ખેતી નહીં,… તો સિમેંટ-લોખંડ-પ્લાસ્ટિક અને કાચ ખાવાની આદત કેળવવી પડશે

Facebooktwitterredditpinterestlinkedinmail

હીરજી ભીંગરાડિયા

લેખનું મથાળું વાંચતાં જ “ આ તે ક્યા પ્રકારનું લખાણ ?” એવો પ્રશ્ન વાચકના મનમાં સહેજે ઊભો થવાનો જ, એની મને ખાતરી હોવા છતાં આગળ વિગત જણાવી રહ્યો છું કે સૌરાષ્ટ્રના કોઇ પણ ગામડાની તમે મુલાકાત લ્યો અને એની શેરીઓમાં એક આંટો મારો તો મોટા ભાગના ખેડૂતોના ડેલે તાળાં લટકતાં ભાળશો ! અને જે ડેલે તાળું ન હોય એની બારી ઉઘાડી અંદર નજર કરશો તો 65-70 વટાવી ગયેલા દાદા-દાદી બે જણા જ દેખાશે. જો કે એનાં છોકરાં તો એને કહે જ છે કે બાપા-બા બન્ને વહ્યા આવો અમારી સાથે શહેરમાં, પણ વૃદ્ધોને વતનનો મોહ મુકાતો નથી. પણ એનાથીયે હવે ખેતી કે પશુપાલન જેવું કોઇ કામ હવે થઈ શકે તેમ નથી. વાડી-ખેતર કોઇ ભાગિયાને સોંપી, કમાણીમાં એ જે ભાગ આપે એને મંગળીક માની દા’ડા કાપ્યે જાય છે. એનું ધ્યાન તમારી બાજુ આવશે તો ‘આવો આવો’ કહી તમને અંદર બોલાવી ભલે ઘેર ગાય-ભેંશનું દુજાણી નથી તો છેવટ કોથળીના દૂધનીયે ચા બનાવી પાયે રહેશે. એવો મહેમાનોના આદર-સત્કારનો ખેડૂતનો મૂળ સ્વભાવ હજુ ચાલુ રહ્યો છે.

આ મુલાકત પછી તમે પણ વિચારતા તો થઈ જ જશો કે હા, ખેતીમાં દિવસે દિવસે પરિસ્થિતિ એવી ઊભી થઈ રહી છે કે જે લોકો પેઢીઓ પર્યંતથી ખેતી કરી રહ્યા હતા તે કુટુંબો ખેતી છોડી રહ્યા છે. ખેતી જેના લોહીમાં વણાઈ ગયેલો વ્યવસાય હતો તે કુટુંબો હવે તેના તરફ કેમ સાવ મોઢું ફેરવી રહ્યા છે ?

ધંધાની તાસીરની ખેડૂતોને ખબર છે જ ! : તમે જુઓ ! આપણ ખેડૂતને બરાબરની ખબર હોય છે જ કે “ખેતી ધંધો એ પૂરેપૂરો કુદરત આધીન છે. વરસાદની ઘટ-વધ કે દુકાળોનું પડવું, વાવાઝોડાં, પૂર હોનારત, ઓચિંતાના વાતાવરણીય બદલાવો, ખેતીપાકો પર રોગ-જીવાતોના હુમલા, અને મોલાતોમાં સવા-કવા એ બધું તો આ ધંધાની સાથે પડછાયાની જેમ વળગેલું છે. અરે ! આગળ કહીએ તો ખેતી ધંધાની મિલ્કતો એટલી વેર વિખેર અને ફેલાએલી હોય છે કે ક્યાં ક્યાં તાળાં દેવાં અને ક્યાં રખોપિયા મૂકવા ? બધું જ હોય છે રામ ભરોસે હો ભાઈ !

ખેતીમાં સજીવો સાથે જ કામ પાડવાનું હોવાથી ક્યાંય એકધારાપણું આવતું જ નથી. પાકનું બીજ જીવતું, ઉગ્યા પછી છોડ જીવતો, પાકની સાથે ખોરાકી હરિફાઇ કરનારું વચ્ચે ઉગતું નિંદામણ જીવતું, પાકમાં ભમતાં ઉપયોગી અને નડતાં જીવડાંયે જીવતાં, પાકની સેવા-ચાકરી કરતા મજૂરો અને સાંતીકામ કરતા બળદિયા પણ જીવતા અને અધુરામાં પૂરું ઊભા મોલને ખાઈખુંદીને બગાડી નાખનાર રાની જાનવરો રોઝ, ભૂંડ, હરણાં અને હવે એમાં ઉમેરો થયો છે એવા ખુંટિયા પણ જીવતા ! કહો, આમાં કોનું બળ ક્યાં વધી જાય અને ક્યુ પાસુ પાછું પડી જાય એનું કંઇ કહેવાય એવું નથી !

“ અને વ્યવસાય પણ જમીન સાથે જ બથોડા ભરવાનો ! ચોપવું, નીંદવું, પારવવું, લણવું, ગોડવું, ખોદવું, ગાડાં ભરવાં કે કૂવામાં ઉતરવા જેવા બધાં કામ જોખમી અને બસ પંડ્યે મહેનતના અને બળ કરવાનાં ! જેનાં આંખ-મગજ થોડાકેય સાબૂત હોય તેવો માણહ ખટારા નીચે ગરકી ગાભો મારવા તૈયાર, બાકી ખેડૂતને ત્યાં ખાતરનું ગાડું ભરવા કે ફળઝાડનું ખામણું ગોડવાનું ચીંધો તો કહે ના ! સારો મજૂરેય ખેતીમાં મળવા મૂશ્કેલ. આ બધી પરિસ્થિતિઓથી તો અમે પૂરેપૂરા વાકેફ છીએ, તેથી એ બધું તો સહ્યે જઈએ છીએ, એનાથી અમે મુંઝાતાયે નથી.

પણ….ખરો મુંઝારો તો બીજો છે . ઉનાળામાં આકાશ સળગી રહ્યું હોય-માથું ફાડી નાખે એવી ગરમીમાં ખેડૂતો શેકાતા હોઇએ, હાડ ગાળી નાખે એવી જાલીમ કડકડતી ઠંડીમાંયે પોરો ન ખાતા હોઇએ અને ચોમાસામાં વીજળીના લબકારા અને મેઘ-હરૂડાટ જેવી ભયંકર પરિસ્થિતિમાં કાદવ-કીચડ ખૂંદતાં વરસાદમાં ઠૂંઠવાવા જેવા ભયંકર વાવાઝોડામાં પણ ટકી રહી- આખું વરસ ઉધારે રળીને પેદા કરેલ વધુ કે ઘટું, આછું-પાતળું ઉત્પાદન એ જ અમારા આખા વર્ષના સંઘર્ષનું ફળ હોય છે, એને જ્યારે વેચવાનો વારો આવે છે ત્યાં પાણીના મૂલે મગાય છે.

ધાર્યું તો હતું કે “માલ વેચાણની આવકમાંથી બીજ-ખાતર અને દવાનું ઉધારે લાવેલ એગ્રોનું બીલ ભરશું, સહકારી મંડળીનો હપ્તો અને લેણદારોનું વ્યાજ ભર્યા પછી વધે એમાંથી છોકરાંના લૂગડાં લેશું અને જુવાન થયેલ દીકરીના હાથ પીળા કરાવશું” પણ અહીં માર્કેટમાં તો માલની નહીં, જાણે અમ ખેડૂતની જ હરરાજી થઈ હોય એવું થાય છે.. જેનો ખેતી એ જ એક માત્ર સહારો છે એ ખેડૂત કરે શું ? આટલાં કાવડિયાં લઈ વિલે મોઢે ઘેર પાછો જાય ? શું કરે ? ક્યાંક બાવો થઈ ભાગી જાય ? બાવો થતાં તો ખેડૂતને આવડે નહીં, એટલે ઘણાયે નાછૂટકે દવા પી જવાનો કે ગળાફાંસો ખાઇ આત્મહત્યાનો આશરો લેવો પડે છે.

ખેતપેદાશોની હરરાજી થતી હોય ત્યાં યાર્ડમાં જઈને જોવા-તપાસવાનો ક્યારેક ગાળો લેશો તો ખ્યાલ આવશે કે મોતીના દાણા જેવા ખાવાનું પરાણે મન થાય તેવા અનાજ ઘઉં, બાજરા જેવા અન્ન શું ભાવે વેચાય છે ? અરે ! મગફળી તો ઓણ [2017] રૂપિયા 500 માં મણ વેચાણી બોલો ! શાકભાજીમાં કોની વાત કરવી ? ફ્લાવર, કોબી, ગાજર, રીંગણાં, ટમેટાં,ડુંગળી વગેરે પાણીથી પણ નીચા ભાવે મગાય છે.

સરકારનું પૂરેપૂરું બેધ્યાનપણું : આ બધું સરકારની નજર બહાર હોય એવું થોડું છે ? પણ ખેતી અને ખેડૂતો પ્રત્યે પૂરેપૂરું દુર્લક્ષ એ જ એમનું કલ્ચર છે. આ દેશના ખેડૂતો બે પાંદડે થાય એમાં એમને જરીકેય રસ નથી. એમને તો માત્ર કૃષિઉત્સવો કરી સરકારની વાહવાહ કરવા સિવાય કશું કરવું નથી. ખેતીના કોઇપણ પાક લ્યો, લસણની વાવણી ટાણે મણના 3000 રૂ. ભાવ બોલાતા હોય, અને ખેડૂત પકાવીને વેચવા જાય ત્યાં 300 થઈ જાય ! અને બટેટાનું હબ કહેવાય એવા ડીસામાં બટેટાંને રોડ પર ઠાલવી દેવાનો વારો આવે ! ખેતી ઉત્પન્નનાં પોષણક્ષમ ભાવો આપવામાં ક્યાં ચૂંક આવે છે છે એ સમજાતું નથી.

ભારત અને ચીન જેવા વિશ્વના સૌથી મોટા વસ્તીધારક દેશોને અનાજ,કઠોળ કે દૂધ વિશાળ માત્રામાં આયાત કરવા પોસાય ખરા ? અને માનોકે એવું કરવું પડે તો વિકાસને બદલે બધું હુંડિયામણ આયાતોમાં જાય. એ આ દેશને થોડું પાલવે ? શું રાજકીય ધુરંધરો આ વાતથી અજાણ હશે ?

ભારતનું હદય ગામડાં છે. આ હદયનો ધબકાર એટલે ખેતી. ખેતી આજે મંદ પડી રહી છે. ખેતી જેટલી રોજગારી અને આવક શું ઉદ્યોગો આપી શકે છે ખરા ? અરે ! નરેગાના મજૂર કરતાં પણ ખેડૂતની આવક ઓછી ? ખેડૂતનું જીવન તો આજેય હાડમારી ભરેલું જ છે. દેવા નાબુદી, કંપ્યુટરથી ઉતારા કે વિવિધ પ્રકારના કલરપ્રિંટ કાર્ડ આપવાથી ખેડૂતની સ્થિતિ સુધરી જવાની છે ? ખેડૂતની સ્થિતિ તો જ સુધરે જો એની પરસેવાની મહેનતનું લોહી રેડી પકવેલી પેદાશના પૂરતા ભાવ મળે.

ખેતીપાકો પકાવવા પાછળ ખાતર, બિયારણ, પીયત, સંરક્ષણ, મજૂરી વગેરેમાં ખેડૂતને કેટલો ખર્ચ થાય છે તેની વખતો વખતના ચાલુ બજારભાવે વ્યવસ્થિત પડતર કાઢી, તેના પર ખેડૂત કુટુંબના વ્યવસ્થા ખર્ચ અને વ્યાજબી નફાનું ઉમેરણ કર્યા પ્છી વેચાણ ભાવ-એટલેકે ટેકાના ભાવનું બાંધણું અગાઉથી કરવું પડે. અને માલ ઉત્પનન્ન થયે માનોકે ટેકાના ભાવોથી બજાર નીચું હોય તો ટેકાના ભાવે સરકારે ખુલ્લા બજારમાં આવી જે તે માલની ખરીદી કરી લેતી હોય તો એ વ્યાજબી વ્યવસ્થા થઈ ગણાય. આ તો ભાવ બાંધણું યે એ.સી. ઓફિસોમાં બેઠા બેઠા અને ટેકાના ભાવે ખરીદવાનો પ્રસંગ ઊભો થયે ગેંગે ફેંફેં…સિવાય બીજો જવાબ દે એ જ બીજા !

આ દેશના 80 %થી વધુ ખેડૂતો તો નાના અને સિમાંત કક્ષાના છે. જેમાંથી 60 % થી વધુ તો હેક્ટરથી પણ ઓછી જમીનમાં ખેતી કરે છે. ખેતીમાં જરૂરી જણસોના વધતા જતા ભાવ અને ખેતી ઉત્પન્નના અપૂરતા મળતા બજારભાવના હિસાબે ખેતી કસ વિનાનો અને ટુંકો ધંધો બની ગયો છે. છતાં બીજા કોઇ વિકલ્પ કે પસંદગી નહીં હોવાને કારણે જે ખેડૂતો હજી પણ ખેતીને વળગી રહ્યા છે એ બધાનું આછું-પાતળું જે ઉત્પાન્ન હોય તેને મફતમાં પડાવી આમ પ્રજાને રાજી રાખવી એ આજની રાજનીતિ છે. આ શોષણ જે બેરોકટોક ચાલી રહ્યું છે, તેની સામે ટકી રહેવા મોટા ભાગનો ખેડૂતવર્ગ ચક્રવૃદ્ધિ વ્યાજની ચુંગાલમાં અટવાઇ પડેલો છે. દુકાળ ક્યારે પડે એ થોડું નક્કી હોય છે ? એક વરસ પડતો દુકાળ દસ વરસ સુધી એની કળ વળવા દેતો નથી. જે પાર કરીને ખેડૂત માંડ માંડ કાંઠે આવે ત્યાં ખોટ ખાઇને પાણીના મૂલે ખેત પેદાશ વેચવાનો વારો આવે છે. પરિણામે ખેડૂત આર્થિક સમતૂલા ગુમાવી બેઠો છે. હાલ ખેતી સંભાળી રહેલાની ઉંમર પણ હવે પાકી ગઈ છે. એટલે હવે ના છૂટકે એવી નીંગઠ ગાંઠ વાળીને દ્રઢતા પૂર્વક એના વારસદારોને ખેતી સોંપવા માગતા નથી અને બીજા ક્ષેત્ર તરફ ધકેલી રહ્યા છે.

દેશ બચાવવો હશે તો ગામડાં બચાવવાં પડશે. અને ગામડાં બચાવવાં હોય તો ખેતી પર ધ્યાન આપવું પડશે. દેશના ખેડૂતો સમૃદ્ધ હશે તો શહેરો પણ આપોઆપ સમૃદ્ધ થશે. ખેડૂતની આવક વધશે એટલે એની ખરીદશક્તિ વધશે એટલે તેઓ આપોઆપ મોટા શહેરોના મોલમાંથી વસ્તુઓ ખરીદ કરતા થશે. અને નહીં તો સરકારને કહીએ કે તમારે ખેતીને કોરાણે રાખી, ખેતી અને ખેડૂતો તરફ આંખ આડા કાન કરીને ઉદ્યોગોને જ પ્રાધાન્ય આપવું હોય તો પછી એવા ઉદ્યોગો લાવો કે જે ઘઉં પેદા કરી શકે, ચોખા ઉત્પન્ન કરી શકે, કઠોળ અને શાકભાજી-ફળો અને દૂધ જેવી માનવ જીવનની બધી રોજીંદી ખાદ્ય જરૂરિયાતો કારખાનાઓમાં જ પેદા કરી શકે.

કારણ કે લોકોને જીવવું હશે તો ખોરાક તો ખાવો જ પડશે. અને વાનસ્પતિક ખોરાક ખાનારા માટે ખેડૂતો ધરતીમાંથી જે અન્ન

પકાવે છે તે ખાવું અનિવાર્ય છે. પણ આવી જમીન પરની ખેતી બંધ થાય એવી કટોકટીની વેળા આવી ગઈ છે. એટલે શું કરવું

તે વિચારવામાં હવે કરવા જેવું નથી.

આમ સમાજે ખેતીનું ગૌરવ ઘટાડ્યું છે : લાલબહાદુર શાસ્ત્રી ભલે “જય જવાન-જય કિસાન” કહેતા ગયા પણ દેશની ધૂંસરીએ જૂતીને ગાડું હાંકતા આ સપૂતોને ગૌરવ ક્યારેય પ્રાપ્ત થયું નથી એ હકિકત સ્વિકારવી પડે એવું છે. હજારો વર્ષોથી “ખેતી” એ ભારતનો મુખ્ય વ્યવસાય રહ્યો છે. કુલ વસ્તીના 80 % તો ગામડાંઓમાં રહે છે. અને 60 % જેટલા તો જમીન અને ખેતી પર જ ગુજારો કરતા હોવા છતાં આ ધંધો જાણે “હલકો ધંધો છે” એવી જ માનસિકતા અન્ય લોકોમાં ઘર કરી ગઈ છે. જેના પરિણામે ખેતી કરનારા જાણે-જુનવાણી છે, મજૂરિયા ગણાય, ધૂળ હારે બથોડા ભરનારા ગંદા-હલકા લોકો છે, કોઇ ભણેલ ગણેલ જુવાનિયો ખેતી કરવાની ઇચ્છા ધરાવે અને હજુ કુંવારો હોય તો એની સાથે લગ્ન કરવા કોઇ છોકરી દેવા તૈયાર નથી બોલો ! આ સ્થિતિ છે આમ સમાજની માનસિકતાની. આ જોઇને તો કોઇ ખેતી વિષયમાં સ્નાતક સુધી ભણેલ જુવાન પણ ખેતી કરવાની ઇચ્છા કરી શકતો નથી અને પરાણે શહેર તરફ ઢસડાવું પડે છે.

એટલે ખેડૂતોના હયાત વડવા-વડીલો સૌ એવું જ વિચારતા થઈ ગયા છે કે “ અમે તો આખી જીંદગી “અન્નદાતા” નો રોલ ભજવતા ભજવતા પંડ્ય તોડી નાખે એવી મહેનત કરી અને તાણ્યખેંચમાં જ જીંદગી કાઢી નાખી. પણ હવે અમે તો આમાંથી છૂટકારો ઇચ્છીએ છીએ. અને છોકરાઓ ! તમને પણ “સન્માન” જેવી ચીજ ન હોય તેવો આ ધંધો કરવા દેવો નથી. તમે શહેર ભેળા થાવ. હીરા ઘસો, સંચા ચલાવો, કરિયાણું વેચો, માર્કેટમાં દલાલી કરો, ચાની કેબીન કરો કે અનાજ દળવાની ઘંટી ભલેને કરો, અરે ! ચોરી કરવા સિવાયનું જે કરવું હોય એ કરો પણ ખેતી હવે તમને અમારે કરવા દેવી નથી.અન્ય ધંધામાં ઓછું મળે તો ઓછું વાપરજો, એક ટંક ઉપવાસ કરજો, પણ ખેતી કરવાનું કદિ નામ સુધ્ધાં લેશો નહીં” આવું કડક વલણ ખેડૂત વડીલોનું થઈ ગયું છે.

એટલે સમાજ અને સરકાર સૌએ ખેતી અને ખેડૂતો પ્રત્યે આંખા આડા કાન કરી ઓરમાયુ વર્તન ચાલુ રાખ્યું છે તો પછી ખેતી બંધ થઈ જ સમજશો અને પછી કારખાનામાં બનતી જણસો જેવી કે લોખંડ,સીમેંટ, પ્લાસ્ટિક અને કાચનો સામાન ખાવાની તૈયારી રાખવા સિવાય છૂટકો નહીં રહે મિત્રો ! !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

1 comment for “ખેતી નહીં,… તો સિમેંટ-લોખંડ-પ્લાસ્ટિક અને કાચ ખાવાની આદત કેળવવી પડશે

  1. Dipak Dholakia
    August 22, 2018 at 11:00 am

    તમારી સાથે સો ટકા સંમત. ૧૯૫૬માં સરકારે પહેલી ઔદ્યોગિક નીતિ બનાવી. તે પછી એ નીતિમાં ઉદ્યોગોને માફક આવે તેવા સુધારા થતા ગયા. પરંતુ આજ સુધી રાષ્ટ્રીય કૃષિ નીતિ નથી બની. ખેડૂતોનું બધું કામ ઍડહૉક ચાલે છે. ખેડૂત નેતાઓ આ બાબતમાં ધ્યાન આપે તે જરૂરી છે.
    તમે કહ્યું છે કે ખેતીનું બધું કામ જીવતા જીવો સાથે ચાલે છે.. બીજ જીવતું, છોડ જીવતો. પાકને નુકસાન કરનારાં પ્રાણી પણ જીવતાં! તમે આમાં એક ઉમેરો કરી શકો. કાયદા બનાવનારા સંસદસભ્યો અને ધારાસભ્યો પણ જીવતા!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *