સંવાદ ગીત

દેવિકા ધ્રુવ

સૂરજ એક દિ’ કહે ચાંદને, તુજથી વધુ ધરતી હું ચાહું,

રોજ રોજ, એને મળવાને સૌથી પહેલો પહોંચી જાઉં.

તું તો ચંદ ઘડી, થોડો ને, વધતો ઓછો, મળતો.

વળી સંતાતો, વાદળ પાછળ, એવું ઘણુંયે કરતો.

ચાંદ કહેઃ સાચી તારી વાત પણ, તું તો એને તાપતો રહે.

હું ઘડી થોડી મળું પણ, શીતલ-પ્રેમથી ઠારતો રહું.

પવન આડે આવી બોલ્યોઃ બંધ કરો બકવાસ તમારી.

મન ફાવે તો આવો-જાઓ, બણગાં ફૂંકો ખોટાં ભારી?

સતત વહો જો મારી જ્યમ, તો જાણું લાગણી લીલીછમ.

રહું અવિરત ચારેદિશ, મહેંકાવું શ્વાસે ગુલશન સમ.

ના રહેવાયું મેઘરાજથી, સાંભળી ખોટા વાદવિવાદ,

કહે, વરસું મન મૂકીને, ભીંજવું ધરતી અનરાધાર.

ઢોલ-નગારા, ટહૂકા સાથે મેઘધનુષ ને વીજ ચમકારી,

જઈ પહેરાવું લીલી ચુંદડી, સ્નેહે હસાવું ખીલી ખીલી.

સાંભળી મલકી, ધરતી વિચારે, સૂર્ય,ચાંદ,પવન, વરસાદ;

અગર જુએ જો મૂંગું ભીતર, તો જ સાંભળે અંતર-નાદ.

કદી તપી પેટાળે ફાટું, કદી હું વાવાઝોડે કંપુ,

ભારે જલપ્રપાતે તણાઉં, વળી કદી અંધારું ઓઢું.

વ્હારે ત્યારે કોણ આવે છે? આજ લગી હું ના પ્રમાણું.

ધૈર્ય, કસોટી,પીડા, જગની જુગજૂની હું પિછાણુ.

અલ્પ-અતિના વાદો છોડી, મન સમતલ રાખી જાણું.

હર મોસમના દિન રાતને,  માનું મળ્યું નજરાણું.

                                   * * *

દેવિકા ધ્રુવનાં સંપર્કસૂત્રો :-

https://devikadhruva.wordpress.com/
email:  ddhruva1948@yahoo.com
Phone ++281 415 5169

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.