 am

  તેમનું હાસ્ય અને સ્નેહ માત્ર કલમ કે સ્ટેજ પૂરતાં મર્યાદિત ન હતાં. તેમનું અને હંસા બહેનનું ભાવભર્યું આતિથ્ય માણ્યું છે. મારાં લખાણોમાં પ્રાણ એમના જેવા સહૃદયી મિત્રોએ જ પૂર્યા હતા. તેમને મારી સ્મરણાંજલિ અહીં….
  https://sureshbjani.wordpress.com/2018/08/21/harnish_jani-2/
  https://www.youtube.com/watch?v=v37zaLEK-Bs

 3. August 22, 2018 at 2:50 am

  તેમનું હાસ્ય અને સ્નેહ માત્ર કલમ કે સ્ટેજ પૂરતાં મર્યાદિત ન હતાં. તેમનું અને હંસા બહેનનું ભાવભર્યું આતિથ્ય માણ્યું છે. મારાં લખાણોમાં પ્રાણ એમના જેવા સહૃદયી મિત્રોએ જ પૂર્યા હતા. તેમને મારી સ્મરણાંજલિ અહીં…
  .
  https://sureshbjani.wordpress.com/2018/08/21/harnish_jani-2/

  https://www.youtube.com/watch?v=v37zaLEK-Bs

 4. August 22, 2018 at 3:06 am

  હરનીશભાઈ ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના નિકટના મિત્ર હતા અને અંગતપણે અમારા ( દેવિકા અને રાહુલના) પણ ખૂબ સારા દોસ્ત હતા. રંગીન સ્વભાવની જેમ ખાવા-પીવાના પણ એવાં જ શોખીન. અમારા આતિથ્યની વારંવાર પ્રશંસા કર્યા વગર ક્યારેય ફોન મૂકતા નહિ.
  ઈશ્વર તેમના આત્માને તારક મહેતા,વિનોદ ભટ્,જ્યોતિન્દ્ર દવે વગેરેના હાસ્ય-દરબારમાં ગોઠવી હસતા રાખે એ જ પ્રાર્થના.
  ૐ શાંતિ….ૐ શાંતિ..ૐ શાંતિ..

 5. ઉમાકાન્ત વિ.મહેતા. (ન્યુ જર્સી)
  August 22, 2018 at 3:29 am

  “અતુલ”ના મારા સહયોગી, અમેરિકામાં મને હાથ પકડી વેગુ, શ્રી વલીભાઈ, શ્રી વિજયભાઈ,વેગેરેનો પરિચય કરાવી મને લખવાની પ્રેરણા આપનાર, સૌને હસાવનાર શ્રી હરનિશભાઈ આજે બધાને રડતા
  મુકી સ્વર્ગે સિધાવી ગયા, ક્ષર મટી અક્ષર થઈ ગયા.પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પો। ? ??

 6. ઉમાકાન્ત વિ.મહેતા. (ન્યુજર્સી)
  August 22, 2018 at 3:49 am

  मंजिल मिले ना मिले​​
  ​​ये तो मुकदर की बात है!​​
  ​​हम कोशिश भी ना करे​​
  ​​ये तो गलत बात है…​​
  ​​जिन्दगी जख्मो से भरी है,​​
  ​​वक्त को मरहम बनाना सीख लो,​​
  ​​हारना तो है एक दिन मौत से,​​
  ​​फिलहाल जिन्दगी जीना सीख लो..!!​​.

 7. ઉમાકાન્ત વિ.મહેતા. (ન્યુ જર્સી)
  August 22, 2018 at 3:55 am

  मंजिल मिले ना मिले​​
  ​​ये तो मुकदर की बात है!​​
  ​​हम कोशिश भी ना करे​​
  ​​ये तो गलत बात है…​​
  ​​जिन्दगी जख्मो से भरी है,​​
  ​​वक्त को मरहम बनाना सीख लो,​​
  ​​हारना तो है एक दिन मौत से,​​
  ​​फिलहाल जिन्दगी जीना सीख लो..!!​​.

 8. Dipak Dholakia
  August 22, 2018 at 10:52 am

  હરનિશભાઈનું સૌથી છેલ્લું પુસ્તક હાલમાં જ પ્રકાશિત થયું. પુસ્તકનો પરિચય આપવાની મને તક મળી. તે પછી એમની સાથે ફોન પર વાત થઈ. એવી આત્મીયતાથી એમણે વાતો કરી કે મને લાગ્યું જ નહીં કે અમે પહેલી વાર ધ્વનિ દ્વારા મળીએ છીએ. એમની યાદમાં આ લિંક આપું છું.

  http://webgurjari.in/2018/04/11/harnish-janis-new-book-teerachhi-nzare-america/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *